પ્રાયશ્ચિત - 93 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 93

પ્રાયશ્ચિત પ્રકરણ- 93

કેતન ઊંડા ધ્યાનમાંથી એકદમ બહાર આવી ગયો. સૂક્ષ્મ જગતની અદભુત વાતો સાંભળી એને ઘણું નવું જાણવાનું મળ્યું. કિરણભાઈ સ્વરૂપે સૂક્ષ્મ જગતના કોઈ સંત મહાત્મા એની સાથે બે દિવસ રોકાયા હતા એ જાણીને પણ એને આનંદ થયો.

બપોરના સાડા બાર વાગ્યા એટલે એ નીચે જમવાના હોલમાં ગયો. આજે કિરણભાઈની કંપની ન હતી. બીજા ઘણા લોકો જમી રહ્યા હતા. એણે પણ બુફેમાંથી પોતાને ભાવતી આઈટમો લઈ લીધી.

જમીને ઉપર આવ્યો ત્યારે એક વાગ્યો હતો. હજુ નીકળવાની ત્રણ કલાકની વાર હતી. એને થોડો આરામ કરી લેવાની ઇચ્છા થઈ.

સાંજે ચાર વાગે એણે સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ છોડી દીધું. હવે એ પૈસા ખર્ચી શકે તેમ હતો એટલે મફત સેવા લેવાની એની કોઈ ઈચ્છા ન હતી. કાઉન્ટર ઉપર એણે ૫૦૦૦ ની ભેટ લખાવીને ચેક આપ્યો.

બસ તૈયાર જ હતી. બસમાં બેસીને એ સ્ટેશને પહોંચી ગયો. ટ્રેન અહીંથી જ ઉપડતી હતી. પાંચ વાગે ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી ગઈ.

પૂરી-અમદાવાદ એક્સપ્રેસ એના સમય પ્રમાણે સાંજે સાડા પાંચ વાગે સ્ટાર્ટ થઈ ગયો. ૮:૩૦ વાગે બ્રહ્માપુર સ્ટેશને જમવાનું પણ આવી ગયું. પેન્ટ્રી કાર હતી એટલે એણે ઓર્ડર આપી રાખ્યો હતો.

આજે બીજું કોઈ ટેન્શન હતું નહીં. કોઈ વાત કરવાવાળું પણ નહોતું એટલે રાત્રે ૯:૩૦ વાગે એ ધાબળો ઓઢીને સૂઈ ગયો. એ.સી કોચ હતો એટલે ઓઢવા પાથરવાનું આપેલું જ હતું.

આદત મુજબ એ પાંચ વાગ્યે ઊઠી ગયો. બ્રશ વગેરે પતાવી એ ધ્યાનમાં બેસી ગયો. સેકન્ડ એ.સીમાં ઉપર નીચે બે જ બર્થ હતી એટલે બેસવામાં પુરી સુગમતા હતી. અડધો કલાક ધ્યાનમાં બેઠા પછી એણે માળા હાથમાં લીધી અને ગાયત્રી મંત્રની પાંચ માળા કરી .

આ માળા એક દિવ્ય સંત તરફથી મળી હતી એટલે એને હાથમાં લેતાં જ એક નવી ઉર્જાનો સંચાર કેતન પોતાના શરીરમાં અનુભવતો હતો.

સવારે ૭:૩૦ વાગ્યે મહાસમુંદ સ્ટેશન આવ્યું એટલે એ નીચે ઊતર્યો અને ફટાફટ સરસ ચા પી લીધી. કોચની આસપાસ બે ચક્કર મારીને પગ છૂટા કર્યા.

પોણા દસ વાગે રાયપુર જંકશન આવ્યું. રાયપુરમાં ઘણા બધા ગુજરાતીઓ રહે છે. કેતનની બરાબર સામેની બે સીટ ઉપર એક ગુજરાતી પરિવાર આવી ગયો. પતિ પત્ની અને એક નાનું બાળક હતું. એ લોકો પણ અમદાવાદ જતા હતા. ત્યાંથી એ લોકો વડોદરા જવાના હતા.

ગુજરાતી હોય એટલે બોલ્યા વગર ના રહે. થોડીવારમાં પરિચય તો થઈ જ જાય. કશ્યપ જોષી નામ હતું એનું અને રાયપુરમાં એના બે મેડિકલ સ્ટોર હતા. તેના પિતાના સમયથી મેડિકલ સ્ટોરનો બિઝનેસ હતો.

કેતને પોતાની મૈત્રી ટ્રેડર્સ કંપનીની હોલસેલ દવાઓના બિઝનેસની એની સાથે વિસ્તારથી ચર્ચા કરી અને છત્તીસગઢની હોસ્પિટલોમાં જો આ સપ્લાય ગોઠવી શકાય એમ હોય તો એ દિશામાં વિચારવાની વાત કરી.

" અમારી પાસે ઘણી સારી સારી ફાર્મસીઓની એજન્સી છે. ટોરેન્ટ સિપ્લા ઇન્ટાસ અને સન ફાર્માસ્યૂટિકલની અમારી પાસે એજન્સી છે. મુખ્ય સપ્લાય મુંબઈથી જ કરવામાં આવે છે. હોસ્પિટલ માટે તમામ દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝ, સેલાઈન આઈવી સેટ્સ, સોક્સ વગેરે અમે સપ્લાય કરીએ છીએ. જો તમે રસ લો તો ઘણો મોટો બિઝનેસ થઈ શકે એમ છે. " કેતન બોલ્યો.

" તમે તો બહુ સરસ પ્રપોઝલ આપી છે કેતનભાઈ. હું ચોક્કસ રાયપુર પાછો આવીને એના ઉપર કામ કરું છું. અમારા મેડિકલ સ્ટોર્સમાં પણ આવી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ આવતી નથી. જે કંપની એજન્ટોને વધારે કમિશન આપે એની દવાઓ વધારે ચાલે. " કશ્યપ બોલ્યો.

" તમારું કાર્ડ હોય તો આપી દો. હું મારા પાર્ટનર અસલમ શેખને તમારું કાર્ડ આપી દઈશ અને એ તમારી સાથે બધું ડીલ કરશે. સપ્લાયનું બધું કામ અસલમ પોતે જુએ છે. એની ઓફિસ રાજકોટમાં છે. " કેતને કહ્યું.

" હા ચોક્કસ હું વાત કરી લઈશ અને ત્યાં માર્કેટિંગ પણ કરીશ. મને પોતાને પણ ધંધાનો વિસ્તાર કરવામાં રસ છે. " કશ્યપ બોલ્યો.

૧૨:૩૦ વાગ્યે જમવાનું આવી ગયું એટલે બધાએ જમી લીધું. હજુ આવતીકાલે સવારે છ વાગે અમદાવાદ આવવાનું હતું. જમીને કેતન બર્થ ઉપર આડો પડ્યો. એણે ગૂગલમાં આવતી કાલની ટ્રેન માટે સર્ચ કર્યું. અમદાવાદથી સવારે સાડા આઠ વાગ્યે જબલપુર સોમનાથ ટ્રેન મળી શકે એમ હતી. એણે તત્કાલમાં ફર્સ્ટ ક્લાસની રાજકોટ સુધીની ટિકિટ બુક કરાવી દીધી.

" કાલે બપોરે પોણા વાગે રાજકોટ પહોંચું છું. જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેન છે. સ્ટેશન ઉપર આવી જજે. જમવાનું સાથે જ રાખીશું. " કેતને અસલમ શેખને ફોન કર્યો.

" મોસ્ટ વેલકમ કેતન. કાલે મળીએ છીએ. " અસલમ ખુશ થઈને બોલ્યો.

એ પછી બીજો ફોન એણે સિદ્ધાર્થભાઈ ને કર્યો.

" ભાઈ કાલે બપોરે અમે લોકો રાજકોટ પહોંચી જઈશું. મનસુખને કાલે ગાડી લઈને ચાર વાગ્યે રાજકોટ મોકલી દેજો ને ? ક્યાં આવવું એ હું એને કાલે સૂચના આપી દઈશ. " કેતન બોલ્યો.

" ઠીક છે. કાલે મનસુખ પહોંચી જશે. કેવી રહી તમારી મીટીંગો ? " સિદ્ધાર્થ બોલ્યો.

" મીટીંગો સારી રહી. હવે બાકીનું બધું ઉપરવાળાના હાથમાં છે. " કેતને ડિપ્લોમેટિક જવાબ આપ્યો.

એ પછી બીજો અડધો કલાક ગયો ત્યાં રાજકોટથી કેતકી નો ફોન આવ્યો.

" હાય કેમ છો ? હું કેતકી. મારો મેસેજ તમે જોયો તો પણ તમે ફોન કરતા નથી. મેસેજનો જવાબ પણ આપતા નથી. ઘરેથી વાત ના કરી શકાય પરંતુ પ્રવાસમાં છો તો ફોન કરી શકો ને ?" કેતકી બોલી.

" મારો ફોન ચાર દિવસ બંધ જ હતો. આજે જ ચાલુ કર્યો છે. અને યાત્રામાં તો મારો મૂડ સંપૂર્ણપણે આધ્યાત્મિક હોય છે. " કેતન બોલ્યો.

" અરે પણ હાય હલો તો કરી શકીએ ને ? આટલા બધા દૂર દૂર કેમ ભાગો છો મારાથી ? તમારો ચેક પેલા ને આપી દીધો છે અને ઘરે આવીને એ માફી પણ માગી ગયો છે. " કેતકી બોલી.

" તમે લોકો બધા ખુશ છો ને ? મારું કામ બસ ખુશીઓ વહેંચવાનું છે. પછી પાછું વળીને હું જોતો જ નથી. અને હું મેરિડ છું એટલે મને ફ્રેન્ડશિપમાં રસ ઓછો છે. " કેતને સ્પષ્ટ જવાબ આપ્યો.

" મને લાગે છે કે મેં તમારું તે દિવસે ટ્રેનમાં જે ઇન્સલ્ટ કર્યું હતું એ તમે હજુ ભૂલ્યા નથી. " કેતકી બોલી.

" ના સાચે જ મારા મનમાં એવું કંઈ જ નથી કેતકી. કોલેજમાં હતો ત્યારે પણ છોકરીઓથી હું દૂર જ ભાગતો." કેતન બોલ્યો.

" ઠીક છે ચાલો હું તમને વધારે ફોર્સ નહીં કરી શકું. અને અમારા માટે જે પણ તમે કર્યું છે એ બદલ ફરીથી ખુબ ખુબ આભાર. બાય." કહીને કેતકીએ ફોન કટ કર્યો.

સાંજે પોણા સાત વાગ્યે અકોલા જંકશન સ્ટેશન આવ્યું. કેતન નીચે ઊતર્યો અને પાણીની એક નવી બોટલ ખરીદી. ટ્રેન ઉભી રહી ત્યાં સુધી એણે પ્લેટફોર્મ ઉપર આંટા માર્યા. સીટ ઉપર એકધારા બેસી બેસીને અકડાઈ ગયો હતો.

રાત્રે આઠ વાગ્યે ફરી જમવાનું આવ્યું એટલે એણે જમી લીધું. વાતો કરવાનો પણ કોઈ વિષય રહ્યો નહોતો. વાંચવાનો પણ કંટાળો આવતો હતો.

બરાબર નવ વાગ્યે ભુસાવલ જંકશને એ ફરી નીચે ઊતર્યો. ટ્રેન દસેક મિનીટ ઉભી રહી. એણે સ્ટોલ ઉપરથી થમ્સ અપ ખરીદીને પી લીધું.

હવે સવારે તો સીધું અમદાવાદ જ આવી જવાનું હતું એટલે ૧૦ વાગે એ સૂઈ ગયો.

સવારે પાંચ વાગ્યે ઊઠીને બ્રશ કરી લીધું. આજે એ ધ્યાનમાં બેઠો નહીં. એના બદલે ગાયત્રીની પાંચ માળા કરી દીધી. સાડા પાંચ વાગ્યે કશ્યપ લોકો પણ ઉઠી ગયા.

છ વાગે પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવી ગઈ.
વડોદરા જવા માટે ગુજરાત એક્સપ્રેસ ૭ વાગે ઉપડવાનો હતો એટલે કશ્યપ લોકો સીડી ચડીને બીજા પ્લેટફોર્મ પર ગયા.

કેતને નીચે ઉતરીને સ્ટોલ ઉપરથી સૌથી પહેલાં ગરમાગરમ ચા પી લીધી. એ પછી ન્યૂઝ પેપર લઈને વેઇટિંગ રૂમમાં ગયો. ટ્રેન આગળથી ૮:૧૫ વાગે આવતી હતી. હજુ લગભગ બે કલાક કાઢવાના હતા.

૮:૧૫ વાગે જેવી ટ્રેન આવી કે તરત જ કેતન ફર્સ્ટ ક્લાસના એ.સી કોચમાં ચઢી ગયો. બારી પાસે સરસ સીટ મળી હતી.
એના આશ્ચર્ય વચ્ચે એની બરાબર સામેની સીટ ઉપર મુંબઈવાળા સુનિલભાઈ શાહ આવીને બેસી ગયા.

" અરે કેતનભાઇ !! વ્હોટ આ પ્લેઝંટ સરપ્રાઈઝ ! " સુનિલભાઈ બોલ્યા.

" મને પણ તમને જોઈને આશ્ચર્ય થયું. તમે અહીંયા ક્યાંથી ? " કેતને સામેથી પૂછ્યું.

" હું સવારે જ ગુજરાત મેલમાં આવ્યો. સુરેન્દ્રનગર જઈ રહ્યો છું. ચાતુર્માસ ચાલે છે. મારા એક સંબંધી પાલીતાણાનો સંઘ કાઢી રહ્યા છે. " સુનિલભાઈ બોલ્યા.

" અચ્છા તો તમે યાત્રાએ જઇ રહ્યા છો.
ઘરે કેમ છે બધાં ? " કેતને પૂછ્યું.

"તમને કદાચ ખબર નથી લાગતી. મારી દીકરી નિધીએ ઘરેથી ભાગી જઈને એક ક્રિશ્ચયન છોકરા સાથે લગ્ન કરી લીધાં. છ મહિના થઈ ગયા. એની સાથે હવે બોલવાનો પણ વ્યવહાર નથી. એ પછી એની મમ્મીને પણ એક એટેક આવી ગયો. એકની એક દીકરી હતી. તમે લોકો તો હવે જામનગર જતા રહ્યા એટલે કદાચ ખબર ના હોય. ધંધામાં પણ બહુ જ મંદી છે અને માથા ઉપર કરોડોનું દેવું થઇ ગયું છે. ઊંચા ભાવે માલ ખરીદેલો અને હવે ભાવ તૂટી ગયા." સુનિલભાઈ બોલ્યા.

" સમય સમયનું ચક્કર છે અંકલ. નિધી નો ઉછેર ખૂબ ખરાબ રીતે થયો. આટલી બધી આઝાદી દીકરીને ના અપાય. મારી સાથે એણે જે રીતે વાતો કરેલી કંઈ કહેવા જેવું નથી. ભૂલી જાઓ બધું. તમામ સંબંધો ઋણાનુબંધ પ્રમાણે બંધાય છે અને છૂટા પડે છે. અને બજારમાં તો તેજી મંદી ચાલ્યા જ કરે છે સારો સમય પણ આવશે." કેતને એમને આશ્વાસન આપ્યું.

એ પછી તો બંને વચ્ચે ઘણી વાતો ચાલી. વાતોમાં ને વાતોમાં સુરેન્દ્રનગર ક્યારે આવી ગયું ખબર પણ ના પડી. સુનિલભાઈ નીચે ઉતરી ગયા. કેતન પણ દસ મિનિટ માટે પ્લેટફોર્મ પર ઉતર્યો. સુનિલભાઈ આગળ વધી ગયા પછી એણે સ્ટોલ ઉપર જઈને ચા પી લીધી.

પેન્ટ્રી કાર હતી એટલે જમવાનું ટ્રેનમાં મળવાનું જ હતું પરંતુ કેતને કોઈ ઓર્ડર ના આપ્યો. કારણ કે રાજકોટ પહોંચીને અસલમ સાથે જમવાનું હતું.

બપોરના પોણા વાગે ટ્રેન રાજકોટ સ્ટેશને પહોંચી ગઈ. કેતને સ્ટેશનની બહાર જઈને અસલમને કોલ કર્યો. એના આશ્ચર્ય વચ્ચે અસલમ એની સામે જ આવી રહ્યો હતો.

" વેલકમ ટુ રાજકોટ. અમારામાં તો હજ પઢીને આવીએ એટલે લોકો ગુલાબનાં ફૂલ હારથી અમારું સ્વાગત કરે છે. તું પણ સરસ મજાની યાત્રા કરીને આવી રહ્યો છે. કમ સે કમ ફૂલોનો બુકે તો તને આપવો જ જોઈએ. " અસલમે હસીને કહ્યું અને બાજુમાં ઊભેલા એના ડ્રાઇવર રહીમ પાસેથી બુકે લઈને કેતનના હાથમાં આપ્યો.

" થેન્ક્યુ... થેન્ક્યુ. અસલમ. આ બધાની કોઈ જરૂર નહોતી. ચાલો હવે સૌથી પહેલાં જમી લઈએ. એક વાગવા આવ્યો છે" કેતન બોલ્યો.

જેવા કેતન અને અસલમ કારમાં બેઠા કે તરત જ રહીમે ગાડી ગ્રાન્ડ ઠાકર લઈ લીધી. ગુજરાતી થાળી માટે અસલમ હંમેશા મહેમાનોને ગ્રાન્ડ ઠાકરમાં જ લઈ આવતો. કેતન પણ હવે આ ડાઇનિંગ હોલથી પરિચિત હતો.

ગ્રાન્ડ ઠાકરમાં જમીને અસલમ કેતનને રૈયા રોડ સર્કલ ઉપરની પોતાની મૈત્રી ટ્રેડર્સની ઓફિસમાં લઈ ગયો. કોમ્પ્લેક્સ પણ સરસ હતું અને અસલમની ઓફિસ પણ આલીશાન હતી.

" ઓફીસ તો બહુ જ સરસ બનાવી છે અસલમ. કોઈ હોલસેલ દવાઓના વેપારીની ઓફિસ આવી નહીં હોય. જે આ ઓફિસમાં આવે એ ઈમ્પ્રેસ થઈ જ જાય. એકદમ શો રૂમ જેવી લાગે છે. " કેતન બોલ્યો.

" થેન્ક્યુ કેતન. આ બધી તારી જ મહેરબાની છે. ધંધો સરસ ડેવલપ થઈ રહ્યો છે. છ હોસ્પિટલોનો કોન્ટ્રાક્ટ આપણને મળ્યો છે. ઇન્શાલ્લાહ બીજી ત્રણ હોસ્પિટલનું પણ ફાઇનલ થઇ જશે. " અસલમ બોલ્યો.

" આ તો બહુ જ સારા સમાચાર છે. મને આનંદ થયો. હવે સાંભળ. મને ટ્રેનમાં એક સારી પાર્ટી મળી હતી. બે પેઢીથી આ ભાઈનો રાયપુરમાં દવાઓનો બિઝનેસ છે. તું એની સાથે વાત કરી લેજે. કશ્યપ બહુ ધગશવાળો અને મહત્વકાંક્ષી લાગે છે. છત્તીસગઢમાં સારુ સેટિંગ થઇ જશે. આપણી પાસે જે કંપનીઓની એજન્સી છે એવી સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓ તો ત્યાં મળતી જ નથી " કેતન બોલ્યો.

" હા ચોક્કસ હું વાત કરી લઈશ." અસલમ બોલ્યો. " કેવી રહી તારી યાત્રા ? દર્શન કરી લીધાં બધે ? "

" અદભુત યાત્રા હતી અસલમ. ખુબ સુંદર અનુભવો પણ થયા. " કેતન બોલ્યો.

એની ઈચ્છા હતી કે અસલમને પ્રવાસમાં પોતાને થયેલા દિવ્ય અનુભવોની વાતો કરે પરંતુ અસલમનું એ આધ્યાત્મિક લેવલ ન હતું એટલે વધારે ચર્ચા ના કરી.

એ પછી કેતને મનસુખને ફોન કરી ને રૈયા રોડ સર્કલની અસલમની ઓફીસનું એડ્રેસ સમજાવી દીધું. મનસુખ રાજકોટ પહોંચવા જ આવ્યો હતો.
ક્રમશઃ
અશ્વિન રાવલ ( અમદાવાદ)