પ્રાયશ્ચિત - 92 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રાયશ્ચિત - 92

પ્રાયશ્ચિત પ્રકરણ 92

કિરણભાઈ સવારે પાંચ વાગે મુંબઈ જવા નીકળી ગયા પછી રૂમમાં કેતન એકલો થઈ ગયો. કિરણભાઈની ઘણી સારી કંપની હતી અને આશ્ચર્યકારક વાત એ હતી કે કિરણભાઈ પણ ચેતન સ્વામીના શિષ્ય હતા !

કેતન એમને છેક નીચે સુધી મુકવા ગયો હતો. મીની બસ ઉપડી ગઈ પછી કેતન ઉપર રૂમમાં પાછો આવ્યો. એણે ઉપર આવીને જોયું તો કિરણભાઈએ પોતાની બેડ વ્યવસ્થિત કરી દીધી હતી ઓઢવાનું પણ વાળી દીધું હતું પરંતુ એમની માળા ઓશિકા પાસે રહી ગઈ હતી. તુલસીની માળા હતી અને એકદમ નવી જ લાગતી હતી.

હવે એક માળા માટે એમને ક્યાં ડિસ્ટર્બ કરવા ? કેતને માળા એક યાદગીરીરૂપે પોતાની બેગમાં મૂકી દીધી. એ પછી એણે બ્રશ વગેરે કરીને નાહી લીધું. પહેરેલાં કપડાં ધોઈને સૂકવી દીધા. અને જે કપડાં પહેરીને ઘરેથી નીકળ્યો હતો એ જ જીન્સનું પેન્ટ અને મરૂન કલરનું ટીશર્ટ એણે પહેરી લીધું. કુર્તા પાયજામા કરતાં એ જીન્સ ટી-શર્ટમાં વધારે હેન્ડસમ લાગતો હતો.

આઠ વાગે એણે નીચે જઈને ચા પી લીધી. ઉપર આવ્યા પછી એને મંદિરે જવાની ઇચ્છા થઈ. સવારના ખુશનુમા વાતાવરણમાં દર્શનની મજા જ અલગ હોય છે. કારણ કે સવારમાં સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રભાવ વધારે હોય છે.

મીની બસનો ટાઈમ એને ખબર હતી એટલે એ નીચે આવ્યો. પાંચ મિનિટમાં બસ આવી ગઈ અને વીસેક મિનિટમાં એ મંદિરે પહોંચી ગયો.

ગઈકાલ કરતાં આજે મંદિરમાં ભીડ ઓછી હતી. એણે શાંતિથી દર્શન કર્યાં. સાચા હૃદયથી પ્રાર્થના કરી. મંદિરની પરિક્રમા કરી. ફરી પ્રસાદ લઈને જમી લીધું.

બહાર આવીને ફરી દાઢી કરાવી લીધી. એ પછી જ્યાંથી સ્વામિનારાયણ મંદિરની બસ ઉપડવાની હતી ત્યાં આવીને ઊભો રહ્યો. ૧૫ મિનિટમાં બસ મળી ગઈ.

રૂમ ઉપર આવ્યો ત્યારે સવારના અગિયાર વાગવા આવ્યા હતા. એને હવે કિરણભાઈ સાથે વાત કરવાની ઈચ્છા થઈ. એકવાર ફરી એમનો આભાર માની લઉં અને માળાની પણ વાત કરું. એણે કિરણભાઈનો ફોન ડાયલ કર્યો.

" હલો..કિરણભાઈ. હું કેતન બોલું." કેતને કહ્યું. પરંતુ સામેથી કોઈ લેડીઝ વોઇસ સંભળાયો.

" તુમ્હી કોણ બોલતા આહે ? તુમ્હાલા કોણાચે કામ આહે ? " સામે કોઈ યુવાન ઉંમરની છોકરી બોલી રહી હતી. કદાચ રોંગ નંબર લાગ્યો લાગે છે.

" મુજે મરાઠી નહીં આતી મેડમ ! મૈને કિરણભાઈ વાડેકરકો ફોન લગાયા થા. ગલતીસે આપકો લગ ગયા." કેતન બોલ્યો.

" યહી ચ નંબર કિરણભાઈકા હૈ. આપ કૌન બોલતે હો ? પાપા તો દો સાલ પેહલે ગુજર ગયે. મેં ઉનકી ડૉટર બોલ રહી હું. " સામેની યુવતી બોલી.

" વ્હોટ !! અરે લેકિન આજ સુબહ તક તો હમ સાથ સાથ થે. વો સુબહ મેં હી પુરી સે મુંબઈ આને નીકલે. " કેતન બોલ્યો. એનું મગજ બહેર મારી ગયું હતું.

" આપ યે સબ ક્યા બોલ રહે હો ? દો સાલ સે ભી જ્યાદા વક્ત હો ગયા પાપાકો ગુજરે હુએ. ફોન રખ્ખો." કહીને પેલી યુવતીએ ફોન કટ કર્યો.

હવે ખરેખર કેતન મૂંઝાઈ ગયો. થોડો ડરી પણ ગયો. પોતાની સાથે બે દિવસથી કિરણભાઈ હતા એ એક સત્ય હકીકત હતી કોઇ સપનું ન હતું. આટલી બધી વાતો કરી. મારુ ધ્યાનમાં સ્કેનિંગ કરી આપ્યું. અને મૃત વ્યક્તિ સજીવન થઈને કેવી રીતે આવે ?

કેતનને ચેન ના પડ્યું. એ નીચે રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો.

" મેરે રૂમ નંબર ૨૧૧ મેં કિરણભાઈ વાડેકર ઠેહરે થે. વો કબસે આયે થે યહાં ? જરા રજીસ્ટર દેખકે બતાયેંગે ?"

" કયું કયા હુઆ ? કોઈ ગરબડ હુઈ હૈ ક્યા ?" કાઉન્ટર ઉપરના સ્વામીજી બોલ્યા.

" નહીં સ્વામીજી બસ ઐસે હી પુછ રહા હું. " કેતન બોલ્યો.

" વો પરસોં ૨૬ તારીખકો સુબહ ૬ બજે આયે થે ઓર અભી ૫ બજે ચલે ગયે. " સ્વામીજી રજીસ્ટર જોઈને બોલ્યા.

એનો મતલબ કે કિરણભાઈ મારા આવ્યાના એક કલાક પહેલાં આવ્યા હતા. એમણે મને ખાલી ખાલી ચાર દિવસથી છું એમ કહ્યું હતું. પરંતુ કિરણભાઈ તો બે વર્ષ પહેલાં ગુજરી ગયા હતા તો પછી આ કોણ હતું ? સ્વામીજી પોતે કિરણભાઈના વેશમાં આવ્યા હતા કે પછી એમણે ઊભી કરેલી આ એક માયા જ હતી ? તે દિવસે સમ્રાટ હોટલમાં પણ રમણભાઈ રૂપે એ દેખાયેલા.

હવે ગમે તેમ કરીને સ્વામીજી પાસેથી આ વાતનું રહસ્ય મારે જાણવું જ પડશે આમ પણ આખો દિવસ સાંજના ચાર વાગ્યા સુધી ફ્રી જ છું તો અત્યારે જ ધ્યાનમાં બેસી જાઉં.

એણે બાથરૂમમાં જઈને હાથ-મોં ધોઈ લીધા અને એકદમ ફ્રેશ થઈ ગયો. બેડ ઉપર પદ્માસન વાળીને બેસી ગયો અને સાચા હૃદયથી સ્વામીજીનો પોકાર કરવા લાગ્યો.

" તમારે આ કિરણભાઈનું રહસ્ય મને કહેવું જ પડશે એ કોણ હતું ? મને સૂક્ષ્મ જગતનાં રહસ્યો તમારે સમજાવવાં જ પડશે. આ શ્રીકૃષ્ણની ચૈતન્ય ભૂમિ છે. આવું વાતાવરણ મને ઘરે નહીં મળે. મારા ઉપર કૃપા કરો અને કિરણભાઈ સાથે મારી મુલાકાત કેમ કરાવી એનું રહસ્ય સમજાવો." કેતન મનોમન આ બધું સ્વામીજીને સંબોધીને વારંવાર કહી રહ્યો હતો.

કેતનની ઈચ્છા ફળીભૂત થઇ અને એ ઊંડા ધ્યાનમાં સરી ગયો. એ જ એનું સૂક્ષ્મ શરીર, એ જ ગીચ જંગલમાં પગદંડી, એ જ હિમાલયની બરફ આચ્છાદિત પર્વતમાળા અને છેવટે એ જ કુટીર !!

ચેતન સ્વામીની સામે બિછાવેલા આસન ઉપર એ યંત્રવત્ બેસી ગયો. મંદ મંદ હાસ્ય કરતી સ્વામીજીની મુખમુદ્રા હતી.

" તો છેવટે તને કિરણભાઈની અસલિયત ખબર પડી ગઈ. શું ફરક પડે છે એ કિરણભાઈ હોય કે પછી બીજું કોઈ ? તારા તમામ સવાલોના જવાબ તને મળી ગયા. તારા સાત ચક્રોની આજની સ્થિતિ પણ તને ખબર પડી ગઈ. મેં તને છેક પુરી સુધી કેમ મોકલ્યો એ પણ તને ખ્યાલ આવી ગયો. ભગવાન જગન્નાથનું અદભુત રહસ્ય પણ તેં જાણી લીધું. " સ્વામીજીની સૂક્ષ્મ વાણીના તરંગો કેતનને સંભળાતા હતા.

" જી ગુરુજી... એ માટે આપનો ખૂબ ખૂબ આભારી છું. માનવ સહજ જિજ્ઞાસા છે આ બધાં રહસ્યો જાણવાની. હવે તો સૂક્ષ્મ જગત વિશે જાણવાની પણ તીવ્ર ઈચ્છા થઈ છે. ઘણા બધા પ્રશ્નો મનમાં છે. " કેતન બોલ્યો.

" કિરણભાઈ સ્વરૂપે તારી સાથે બે દિવસ એક ઉચ્ચ કોટિના સંત મહાત્મા રહેલા. મેં જ એમને વિનંતી કરી હતી. તું ખૂબ જ ભાગ્યશાળી છે અને તારા ગુરુજીની તારા ઉપર એટલી બધી કૃપા છે કે આવા સંત તારા માટે સ્થૂળ દેહ ધારણ કરવા માટે તૈયાર થયા. સૂક્ષ્મ જગતમાં ઉર્જાનો આધાર લઈને આ રીતે થોડાક સમય માટે સ્થૂળ દેહ ધારણ કરી શકાય છે. " સ્વામીજી બોલતા હતા.

" મેં તને રોજ ગાયત્રી મંત્રની પાંચ માળા કરવાની વાત કરી હતી. છેલ્લા સાત દિવસથી તેં માળા કરી નથી એટલે ગાયત્રી મંત્ર ચાલુ કરવા માટે તને માળા આપવામાં આવી છે. એ માળા દિવ્ય છે એને સાચવજે. " સ્વામીજીએ કહ્યું.

" ઈશ્વરને આજ સુધી કોઈએ જોયો નથી. એની જબરદસ્ત સત્તા ચાલી રહી છે પણ એ માત્ર પ્રકાશ અને શક્તિ રૂપે જ પ્રગટ થયેલો રહે છે. આપણા શાસ્ત્રોમાં સાત લોકની વાત છે. દરેક લોકમાં સૂર્ય ચોવીસ કલાક દિવ્ય પ્રકાશ આપે છે. તમામ સૂક્ષ્મ શરીરો પણ સૂર્યમાંથી ઊર્જા મેળવે છે. સૂર્યમાંથી સૂક્ષ્મ જગતમાં પણ જળાશયો બને છે. સૂર્યમાંથી જ ફળ ફૂલ અને બગીચાનું નિર્માણ થાય છે. અને આ દિવ્ય ભોજન જમીને સૂક્ષ્મ શરીરો સૂર્યની ઊર્જા મેળવે છે. એટલે સૂર્યનું પ્રાણતત્વ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલું છે. અને તેથી જ સૂર્યના ગાયત્રીમંત્રનું આટલું બધું મહત્વ વેદોમાં ગાયું છે. સૂર્ય પોતેજ નારાયણ છે. " સ્વામીજી બોલ્યા.

સ્વામીજી સૂક્ષ્મ જગતનાં રહસ્યો કેતનને વિસ્તારપૂર્વક સમજાવી રહ્યા હતા.

" ગાયત્રીમંત્ર કોઈ ધર્મનો મંત્ર નથી પરંતુ એ બ્રહ્મનો મંત્ર છે. સૂક્ષ્મજગતનાં રહસ્યો એ ખોલી આપે છે. સમગ્ર જગત માન્યતાઓથી ચાલે છે એટલે સૂક્ષ્મ શરીર પણ જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ધર્મના વાડામાં જ ફર્યા કરે છે. આ વાડા જેમ તૂટતા જાય, સત્ય સમજાતું જાય, આત્મતત્વ પ્રગટ થાય તેમ તેમ ઉપરના લોકના દરવાજા ખુલતા જાય." સ્વામીજી બોલ્યા.

" મને સૂક્ષ્મજગત વિશે થોડોક પરિચય આપો સ્વામીજી . " કેતને કહ્યું.

" સૂક્ષ્મ જગત આખું સાત લોકમાં વ્યાપેલું છે. પરંતુ મોટાભાગના જીવો એક થી ત્રણ લોક સુધી આવન-જાવન કરે છે. પુણ્યશાળી આત્માઓ ચોથા લોક સુધી ગતિ કરે છે. પરંતુ આ તમામ લોકમાં પૃથ્વીની જેમ કોઈ વસ્તુ સ્થૂળ નથી. તમામ સાત લોકમાં પાણીનાં જળાશયો છે. ફળફૂલ છે. વનસ્પતિઓ છે. બગીચાઓ છે. ઈશ્વરના દિવ્ય મંદિરો પણ છે પણ એ બધું જ સૂક્ષ્મ છે. તમે નરી આંખે ન જોઈ શકો. સૂક્ષ્મ શરીર દ્વારા જ તે જોઈ શકાય છે અને અનુભવી શકાય છે. ટૂંકમાં કહું તો આ એક મનોમય જગત છે ."

" સૂક્ષ્મ જીવ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં એક ક્ષણમાં જઈ શકે. પાણી પીવાની ઈચ્છા થાય તો એક ક્ષણમાં એ જળાશય પાસે પહોંચી શકે. કોઈ સ્વજનને કે પૂર્વજન્મના કોઈ મિત્રને મળવા માંગે તો વિચાર માત્રથી મુલાકાત થઈ શકે. સંકલ્પ માત્રથી બધું મળે." સ્વામીજી સમજાવી રહ્યા હતા.

"તમારા ધર્મ અને તમારી માન્યતા પ્રમાણે ઉપર સૂક્ષ્મ લોકમાં તમારી ગતિ થાય છે. પૃથ્વી ઉપર તમે જેના અનુયાયી હો અથવા જે ચેતનાને તમે માનતા હો એ પ્રમાણે જ તમને જે તે મંડળમાં કે સમુદાયમાં મોકલવામાં આવે છે. પછી એ પ્રથમ લોક હોય બીજો લોક હોય ત્રીજો હોય કે ચોથો હોય. "

" તને જાણીને આશ્ચર્ય થશે પણ દરેક લોકમાં સૂક્ષ્મ મંદિરો પણ છે અને જે તે ધર્મમાંથી આવેલા આત્માઓ પોતાના મંડલમાં મંદિરોમાં દર્શન કરવા અને જ્ઞાન મેળવવા પણ જતા હોય છે. સૂક્ષ્મ જગતમાં મેં શિવ મંદિરો, શ્રીરામ મંદિરો, શ્રી કૃષ્ણ મંદિરો ની સાથે સાથે જૈન મંદિરો, સ્વામિનારાયણ મંદિરો, સાઈબાબાના મંદિરો, ચર્ચ, મસ્જિદ વગેરે પણ જોયાં છે. પણ હું આ બધું કોઈ ને સમજાવી શકતો નથી. તારા મનમાં ખૂબ શ્રદ્ધા અને જિજ્ઞાસા છે એટલે હું તને આ સનાતન સત્ય બતાવી રહ્યો છું. " સ્વામીજી બોલ્યા.

" મુસ્લિમો માટે પણ ઈસ્લામ ધર્મની ચેતનાનું બહુ મોટું મંડલ છે તો ખ્રિસ્તી ધર્મ માટે પણ એવું જ મોટું મંડલ દરેક લોકમાં છે. ઈશ્વર અથવા પ્રભુ પરમાત્મા એક જ છે અને એને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી એટલે ચોથા લોકમાં આ દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આત્મા કોઈપણ ધર્મના વાડા માંથી મુક્ત થઈ જાય છે અને માત્ર આત્મા સ્વરૂપે એ પાંચમા લોકમાં જઈ શકે છે. "

" સ્વામીજી હવે સૂક્ષ્મ શરીર વિશે થોડુંક વધારે જાણવાની ઈચ્છા છે ." કેતન બોલ્યો.

