નડાબેટ દર્શન. वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નડાબેટ દર્શન.

#નડાબેટ
🙏🏿☝🏿🙏🏿
ગુજરાત રાજ્ય બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના રણ સ્થિત તીર્થ નડેશ્વરી માતનાં દર્શન સાથે Indo-pak બોર્ડર જોવા-નીરખવાની અમારાં ફેમિલીની વરસોથી ઈચ્છા હતી.
સદરહું સ્થળે ગઇ કાલે તા 27/02/2022 ની સવારે અમારી કાર દ્વારા થરાદના રાણેસરી ગામે એક સામાજિક કામ પતાવી "નડાબેટ" ખાતે બપોરના 1 વાગે પહોંચ્યાં.પ્રથમ BSF દ્વારા પ્રદર્શની નિહાળી આ જગ્યાએ ખૂબ ભવ્ય લોકેશન રણમાં બનાવ્યું છે.
થોડી કાળજી એ રાખવી ઘટે કે ત્યાં જવા આવવા માત્ર એકજ અને સાંકડો પાકો રોડ છે.નડેશ્વરી માતાના મંદિર પરિસર સુધી જવા આવવાની તકલીફ પડતી નથી,પરંતુ indo-pak બોર્ડર ત્યાંથી 25 km દૂર જવા રણમાં સિંગલ પાકો રોડ છે.ડ્રાઇવ કરતી વખતે કુનેહ સાવધાની રાખી જશો તો રણ નીરખવાની મજા આવશે.અહીં તમારો આધારકાર્ડ માગશે.કેમકે રક્ષણાત્મક ભાગ રૂપે એ જરૂરી છે.
સાથે તમારી કારને ઇંધણ ફૂલ કરીને જવું જરૂરી છે.પીવાનું પાણી ખાસ લઇ જવું.રણમાં આ બે પોઇન્ટ સિવાય ક્યાંય પીવાનું પાણી મળતું નથી.ગરમીના સમયે માથે cap ખાસ લઇ જવી.જરૂરી નાસ્તો પણ લઇ જવો.મંદિરમાં ભોજન free છે.સવાર સાંજ બે ટંક ભોજન વ્યવસ્થા સાથે રહેવા ધર્મશાળામાં trust સગવડ આપે છે.કોઈને શારીરિક તકલીફ હોય તો દવા સાથે રાખવી.મોબાઈલની બેટરી ફૂલ ચાર્જ કરીને જ જવી અથવા કારમાં ચાર્જર રાખવું.ભૂલા પડવાનો સંભવ નથી કેમકે જવા આવવા પાકી એક જ સડક છે.ફોટોગ્રાફી કરવાની છૂટ છે.મંદિર પોઇન્ટથી બોર્ડર સુધી ટૂ વહીલર લઇ જવા દેતા નથી.એટલે જવા આવવા તમેં જો ચાર પાંચ હો તો ફોર વહીલર ખાસ લઇ જવું જોઈએ.બોર્ડર પર પણ સરહદ નિહાળવા બબ્બે કિલોમીટરે વ્યવસ્થા કરી છે.આ જગ્યાએથી તમેં પાકિસ્તાનની સુમસામ ભૂમિ જોઈ શકો છો. પાકિસ્તાનની બોર્ડર પર કોઈ પ્રતિબંધિત તારની વાડ નથી.જે કોઈ રક્ષણાત્મક રોડ રસ્તાની પાકી તારની વાડ વ્યવસ્થા ભારતની છે.આપણા તરફ બોર્ડર સાથે પાકો રોડ છે,જે માત્ર સીમા સુરક્ષા કર્મીઓ પૂરતો જ વપરાય છે.ટુરિસ્ટ કે અન્ય કોઈને જવાની આ રોડ પર પરવાનગી નથી.
અત્યારે રણમાં પાણી નથી,પરંતુ ચોમાસામાં સમુદ્રની જેમ પાણી ભર્યું હોય છે.ઉનાળે માત્ર ઝાંઝવાના નીર દૃશ્યમાન થાય છે.ઘુડખર અને રોજડાંનાં સાંજે દર્શન થઇ શકે.આ તમામ સંચાલન BSF જવાનો સંભાળે છે.આપના પરિવાર સાથે ધીરજ રાખીને જોવા જવા જેવું ખરું.આપણે અવ્યવસ્થાના ભાગ ના બનતાં વ્યવસ્થામાં સાથ આપીએ.ગંદકી કચરો ત્યાં બિલકુલ જોવા ન મળ્યો.સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી અને દરેક સિક્યુરિટી પોઇન્ટ પર બેસીને ફોટોગ્રાફી કરવાની સગવડ કરેલી છે.સને 1971 માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વપરાયેલી તમામ ટેન્ક પ્રદર્શનીમાં મૂકી છે.
કચ્છનું નાનું રણ જોવાનો લ્હાવો લેવા ત્યાંની BSF દ્વારા ભાડેથી સીમા દર્શન માટે બસ ચાલુ કરી છે.અથવા અલગ અલગ જગ્યાએથી ST બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.
ઝીરો પોઇન્ટ ઉપર આપણે પાકિસ્તાની ધરતી જોઈ શકીએ છીએ.પાકિસ્તાન સ્થિત દૂર ડુંગર દેખાય છે.તમારી પાસે દૂરબીન હોયતો અવશ્ય લઇ જજો.અને ચારેબાજુ મીઠા (solt)નો સફેદ ચાદર પાથરેલો નજારો જોવાની મજા આવશે.ગ્રુપમાં જાઓ તો ખૂબ મજા આવે.ત્યાં કદાચ બાળક ખોવાઈ જાય તો ગભરાવાની બીક નથી કેમકે BSF ના જવાનોએ જાહેરાત માટે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરેલી છે.એટલે કાળજી સાથે હરો ફરો.રવિવારે કે સળંગ આવતી સરકારી રજાઓ વખતે ભીડ હોય છે.તો ભીડ સિવાયના દિવસોમાં જશો તો તમને શાંતિથી બધું જોવા મળશે.
આ ઐતિહાસિક સ્થળ સાથે એક દંતકથા જોડાયેલી છે.સિદ્ધેશ્વરી માતા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા જૂનાગઢના રાજવી રા'નવઘણ (આશરે 1200 વરસ પહેલાં) સિંધ પ્રાંતના "હમીર" નામના સુમરા જાતિના બાદશાહે જૂનાગઢના રા'નવઘણની બેન "જાહલ"નું જૂનાગઢ જઈ પોતાની શાહજાદી બનાવવા બળજબરી છલકપટ કરી અપહરણ કર્યું હતું.તે બહેને સુમરાના પંજામાંથી છોડાવવા ગુપ્તચર મારફતે જૂનાગઢ ખાતે પોતાના ભાઈ અને જૂનાગઢના પ્રતિભાશાળી રાજા પાસે ધા નાખી.ભાઈ મને આ નરકમાંથી છોડાવ.રા'નવઘણને સુમરાના પંજામાંથી બેન જાહલને છોડાવવા "સિંધ" (હાલનું પાકિસ્તાન )જવું પડે.વચમાં દરિયો અને રણ વીંધી જવું તે સમયે ખૂબ કપરું હતું.ગુપ્તચર મારફતે રા'નવઘણે તપાસ કરાવી કે કઈ રીતે ક્યાંથી જવું કે જેથી સુમરાને સામે છાતીએ હરાવી બેન જાહલને છોડાવાય? અને જાણ મુજબ સુઈગામ સ્થિત બૅટ પરથી રણમાં સિંધ પ્રાંત નજીક અને સુગમ પડે.તેથી નવઘણે આ રસ્તો પસંદ કરવા પોતાની આરાધ્યા દેવી સિદ્ધેશ્વરી (વરુડી ) માતાને પ્રાર્થના કરી.માતાની અજ્ઞાનુસાર આ રસ્તે જવા દૈવીકૃપા થી નવઘણના કટકને જમવા,રહેવા અને દુશ્મનો સામે લડવા જીતી જાહલને લઇ આવવા વચને બંધાયાં.રા'નવઘણે મા પાસે પ્રમાણ માગ્યું કે 'મા' તમેં અમારી સાથે હાજરા હાજુર હશો તેવી દેખાતી શું ખાત્રી? ત્યારે માતાજીએ કીધું કે વત્સ! તારા ભાલાની ફરકતી ધજાની ટોચે એક બેસવાની તણખલાની ડાળી બાંધજે હું તેના ઉપર બેસીશ.તું મારી આ સાક્ષી,મારું પ્રમાણ તારા સિવાય કોઈને જાહેર ના કરતો.તારો "ભાલો"(જૂના સમયમાં યુદ્ધમાં વપરાતું એક હથિયાર) તું સતત ઉભો રાખજે કે જેથી હું બેસી શકું.બાકી રણમાં/પાણીમાં ક્યાં ઝાડ છે કે હું બેસું? (આ વાર્તાલાપ જે જગ્યાએ થઇ તે હાલનો નડાબેટ) "નડાબેટ" બેટનો અર્થ થાય છે "તળ" એટલે "કિનારો". માતાએ આદેશ કર્યો કે બહેનને લઇ પાછો આવે ત્યારે આ જગ્યા ઉપર મારી સ્મૃતિ રાખજે.અને રા'નવઘણ જીતીને જાહલને લઇ વળતાં આવતાં જે જગ્યા ઉપર માતાજીની નાની દેરી બનાવી,તે જ આ જગ્યા નડાબેટ !
રા'નવઘણ માતાની પૂજા અર્ચના કરી આશીર્વાદ લઇ જૂનાગઢ ગયા.
તો આપણે પણ આ(દેવચકલી એક ખૂબ નાનું પક્ષી રૂપ)વરુડી દેવીના દર્શન કરી પ્રાર્થના છે કે અમારા દેશને માટે હે દેવી ! સદાકાળ રક્ષણ કરતી રહેજે.અમારા સરહદના રક્ષકોની સદાય પડખે રહેજે.આ દેવીની પૂજા પણ સને 1971 પછી આ BSF ના જવાનોના હસ્તક થાય છે.કેમકે ફરી 1971ના યુદ્ધ વખતે BSF ના જવાનોએ સયુંકત યુદ્ધ જીતની પ્રાર્થના કરી યુદ્ધમાં ફતેહ મેળવી હતી.જૂની દેરીની જગ્યા બદલી હાલ બાજુમાં નવું ભવ્ય મંદિર બનાવ્યું છે.પૂજા કે તમામ વહીવટ આ BSF ના જવાન લોકો કરે છે.આ અતિપવિત્ર જગ્યાએ આ દેવીને આપણે પણ નતમસ્તક થઈએ તેવી ભાવના સાથે...,
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)