બસ, પાંચ દિવસ..! Ketan Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બસ, પાંચ દિવસ..!

બસ, પાંચ દિવસ..!

પ્રયાગનાં લગ્ન થયા ત્યારે એના મનમાં ઈન્દિરાબહેને કહેલા શબ્દો તરવરી રહ્યા હતા. " લગ્ન તો કર, પણ સાથે તારી પત્નીને પાંચ દિવસ સાચવી લે જે, તો તને પચ્ચીસ દિવસ અનરાધાર પ્રેમ મળતો રહેશે અને તને એમ જ સાચવશે !" પ્રયાગ એટલો નાનો નહોતો કે પાંચ દિવસ વાળી વાતનું અનુમાન લગાવી ન શકે. તેને ઈન્દિરાબહેન પર ખૂબ ભરોસો. આમ, તેના વડીલમિત્ર કહીએ તો કાંઈ ખોટું નહીં. બાવન વર્ષનાં ઈન્દિરાબહેન બીમારીને લીધે ક્યારેય પરણ્યા નહીં, પણ પ્રયાગ જેવડા દીકરા-દીકરીઓને જરૂર પડ્યે જીવન જરૂરી સૂચન આપવામાં માનતા. એ ઇન્ડિરાબહેને કહ્યું.. " વાત ભલે સમજાય એવી હોય, પણ સમજણ ખરા સમયે અમલમાં મૂકી શકાય તો જ કહેવાય !"

એ વાત સાવ સાચી હતી એવું અનુભવ વગર સામાન્ય પુરુષ કેમ સમજે!? એ પાંચ દિવસ એટલે સ્ત્રીના માસિક ધર્મનાં - પ્રકૃતિની મળેલી એક અણમોલ ભેંટ; પણ સાથોસાથ અત્યંત પીડા, યાચના અને દર્દમાંથી પસાર થવાનો અનુભવ. પૃથ્વી પર જીવ સૃષ્ટિની સાથે જ શરૂ થયેલી જીવન ચક્રની નિત્ય પુનરાવર્તીત થતી અવસ્થા..! છતાંય અસહજ લાગતી, ને સ્ત્રીના મન - હૃદય પર ભારણ વધારતો સમાજ અને કુટુંબનો દ્રષ્ટિકોણ !

પ્રયાગના માનસ ચિત્ર પર એકપછી એક ઘણા વિચારો ફરી વળ્યાં હતા.. કેટકેટલા ઘરોમાં, જુનાં સમયમાં...કદાચ હજુ પણ, સ્ત્રીના માસિક ધર્મનાં દિવસોમાં 'એ અડીને બેઠી છે..' એવું કહેવાતું......! એ દિવસોમાં સ્ત્રીઓથી રસોડામાં ન જવાય, કોઈની નજીક ન બેસાય...જમવા સાથે ન બેસાય... ને, એણે સૌથી અલગ રહી જમીન પર સુવાનું...વગેરે વગેરે...

શું આવું થવું વ્યાજબી છે ? શું સ્ત્રીએ આવા બંધનમાં રહેવાનું જરૂરી હશે ? શું આને જાગૃતિનો અભાવ કેવાય ? હકીકત તો એ પણ છે કે જ્યારે પ્રથમ માસિક ધર્મની શરૂઆત થાય છે ત્યારે 'હેબતાઈ કે ભયભીત' થયેલી એ કન્યાને સૌથી વધારે માં'ની હૂંફ, સ્નેહ ને સાંત્વનાની જરૂર હોય છે. ઘણા માં-બાપને તો એ વાતની યાતો સમજ નથી હોતી યા એ વાત ધ્યાનમાં જ ન આવતી હોય..એવું ! ખરેખર તો, આવા સમયે, રજોવૃત્તિમાં પ્રવેશેલી કન્યાને સાચી સમજ આપી ભયમુક્ત કરવાની હોય....! આ ઘટનાક્રમ કુદરતી છે, અને વિજ્ઞાનની સમજથી પરે પણ નથી...! જે છે તે સત્ય છે..! જો એ નથી તો સંસાર પણ નથી..! રજોવૃત્તિની કુદરતી પ્રક્રિયા સંસારચક્ર ને ચાલતું રાખતી એક અદ્વિતીય ઘટના છે. તેથી જ તો એ અવસ્થા ને 'ધર્મ' શબ્દ મળ્યો છે. તો પછી, સ્ત્રીની એ શારીરિક યાતનાની સ્થિતિમાં માનસિક યાતના ઉમેરવાનો દ્રષ્ટિકોણ શા માટે..? લજ્જા શા માટે..? ભય શા માટે..? અસ્પૃશ્યતા શા માટે..?

... વિચારોમાં ખોવાયેલો પ્રયાગ લગ્ન કરીને પોતાના ઘરે હતો - દુલ્હન સાથે, પત્ની સાથે... ! જીવન પસાર થવા લાગ્યું... સરસ રીતે - પ્રેમભાવથી..!

પાંચ દિવસ સાચવી લેવાનાં ? પણ, કેવી રીતે.. ? પત્ની બેચેન હોય, પેટ-પેઢું માં અતિશય વેદના-શૂળ હોય, મન વિચલિત હોય, બેચેની હોય, પુરી દુનિયા દુશ્મન જેવી લાગવા માંડે તેવી ઘૃણા નો ભાવ ક્યારેક ઉભરી આવતો હોય, ઘર-કામમાં કે વાત-ચિત માં રસ-રુચિ થતી ન હોય...; છતાંય દોડી-દોડીને ઘરકામ નિપટાવવામાં એ બળદની જેમ લાગી હોય - એ પણ હસતું મોં રાખીને... ! કોના માટે ? સાસુ માટે..? સસરા માટે..? પતી માટે ? કે પછી પોતાના લોકો માટે..? ..કદાચ પોતાના લોકો માટે - પોતાના કુટુંબ માટે...ને જેની જીવનસંગીની - અર્ધાંગિની બની છે તેના માટે...!

હવે પ્રયાગને ઈન્દિરાબહેનના કહેલા શબ્દો યાદ તો આવે પણ અમલમાં મૂકવા જાણે કઠીન લાગતા હતા.. આખા દિવસની નોકરી છોડીને એને મદદ કરવા બેસી જાય તો થાય..., કે પછી, ઘરે આવી પત્નીના કામમાં મદદ કરી દયે તો થાય...? કેવી રીતે એ 'પાંચ દિવસ' સાચવવાના...? રોજ એક આઈસ-ક્રીમ કે ચોકલેટ ખવડાવી..? રસોડામાં મદદે પહોંચી જઈએ તો વળી માં-બાપ બોલી ઉઠે, 'નવી નવાઈનાં લગન કર્યા છે ? તારી 'માં' ને તો ક્યારેય મદદ કરી નથી ને હવે ઘરકામ પણ આવડી ગયું..? સાવ ઘરવાળીનો..., ક્યારેય પત્ની જોઈ ન હોય તેમ...!"

પુરુષ એક વાર સહન કરી લ્યે, પણ પોતાના પતિ માટે આવા શબ્દો એક સ્ત્રી સહન ના જ કરે? ભલે, સ્ત્રી પોતાના પર કેટકેટલું દુઃખ ઝીલી લેતી હોય, પણ પોતાના પતિ માટે એક શબ્દ ન સહી શકે ! ઘરમાં અમારા બે સિવાય મમ્મી-પપ્પા, દાદા, ને એક નાનો ભાઈ..! કેવી રીતે મદદ થાય ....? પ્રયાગ માટે જાણે યક્ષ પ્રશ્ન હતો.. 'કેવી રીતે..?'

કેવી રીતે થાય મદદ..? કેવી રીતે સાચવવા એ 'પાંચ દિવસ' ? થોડી વાર તો જૂની પદ્ધતિ સારી લાગવા માંડી. ઘરડાઓએ બનાવેલી પ્રણાલી ખોટી નહોતી એમ જરી વિચાર આવી જ ગયો... દૂર ખૂણામાં બેસવાનું, પાણીનો અલગ ગ્લાસ આપી દેવાનો, રસોડામાં જવાની મનાઈ, કામ નહીં કરવાનુ... વગેરે વગેરે...., કેટલું સારું..? પેઢુંમાં ભયંકર દુખાવો હોય, પીડા-બેચેની હોય; છતાંય કામ કરવાનું એના કરતાં એ પ્રણાલી શુ ખોટી..? આમેય, પત્નીએ એક વાર પ્રયાગને કહેલું કે આ પાંચ દિવસ એનાથી ઘરમાં વર્ષના ભરેલા મસાલા, અથાણાં, કઠોળ કે અનાજ ને ન અડકાય... એ બગડી જાય..! અને વાત ખોટી પણ નહોતી... ઘરમાં આવું વર્ષોથી કહેવાય છે - ને, અનુભવ સિદ્ધ પણ રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે જોતા પણ એ વાત ને કોઈએ નકારી નથી..! હા, જેને વર્ષનું કરિયાણું ક્યારેય જોયું જ નથી એને કદાચ ખ્યાલ ન હોય એવું બને..! એય એક જાગૃતિનો જ વિષય હોય શકે..! ખેર, અહીં વાત છે સ્ત્રીની, વ્યક્તિની, સાચવાણીની, પ્રેમ જીતવાની..!

હા, વાત છે અહીં પત્નીની..! પત્નીના પાંચ દિવસ સાચવવાની ...! એટલી યાતના હોવા છતાંય પત્નીથી પ્રયાગની ગડમથલ છાની રહી નહીં હોય તેમ, " કેમ મૂંઝાયેલા - મુરઝાયેલા છો ?'' ".. હમ્મ..કંઈ નહીં...સાંજે વાત.." એમ કહી પ્રયાગ તો ચાલ્યો એના કામ પર...

સાંજે....રાત્રે, બધા કામથી પરવાર્યા પછી, પ્રયાગે વિચાર્યા પ્રમાણે એની પત્નીના રૂમ તરફ પગ ઉપડ્યા તો પાછળથી દાદીના મજબૂત, મક્કમ ને ધારદાર શબ્દો આવી ચડ્યા, 'રાત્રે એને એકલી સુવા દે.. આખા દિવસની થાકેલી હોય.. તારે અહીં જ સુવાનું - થોડા દિવસ. આ તો તમારો જમાનો થોડો બદલાય ગયો એટલે... બાકી તો 'આવા' દિવસોમાં રસોડામાંય ન જવાય તારી પત્નીથી..!" પ્રયાગને સમજ ન પડી કે આવી વાતચીતમાં શું બોલવું ને શું ન બોલવું.., પણ તેણે દાદીને કહ્યું "દાદી, તો પછી આપણે એવું જ ચાલુ કરીએ...જૂની રીત, એ સારું જ કેવાય..! પત્નીની સાથે નજીક બેસીને વાત ન થાય તો પછી આપણે એના હાથે બનાવેલી રસોઈ કેમ ખવાય...?? આમ કહી એ તો ચાલ્યો... પહોંચ્યો પત્નીના રૂમમાં..

" શું થયું છે તમને ? આવી વાત કરાય દાદી સાથે ? સારું ન લાગે..? પત્નીએ પ્રયાગને ટોક્યો.. પણ, પ્રયાગે 'જે છે એ સત્ય છે ને વાત થવી જોઈએ..' એમ પોતાનો મત રજૂ કરી દીધો.. પત્નીએ ફરી તેને કહયુ કે ત્રણ મહિનાથી - દર વખતે - પાંચ દિવસ તમે અલગ કમરામાં સુવો છો... એ બધાની ઈચ્છા છે.. તો તમારે એમ જ કરવું જોઈએ..!

"અલગ....! શા માટે અલગ ? જો અલગ કે દૂર રહીને જ પાંચ દિવસ સાચવવાના હોય તો તારા હાથના બનાવેલ રોટલા કેમ બધાના ગળે ઉતરી જાય છે..? પણ..." પ્રયાગ આગળ બોલવાનો પ્રયત્ન ન કરી શક્યો, તો પત્ની એ પૂછી જ લીધું, " પણ, શું..? અને તમે ચિડાયેલા કેમ લાગો છો?" પ્રયાગે આખરે બોલવાની હિમ્મત કરી.. " વિચારું છું કે તને કઈ રીતે મદદ કરું? ઘરકામ માટે કોઈને રાખીએ તો આભ તૂટીને આપણા ઘરની છત પર જ આવે..! તારું આખા દિવસનું કામ - એમાંય આવા સમયે - મને શૂળ ભોંકતા હોય એવું લાગે છે..! આવો દુખાવો શા માટે..? " શા માટે આ બધું ? ..

.... પત્નીએ હળવા સ્મિત સાથે, " પેલાના સમયમાં બંધન જેવી સ્થિતિ જોઈ છે સ્ત્રીઓએ.. ઘણી જગ્યાએ હજુ માસિકધર્મ ને 'આભડછેટ' જેવી માન્યતામાં ખપાવી દેવામાં આવે છે. એક અનુભવી સ્ત્રીનો બીજી સ્ત્રી સાથેનો વ્યવહાર પણ પીડાદાયક બની જતો હોય છે - સહકારભાવ રહીતનો.
પછી, તમે તો પુરુષ છો. આટલું પૂછ્યું એ જ મારા માટે ઘણું છે. અને... કામ તો રહેવાનું જ. બીજું કે, રજોવૃત્તિની ગમે તેટલી પીડા હશે, સ્ત્રી સહી લેશે. પીડા અસહ્ય ત્યારે લાગે છે, જ્યારે પીડાને સાંભળનાર કોઈ ન હોય, સમજનાર કોઈ ન હોય.. વાત કરનાર કોઈ ન હોય...! આવી કુદરતી પીડા નું સમાધાન પ્રેમમાં હોય છે, હુંફમાં હોય છે - ભાગવામાં ન હોય..!

તો હું શું કરું ? એવા પ્રયાગ ના પ્રશ્નનો તેની પત્નીએ જવાબ આપ્યો.." આવા પ્રકારની શારીરિક પીડાનું સમાધાન માનસિક વ્યથાના ઉકેલમાં હોય છે. જો તમારે ખરેખર મારા માટે કઈ કરવું હોય તો...બસ, મારા માથા પર હાથ મૂકી રાખો..બસ. !

બસ, એટલુંજ... ? એમ કહી પ્રયાગે પત્નીના માથા પર હાથ પ્રસારવાનું શરૂ કર્યું..........! પત્ની ઘસઘસાટ ઊંઘમાં સરી ગઈ ....... ! " માસિકધર્મની જાગરૂકતાની સાથોસાથ માનસિક ધર્મની જાગરૂકતાની પણ તાતી જરૂર છે - સંસારને સુખમય બનાવવા...! એક વિચારની સાથે સ્મિતમય ચેહરે સૂતી પત્નીને જોઈ પ્રયાગની સ્મૃતિમાં ઈન્દિરાબહેન ના શબ્દો જાણે હવાની લહેરખી બની તેના હોઠને મરકાવી જતા હતા...!

-- કે. વ્યાસ