ધૂપ-છાઁવ - 54 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 54

નમીતાને ટેબલેટ આપીને સુવડાવી દીધા બાદ થોડીવાર પછી ઈશાન જરા રિલેક્સ થયો અને સ્ટોર ઉપર પહોંચી ગયો અને અપેક્ષાની સાથે તેણે નમીતાની તબિયત વિશે ચર્ચા કરી, ઈશાને અપેક્ષાને નમીતાએ કેવું તોફાન કર્યું તે વાત જણાવી ત્યારે અપેક્ષાને ખરેખર સમજાયું કે, કદાચ તેથી જ ઈશાન નમીતાને એકલી મૂકવા નથી માંગતો અને તેને ઈશાનની ખરેખર દયા આવી ગઈ.

ઈશાનને હવે એ ચિંતા હતી કે નમીતા હવે પછી ફરીથી વારંવાર આવું તોફાન તો નહીં કરેને ? તેના આ પ્રશ્નના જવાબમાં અપેક્ષાએ તેને પાછી ફરીથી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી. પણ ઈશાનનું મન તેમ કરવા માટે તૈયાર ન હતું.

હવે શું કરવું એ એક ગંભીર પ્રશ્ન અને ગંભીર સમસ્યા ઈશાનની સમક્ષ આવીને ઉભી હતી. તેનું તો દિલોદિમાગ જાણે કામ કરતું જ બંધ થઈ ગયું હતું.

અપેક્ષાએ તેને નમીતાનું ઘર તાત્કાલિક ખાલી કરાવી નમીતાને તેના ઘરે રહેવા મોકલી દેવા સમજાવ્યું જેથી નમીતાનું મગજ જરા ઠેકાણે આવી જાય.

ઈશાને અપેક્ષાના કહેવા પ્રમાણે નમીતાના ભાડુઆતને ફોન કરીને જેમ બને તેમ જલ્દીથી ઘર ખાલી કરી આપવા માટે વિનંતી કરી.

ઈશાનની આ હાલત જોઈને અપેક્ષાને પોતે ઈશાન સાથે ખરાબ વર્તન કર્યું તે બદલ ખૂબ દુઃખ થયું અને તેણે ઇશાનની આગળ પોતાની ભૂલની કબુલાત કરી.

આ બાજુ ડૉક્ટર સાહેબના જણાવ્યા પ્રમાણે ઈશાને નમીતાની દવામાં થોડો ફેરફાર કર્યો જેથી નમીતાનો આક્રોશ થોડો ઠંડો પડી ગયો અને તે પહેલાં કરતાં થોડી વધારે ઊંઘ લેવા લાગી.

બરાબર એક અઠવાડિયા પછી નમીતાના ભાડુઆતે ઘર ખાલી કરી દીધું અને ઈશાનના સ્ટોર ઉપર આવીને તે ચાવી ઈશાનના હાથમાં સોંપીને ગયા.

ઈશાને આ ચાવી નમીતાના હાથમાં સોંપી તો નમીતા ખૂબજ ખુશ થઈ ગઈ અને તેણે પોતાના ઘરે રહેવા જવાની જીદ કરી.

હજી નમીતાને એકલી મૂકાય તેમ ન હતી તેથી ઈશાને તેને થોડો સમય પોતાની સાથે પોતાના ઘરે રહેવા માટે ખૂબ સમજાવી પરંતુ નમીતાએ જે જીદ પકડી હતી તે જીદ તે છોડવા માટે તૈયાર ન હતી.

છેવટે ઈશાને નમીતાને તેના ઘરે રહેવા જવા માટે છૂટ આપી પરંતુ તેને પણ નમીતાની સાથે નમીતાના ઘરે રહેવા માટે જવું પડ્યું.

નમીતાનું ઘર ઈશાનના સ્ટોરથી થોડે દૂર હતું તેથી તેણે અપેક્ષાને સ્ટોર ઉપર થોડા વહેલા આવી જવા સમજાવી.

