રાજવી : પ્રીતની નવી રીત - 9 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 9

(૯)

(નેમકુમારે શંખમાં સ્વર પૂર્યો પછી કૃષ્ણ મહારાજ થોડો ગુસ્સો અને થોડા ગર્વ સાથે અંત:પુરમાં ગયા. હવે આગળ...)

મમત એટલે કે જીદ, જેને લીધા પછી કોઈ નથી મૂકતું. મમતને તમે એક રીતે મિથ્યાભિમાન પણ કહી શકો. આ દરેકને હોય છે જ, હું આ કરી શકું જ, મારો દેખાવ સુંદર, મારા બળ આગળ બધા નકામા.... આવું મિથ્યાભિમાન ઘણા મનમાં લઈને જીવતા જ હોય છે.

"પણ મેં કયાં એવું કરવા શંખ લીધો હતો? મને શી ખબર કે આટલી નાની વાતને લોકો આટલું મોટું સ્વરૂપ આપતા હશે?"

"તું આને નાની વાત માને છે, છોકરા!"

કૃષ્ણ મહારાજ ખરેખર ચિડાયા.

"હા, તને આજે ભયંકર શિક્ષા કરવાની છે."

કુમાર પણ ક્ષણભર માટે ભયભીત થઈ ગયા. રમતનું આવું ભયંકર પરિણામ આવશે એની એને કલ્પના પણ નહોતી એટલે તેમને ડરના માર્યા મારો હાથ પકડી લીધો. મારા પણ ગાત્રો પણ જાણે થીજી ગયા.

"હવે નાના છોકરા જોડે તમે પણ શું આવી જીભાજોડી કરવા બેઠા છો?"

સત્યભામાએ થોડી હિંમત કરીને કહ્યું,

"કોઈ શંખ ફૂંકે એટલે એવી શી મોટી ગરબડ મચી જવાની હતી?"

"રાજ ઉથલપાથલ થઈ જાય."

"થવા દો... કયાં રાજ મર્યા પછી સાથે આવવાનું છે? સાચું રાજ તો મુક્તિનું છે, આ રાજથી શું વળી?"

નેમ વચ્ચે જ બોલી પડયા. યૌવન આરે ઊભેલા નેમ જયારે આવું કહ્યું તો કૃષ્ણ મહારાજ પણ વિચારમાં પડયા કે, 'આને મન દુન્યવી રાજનો કંઈ હિસાબ જ નથી. આ કોઈ જુદી માટીનો ઘડાયો છે."

"પણ તારા હાથમાં એ આવ્યો કેવી રીતે?" કૃષ્ણે નરમ અવાજે પૂછ્યું.

"ઓહ, ત્યારે એમ સીધું પૂછો ને. જુઓ મોટાભાઈ, ફરતો ફરતો હું જઈ ચડયો આપણી આયુધશાળામાં. તમારા પ્રિય શસ્ત્રો ચક્ર, ખડ્ગ, શંખ, ગદા બધું જોવા લાગ્યો. એમાં વળી મારી નજર તમારા પાંચજન્ય શંખ પર પડી, મને થયું કુતૂહલ. જોવા માટે લેવા ગયો ત્યાં પેલો ડાહ્યો રક્ષક કહે કે,

"ભાઈ, તમારાથી એ નહીં લેવાય."

બોલો પછી મમત ચડે કે નહીં? પાછો વળી મને એમ કહે,

"કૃષ્ણ મહારાજ વિના એને ઉપાડવાનું બળ જ કોઈનામાં નથી, તો શંખમાં સ્વર પૂરવાની તો વાત જ કયાં આવે?"

પછી મને ચડી ચીડ એટલે ફટ દઈને મેં ઉપડયો શંખ... અને મારી એક ફૂંક. બધી દાઝ કાઢી શંખ પર...."

હું અને સત્યભામા તો એની બોલવાની છટા પર જ હસી પડ્યા, એમાં વળી નાથે પણ સાથ પૂરાવ્યો.

"અને હવે એના માટે જે સજા કરવી હોય તે કરો, પણ તમારા રક્ષકને સૂચના આપી દેજો કે, 'આજ પછી કોઈની પાસે એવી બડાશ ના મારે કે કૃષ્ણ મહારાજ સિવાય શંખ ઉપાડવાનું કોઈનું ગજું નથી.'  માણસની શક્તિનું આટલું બધું અભિમાન કેમકે શેરને માથે સવાશેર જ હોય."

નેમકુમારે પોતાની વાત પૂરી કરી મહારાજ જોડે હીંચકા પર બેસી ગયા. પાછા મને કહે કે,

"ભાભી આવો ને, તમારી જગ્યા થઈ જશે. તમારી પણ મને જરૂર પડશે જ."

નાથે તો તેમને આલિંગન આપી દીધું, ને

"તારા જેવો ભાઈ જોઈને જ મારી છાતી અભિમાનથી ફૂલી જાય છે."

