આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૩
મેવાનના પિતા ત્રિલોકે પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી અને એ માટે પોતે જવાબદાર હતી એ વાતનો આંચકો હેવાલીને હચમચાવી ગયો હતો. રાતના સમયની ઘરની અંદરની ઘેઘૂર શાંતિમાં એને પોતાના દિલની વધી ચૂકેલી ધડકન મોટા અવાજે સંભળાઇ રહી હતી. તે દિલ પર હાથ મૂકીને બરફની જેમ થીજી ગઇ હોય એમ સ્થિર થઇ ગઇ હતી. તેણે કાચની બારીની બહાર જોયું તો ગાઢ અંધારામાં આગિયા ચમકી રહ્યા હતા. એ જાણે કોઇની આંખો ચમકતી હોય એવો ભાસ ઊભા કરતા હતા. હેવાલી પોતાના પૂર્વ જન્મના જીવન પર મુકાયેલા આરોપના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી. તેણે દબાયેલા અવાજમાં પૂછ્યું:'મારા લીધે? એટલે કે સુમિતાને લીધે ત્રિલોકે આગ લગાવી દીધી હતી? એણે એવો કયો ગુનો કર્યો હતો? અને એ આગમાં જે નિર્દોષ લોકોના જીવ લેવાયા એમનો શું વાંક હતો? આવું અમાનુષી પગલું ભરતા એમનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? હું જવાબદાર હોઉં કે ના હોઉં પણ બીજાના જીવ ગયા એનું દુ:ખ મારા દિલને અત્યારે કોરી રહ્યું છે...'
હેવાલીમાં જાણે સુમિતાનો આત્મા જાગ્યો હતો. એ વાતથી મેવાન ખુશ થયો. તેણે વાત શરૂ કરી:'હેવાલી, તું સુમિતા તરીકે મને પસંદ હતી પણ ત્રિલોકની ઇચ્છા મારા લગ્ન શિનામિ સાથે કરાવવાની હતી. એનું કારણ એ હતું કે એમની પાસે ધન-દોલત નહીં જમીન બહુ હતી. એ લોકો બહુ સીધા- સાદા હતા. એમની પાસેની જમીનનું એમને અભિમાન ન હતું. ત્રિલોક શેરબજારમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા હતા. એમની માનસિક હાલત ખરાબ હતી. એમના માથા પર વાળ જેટલું દેવું થઇ ગયું હતું. તેમાંથી એ કોઇપણ સંજોગોમાં બહાર નીકળી શકે એમ ન હતા. એમણે પોતાની ઘણી બધી જમીન હોવાનું કહી લોકો પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. એટલું જ નહીં એવું લખાણ પણ આપી દીધું હતું. જ્યારે એમની પાસે રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ થઇ અને જમીન વેચવા દબાણ વધવા લાગ્યું ત્યારે એક ઇંચ જમીન ન હોવાના દુ:ખ સાથે મગજ વધારે ખરાબ થયું. દરમ્યાનમાં એમની નાદુરસ્ત તબિયતને કારણે આપણા સાદાઇથી લગ્ન થઇ ગયા. બીજી તરફ શિનામિના રણદીપ સાથે લગ્ન લેવાયા. આપણા લગ્ન થયા ત્યારે કોઇને અંદાજ ન હતો કે ત્રિલોક શેરબજારમાં ખુવાર થઇ ગયા છે. તેમણે અમારાથી ઘણું છુપાવ્યું હતું... એક દિવસ એમના મગજની હાલત એટલી ખરાબ થઇ ગઇ હશે કે આત્મહત્યા કરવાનો નિર્ણય લઇ લીધો હશે. તેમણે પોતાના હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. એમાં સફળતા ન મળતાં એને ઝાડ કાપવા જતાં વાગી ગયું હોવાનો ડોળ કર્યો હતો. એ વાતને બે દિવસ જ થયા અને આગની ઘટના સર્જાઇ ગઇ. એમણે ભલે તમને એમ કહ્યું હોય કે આગ લાગી હતી પણ અસલમાં એમના દ્વારા લગાવવામાં આવી હતી. એ પોતે એમાં મરી જવા માગતા હતા. કોઇને રૂપિયા ચૂકવવા ના પડે અને જીવનનો અંત આવી જાય એવો ઇરાદો હશે. એમને તારા પ્રત્યે બહુ ગુસ્સો હતો. તેમણે વિચલિત થયેલી માનસિક સ્થિતિમાં પોતાના પરિવારને હોમી દીધો. એ બહાર ગયા ન હતા. બહાર જવાનો ડોળ કરી આગ લગાવી દીધી હતી. એ આગ આસપાસના મકાનોને ઝપટમાં લઇ રહી હતી ત્યારે લોકો દોડી આવ્યા હતા અને ગાંડાની જેમ બૂમો પાડતા ત્રિલોકને બચાવી લીધો હતો. એમને થોડી ઇજા થઇ હતી. પરંતુ કમનસીબે આપણે બે મારી માતા સાથે બળી ગયા હતા. અને બાજુમાં રહેતા રણદીપ-શિનામિ પણ ભુંજાઇ ગયા હતા...'
'એ આગ કેટલી ભયંકર હશે...' હેવાલી કલ્પના કરી ના શકી.
'તારે જોવી છે...? દિયાન પૂછી રહ્યો.
સાચું ના લાગતું હોય એમ 'શું...?' કહીને તે મેવાનની સામે જોવા લાગી. તેને થયું કે મેવાન કેવી મજાક કરી રહ્યો છે.
'નીચે જો...' કહી મેવાન હસવા લાગ્યો.
હેવાલીએ બારીમાંથી જોયું તો આગની જ્વાળાઓ વધવા લાગી હતી. તે મેવાન પર ભડકીને બોલી:'મેવાન...નીચે દિયાન છે...' અને તે 'દિયાન...દિયાન....' ની બૂમો પાડતી નીચે જવા દરવાજો ખોલવા લાગી. કોઇ કડી લાગી ન હોવા છતાં દરવાજો એટલો સજ્જડ બંધ હતો કે તેની મુઠ્ઠીઓ પછાડવાનો મોટો અવાજ આવતો હતો.
ક્રમશ: