બરાબર બે કલાક પછી તે નમીતાના ઘરે પાછો આવ્યો તો ઘરનું લોક ખુલ્લું હતું. તેણે આખાય ઘરમાં "નમીતા...નમીતા..."ની બૂમાબૂમ કરી દીધી પરંતુ નમીતા ક્યાંય ન હતી.
તે ઘરની બહાર નીકળીને રોડ ઉપર આવીને આજુબાજુ બધે જ જોવા લાગ્યો પરંતુ એકપણ દિશામાંથી નમીતાના કોઈ એંધાણ વર્તાતા ન હતા. તે બેબાકળો બનીને ફરીથી નમીતાના ઘરમાં પ્રવેશ્યો અને ફરીથી જોર જોરથી "નમીતા નમીતા"ની બૂમો પાડવા લાગ્યો પણ ત્યાં કોઈ જ હાજર ન હતું જે તેની બૂમો સાંભળે..!!
તે ફરીથી ઘરમાંથી બહાર નીકળ્યો અને આજુબાજુ વાળાના ઘર ખખડાવી તેમને નમીતા વિશે પૂછપરછ કરવા લાગ્યો પરંતુ આજુબાજુ વાળાએ તો આજે સવારથી જ નમીતાને જોઈ જ ન હતી તેમ કહ્યું.
ઈશાન નમીતાના ઘરની બહાર જ બેસી ગયો તેણે પોતાના બંને હાથ પોતાના માથા ઉપર મૂકી દીધા અને તે વિચારવા લાગ્યો કે નમીતા ક્યાં ગઈ હશે ? હવે શું કરવું નમીતાનું ?
તે પાછી મળશે પણ ખરી કે નહીં ?
ઈશાન એટલો બધો કન્ફ્યુઝ થઈ ગયો હતો કે શું કરવું તે તેને કંઈ જ સુઝતું નહતું. તેણે અપેક્ષાને ફોન કર્યો, અપેક્ષાએ તેને પોતાના સ્ટોર ઉપર આવી જવા અને ત્યારબાદ વિચારીને આગળનું પગલું ભરવા સમજાવ્યું. ઈશાન ઘરમાં ગયો અને બીજું લૉક શોધી લાવ્યો અને નમીતાના ઘરને લૉક લગાવી તે પોતાના સ્ટોર ઉપર પહોંચી ગયો.
ત્યાં જઈને તેણે અપેક્ષાને નમીતાના ઘરની પરિસ્થિતિ સમજાવી, અપેક્ષા પણ વિચારમાં પડી ગઈ કે આમ એકાએક નમીતા ક્યાં ગાયબ થઈ ગઈ હશે..?? બંને જણાં આ વાત વિચારી જ રહ્યા હતા કે એટલામાં ઈશાનના સેલફોનમાં રીંગ વાગી જોયું તો અજાણ્યો કોઈ નંબર, તેણે ફોન ઉઠાવ્યો ફોન ઉપર શેમનો કોઈ માણસ હતો જે ઈશાનને ધમકી આપી રહ્યો હતો કે, " શેમ ઉપર કરેલો કેસ પાછો ખેંચી લે, નહીં તો આ છોકરીની તને લાશ જ મળશે અને ખબરદાર જો પોલીસને જાણ કરી છે તો જો અમને ખબર પડી કે તે પોલીસને જાણ કરી છે તો આ છોકરીની લાશ પણ તને નહીં મળે "
ઈશાન થોડો ગભરાઈ ગયો કે આ બધું શું થઇ ગયું ? આવું તો મેં કદી વિચાર્યું પણ નહોતું અને તેની અને અપેક્ષાની સમજમાં આખીયે વાત આવી ગઈ કે આ બધું જ કામ શેમનું છે તે ગમે તે રીતે જેલમાંથી બહાર આવવા માંગે છે અને ફોન તો ઈશાને મૂકી દીધો પણ હવે આગળ શું કરવું તે વિચારમાં તે અને અપેક્ષા બંને પડી ગયા.
અપેક્ષાએ ઈશાનને તેના પપ્પાને આ વાત જણાવવા અને તેમની સલાહ લેવા કહ્યું ઈશાનને પણ અપેક્ષાની આ વાત યોગ્ય લાગી તેણે તરત જ પોતાના ડેડને ફોન લગાવ્યો અને બધીજ વાત જણાવી.
ઈશાનના ડેડે આ કેસ જાસૂસને સોંપવાનું ઈશાનને કહ્યું જેથી સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે એટલે કે, શેમના આ ખતરનાક માણસો પકડાઈ પણ જાય અને નમીતા બચી પણ જાય. અને તેમણે ઈશાનને પોતાના એક મિત્ર સુહાશ મલ્હોત્રાને મળવા માટે મોકલ્યો જે એક ખ્યાતનામ વકીલ હતા અને તેમની પાસે કોઈ સારા હોંશિયાર જાસૂસ હોય જે નમીતાનો કેસ સોલ્વ કરી શકે.
સુહાશ મલ્હોત્રાએ એક બે દિવસમાં તપાસ કરી લીધી અને નમીતાના કેસ માટે "સ્મિથ એન્ડ જેની" નામની એક જાસૂસી કંપનીને રોકી લીધી.
મિ.સ્મિથ અને મીસ જેનીને આ કેસની તમામ વિગતો એટલે કે, શેમ કોણ છે તે શું કરવા માંગે છે નમીતા સાથે તેને શું સંબંધ છે અને કઈરીતે તેને કસ્ટડીમાં પુરવામાં આવ્યો થી લઈને અત્યારની નમીતા સુધીની તમામ વિગતો તેમને સમજાવી દેવામાં આવી.
સૌ પ્રથમ તેમણે નમીતાના ઘરની ચાવી માંગી અને પોતાની ખાનગી રીતે નમીતાના ઘરની ઉલટ તપાસ કરી લીધી. ત્યારબાદ તેમણે નમીતાને જે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં જઈને નમીતાના ડૉક્ટર સાહેબને મળીને નમીતાની માનસિક પરિસ્થિતિની જાણ કરી લીધી.
અને સાથે સાથે તેમણે પોલીસની મદદ લઈને એવી પણ એક ગોઠવણ કરી દીધી કે, ઈશાનના સેલફોનમાં જે ફોન આવે તે ક્યાંથી આવે છે અને શું વાત થાય છે તે તમામ વાતોનું રેકોર્ડિંગ થાય અને આમ મિ.સ્મિથ અને મીસ જેનીની મદદથી આ બધું જ સરસ રીતે ગોઠવી દેવામાં આવ્યું હવે આ સ્મિથ અને જેનીની કંપની આગળ શું કરે છે ? નમીતાને હેમખેમ બચાવી શકે છે કે કેમ ? તે આપણે આગળના ભાગમાં જોઈશું....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/2/22