"હવે તારા આ તોફાનની સજા સાંભળ...."

"સંભળાવો તૈયાર જ છું..."

"જો આજથી તારે મારી આયુધશાળાની બરાબર દેખરેખ કરવાની. હવે જીવ આમાં રાખ, કયાં સુધી બાલીશ રમતો રમ્યા કરીશ. ગંભીર થા કારણ કે આપણે તો રાજ ચલાવવાનું છે, આમ કૂદાકૂદ નથી કરવાની."

"પણ રાજ એટલે જ મને તો અર્થ વગરના કૂદકા લાગે છે. આજે અહીં તો કાલે વળી ત્યાં... એમાં તમે બીજું કરો છો પણ શું? ઘોડા પર કૂદીને થાકો એટલે હાથી પર ચડો. હાથી થાકે એટલે રથમાં બેસો, રથના પૈડાં ઘસાય એટલે વળી સિંહાસન પર બેસો.... હવે આમાં કૂદાકૂદ સિવાય દેખાય છે કે બીજું કંઈ?"

કુમાર બોલ્યા.

"ગાંડા, પ્રજા પ્રત્યેની આપણી કંઈ જવાબદારી ખરી કે નહીં."

"તે પ્રજા પોતાની જવાબદારી સમજતી નથી એમ માનો છો તમે? રાજા હોય તો જ પ્રજા જીવશે? પ્રજાને જીવાડવા માટે રાજાની આયુધશાળા રોજ તૈયાર જ હોવી જોઈએ."

"તો તમે શું માનો છો, એ કહો ને?"

મેં પૂછ્યું.

"અરે, મારી માન્યતા મારી પાસે રહી. આ તો સજા સ્વીકારવાની વાત એટલે વળી આટલું બોલવું પડયું."

"ના, પણ બોલવું પડશે... અમને તમારી વાતોમાં મજા આવે છે."

સત્યભામાએ કહ્યું.

"આ ચક્રવર્તી મહારાજને પૂછ્યું છે.....?"

નેમકુમાર હસતા હસતા કહ્યું એટલે મારાથી ના રહેવાતા મેં ત્રાંસી નજરે નાથ સામે જોતાં કહ્યું,

"હવે એમની પાસેથી તો રોજ એની એ જ વાતો સાંભળીએ છીએ, તમે કંઈક નવી વાતો કહો."

"મારે તો એટલું જ કહેવાનું છે કે આ શસ્ત્રોમાં ભાઈને ભલે રસ હોય, બાકી  આપણને તો એમાં કંઈ રસ નથી અને કંઈ કસ જેવું પણ લાગતું નથી. આ જુઓને, થોડા દિવસ પહેલા માંદા પડયા ત્યારે કેવા થઈ ગયા હતા. ત્યારે આવા નાના રોગ સામે શસ્ત્રો કંઈ કામ આવ્યા ના તો ગામે ગામના રાજાઓ જીતીને પણ પોતાના શરીરને તો ન જ તાબે કરી શકયા."

"એ તો બધાને એવું જ હોય, માણસ ગમે તેટલો મોટો થાય પણ માણસ તરીકેની મર્યાદામાં થી ઓછો છૂટી શકે?"

"એમાંથી કેમ છૂટી શકાય એ જ રોજ વિચારું છું. મારું તો રાજ જુદું છે, હું તો પ્રેમની દુનિયાનો માણસ એટલે મારે તો દુનિયામાં પ્રેમ સ્થાપવો છે. પ્રેમ ચક્રવર્તી રાજય શસ્ત્ર જોઈએ કે ના ખટપટની જરૂર. સહુ પ્રેમથી જીવે અને બીજાને પ્રેમથી જીવવા દે, આ મારું રાજ."

નેમકુમાર બોલ્યા અને અમે સૌ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા. વાતાવરણ પ્રેમમય થઈ ગયું.'

આવા તરંગી નેમને ખરેખર કોઈ એવી કન્યા મળશે ખરી?  યાદવકુળમાં એક એવી વિશિષ્ટતા અને વિચિત્રતા હતી કે જેનો સદા એને ભય લાગતો, સાથે સાથે રોજબરોજ એમનામાં એક એવી નિર્બળતા પ્રવેશતી જતી હતી કે મને અંતરમાં જાણે ભાવિના અનિષ્ટ ભણકારા વાગે છે.

એને દ્રારકાનગરીમાં આગમનના દિવસો યાદ આવ્યા, જેમાં તે કૃષ્ણ મહારાજની પટરાણી હતી. મહારાજના આજ્ઞાનું પાલન કરવા હાજરને હાજર... પણ આ નેમકુમાર તો વાતવાતમાં એવા અભિમાન અને આનંદની વાતો જ ઉડાડી દે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED