Rajvi - 33 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 33

(૩૩)

(ધારિણીરાણીના જન્મદિવસની ઉજવણી માટે રાજુલ નારાજગી બતાવી રહી છે. હવે આગળ...)

એ જ સાદાં વસ્ત્રોમાં રાજુલ ધારિણીરાણી પાસે પહોંચી. કેશકલાપ એને સાદા અંબોડામાં બાંધેલો, તેમાં વેણી નહોતી ઝૂલતી. આંખોમાં કાજળ પણ નહોતું અને શરીર પર કોઈ જ અલંકારો નહોતા. છતાં એ જાણે સૌદર્યમૂર્તિ એવી દેખાઈ રહી હતી. કદાચ આભૂષણો પોતે ઝાંખા પડવાના ભયે પણ એના શરીર પર આવતાં અચકાયાં હોય.

વગર ઝાંઝરે પણ જયારે ધારિણીરાણીના શયનખંડમાં ગઈ તો એના પગલાના રણકાર જાગ્યો.

"આવ દીકરી..."

રાણીએ એને જોતાં જ કહ્યું.

"અરે, તૈયાર પણ થઈ નથી, લે આ માળા નાંખ ગળામાં."

"તૈયાર જ છું, મા."

રાજુલે હસતા હસતા કહ્યું.

"આ વસ્ત્રો..."

"હા, હવે એ જ વસ્ત્રો દરેક પ્રસંગે હું પહેરવાની છું, અને સાચું કહું તો મને આવા ઉત્સવો જ પસંદ નથી. એક વર્ષ આયુષ્યમાં થી ઓછું થાય છે, એમાં આટલો હર્ષ શું અનુભવવાનો?"

રાણી તો ડઘાઈ જ ગયા. અપરણિત રહેવાનો રાજુલનો નિર્ણય ક્ષણિક આવેશમાં જ લેવાયેલો છે એમ માની એ આવા ઉત્સવો તરફ એને ખેંચતા હતા. પણ અહીં તો જુદું જ નીકળ્યું.

"જો તું જરા શાંતિથી મારી વાત સાંભળ. હું તથા તારા પિતાજી એમ માનતા હતા કે દુઃખના આવેશમાં તું ન વિચારવાનું વિચારી બેઠી છે. બાકી તું આજે આવું કરીશ એવું તો અમારી ધારણામાં પણ નહોતું. અને કૃષ્ણ મહારાજ વિગેરેની સામે તું આવા વેશે આવે એ કેવું લાગે?"

"કેવું લાગે? સારું લાગે, અને વધારે સારી રીતે કહું તો આજ એમને મારે માટે યોગ્ય પણ લાગે."

રાજુલે કહ્યું અને રાણી તો વિચારમાં પડી ગયા. આ છોકરી... થોડા દિવસ પહેલાં જે પોતાના મનની વાત હોઠ પર લાવતાં તો પાણી પાણી થઈ જતી હતી અને જેના અંતરની વાત તો કદી વાચા જ નહોતી પામતી. એ આજે આટલી સ્પષ્ટ કહેવાવાળી થઈ ગઈ છે.

નેમકુમાર એવાં તે એના પર શા કામણ કર્યા કે એ પોતાનું તમામ ભૂલીને તમને જ સર્વસ્વ માની બેઠી.

અચાનક કંઈક વિચાર આવ્યો હોય તેમ એમના અંતરમાં આશા જાગી. નેમકુમારનો ભાઈ કેવો હશે, એ પણ એવો જ કામણગારો હોય અને પોતાના ભાઈથી ઊલટી દિશામાં એના કામણ વાપરે તો...

પણ અરે... હું પણ કેવા ગાંડા ગાંડા વિચારો કરું છું. કાલે જ એના પિતાએ મને કહ્યું છે કે એની મરજી વિરુદ્ધ આપણે કંઈ કરી શકવાના નથી.

પણ... એની સાથે વાત તો કરી જોઉં. અને કાલે જ મને માધવીએ પણ સમાચાર આપેલા કે રહનેમિકુમારે રાજુલબા માટે સુંદર મૌક્તિક મોકલ્યા છે. સુભટ લાવેલો અને એને માધવીને વાત કરી હશે. અને હું પણ ભારે ભૂલકણી કે એ મૌક્તિક સુભટે રાજુલને આપ્યા કે એનું શું થયું એ પણ હું પૂછવું ભૂલી ગઈ. માધવીએ મને એટલું તો સાથે સાથે કહેલું કે રાજુલબાને જ આપવાના છે એમ કહેવરાવ્યું છે. રાજાજીએ મને એ વાત પર મૌન સેવવા જણાવ્યું છે, હવે પૂછવું પણ કેવી રીતે?

થોડી ક્ષણો એ ગડમથલમાં વીતી, અંતે એમનાથી સહજભાવે જ પૂછાઈ ગયું.

"કાલે તને સુભટે મૌક્તિક આપેલા?"

"હા, મા..."

રાજુલે વિરક્તભાવે કહ્યું.

"તે ઠેકાણે મૂકયા છે ને? એની માળા બનાવીશું."

રાજુલને હસવું આવી ગયું.

"માળા શા માટે? ભલે એમ જ પડી રહ્યા. કોઈ વાર પાછા આપવા પડશે ને?"

"શા માટે? એવું અપમાન થાય?"

ધારિણીદેવીએ ચિડાઈને કહ્યું.

"અસ્વીકાર એ અપમાન ગણાય? અને આ તો મેં સ્વીકાર્યા છે. પણ વખત આવે તો પાછા વાળવા જ પડે ને."

"કયારે આપવાનાં છે?"

"એમના લગ્ન વખતે એ જ મૌક્તિક ભેટ આપીશું."

રાજુલ સાચું બોલતી હતી કે મજાક કરતી હતી એ રાણી સમજી ના શકયા.

"તું હવે સીધી વાત કર અને ઉતાવળ કરીને તૈયાર પણ થઈ જા."

"વાત સીધી છે અને તૈયાર પણ છું."

રાજુલે બે હાથે તાળી પાડીને ગાવા લાગી.

"તે આવા જોગણના વેશે?"

"હા, મા... તારી દિકરીને તું જોગણ કહીશ તો એને વધારે ગમશે."

ધારિણીની આંખોમાં આંસુ આવી ગયા. આ સાંભળવા એની પાછળ આટઆટલા મનોરથ સેવ્યા હતા? રોષ અને વેદના એમના અંતરમાં ઉભરાયા. એમને પહેરેલી ભારે મોતીથી ભરેલી સાડી ઉતારવા માંડી.

"અરે, આ શું કરે છે, મા?"

"તારે જાણવાની શું જરૂર છે? મા માટે લાગણી હોત તો તું આવું બોલત?"

"સાચેસાચ હું ભારે વસ્ત્રો પહેરીશ તો તને આનંદ થશે?"

"હા, રાજુલ... તારે માટે તો મારા મનમાં કેટકેટલા અરમાનો છે."

ધારિણીએ એને આલિંગન આપતાં કહ્યું. તેમની સાડીનો છેડો જમીન પર પથરાઈ ગયો. રાજુલે તેને ઉપાડીને પોતાના ખભા પર નાંખ્યો.

"જુઓ, મા.. મેં પહેરી બોલો, રાજી?"

"આમ નહીં, મને મૂર્ખી બનાવવા ધારી છે?"

"ત્યારે કેમ?"

રાજુલે પાછું હસીને કહ્યું.

"હું પહેરાવું એમ..."

અને ધારિણીદેવીએ એમના ગળામાંથી રત્નમાળા કાઢી તેને પહેરાવી.

કોઈ નાના બાળકની જેમ હાથ ફેરવે એમ રાજુલે એના પર હાથ ફેરવ્યો.

"રત્નો...'

તે બડબડી,

"વાહ, તમારો ઝગારો. પણ આમાંથી એકે રત્ન મારા આત્માને તો ઝગમગ કરતું નથી."

ધારિણીનું મોં પાછું લેવાઈ ગયું, છતાં એમને રાજુલને શણગારવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.

"મા, હવે બસ..."

"ના, રાજુલ આજે તો તારે મારું માનવું જ પડશે. તારા હ્રદયમાં મારા માટે જરા પણ પ્રેમભાવ હોય તો મારી રીતે મને તારો દેહ શણગારવા દે."

"શણગારો... આ દેહ મારો નથી, મારો તો છે મારો આત્મા. અને એના પર કોઈનું શાસન ચાલવાનું નથી. કોઈ બીજું મારા શરીરને જુએ તેમ જ હું પણ જોઉં છું. એની તરફ મને એવી મમતા નથી, તો પછી એને ખાતર તમને શા માટે મારે નિરાશ કરવા પડે?"

"પેલા મૌક્તિક..."

ધારિણીને પાછું યાદ આવ્યું.

"મારી પાસે પડયાં છે. લાવી આપું?"

"ના, પછી. અત્યારે તો આટલું બસ છે."

અને ધારિણીએ તો રાજુલને મન મૂકીને અલંકારો પર અલંકારો પહેરાવવા માંડયા. એના વાળની પાંથી પર જયારે દામણી બંધાઈ ત્યારે તો ક્ષણભર એ પણ પોતાની જાતને ભૂલી ગઈ. તેને દર્પણ મંગાવ્યું અને પોતાનું પ્રતિબિંબિ જોઈ લીધું.

આના પર મમતા... એને પોતાના બનીઠનીને ઊભેલા શરીર તરફ નજર નાખતા વિચાર આવ્યો કે,

'જેને ચરણે અર્પણ કરવાનું હતું એને તો એમાં નર્યું દુઃખ જ દેખાયું, તો પછી અન્યના સંતોષ માટે આ શણગાર? છતાં પણ મા બાપને શા માટે દુભવવાં? જયારે મારો આટલો મોટો નિર્ણય માન્ય રાખ્યો ત્યાં એક આવી નાની બાબતમાં એમના જીવ શા માટે ઉકાળવા? અને ભરી સભામાં એમને નીચું શું કામ જોવું પડે...

ભલે સૌ મને એકવાર ધરાઈને જોઈ લે....'

તેને માને કહી નાંખ્યું,

"મા, આજે છેલ્લી વાર આ શણગાર સજું છું. હવે પછી કોઈ દિવસ મને આવો આગ્રહ ન કરતાં. મેં મારા આત્માની અવાજ સામે થઈ તમારું મન સાચવવા આટલું કર્યું. તો હવે તમારે મને પણ સાથ આપવો પડશે."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED