પ્રાયશ્ચિત - 89 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 89

પ્રાયશ્ચિત પ્રકરણ 89

હરીને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે .....
જેની સુરતા શામળિયાને સાથ વદે વેદ વાણી રે .....

ગુરુજીની આજ્ઞા પાળીને કેતન મથુરા વૃંદાવન અને જગન્નાથપુરીની યાત્રાએ નીકળી તો પડ્યો પણ એ પછી એની યાત્રામાં જે રીતે ઘટના ચક્રો આકાર લેતાં ગયાં એ બધું યાદ કરીને કેતનને નાનપણમાં સાંભળેલું કવિ પ્રેમળદાસનું આ ભજન યાદ આવી ગયું.

હવે એને ખાતરી થઇ ગઇ હતી કે કોઈક દૈવી શક્તિ સતત એનું ધ્યાન રાખતી હતી. એણે હવે ચિંતા કરવાનું છોડી દીધું હતું. બે ટાઈમ જમવા માટે પૂરતાં થેપલાં હતાં. દહીં ના હોય તો પણ પાણીના ઘૂંટડા સાથે થેપલાં ખાઈ શકાય.

બપોરે લગભગ ૧૨ વાગ્યે ચાંપા સ્ટેશન આવ્યું. સરદારજી લોકો નીચે ઉતરી ગયા. એણે પણ ચાંપા સ્ટેશને ઉતરીને ફટાફટ પ્લેટફોર્મ ઉપર ગોઠવેલા વોટર કુલરમાંથી બોટલ ભરી દીધી કારણ કે પાણી ખલાસ થવા આવ્યું હતું.

ટ્રેન સ્ટાર્ટ થઇ. એ કોચમાં ચડી ગયો. સરદારજીની જગાએ નવા માણસો આવ્યા. જમવાનો ટાઈમ થઇ ગયો એટલે એણે થેપલાં અને છુંદો ખાઈ લીધાં. વચ્ચે વચ્ચે એ ચાની જેમ પાણીનો ઘૂંટડો ભરી લેતો હતો.

રાત્રે ૮:૩૦ વાગે ટાટાનગર જંકશન આવ્યું. ત્યાંથી બે ભગવાંધારી સ્વામિનારાયણ સાધુ ચડ્યા અને કેતનની સામેની સીટ ઉપર ગોઠવાયા. કેતને એમને 'જય સ્વામિનારાયણ ' કહ્યું. એમણે પણ હસીને સામે જય સ્વામિનારાયણ કહ્યું.

" ગુજરાતી લગતે હો " એક સ્વામીએ કહ્યું.

" જી ગુજરાતી હું. ભગવાન કે દર્શન કરને પુરી જા રહા હું. " કેતન બોલ્યો.

" ચલો અચ્છા હૈ. પેહલી બાર પુરી જા રહે હો ? " બીજા સ્વામીએ પૂછ્યું.

" જી. પેહલી બાર. સ્વામિનારાયણ મુખ્ય મંદિર મેં ઠેહરનેકા સોચ રહા હું. " કેતન બોલ્યો.

" હમ ભી વહીં સે હૈં. અચ્છી જગા હૈ ઠેહરને કે લિયે. " સ્વામી બોલ્યા.

" સુના હૈ વહાં રહના ખાના પીના સબ ફ્રી મેં હૈ ? " કેતને કન્ફર્મ કરવા પૂછ્યું.

" હાં લેકિન સબકે લિયે નહીં. સિર્ફ સ્વામિનારાયણ ધર્મકા પાલન કરનેવાલે હરિભક્તોં કે લિયે." સ્વામી બોલ્યા.

કેતન થોડો અપસેટ થઇ ગયો. હવે ?

" જી. મેરે પાપા ભી સ્વામિનારાયણ ધર્મકા હી પાલન કરતે હૈં." કેતન બોલ્યો.

" યે તો સબસે અચ્છી બાત હૈ. તબ તો તુમ હમારે સાથ આ સકતે હો. ટેન્શન મત લો. " સ્વામીજી બોલ્યા.

જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ફરી પાછા કેતને વધેલાં થેપલાં પેપર ડીશ માં કાઢ્યાં.

" અરે યે સબ વાપસ રખ દો. ગરમ ખાના ખાઓ. ટાટાનગર મેં હમ એક હરિભકતકે ઘર ગયે થે તો ઉન્હોને રાસ્તે મેં હમારે ખાને કે લિયે પુરીયાં ઔર સબ્જી બનાકે દી હૈ " કહીને સ્વામીજી એ ડબ્બામાં થી ૬ ગરમ પૂરીઓ અને બટેટાની સુકી ભાજી કેતનની ડીશમાં મૂકી. સાથે બે મગસના નાના લાડુ મૂક્યા. એમણે પોતે પણ પોતાની ડીશોમાં જમવાનું કાઢ્યું.

જમતા પહેલાં કેતને સ્વામીજીને મનોમન યાદ કર્યા અને આ ગરમ ભોજન એમને અર્પણ કર્યું. કેતને પેટ ભરીને જમી લીધું.

પુરી જંકશન સવારે ૭ વાગે આવતું હતું એટલે વહેલા ઉઠવાની કોઈ ચિંતા ન હતી.

સવારે ૫:૩૦ વાગે કેતન ઉભો થઈ ગયો અને બ્રશ કરી ફ્રેશ થઈ ગયો. સૂતાં સૂતાં અડધો કલાક ધ્યાન કરી લીધું. પુરી સ્ટેશન આવી જતાં જ એ સ્વામી સાથે નીચે ઉતરીને સ્ટેશનની બહાર આવ્યો.

બહાર સ્વામિનારાયણ મંદિરની મીની બસ ઉભી હતી. કેતન બંને સ્વામીની સાથે બસ માં બેસી ગયો. બીજા પણ ૭ પેસેન્જર બસ માં બેઠા. પુરી શહેરથી થોડે દૂર કોણાર્ક રોડ ઉપર આ વિશાળ મંદિર આવેલું હતું. ૭:૪૫ વાગે મીની બસ મંદિર પહોંચી ગઈ.

એક સ્વામી કેતનને ગેસ્ટહાઉસના રિસેપ્શન કાઉન્ટર પાસે લઇ ગયા. બીજા સ્વામી મંદિર તરફ સીધા અંદર ચાલ્યા ગયા.

" યે હરિભક્ત ગુજરાત સે આયે હૈ. ઉનકો એક અચ્છા સા રૂમ દે દો. હમારે ગેસ્ટ હૈ. ઉનકા ખયાલ રખના. " સ્વામીજીએ રિસેપ્શન ઉપર બેઠેલા યુવાન સ્વામીને કહ્યું.

" જી મહારાજ. " રિસેપ્શન વાળા સ્વામી બોલ્યા. એ પછી પેલા સ્વામી અંદર તરફ વળી ગયા.

" ઉપર દૂસરે મઝલે પે રૂમ નંબર ૨૧૧ મેં ચલે જાઓ. આપકે સાથ એક દૂસરે હરિભક્ત ભી હોંગે. એક રૂમ મેં ૨ બેડ હૈ " સ્વામી બોલ્યા.

"જય સ્વામિનારાયણ " કેતન બોલ્યો અને લિફ્ટ તરફ ગયો. ૨૧૧ નંબરના રૂમમાં ૬૦ વર્ષની ઉંમરના દેખાતા એક સદગૃહસ્થ ઉતરેલા હતા. કેતનને જોઈને એમણે જય સ્વામિનારાયણ કહ્યું અને કેતને પણ વળતા નમસ્કાર કર્યા.

" કહાં સે આ રહે હો ?" પેલા વડીલે કેતનને પૂછ્યું.

" જી વડીલ... મૈ ગુજરાત જામનગર સે આ રહા હું. આપ ? "કેતન બોલ્યો.

" હું મુંબઈથી છું. કિરણ વાડેકર નામ છે મારું. મને તમારું ગુજરાતી આવડે છે. મેં દશ વર્ષ નવસારી અને વલસાડમાં સ્ટેટબેંકમાં જોબ કરેલી છે." કિરણભાઈ બોલ્યા.

" તો તો વાતચીત કરવાનું સરળ રહેશે. તમને મળીને ખૂબ આનંદ થયો કિરણભાઈ. પુરીમાં હું પહેલી વાર આવું છું. " કેતન બોલ્યો.

" મજાની જગ્યા છે આ. હું તો ચોથી વાર આવું છું. દર્શન કરવા આવ્યા છો કે ફરવા માટે ? " કિરણભાઈએ પૂછ્યું.

" માત્ર દર્શન માટે વડીલ. "

" તો તો સારું છે. ભાવથી દર્શન કરજો. અહીંની શ્રીકૃષ્ણની ચેતના ઘણી જ પાવરફૂલ છે." કિરણભાઈ બોલ્યા.

" તમને વાંધો ન હોય તો થોડું જગન્નાથપુરી વિશે જાણવું છે. મથુરા વૃંદાવન થઈને અહીં આવું છું. " કેતને કહ્યું.

