રાજવી : પ્રીતની નવી રીત - 32 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 32

(૩૨)

(રહનેમિ સત્યભામા જોડે માર્ગદર્શન લેવા જાય છે. હવે આગળ ..)

"પણ મારી પાસે કોઈ માર્ગ હોય તો હું બતાવું ને."

સત્યભામાએ કહ્યું.

"મને મારા માર્ગમાં મદદ કરશો?"

રહનેમિને થયું કે હવે મન ઉઘાડયા વિના ઉપાય નથી.

"મારાથી થશે તો જરૂર કરીશ."

સત્યભામા પણ બાંધી બંધાય એમ નહોતી, અને રહનેમિને વાતનો ઘટફોસ્ટ કર્યા વિના ચાલે એમ નહોતું. એના અંતરને કોરી નાખતી વાત એ બહાર ન કાઢે તો કદાચ એ વીંધાઈ જાય.

"મારું એમ કહેવું છે કે આપણે ઉગ્રસેન રાજાને કહેવરાવીએ કે યાદવકુળમાં જ તમારી કન્યા વધૂ તરીકે સ્થાન પામશે."

"વાહ, એ તો કેમ બને, ભલા?"

સત્યભામા આશ્ચર્ય પામતી હોય તેમ પૂછ્યું.

"શું તમે પણ ભાભી? આજે મારી પાછળ જ પડયા લાગો છો. આપણા કુટુંબમાં નેમકુમાર એક જ છે?"

"ઓહ, આ વાત છે? પણ રાજુલ તો નેમકુમારને જ પરણવા માંગે છે એનું શું?"

સત્યભામાની આંખોમાં વિવિધ પ્રકારના ભાવ આવ્યા અને ગયા.

"એવું તમને કોણે કહ્યું?"

રહનેમિએ પૂછ્યું.

"વાહ, આખું જગ જાણે છે, કયાં એ કંઈ છાની વાત છે?"

"પણ એમાં ઉગ્રસેન મહારાજની કીર્તિને ઝાંખપ નહીં લાગે?"

"એમને કીર્તિ કરતાં પુત્રીનું અંતર વધારે વહાલું છે. અને આમાં પુત્રી એવા ખરાબ માર્ગે નથી જતી કે કીર્તિને સાચવવા એનો ભોગ આપવો પડે."

"હે ભગવાન..."

રહનેમિ હતાશ બની કપાળે હાથ મૂકીને બેઠો,

"આ બધાં કયારે સમજશે? રાજવી તરીકેના કર્તવ્યની જાણે કોઈને મન કંઈ કિંમત જ નથી."

"મને લાગે છે કે તમે વાતને વધારે પડતું ગંભીર સ્વરૂપ આપી રહ્યા છો. ભાઈ, આમ હતાશા શા માટે બતાવો છો?"

"ત્યારે શું કરું? રાજુલકુમારીને કોઈ સમજાવતું પણ નથી કે સંસારીનું કર્તવ્ય શું? પુત્રીની ફરજ શી છે? એ સામાન્ય કન્યા નથી, પણ રાજબાળા છે અને એ કારણે એનો માર્ગ સહેલો પણ નથી."

"મેં સમજાવવા માટે જ સંદેશો મોકલેલો, પણ એને તો ચોખ્ખું જ કહી દીધું કે તે આ જન્મે બીજાને નહીં પરણે. નેમ જ મારો ભવોભવનો ભરથાર."

સત્યભામા પોતાની સ્થિતિ કફોડી ના બને એટલા ખાતર નિખાલસતા થી કહ્યું.

"હં...."

રહનેમિ કંઈ બોલ્યો નહીં, તેને માત્ર માથું ધુણાવ્યું.

"જગતમાં રાજાઓ મરી પરવારશે અને સાધુઓ રાજ કરશે એમ હવે તો લાગે છે."

તે ગણગણ્યો.

સત્યભામા કંઈ જ બોલી નહીં. રહનેમિ ભારે પગલે ઊભો થયો. થોડા ડગ ભર્યા ત્યાં તો જાણે એના અંતરમાં કોઈ પ્રકારનો સંચાર થયો હોય એમ એને ચપટી વગાડી, અને સત્યભામાની વિદાય લીધા પહેલાં જ તે આંખના પલકારામાં તો એના નિવાસસ્થાનની બહાર પણ નીકળી ગયો.

�������

રાજુલ તો નેમકુમારને મળ્યા પછી જાણે એકદમ બદલાઈ ગઈ હતી. ધારિણી પણ ઘણીવાર એને એ બાબતમાં ટોકતી હતી, છતાં માતાની સૂચના કુમારે ભાખેલા ઉપદેશ આગળ જાણે શૂન્યવત બની જતી હતી.

રંગમંડપ જેવો દેદીપ્યમાન અને સુંદર રીતે શણગારેલો એવો એનો નિવાસખંડ આશ્રમની દશા પર આવતો જતો હતો. ટીખળ અને મશ્કરીઓ એના જીવનમાંથી વિદાય લેવા માંડી હતી. ઘણીવાર તો માધવી પણ એને જોઈ સુભટને મળવાની તત્પરતા ગુમાવી બેસતી હતી.

છતાં આખરે રાજુલ તો રાજુલ હતી જ ને. એક દિવસ સવારમાં સ્નાના વિગેરે ક્રિયા પરવારી તે ધ્યાનમગ્ન દિશામાં બેઠી હતી. માધવીએ એને બે ચાર વાર યાદ અપાવ્યું કે માતાજીનો જન્મદિવસ હોવાથી તેને રાજદરબારમાં જવાનું હતું, પણ રાજુલ જાણે એનાથી પર બની ગઈ હોય એમ બેસી જ રહી.

માધવી કયાંય સુધી કેડે હાથ દઈ એની સન્મુખ ઊભી જ રહી. આખરે કંટાળી,

"હવે કુંવરીબા અમારા જેવા રાંક તરફ નજર કરશો કે?"

"કોણ રાય અને કોણ રંક? તું પણ માધવી.. ખરી છે, તને મેં કેટલી વાર કહ્યું કે મારી આગળ તારે આવી રીતે ન બોલવું."

"પણ તમે મારું સાંભળો નહીં પછી શું કરું?"

"મને હવે આ દુનિયામાં કંઈ સાંભળવા જેવું જ નથી લાગતું."

માધવી મોં ચડાવીને નીચે બેસી ગઈ. રાજુલ પાછી એના તાનમાં આવી ગઈ.

"હવે તમે મારૂં સાંભળશો કે આમ મનમાં ને મનમાં મહાલ્યા કરશો?"

"બોલ ભાઈ, તું પણ કોણ જાણે જંપવા નહિ દે."

રાજુલ બોલી પોતાની અકળામણ બતાવવા, પણ પાછળ સ્મિત આવ્યું એટલે માધવી એકાએક ઊભી થઈ ગઈ.

"જુઓ, આજે રાણીમાની વર્ષગાંઠ છે, અને બધાં તૈયાર થઈ દરબારમાં આવવા લાગ્યાં છે..તમારે તૈયાર થવું છે કે આમ ને આમ ઊડયા જ કરવું છે?"

માધવીએ હાથનો અભિનય કરતાં કહ્યું.

"કંઈક વર્ષગાંઠો આવી અને ગઈ... અને આવા તો કેટલાય જન્મો પણ લીધા હશે અને લઈશું."

"હે ભગવાન, આમને આ ભૂતમાંથી છોડાવ."

માધવી કપાળ પર હાથ મૂકતાં કહ્યું.

"ગાંડી, આને ભૂત કહે છે? એમ કહે કે સંસારનું ભૂત નીકળી ગયું."

"પણ બીજું પેઠું એનું શું?'

માધવીએ ચિંતા વ્યક્ત કરતાં બોલી,

"અને હવે મારે ઉતાવળ છે. વળી આ વખતે તો દ્રારિકામાં પણ આ પ્રસંગે પધારવા માટે નિમંત્રણ મોકલાયા છે. અને કદાચ બધાં આવી ગયા પણ હશે."

"એવી તો કયી જરૂર પડી?... આ મા પણ ભારે છે, હજી એને આવા આવા શોખ કરવા શી રીતે ગમે છે?"

રાજુલે નારાજગી બતાવતા કહ્યું.

"વાહ, કુંવરીબા... તમે દિવસે દિવસે ભારે થતાં જાવ છો, કેમ ભાઈ. બધાને જતિ કરવા ધાર્યા છે?"

એટલામાં તો કોઈની બૂમ સંભળાઈ કે કૃષ્ણ મહારાજા પધારે છે, એમના સ્વાગતની તૈયારી કરો.

"જુઓ, સાંભળ્યું ને..."

માધવી એકદમ જ ઊભી થતા બોલી.

"હા, પણ એ એકલા જ આવવાના છે?"

"ના, સાથે કુમાર પણ આવવાના."

"કુમાર...."

રાજુલથી લગભગ ચીસ પાડી હોય એમ પૂછ્યું.

"રહનેમિકુમાર... નેમિકુમાર નહીં...."

માધવીએ ચોખવટ કરી અને રાજુલ ખડખડાટ હસી પડી.

"તે એ બધા ઉત્સવ માણવા આવે છે."

"હા ભાઈ હા, કેટલી વાર તમને સમજાવવું પડશે? હવે ચાલો."

રાજુલ ધમપછાડા કરતી ઊભી થતી હોય એમ જ લાગ્યું. મનમાં ને મનમાં,

"આજે તો માને ચોખ્ખું જ કહી દઈશ કે આવી વ્યવહારિક વાતોમાં મને ન સંડોવે."

તે બબડે જતી હતી અને માધવી આંખો ચડાવતી ચાલી ગઈ.