આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૨
દિયાન પ્રેત સ્વરૂપમાં રહેલી શિનામિને ભેટવા ગયો પણ તેને ભેટી શક્યો નહીં અને પડી ગયો. કદાચ એ ભૂલી ગયો હતો કે શિનામિ માનવ રૂપમાં નથી. પોતે એને સ્પર્શી શકે એમ નથી. તેની સાથે વાર્તાલાપ કરવા સુધી જ તેનો પ્રેમ અને સંબંધ સીમીત છે. તે હાથ પંપાળતો ઊભો થયો અને બેડ પર આવીને બેઠો.
શિનામિ બોલી ઊઠી:'...અરે! સંભાળ... આમ ઘેલો ના થા. આપણી વચ્ચે કોઇ દિવાલ નથી પણ એક અંતર છે એ કાયમ માટે રહેવાનું છે. આપણે એકબીજાને મળી શકીશું પણ ભેટી શકીશું નહીં. એકબીજા સાથે વાતચીત કરી શકીશું પણ હાથમાં હાથ મિલાવીને પ્રેમ કરી શકીશું નહીં. દિલથી મળીશું પણ બંનેના દિલ સાથે ધડકી શકશે નહીં. આપણી વચ્ચે મર્યાદાઓ છે એને સ્વીકારી લેવી પડશે...વાસ્તવિકતા અલગ છે એ યાદ રાખવું પડશે.'
દિયાન બોલી ઊઠ્યો:'આહ! આપણી વચ્ચેના અંતરને કોઇ નહીં મિટાવી શકે?'
શિનામિ ચિંતાથી બોલી:'તારા હાથમાં કંઇ થયું નથી ને? બહુ જોરથી પડ્યો હતો...'
દિયાન મંદ મંદ હસતા બોલ્યો:'તારા પ્રેમમાં તો આવું દુ:ખ કંઇ જ નથી...ઘણી વખત પ્રેમીઓએ વિખૂટા પડ્યા પછી યુગો યુગો સુધી રાહ જોવી પડે છે. આપણું પુન:મિલન તો બીજા જન્મમાં જ થઇ ગયું છે એનો આનંદ મનાવીશું!'
શિનામિ હસીને બોલી:'તું મારા પ્રેમમાં હતો પણ આટલો બધો ન હતો? તારો પ્રેમ હું અનુભવી શકતી હતી પણ એ બહુ દેખાતો ન હતો. આજે તું દેખાય છે પણ તારો પ્રેમ અનુભવી શકતી નથી. આટલા વર્ષોના વિયોગની અસર તારા પર થઇ છે! આપણે મળ્યા ત્યારે તું ઓછાબોલો અને વિવેકી હતો. મારે જ શરૂઆત કરવી પડી હતી. આપણે નજીકમાં જ રહેતા હતા પણ આપણો પ્રેમ કોલેજમાં ખીલી ઊઠતો હતો. આપણા મકાન નજીક હતા. ત્યાં મળવાની એટલી છૂટ ન હતી કે પરસ્પરની લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરી શકીએ. કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપ્યા પછી મેં જ તારી સાથે લગ્નની વાત કરવાની પહેલ કરી હતી. તારા દિલમાં મારા પ્રત્યે લાગણીનો સાગર ઉછળતો રહેતો હતો. તું તો મોંમાં મગ ઓરીને બેસી રહેતો હતો. મારા પિતાને મારી પસંદ વિશે મેં જ વાત કરી હતી. એમ કહીશ કે આપણા લગ્નની બધી તૈયારી જાતે જ કરી હતી. તને જ નહીં તારા પરિવારને વાત કરવાની હોય કે મારા પરિવારને બધાને જ તારી સાથે લગ્નની ઇચ્છા મેં વ્યક્ત કરી હતી. તારા મમ્મી તો મારી વાત સાંભળીને પહેલાં ચોંકી જ ગયા હતા. એમને નવાઇ લાગી હતી કે એક છોકરી મારા છોકરાનો હાથ માંગી રહી છે! પછી એમણે મને શાબાશી આપીને કહ્યું હતું કે મારો છોકરો તો દિલની વાત કહે એવો નથી. તેં સારું કર્યું કે મને અવગત કરી. તને ખબર નહીં હોય પણ જ્યારે મારી સામે તારી મમ્મીએ મારા વિશે પૂછ્યું અને જવાબ માગ્યો ત્યારે તું છોકરીથી વધારે શરમાતો લાગ્યો હતો અને હા પાડી હતી. અમને ખબર ન હતી કે આ લગ્ન માટે બીજા એક પડોશી ત્રિલોકની પરવાનગી ન હતી. એ પોતાના પુત્ર મેવાન સાથે મારા લગ્ન કરવા માગતા હતા. એ સુમિતા સાથે મેવાનના લગ્ન માટે રાજી ન હતા. એમને હું વહુ તરીકે વધુ યોગ્ય લાગી હતી. એમણે પોતાના અને અમારા ઘણા સગાવહાલાં પર દબાણ લાવીને મારી સાથે મેવાનના લગ્ન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એમની ઇચ્છા પૂરી થઇ નહીં. અમને ખબર ન હતી કે એમના મનમાં આ નિષ્ફળતાએ મોટી ચિનગારી સળગાવી દીધી છે. આપણા લગ્ન નક્કી થયા એ દિવસે એમનો વ્યવહાર અચાનક બદલાઇ ગયો હતો. એમણે મોટું મન કરીને લગ્નને સ્વીકારી લીધા હોવાનું મનતા હતા ત્યારે અમને ખબર ન હતી કે એ એક આંધી પાછળની શાંતિ છે. એમણે પોતાની હાર સ્વીકારી લીધી હોય એમ ઉત્સાહથી આપણા લગ્નમાં હાજરી આપી હતી. આપણા લગ્ન બહુ રંગેચંગે સંપન્ન થયા હતા. આખા ફળિયામાં એવો માહોલ હતો કે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું છે. લોકો નાચગાનમાં એટલી મજા કરી રહ્યા હતા કે એમની ખુશીની કોઇ સીમા ન હતી. ત્યારે અમને ખબર ન હતી કે ત્રિલોકના મનમાં શું ચાલી રહ્યું છે. અમે આવનારી આફતને જોઇ શક્યા ન હતા. જે જગ્યાએ એક દિવસ આનંદનો માહોલ હતો ત્યાં સ્મશાનને પણ સારું કહેવડાવે એવો માહોલ બનશે એની કલ્પના કરી શકાય એમ ન હતી...'
'તેં એ તો કહ્યું જ નહીં કે ત્રિલોકને શા માટે એવી ઇચ્છા હતી કે તારા લગ્ન મેવાન સાથે થાય?' દિયાને ક્યારનોય મનમાં રમતો પ્રશ્ન પૂછી જ લીધો.
ક્રમશ: