પ્રાયશ્ચિત - 90 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 90

પ્રાયશ્ચિત પ્રકરણ 90

"કેતનને ગયાને ચાર પાંચ દિવસ થઈ ગયા. કેતન ફોન કેમ નથી કરતો ? કમ સે કમ દિવસમાં એકવાર ઘરે વાત તો કરી લેવી જોઈએ ને ? અમેરિકા હતો ત્યારે પણ રોજ ફોન આવતો. જાનકી તારે કોઈ વાત થઈ છે કેતનની સાથે ? " જગદીશભાઈ બોલ્યા.

" ના પપ્પા મારી ઉપર પણ એમનો કોઈ ફોન આવ્યો નથી. મેં ગઈ કાલે રાત્રે ફોન સામેથી કરેલો પણ એમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ટ્રેનની મુસાફરીમાં હોય તો નેટવર્ક પણ ક્યારેક નથી હોતું." જાનકી બોલી.

" અરે પણ એ ટ્રેનમાં મુસાફરી શા માટે કરે ? અને માણસ રાત્રે હોટલમાંથી સૂતી વખતે તો ફોન કરી શકે ને ?"

" પપ્પા મેં પણ પરમ દિવસે ફોન કરેલો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો." સિદ્ધાર્થ બોલ્યો.

સવારે ૭:૩૦ વાગ્યે ચા પીતાં પીતાં જગદીશભાઈ પોતાના પરિવાર સાથે વાત કરી રહ્યા હતા.

" સિદ્ધાર્થ તું આઠ વાગ્યા પછી અસલમ સાથે વાત કરી લે. અત્યારે તો કદાચ એ લોકો બધા સુતા પણ હોય !" જગદીશભાઈ બોલ્યા.

" હા પપ્પા હું નવ વાગે પહેલાં કેતનને ટ્રાય કરીશ. અને ના લાગે તો પછી અસલમ સાથે વાત કરીશ. " સિદ્ધાર્થ બોલ્યો.

નવ વાગે સિદ્ધાર્થે પહેલાં કેતનને ફોન કર્યો પરંતુ આજે પણ એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. છેવટે સિદ્ધાર્થે અસલમને ફોન કર્યો.

અસલમ ઉપર સિદ્ધાર્થનો ફોન આવ્યો એટલે અસલમ સાવધ થઈ ગયો. સિદ્ધાર્થ હોસ્પિટલ સંભાળતો હતો એટલે એનો નંબર અસલમના મોબાઈલમાં સેવ કરેલો હતો. શું જવાબ આપવો એના વિચારોમાં અસલમે પહેલી વાર ફોન ઉપાડ્યો જ નહીં. એણે થોડું વિચારી લીધું.

બીજીવાર રીંગ આવી એટલે એણે તરત ફોન ઉપાડ્યો.

" હા સિદ્ધાર્થભાઈ અસલમ બોલું. "

" અરે જરા કેતનને આપ તો. ચાર દિવસથી એનો ફોન નથી અને એનો ફોન સ્વીચ ઓફ આવ્યા કરે છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" અમે લોકો કલકત્તા આવ્યા છીએ. હા એ ફોન બંધ જ રાખે છે. મેં એને કહેલું કે ફોન તો ચાલુ રાખ. પણ એ કહે કે બહાર નીકળી ગયા પછી ફોનનું ડિસ્ટર્બન્સ ના જોઈએ. " અસલમે ચલાવ્યું.

" અરે પણ એ રાત્રે ઘરે તો સામેથી ફોન કરી શકે ને ? " સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ. હું એને કહીશ કે ઘરે વાત કરી લે. " અસલમ બોલ્યો.

" અરે પણ અત્યારે જ એને આપ ને ?" સિદ્ધાર્થ બોલ્યો.

" અત્યારે એ કોઈ મંદિરમાં દર્શન કરવા ગયો છે. તમને તો ખબર છે એ ધ્યાન વગેરે કરતો હોય છે." અસલમને જે જવાબ સૂઝ્યો એ આપી દીધો.

" ઠીક છે. આવે એટલે ફોન કરવાનું કહેજે ." સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ " કહીને અસલમે ફોન કટ કર્યો.

આ કેતન ઘરે ફોન કેમ નહી કરતો હોય ? બીજી વાર ફોન આવે તો મારે શું કહેવું ? અસલમ થોડો ટેંશનમાં આવી ગયો અને એણે કેતનને ફોન જોડ્યો. પરંતુ કેતનનો ફોન ખરેખર બંધ હતો.

એણે કેતનને એક મેસેજ કર્યો.

# કેતન સિદ્ધાર્થભાઈ નો ફોન હતો. અરજન્ટ ઘરે એકવાર ફોન કરી લે. એ લોકો ચિંતા કરે છે. મેં કલકત્તાનું કહ્યું છે.
*********************
કિરણભાઈની વાતો સાંભળીને કેતનને એમના માટે માન પેદા થયું. એને ખાતરી થઇ ગઇ કે કિરણભાઈ પણ એક ઊંચા સાધક છે. નહીં તો પોતાના વિશે આવી વાત ના કરે.

" વડીલ તમે ચોક્કસ એક સારા સાધક છો તે મને ખ્યાલ આવી ગયો. મને મારા વિશે જાણવાની જિજ્ઞાસા છે. ધ્યાનમાં તો હું રોજ બેસું છું. "

" આપણે શાંતિથી બેસીશું. મને જેટલી ખબર પડે છે એટલું હું કહીશ. પરંતુ અત્યારે તમે એકવાર દર્શન કરી આવો. દર્શન બહુ જ મહત્વનાં છે. આ ધરતી ઉપર પગ મૂક્યો છે તો પહેલાં એ દિવ્ય ચેતનાના આશીર્વાદ લઇ લો. દર્શન કરવાથી તમારી કુંડલિનીને થોડો ધક્કો ચોક્કસ લાગશે. પોઝિટિવ ઉર્જાનો પણ સંચાર થશે. " કિરણભાઈ બોલ્યા.

" હા તમારી વાત સાચી છે વડીલ. હું અત્યારે જ જઈ આવું. તમે સાથે નહીં આવો ? "

" ના હું સાંજે જઈશ. અને તમે કેવી રીતે જશો ? અહીંથી મંદિર નજીક નથી. તમારે વાહન કરવું પડશે. મંદિરના મોટા સંકુલમાંથી ચાલતા ચાલતા બહાર જશો પછી તમને આગળથી આવતી કોઈ રીક્ષા શેરિંગ માં મળી જશે. અથવા તો થોડા થોડા અંતરે અહીંથી મીની બસ જતી હોય છે એમાં તમે જાઓ. એના માટે તમારે નીચે ઇન્કવાયરીમાં વાત કરવી પડશે. " કિરણભાઈ બોલ્યા.

" તો પછી એમ જ કરું. ઇન્કવાયરીમાં એક વાર નીચે જઈને પૂછી લઉ" કહીને કેતન નીચે ઊતર્યો અને ઇન્કવાયરીમાં જઈ સ્વામી સાથે મંદિરે દર્શન કરવા જવાની હિન્દીમાં વાત કરી.

" અભી ૧૫ મિનિટકે બાદ હી મીનીબસ નીકલતી હૈ. આપ દસ મિનિટમે નીચે આ જાઓ. બસ આપ કો મંદિર તક છોડ દેગી. જહાં આપકો ઉતાર દે વહીં સે ૧૨ બજે રીટર્ન બસ નીકલેગી. તો અગર આપકો વાપસ આના હો તો ઉસી જગહ ૧૨ તક આ જાના. વરના દૂસરી બસ દેઢ બજે આયેગી વહાં. " સ્વામીએ કહ્યું.

હજુ તો ૧૦ વાગ્યા હતા. દર્શન કરવામાં એક કલાક તો પર્યાપ્ત હતો. કેતન રૂમમાં જઈને ૧૦ મિનિટમાં નીચે ગેટ પાસે આવી ગયો. પાંચ મિનિટમાં બસ આવી ગઈ અને બીજી ૨૦ મિનિટમાં કેતન મંદિર પાસે ઉતરી ગયો.

સિંહદ્વાર પાસે ભીડ ઘણી હતી. અમુક લોકો તો લગભગ દોડતા જ અંદર જતા હતા. કેતને શાંતિથી અંદર પ્રવેશવાનું નક્કી કર્યું. કિરણભાઈની વાત સાચી હતી. દરિયાનો ઘુઘવાટ મોટેથી સંભળાતો હતો. પવન પણ ઘણો હતો.

કેતને બે હાથ જોડી મંદિરને વંદન કર્યાં અને ભીડમાં અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં જ બહારનો અવાજ બિલકુલ બંધ થઈ ગયો. જરાપણ ઘુઘવાટ સંભળાતો ન હતો. અંદર ખૂબ જ વિશાળ જગ્યા હતી. મંદિરનું પરિસર બહુ જ મોટું હતું.

છેવટે કેતન જગન્નાથની મૂર્તિની સામે જઈને ઊભો રહ્યો. બે હાથ જોડી નતમસ્તક થયો અને સાચા હૃદયથી ખૂબ જ પ્રાર્થના કરી. આવી દિવ્ય ચેતના સામે કરેલી પ્રાર્થના હંમેશા ફળતી હોય છે એ કેતન જાણતો હતો. એટલે એણે પોતાને અભિશાપમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળે અને ગુરુજીની પ્રાપ્તિ થાય એ માટે જ પ્રાર્થના કરી.

ઈશ્વરે એને ઘણું આપ્યું હતું એટલે એને કોઈ ભૌતિક કામના ન હતી. એણે પોતાને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય અને કુંડલિની જાગૃત થાય એના માટે જ પ્રાર્થના કરી. દશેક મિનિટ ત્યાં જ ઉભો રહ્યો એ પછી એ સાઈડમાં એક્ ખૂણામાં ધ્યાનમાં બેસી ગયો. જાગૃત જગ્યા હતી એટલે ઝડપથી એને ધ્યાન લાગી પણ ગયું.

કેતનને ધ્યાનમાં અનુભૂતિ થઈ ગઈ કે એની પ્રાર્થના શ્રીકૃષ્ણ સુધી પહોંચી ગઈ છે અને એની તમામ ઈચ્છાઓ પૂરી થઈ જશે. એ ઉભો થયો. ફરી બે હાથ જોડી ત્રણેય મૂર્તિઓને ભાવથી વંદન કર્યા. બહાર આવીને એણે પ્રસાદ લીધો અદભુત સ્વાદ હતો. માલપૂડા, પાલક ની ભાજી, મીઠા ભાત અને બીજી મીઠાઈ હતી. પ્રસાદ ખાતી વખતે પણ એણે એવી ભાવના કરી કે મહાપ્રસાદ રુપે ઈશ્વરની કૃપાને જ એ પોતાના શરીરમાં ઉતારી રહ્યો છે.

એ પછી એણે મંદિરમાં ૫૦ હજારનો ચેક ભેટમાં લખાવી દીધો. કારણ કે એને ખબર હતી કે જ્યારે કોઈ જાગૃત ચેતના પાસે જાઓ અને કંઈ માગો ત્યારે સામે યથાશક્તિ કંઈપણ ભેટ મૂકવી. ખાલી હાથે ન જવું. પછી એ ફળ ફૂલ હોય કે પછી નાની મોટી રકમ. આદાન-પ્રદાન એ જગતનો શાશ્વત નિયમ છે .

મંદિરની પ્રદક્ષિણા કરીને એ બહાર નીકળી ગયો. એને બીજું કંઈ જોવામાં રસ જ ન હતો. એ અત્યારે એક ઉંચી આધ્યાત્મિક અવસ્થામાં હતો. એનું હૃદય પ્રફુલ્લિત થઇ ગયું હતું એક અદભુત આનંદનો એનામાં સંચાર થયો હતો.

ગુરુજીએ આજ્ઞા કરેલી તમામ યાત્રા આ છેલ્લાં દર્શન સાથે જ અહીં સમાપ્ત થતી હતી અને હવે પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું હતું. બસ આવવાની હજુ દસ મિનિટ વાર હતી. એ એની જગ્યા પર આવી ગયો જ્યાંથી બસ ઉપડવાની હતી. પુરીમાં અત્યારે ઘણી ચહલ-પહલ હતી. નવા નવા યાત્રીઓ આવતા હતા. જુદાં જુદાં ફરવાના સ્થળો માટે રીક્ષાઓ અને ટુરિઝમની બસો ભરાઈ રહી હતી.

૧૨:૦૫ કલાકે સ્વામિનારાયણ મુખ્ય મંદિરની મીની બસ આવી ગઈ એટલે કેતન એમાં બેસીને પોતાના ગેસ્ટ હાઉસમાં પાછો આવી ગયો. ટ્રેનના ટાઈમ ટેબલ મુજબ આ મીની બસ ફરતી હતી.

ઘણા સમયથી એણે ફોન બંધ રાખ્યો હતો. ઘરના બધા યાદ કરતા હતા એવો સંકેત એને દર્શન કર્યા પછી અંદરથી જ મળ્યો. છેલ્લા ચાર દિવસમાં એણે જાણીજોઈને વાત કરવાનું ટાળ્યું હતું. એની ઈચ્છા જ્યાં સુધી આ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી ખોટું નહીં બોલવું એવી હતી. ભલે પાછળથી થોડો ઠપકો સાંભળી લેવો પડે !!

ગેસ્ટ હાઉસમાં આવીને નીચે રિસેપ્શન કાઉન્ટરવાળા હોલમાં એ સોફામાં બેઠો. ફોન ચાલુ કર્યો તો ઘરેથી ચાર પાંચ મિસ કોલ હતા અને બીજા બે મેસેજ હતા. પહેલાં અસલમનો મેસેજ વાંચ્યો. બિચારો અસલમ આજે ફસાઈ ગયો હતો. એણે પહેલાં અસલમ સાથે જ વાત કરવાનું નક્કી કર્યું કે અસલમ સાથે શું વાતચીત થયેલી છે !

" અસલમ કેતન બોલું. " કેતને કહ્યું.

" અરે કેતન તું છે ક્યાં અત્યારે ? અને ફોન કેમ બંધ રાખ્યો છે ?" અસલમ ખુશ થઈને બોલ્યો.

" હું અત્યારે જગન્નાથપુરી છું. બસ આજે મારી યાત્રા પૂરી થાય છે. કાલે અહીંથી નીકળી જઈશ. હવે તો હું ફ્લાઈટમાં પણ આવી શકું છું પરંતુ આ સંપૂર્ણ યાત્રા ટ્રેનમાં જ કરવી છે. ત્રણ દિવસ પછી જામનગર પહોંચી જઈશ. મારે આ પવિત્ર યાત્રા દરમિયાન મમ્મી-પપ્પા સાથે ખોટું બોલવું ના પડે એટલા માટે મેં ફોન બંધ રાખેલો. હવે મારો ફોન ચાલુ રહેશે એટલે તારા ઉપર ફોન નહીં આવે." કેતને હસીને કહ્યું.

" ઓકે ઓકે સમજી ગયો. પરંતુ સૌથી પહેલાં સિદ્ધાર્થભાઈ સાથે વાત કરી લે. મેં કહ્યું છે કે અમે લોકો કલકત્તામાં છીએ અને કેતન મંદિરે દર્શન કરવા ગયો છે." અસલમ બોલ્યો .

કેતને અસલમ સાથે વાત કરીને તરત જ સિદ્ધાર્થને ફોન કર્યો.

" ભાઈ કેતન બોલું. અસલમે મને વાત કરી. સોરી ભાઈ... તમને લોકોને ફોન ના કર્યો. હજુ બે-ત્રણ દિવસનો અમારો પ્રવાસ છે. પછી હું જામનગર પહોંચી જઈશ. " કેતન બોલ્યો.

" તારી તબિયત તો સારી છે ને ? હું તો અત્યારે હોસ્પિટલ જ છું. તું ઘરે વાત કરી લે. " સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ." કહીને કેતને ફોન કટ કર્યો અને જાનકીને ફોન લગાવ્યો.

" તને તો ખબર જ છે કે હું યાત્રા ઉપર છું પરંતુ મારે મમ્મી-પપ્પા આગળ ખોટું બોલવું ના પડે એટલા માટે જ મેં ફોન બંધ રાખેલો. અત્યારે જગન્નાથપુરી છું પરંતુ ઘરમાં કલકત્તા જ ચાલુ રાખવાનું છે. ત્રણેક દિવસ પછી જામનગર આવી જઈશ. મારી ચિંતા ના કરતી. હવે મમ્મી પપ્પાને આપ." કેતન બોલ્યો.

" સોરી પપ્પા... કામકાજની ધમાલમાં અને મીટીંગોમાં ઘરે ફોન નહોતો કર્યો અને ફોન જ બંધ રાખેલો અસલમ તો મારી સાથે જ હતો એટલે મારું કંઈ કામ હોય તો એના ફોન ઉપર પણ તમે વાત કરી શકવાના જ હતા. બસ ત્રણ ચાર દિવસમાં હું ઘરે આવી જઈશ. " કેતન બોલ્યો પણ મનમાં એને થોડું દુઃખ થયું.

