ઋતાના ખ્યાલોમાં રાત તો માંડ માંડ વીતી ગઈ, મહર્ષિ તૈયાર થઈને બધા જોડે કેન્દ્ર પહોંચ્યો, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થવા માંડ્યા, આજનો દિવસ હતો એટલે બધું ફટાફટ પતાવીને કાલે જવાની તૈયારી કરવાની હતી, પણ મહર્ષિ જરા આરામથી કામ કરાવતો હતો, એને રતનપુરા સાથે એક અજીબ શી આત્મીયતા થઈ ગઈ હતી, એના કરતાં પણ વધારે ઋતા જોડે!
પણ મહર્ષિની નજર ઋતાને શોધી રહી હતી, એનું મન એને શોધવા થનગની રહ્યું હતું, એને બધી જગ્યાએ શોધી પરંતુ એ ક્યાંય દેખાઈ નહિ, એને અણસાર આવી ગયો કે નક્કી આજે પણ એ ઉદાસ જ છે તો એ નહિ આવી, એ એને શોધતો માતૃછાયા તરફ ગયો, ત્યાં જઈને જોયું તો હવેલીમાં કોઈ નહોતું, સૂનકાર વ્યાપેલી હવેલીમાં એક દરવાજો ખુલ્લો હતો એ ત્યાંથી ઉપર તરફ ગયો, કોરિડોરની દીવાલ પર લાગેલી ઋતાના બધા સ્વજનો સાથે એની સ્મૃતિ કંડારેલી હતી, બધા જોડે એની યાદો લખેલી હતી, એ પહેલાં અહી આવેલો પરંતુ એણે આ વાતની જરાય નોટિસ નહોતી કરી, પણ ગઈકાલે ઋતાએ જે સત્ય કહેલું એના પરથી એ વધારે રસથી જોઈ રહ્યો હતો, મહર્ષિની ધારણા સાચી જ પડી, ઋતા એની આર્ટગેલેરીમાં હતી.
એના હાથમાં રંગ ભરેલી પીંછી હતી, અને બીજા હાથમાં રંગોથી ભરેલી ડીશ!એનાથી એ મોટું કોઈ પેન્ટિંગ બનાવી રહી હતી શું બનાવી રહી હતી એ ખ્યાલ ન આવ્યો પણ એની પીંછી જે રીતે ફરી રહી હતી જે રીતે એના ચહેરા પર ઉદાસી! એના કેનવાસ પર ફરી રહેલી પીંછીમાં એ વ્યસ્ત હતી પરંતુ એનું મગજ બીજે ક્યાંક વ્યસ્ત હતું.
"ઋતા!"- મહર્ષિએ બારણાને હળવેકથી નોક કરતાં એને બોલાવી, એ જાણે સપનામાં હોય એમ જબકી, એના હાથમાં રહેલી પીંછી અને ડીશ એના હાથમાંથી છટકી ગયા અને વિખેરાયેલા રંગ એના કપડાંને તરબોળી ગયા, એ જાણે હોશમાં આવી.
"ઓહ શીટ!"- એ કપડાં પરથી રંગ સાફ કરતા પાછળ ફરી, એની નજર પાછળ ઊભેલા મહર્ષિ પર પડી.
" મહર્ષિ તમે?"- એ એટલું જ બોલી શકી.
" કેમ? આજે અહી? આવવાનું નથી કેન્દ્ર?તમને બોલાવવા આવ્યો છું."- મહર્ષિએ એની આંખોમાં આંખ પોરવતા કહ્યું.
" ના.. આજે મૂડ નથી! તમે જાઓ કાલથી મારે કરવાનું જ છે ને!"- એ ખચવતાં બોલી.
"અને હું જાણી શકું આ મૂડ ના હોવાનું કારણ?"
"કઈ નહિ અમથું જ!"
" અને હું એમ કહું કે મારે અમદાવાદ નથી જવું તો?"- મહર્ષિએ એને એની વાતોની આંટીઘૂંટીમાં લીધી.
" પણ એ તમે કહેશો જ માત્ર! કારણ કે મને સારું લાગે એટલે!"
" અને એ હું નિભાવું તો?"
" તમે શું કરવા નિભાવશો?"- ઋતાએ મહર્ષિની સામે જોતા પૂછ્યું, મહર્ષિ ચૂપ થઈ ગયો,એની પાસે કોઈ ઉત્તર ન રહ્યો, ઉત્તર તો દિલમાં હતો પણ ઋતા સામે કહેવામાં એ અચકાવા માંડ્યો.