"તમને આખો ઈતિહાસ કહું છું. પહેલાં એ કહો કે તમે ચા પીધી ? નીચે કાફેમાં ચા કોફી નાસ્તો મળે છે. તમે ચા પાણી પી આવો. નવ વાગે બંધ થઈ જશે. અહીં બાથરૂમમાં ગરમ પાણી આવે છે નાહી લો. વાતો તો પછી પણ થશે. " કિરણભાઈએ કહ્યું.

" જી ખૂબ ખૂબ આભાર ચા પીવાની બાકી જ છે. " કહીને કેતન ઊભો થયો અને નીચે કાફેમાં ગયો.

નાસ્તાની કોઈ ઈચ્છા ન હતી. એટલે ચા પીને એ રૂમમાં આવ્યો અને સૌથી પહેલાં નાહી લીધું. મથુરામાં ધોયેલાં કપડાં પહેરી લીધાં. પહેરેલાં કપડાં ધોઈને સૂકવી દીધાં.

એ પછી એ શાંતિથી પોતાના બેડ ઉપર બેઠો અને કિરણભાઈને જગન્નાથપુરી વિશે પૂછ્યું.

" તમારી આટલી ઉત્સુકતા જાણી મને આનંદ થયો. જુઓ મથુરામાં કનૈયાનો જન્મ થયો. ગોકુળમાં એનું બાળપણ વીત્યું. વૃંદાવનમાં એટલે કે તુલસીના વનમાં કિશોર અવસ્થામાં રાધા અને ગોપીઓ સાથે લીલાઓ કરી. દ્વારકામાં પુખ્ત ઉંમરે વૃદ્ધાવસ્થા સુધી રાજા તરીકે રાજ્ય કર્યું. જ્યારે દેહાવસાન પછી એમની સૂક્ષ્મ ચેતના બંગાળની ખાડીમાં આવેલા આ પુરીમા સ્થિર થઈ. પુરીમાં એમનું હૃદય આજે પણ ધબકે છે. " કિરણભાઈ બોલ્યા.

" એ કેવી રીતે ? શ્રીકૃષ્ણની ચેતના અહીં કેવી રીતે સ્થિર થઈ ? " કેતનને સમજાયું નહીં એટલે પૂછ્યું.

" એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણને બાણ વાગ્યા પછી એમના પાર્થિવ દેહને પાંડવોએ અગ્નિદાહ આપ્યો. ચિતામાં આખું શરીર ભસ્મ થઈ ગયું પણ હૃદયનો ભાગ કલાકોના કલાકો સુધી સળગતો જ રહ્યો. એટલે પાંડવોએ એ ભાગ લઈને દરિયાના પાણીમાં પધરાવી દીધો." કિરણભાઈ બોલ્યા.

" હજારો વર્ષ સુધી એ દરિયામાં જ તરતો રહ્યો અને કાળાંતરે એ ધબકતા હૃદયનો ભાગ બારમી સદીમાં પુરીના દરિયા કિનારે આવ્યો. એ સમયે પુરીના શ્રીકૃષ્ણના ભક્ત રાજાને સપનામાં શ્રીકૃષ્ણે કહ્યું કે દરિયાકિનારે એક વૃક્ષ તણાઈને આવ્યું છે એના લાકડામાંથી મારી, બલરામજીની અને સુભદ્રાની એમ ત્રણ મૂર્તિઓ બનાવ અને મારું હૃદય દરિયા કિનારેથી લાવીને મારી મૂર્તિમાં ગોઠવી દે. " કિરણભાઈએ વિગતવાર ચર્ચા શરૂ કરી.

" એ પછી વિશ્વકર્માએ એક મૂર્તિકારનું રૂપ ધારણ કરીને રાજાનો સંપર્ક કર્યો અને એ લાકડામાંથી શ્રીકૃષ્ણ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની ત્રણ મૂર્તિઓ બનાવી. એ પછી દરિયામાંથી શ્રીકૃષ્ણએ બતાવેલી જગ્યાએથી હૃદયનો ભાગ શોધીને રાજાએ શ્રીકૃષ્ણ એટલે કે જગન્નાથની મૂર્તિમાં ગોઠવી દીધો. આજે પણ એ હૃદય ધબકે છે. એટલે જ જગન્નાથમાં આજે આટલું બધું ચૈતન્ય છે."

" અદભુત !!! આ બધી માહિતી તો પહેલી વાર મેં સાંભળી. " કેતન બોલ્યો.

"આ મંદિરમાં શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રા પરિવાર રહે છે અને દર ૧૨ વર્ષે એમની આ લાકડાની મૂર્તિઓને બદલવામાં આવે છે. એમનું ધબકતું હૃદય જેને બ્રહ્મ ચૈતન્ય કહેવામાં આવે છે એ જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં અંધારામાં આંખે પાટા બાંધીને ખાસ પૂજા વિધિ દ્વારા બદલવામાં આવે છે. એ સમયે આખા પુરીમા અંધારપટ કરવામાં આવે છે. અંધારામાં પુજારી હૃદયને સ્પર્શ કરી ધબકારા અનુભવી શકે છે. આંખો ખોલવાની સખ્ત મનાઈ છે."

" આ મંદિરની ઊંચાઈ ૬૫ મીટર છે. મંદિરની ધજા રોજ સાંજે બદલવામાં આવે છે. અને આ ધજા હંમેશા પવનની ઊંધી દિશામાં ફરકે છે. સવારે બપોરે કે સાંજે મંદિરનો કોઈ પડછાયો પડતો નથી. અહીંના દરિયાના મોજાંઓ જબરદસ્ત ઘુઘવાટ કરે છે પણ મંદિરમાં પ્રવેશ કરો એટલે અવાજ બંધ થઈ જાય. તમે જાતે જ અનુભવ કરી શકો છો. અહીંના મહા રસોઈઘરમાં ૫૦૦ રસોઈઆ રસોઈ કરે છે અને ભગવાનનો મહાપ્રસાદ બને છે. ભગવાનને ધરાવ્યા પછી ભક્તો માટે મહાપ્રસાદ તરીકે વહેંચાય છે. " કિરણભાઈ કહી રહ્યા હતા.

" મંદિરની ટોચ ઉપર જે સુદર્શન ચક્ર છે એ અષ્ટધાતુનું બનેલું છે અને તમે મંદિરની ચારે તરફ ફરીને જુઓ તો પણ દરેક દિશામાં એ તમારી સામે જ ફરતું હોય એવું દેખાય છે." કિરણભાઈએ કહ્યું.

" તમે મને ઘણી બધી માહિતી આપી વડીલ અને પહેલી વાર આ બધું જાણ્યું. આ બધું જાણતા હો તો દર્શન કરવાનો આનંદ જ કંઇ ઔર હોય છે. " કેતન બોલ્યો.

"શ્રી કૃષ્ણની લીલા મથુરા ગોકુળ વૃંદાવન દ્વારકા અને છેલ્લે જગન્નાથપુરી સુધી વિસ્તરેલી છે. ભારતમાં અને વિદેશમાં શ્રી કૃષ્ણનાં મંદિરો તો ઘણાં બધાં છે અને એ દરેક મંદિરમાં ચેતના તો હોય જ છે પણ આ ચાર જગ્યાઓ આજે પણ એકદમ જીવંત છે. શ્રી કૃષ્ણ ભગવાન સૂક્ષ્મ દેહે જગન્નાથમાં વસે છે. " કિરણભાઈ બોલ્યા.

" તમારી વાત સાવ સાચી છે. તમે તો સ્વામિનારાયણ ધર્મ પાળતા હશો" કેતને સહજ પૂછ્યું.

" ના જી. હું કૃષ્ણનો અનન્ય ભક્ત છું. હું પ્રભાદેવી માં રહું છું. સ્વામિનારાયણ મંદિર દાદરમાં દર્શન કરવા અવાર નવાર જતો હોઉં છું. ત્યાંના એક સ્વામીજીના રેફરન્સથી છેલ્લા બે વખતથી અહીંયા ઊતરું છું. ઘણી સારી સગવડો છે અહીંયા. " કિરણભાઈ બોલ્યા.

" ચા-પાણી જમવાનું રહેવાનું બધું હરિભક્તો માટે ફ્રી હોય છે. બપોરે ૧૨ થી ૧:૩૦ અને સાંજે ૮ થી ૯:૩૦ જમવાનો ટાઈમ હોય છે બે ટાઈમ ચા કોફી નાસ્તો નીચે કાફેમાં જઈને કરી લેવાનાં." કિરણભાઈએ પોતાની વાત પૂરી કરી અને કેતનને ઘણી બધી માહિતી આપી દીધી.

" અહીંયા દર્શન નો ટાઇમ કેવી રીતનો હોય છે ? " કેતને પૂછ્યું.