નમીતાને તેના ઘરે લઈ ગયા બાદ તે પોતાના મમ્મી-પપ્પાને તેમજ પોતાના ભાઈને યાદ કરીને વારંવાર રડ્યા કરતી હતી. ઈશાન તેને સમજાવ્યા કરતો હતો કે, " જે બનવાનું હતું તે બની ગયું આપણાં હાથમાં કંઈ નથી હવે તું વારંવાર આમ એ લોકોને યાદ કરીને રડ્યા કરીશ તો તારી તબિયત સુધરવાને બદલે વધુ ને વધુ બગડતી જશે.

પરંતુ નમીતા પોતાના મમ્મી-પપ્પાને અને ભાઈને લઈને વધારે પડતી જ ઈમોશનલ હતી અને તેની નજર સામે જ ત્રણેયનું મૃત્યુ થયું હતું તે વાત બરાબર નમીતાના મનમાં ઘર કરી ગઈ હતી. જે તે ભૂલી શકતી ન હતી અને કદાચ ભૂલવા માટે તૈયાર પણ ન હતી.

બીજી બધી બાબતોમાં નમીતા થોડી નોર્મલ હતી. તે ઈશાન માટે અને પોતાના માટે ગરમાગરમ જમવાનું પણ બનાવી લેતી હતી તો કોઈ કોઈ વાર ઈશાન બહારથી ઓર્ડર કરીને પણ જમવાનું મંગાવી લેતો હતો.

અને ઈશાન સ્ટોર ઉપર જાય ત્યારે કોઈ વાર નમીતાને પોતાની સાથે લઈને જતો હતો અને કોઈ વાર તેને ઘરમાં સુવડાવીને બહારથી ઘર લોક કરીને જતો હતો.

એક દિવસ તેને પોતાના સ્ટોર ઉપર એક અરજન્ટ કામ આવી ગયું તો તેને સ્ટોર ઉપર થોડું જલ્દી પહોંચવું પડે તેમ હતું તો તેણે નમીતાને તેની ટેબલેટ આપી દીધી અને તેને સૂઈ જવાનું કહીને બહારથી ઘર લોક કરીને પોતે સ્ટોર ઉપર જવા નીકળી ગયો.

બરાબર બે કલાક પછી તે નમીતાના ઘરે પાછો આવ્યો તો ઘરનું લોક ખુલ્લું હતું. તેણે આખાય ઘરમાં "નમીતા...નમીતા..."ની બૂમાબૂમ કરી દીધી પરંતુ નમીતા ક્યાંય ન હતી.

તે ઘરની બહાર નીકળીને રોડ ઉપર આવીને આજુબાજુ બધે જ જોવા લાગ્યો પરંતુ એકપણ દિશામાંથી નમીતાના કોઈ એંધાણ વર્તાતા ન હતા. તે બેબાકળો બનીને ફરીથી નમીતાના ઘરમાં પ્રવેશ્યો અને ફરીથી જોર જોરથી "નમીતા નમીતા"ની બૂમો પાડવા લાગ્યો પણ ત્યાં કોઈ જ હાજર ન હતું જે તેની બૂમો સાંભળે.

તે ફરીથી ઘરમાંથી બહાર નીકળ્યો અને આજુબાજુ વાળાના ઘર ખખડાવી તેમને નમીતા વિશે પૂછપરછ કરવા લાગ્યો પરંતુ આજુબાજુ વાળાએ તો આજે સવારથી જ નમીતાને જોઈ જ ન હતી તેમ કહ્યું.

ઈશાન નમીતાના ઘરની બહાર જ બેસી ગયો તેણે પોતાના બંને હાથ પોતાના માથા ઉપર મૂકી દીધા અને તે વિચારવા લાગ્યો કે નમીતા ક્યાં ગઈ હશે ? હવે શું કરવું નમીતાનું ?
ક્યાં ગઈ હશે નમીતા ? પાછી મળશે પણ ખરી કે નહીં મળે ? આપણે આગળના ભાગમાં જોઈએ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/2/22