એણે ઋતાથી મોઢું ફેરવી લીધુ, બન્ને ચૂપ થઈ ગયા, એ રૂમની બહાર નીકળવાની તરફ વળ્યો, પણ એના પગ રોકાઈ ગયા, એના રોમેરોમમાં જાણે એક વીજળી વ્યાપી ગઈ.
એ ફરી ઋતા તરફ આવ્યો, ઋતા એને જતાં જોઈ ન શકી, એ આંખ મીંચીને ઉભી હતી, એની મિંચાયેલી આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી, એ ઋતાની નજીક આવ્યો ને એનો હાથ પકડી લીધો.
" હું વચન નીભાવિશ કારણ કે હું તમને ચાહું છું."- મહર્ષિએ ઋતાના આંસુ લૂછતાં કહ્યું, ઋતા એને ગળે વળગી પડી અને રડવા માંડી.
" રડવાનું બંધ કર ઋતા પ્લીઝ, હું નહિ જાઉં ક્યાંય તને મૂકીને!"- મહર્ષિ એને પંપાળતો રહ્યો અને કહેતો રહ્યો, ઋતાએ કઈ પણ કહ્યા વગર એના પ્રેમનો ઈઝહાર કરી લીધો.
" સાચે ને? હું નહિ જીવી શકું તમારા વગર મહર્ષિ!"
" હું પણ ઋતા! તને જોઈ ત્યારથી તને પ્રેમ કરવા માંડ્યો હતો પણ કહી નહોતો શકતો."
" અને મને મૂકીને જવા તૈયાર થઈ ગયા?" - ઋતાએ એની સામે ખોટો ગુસ્સો કરતાં કહ્યું.
" પણ હું નહોતો જાણતો કે તારા મનમાં મારા માટે શું ફિલિંગ છે, પણ તારા આંસુ બધું કહી ગયા."
" પણ તમારો બિઝનેસ, ફેમિલી એ બધું? તમારો પરિવાર મને અપનાવે?"- ઋતાને ચિંતા હતી એ કહી દીધી.
" મે તારી જોડે એક બહુ મોટી વાત શીખી લીધી, પૈસા પાછળ દોડીને કઈ નથી મળતું, જે મળે છે એ શાંતિથી મનગમતું કામ કરવામાં જ મળે છે!"
" અને ફેમિલી?"
" મને વિશ્વાસ છે કે તેઓ પણ તને અપનાવી જ લેશે!" - મહર્ષિએ એને વિશ્વાસ અપાવ્યો.
" સાથ નિભાવશોને?"- ઋતાએ પૂછ્યું, ઋતાના અવાજમાં નરમાશ આવી ગઈ.
"તું અજાણ હતી છતાંય નિભાવ્યો હતો ને? અને હવે તો પ્રેમ કરું છું." મહર્ષિએ એના કપાળ પર કિસ કરતા કહ્યું.
" તમે નથી તું? એક જ પલમાં?"- ઋતાએ નોટિસ કર્યું કે મહર્ષિ એને હમણાં સુધી તમે કહીને સંબોધતો હતો અને ઈઝહારના એક જ પળમાં તું થઈ ગયું.
" જ્યાં પ્રેમ હોય ત્યાં તું આવી જાય! આઈ લવ યુ ઋતા! "- કહીને મહર્ષિ હસવા માંડ્યો, ને જોડે ઋતા પણ!
" લવ યુ ટુ મહર્ષિ!" કહીને ઋતા શરમાઈ ગઈ, એની ઝૂકેલી નજરને મહર્ષિ જોતો રહ્યો અને એની હોઠોની હસીને એ તાકતો રહ્યો.
ઋતાના વેરાઈ ગયેલા રંગોથી એક પ્રેમની રંગોળી રચાઈ રહી, ઋતાના રંગવાળા કપડાએ મહર્ષિની સફેદ ટીશર્ટમાં જાણે મેઘધનુષી રંગે રંગી દીધી, એ જોતાં બન્ને ફરી હસી પડ્યા એમની હસી સંભાળી દીવાલે લાગેલી બધી પેન્ટિંગ પણ જાણે હાસ્ય રાચવા માંડી!