યાત્રા પૂરી થઈ ગઈ હતી પરંતુ ઘરે ના પહોંચું ત્યાં સુધી આ યાત્રા સંપૂર્ણ ના ગણાય એટલે ફ્લાઈટ પકડવી યોગ્ય ન હતી. કાલની ટ્રેન જ શોધવી પડશે. અને દર્શન થઇ ગયાં હતાં એટલે હવે એ પૈસા ખર્ચીને પણ બહાર કે ટ્રેનમાં જમી શકતો હતો !!

બીજો મેસેજ કેતકીનો હતો. અને એના બે મિસ કૉલ પણ હતા.

# ક્યાં છો તમે ? બે દિવસથી ફોન કરું છું પણ સ્વીચ ઓફ આવે છે. મને મેસેજ કરો.

કેતને મેસેજ ડીલીટ કરી દીધો અને મોબાઇલ ખિસ્સામાં મૂકી એ પોતાના રૂમમાં ગયો.

" આવી ગયા તમે ? તમારી જ રાહ જોતો હતો. મને એમ કે તમે આવી જાઓ તો સાથે જ જમવા જઈએ. " કિરણભાઈ બોલ્યા.

" હા હા... ચાલો જમવાનું ચાલુ થઈ ગયું હશે" કેતન બોલ્યો.

કેતન અને કિરણભાઈ નીચે જમવા માટેના હોલમાં ગયા. બુફે ગોઠવાયેલુ હતું. ઘણી બધી વાનગીઓ હતી. જેને જે ઈચ્છા હોય તે જાતે જ થાળીમાં લઈ લેવાનું હતું. ટેબલ ઉપર બેસીને જમવાનું હતું.

મીઠાઈમાં બાસુદી લચકો મોહનથાળ અને મગની દાળનો શીરો હતાં. પુરી અને કુલચા બંને હતા. ત્રણ પ્રકારના શાક હતાં. કઠોળમાં ચોળા હતા. દાળ અને કઢી બંને હતાં અને જીરા રાઈસ હતા. એક પાત્રમાં રાયતું પણ હતું. ફરસાણમાં કટલેસ અને ખાંડવી હતી.

કેતને ટેસ્ટ માટે દરેક આઈટમ થોડી થોડી લીધી. દાળને બદલે કઢી પસંદ કરી. સ્વામિનારાયણનું ભોજન રસથાળ જેવું જ હોય છે ! કિરણભાઈએ ચાર પાંચ આઈટમ પસંદ કરી. બંને જણા ટેબલ ઉપર જઈને બેઠા.

" કેવાં રહ્યાં તમારાં જગન્નાથજીનાં દર્શન ? " કિરણભાઈએ હસીને પૂછ્યું.

" વડીલ સાચું કહું ? તમે જો સવારે મને જગન્નાથનો ઇતિહાસ અને એમનું મહત્વ ના કહ્યાં હોત તો મને જે આજે મજા આવી એવી કદાચ ના આવી હોત." કેતને નિખાલસતાથી કહ્યું.

" તમારી વાત સાચી છે. પહેલીવાર હું જ્યારે આવ્યો ત્યારે જાણે ફરવા આવ્યો હોઉં એમ યંત્રવત દર્શન કરેલાં પરંતુ મને જ્યારે આ બધી બાબતો મુંબઈ ગયા પછી જાણવા મળી ત્યારે હું રડી પડેલો અને ફરી પાછો ખાસ દર્શન માટે બીજી વાર આવેલો !! એ પછી તો બસ જ્યારે પણ મરજી પડે આવી જાઉં છું." કિરણભાઈ બોલ્યા.

" ઈશ્વર માટે થઈને રડી પડવું એ પણ બહુ ઊંચી અવસ્થા છે ! " કેતન બોલ્યો. એ પછી બંનેએ જમવામાં ધ્યાન પરોવ્યું.

"હજુ મારે તમારી પાસેથી ઘણું જાણવું છે " જમી રહ્યા પછી કેતન બોલ્યો.

" જરૂર. હમણાં બે કલાક આપણે થોડો આરામ કરી લઈએ."કહીને કિરણભાઈ એંઠી થાળી અને ગ્લાસ લઈને ધોવા માટે વોશિંગરૂમ તરફ ગયા. કેતન પણ પાછળ પાછળ ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)