" દર્શનની કોઈ ચિંતા નથી. સવારે સાતથી સાંજના સાત સુધી દર્શન ચાલુ જ હોય છે. ભીડ બહુ હોય છે અને ઘણી વાર ધક્કા મુક્કી પણ થાય છે છતાં દર્શન શાંતિથી થાય છે. અહીંના મંદિરના ચાર દરવાજા છે પરંતુ પૂર્વ તરફના સિંહદ્વારથી જ આપણે પ્રવેશ કરી શકીએ છીએ. અંદરના સંકુલમાં બીજા નાના મંદિરો પણ છે. "

" મંદિરની અંદર મહાપ્રસાદનું વિતરણ થાય છે. એ પ્રસાદ તમે પૈસાથી પણ ખરીદી શકો છો. છપ્પનભોગનો એ પ્રસાદ સ્વાદિષ્ટ હોય છે અને માટીના પાત્રમાં મળે છે. આ પ્રસાદ તમે ભગવાનની સામે ખાઈ ના શકો પરંતુ મુખ્ય મંદિરની બહાર પરિસરમાં જઈને લઈ શકો છો. પંડાઓ નું અહીં બહુ જ જોર હોય છે. જબરદસ્તી પૈસા પડાવતા હોય છે. તમારે બહુ ધ્યાન રાખવું પડે." કિરણભાઈ બોલ્યા.

" તમે વડીલ એક ગાઈડની જેમ મને આ માહિતી બહુ સરસ રીતે આપી. મંદિર સિવાય અહીંયા બીજું શું જોવા લાયક હોય છે ? " કેતને જિજ્ઞાસાથી પૂછ્યું.

" જુઓ અહીંનો દરિયો જોવા લાયક છે. અહીંયા ગોલ્ડન અને સિલ્વર બીચ છે. અહીં દરિયાનું પાણી એકદમ ચોખ્ખું છે. પરંતુ તેજ ભરતી આવે છે. તોફાની દરિયો છે. અહીં પવનના સૂસવાટા બહુ જ હોય છે."

" એ સિવાય ટૂરિસ્ટો માટે આજુબાજુ ૧૫ ૨૦ કિલોમીટરના અંતરમાં ઘણી બધી જગ્યાઓ છે. અહીં નજીકમાં કોણાર્ક મંદિર પણ છે. અહીં ઘણાં સનાતન મંદિરો અને મઠો છે. ચિલ્કા ઝીલ પણ અહીં જોવા જેવું છે. એક નંદનકાનન બોટાનિકલ ગાર્ડન પણ સરસ છે પણ એ બહુ દૂર છે." કિરણભાઈ બોલ્યા.

" મને જો કે આ બધું જોવામાં કોઈ રસ નથી. બહુ બહુ તો બીચ ઉપર જઈને બેસીશ. દરિયાની સામે આધ્યાત્મિક ભાવોનું ઉદ્દીપન થાય છે. ત્યાં નીરવ શાંતિ હોય તો ધ્યાન પણ જલ્દી લાગી જાય. " કેતન બોલ્યો.

" અરે તમે તો આ ઉંમરે ઘણા આગળ વધી ગયેલા છો. તમારી વાતોમાં તમારા આત્માનું પ્રતિબિંબ પડે છે. તમારી ઓરા પણ પાવરફૂલ છે. કોઈ ગુરુ કર્યા છે ? " કિરણભાઈ બોલ્યા.

" કર્યા નથી પરંતુ નજીકમાં ગુરુ મળી જશે એવો અહેસાસ થઇ રહ્યો છે. ધ્યાનમાં ઘણા અનુભવ કરું છું. " કેતને જવાબ આપ્યો.

" તમે પણ શ્રીકૃષ્ણની ચેતના સાથે સંકળાયેલા છો એવો મને આભાસ થાય છે. કુદરતે અહીંયા પણ તમને મારી રૂમમાં જ ગોઠવી દીધા. મારા દ્વારા જગન્નાથનું રહસ્ય પણ તમે જાણી લીધું. શું તમે એને એક યોગાનુયોગ કહેશો ? ઘણી બધી ઘટનાઓ સૂક્ષ્મ જગતમાં ચાલતી હોય છે પરંતુ આપણે તે સમજી શકતા નથી. તમારી પાછળ કોઈ દિવ્ય શક્તિ કામ કરી રહી છે. નાના-મોટા ઋણાનુબંધથી તમારી સાથે કોઈ જોડાય છે તો કોઈ છૂટું પડે છે. "

" આ હિસાબે તમે પણ ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કિરણભાઈ !!" કેતન બોલ્યો.

કિરણભાઈ પણ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા !! એમનો લાભ લેવો પડશે. - કેતને વિચાર્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)