" જો સૂક્ષ્મ શરીર નાની-નાની સફેદ વાદળીઓ જેવું હોય છે. તેનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. સૂક્ષ્મ શરીર કોઈપણ આકાર લઇ શકે છે અને આરપાર પણ જઈ શકે છે. જેટલો આત્મા પવિત્ર હોય એટલો તે વધુ સફેદ અને પ્રકાશમય હોય અને પાપ કર્મોથી ઘેરાયેલો આત્મા કાળી વાદળી જેવો હોય છે. "

" સૂક્ષ્મ શરીર ઉંમરથી પર હોય છે. વૃદ્ધાવસ્થા માં મૃત્યુ થાય તોપણ સૂક્ષ્મ શરીર યુવાન અવસ્થા જેવું બહાર આવે છે. પરંતુ તે ધારે તે સ્વરૂપ ધારણ કરી શકે છે. સુક્ષ્મ શરીરને કોઈપણ જાતની પીડા થતી નથી અને તે કોઈ પણ સ્થૂળ પદાર્થમાંથી આરપાર જઈ શકે છે. " સ્વામીજીએ કહ્યું.

" સ્વામીજી...આ જનમમાં જે પતિ પત્ની હોય તે જ પતિ પત્ની બીજા જન્મમાં પણ હોય ? ઘણીવાર સાત જન્મ સુધી એ જ પતિ પત્ની જન્મ લેતાં હોય છે એવું પણ મેં સાંભળ્યું છે. તો એ સાચું છે ? " કેતને પ્રશ્ન કર્યો.

"ના સદંતર ખોટી વાત છે. એટલી વાત સાચી છે કે મનુષ્ય જન્મ ધારણ કરી લે પછી આ જન્મમાં તેનો પતિ કે પત્ની નક્કી જ હોય છે. પરંતુ એ જરૂરી નથી કે ગયા જન્મમાં જે પતિ કે પત્ની હતાં તે જ આ જન્મમાં પણ તેનું જીવનસાથી બને. ગયા જન્મના પતિ કે પત્ની આ જન્મમાં ભાઈ કે બહેન તરીકે અથવા તો પુત્ર કે પુત્રી તરીકે પણ તેની સાથે જોડાઇ શકે છે. પત્નીનું વહેલું અવસાન થઈ ગયું હોય અને એ બંને વચ્ચે તીવ્ર પ્રેમ હોય તો પતિ નવા જન્મમાં એની પૂર્વ પત્નીના પુત્ર કે પુત્રી તરીકે પણ જન્મ લઈ શકે છે. "

" સંબંધો દરેક જન્મમાં બદલાતા જતા હોય છે. ઘણીવાર બીજા કે ત્રીજા જન્મમાં પણ અમુક સંબંધો ફરી પાછા જોડાતા હોય છે. કારણકે આપણા ઘણા બધા જન્મ થઈ ચુક્યા હોય છે અને ઘણા બધા આત્માઓ સાથે આપણે એ જન્મોમાં જોડાયેલા હોઈએ છીએ અને દરેકની આયુષ્ય મર્યાદા એકસરખી નથી હોતી એટલે દરેક નવા જન્મમાં આ સંબંધોની હેરાફેરી થતી જ રહે છે. "

સ્વામીજીએ કેતનની તમામ જિજ્ઞાસા પૂર્ણ કરી અને સૂક્ષ્મ જગતનાં ઘણાં બધાં રહસ્યો સ્પષ્ટ કર્યાં.

" ખુબ ખુબ આભાર સ્વામીજી. તમે મારા ઉપર બહુ જ કૃપા કરી છે. બસ વહેલી તકે મને મારા ગુરુજીના દર્શન થાય એ જ એકમાત્ર ઈચ્છા છે. " કેતન બોલ્યો.

" એ પણ હવે નજીકના સમયમાં પૂરી થઈ જશે. બસ હવે એક વાર તારા દાદાનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરી આવ એટલે તારા આ પેઢી સાથેના ઋણાનુબંધ પૂરા થઈ જાય. બે મહિના પછી કારતક માસ શરૂ થાય છે અને પિતૃઓના તર્પણ માટે આ શ્રેષ્ઠ મહિનો છે. " સ્વામીજી બોલ્યા.

એ પછી સ્વામીજી મૌન થઈ ગયા અને કમંડળમાંથી પાણીના થોડાક છાંટા કેતનના સૂક્ષ્મ શરીર ઉપર છાંટ્યા. એ સાથે જ કેતનનું ધ્યાન છૂટી ગયું અને ઝબકીને એ જાગી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ )

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 4 અઠવાડિયા પહેલા

Mukesh

Mukesh 2 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા

Hetal Suchak

Hetal Suchak 3 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા