ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 21 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 21

"અનુરાગ, અચાનક જ્યોતિ ને...", રાશિ બોલવા જતી હતી ત્યાજ અનુરાગે એક ઝટકે રાશિને દૂર કરી દીધી.

અનુરાગની આંખોમાં ક્રોધ જોઈ રાશિ ડરીને બે ડગલાં પાછળ ખસી ગઈ.

"શું થયું અનુરાગ?", રાશિના હોઠ થથરી રહ્યા હતા, જાણે કોઈ ભયાનક તોફાન એના જીવનમાં આવી રહ્યાંનો આભાસ થઈ રહ્યો હતો.

"તું...., તે અને તારા પિતાએ જ મારી જ્યોતિને મારી નાંખી છે. જો આ રિપોર્ટ, કોઈએ જ્યોતિને ખાસ રસાયણની મિલાવટથી બનાવેલ ડ્રગ્સ આપીને મારી છે, તારા અને તારા વગદાર પિતા માટે તેવુ ડ્રગ્સ બનાવવું કે મેળવવું ખૂબ આસાન છે.

જ્યોતિના સામાનની તપાસ કરતા તેમાં મળી આવેલ ટ્રેઈનની ટીકીટ પરથી તે છેલ્લે તારા ગામ આવી હતી તે હું જાણી ગયો છું. અને તેના એક દિવસ પહેલાજ તારા પિતાનો ફોન પણ આવ્યો હતો એટલે તેનાથી ભોળવાઈ ને બિચારી મારી જ્યોતિ તને મળવા મારી સાથે ખોટું બોલીને દોડી આવી અને તમે લોકોએ એને બદલામાં મોત આપ્યું.

તને શું મળ્યુ જ્યોતિને મારીને. કેમ તારા પતિ પાસે નથી શાંતિથી રહેતી. અહી શું કામ પાછી આવી હતી મારી જિંદગીમાં", અનુરાગના શબ્દોની સાથે એની આંખોમાં પણ રાશિ પ્રત્યે ખુનન્સ ઉતરી આવ્યું હતું.

અનુરાગના આવા સીધા આરોપથી રાશિ હચમચી ઊઠી.

"કેવો પતિ? લગ્ન થયા હોય તો પતિ હોય ને", રાશિના મુખે નીકળેલા તે શબ્દોથી સ્તબ્ધ અનુરાગ જાણે ક્ષણભર અંદરથી હચમચી ગયો અને બોલ્યો,

"આ તું શું કહે છે, તારા લગ્ન તો થઈ ગયા હતા, આપણે ભાગવાનુ નક્કી કર્યાના દિવસે તું ન આવતા હું ખુદ તારા ઘરે તને લેવા આવ્યો હતો પણ ત્યા સુધી તારા લગ્ન થઈ ગયા હતા. તારા પિતાએ મને બધુ જણાવ્યુ હતુ, તારો નાનપણનો મિત્ર, તમારા ફોટા બધું મે મારી નજરો એ જોયુ છે".

"વાહ અનુરાગ વાહ, અને તે બધુ માની પણ લીધું એમ? શું તે એકવાર પણ તે વાતની ખરાઈ કરવા નો વિચાર ન કર્યો? આજકાલ શું ફોટા એડિટ નથી કરી શકાતા? અરે તે મને એકવાર મળી મારી પાસેથી તે વાત સાંભળવાનો પણ પ્રયત્ન ન કર્યો અનુરાગ? કેમ અનુરાગ આવુ કર્યું તે? મારા તો લગ્નજ નહોતા થયા. મે અહી આવી ત્યારબાદ તને મારી સાથે શું થયુ તે બઘુ જણાવવાની કોશિશ કરી હતી પણ તે એકવાર પણ મારી વાત સાંભળી નહિ."

ત્યારબાદ રાશિએ અનુરાગ સાથે કોલેજની છેલ્લી મુલાકાતથી લઈ ભાગવાની રાત સુધી જે કંઈ પણ થયુ બધુ અનુરાગને શાંત ચિત્તે કહ્યુ.

અનુરાગ હવે પોતાને સમજશે તે આશા સાથે રાશિ એની આંખોમા વિશ્વાસથી જોઈ રહી.

"હવે સમજ્યો, તો તે જ્યોતિ ને એટલે મારી નાખી જેથી તારો રસ્તો ક્લીઅર થાય અને તું મારી નજીક આવી ફરી મને પોતાનો કરી શકે", થોડી ક્ષણના મૌન બાદ અનુરાગ ઊંડો શ્વાસ ભરી બોલ્યો.

"મને મેળવવા તું અને તારો પિતા આટલુ હલકી કક્ષાનુ કામ કરશો મને આશા નહોતી. અને જો તારામા હવે થોડી પણ શરમ બચી હોય તો આજ પછી ક્યારેય મારી સામે આવતી નહિ અને મારી જિંદગીથી દૂર ચાલી જા, અને હાથમાં પકડેલા જ્યોતિના રીપોર્ટસના કાગળિયા એના ઉપર ફેંક્યા."

અનુરાગ એટલું કહી એને સમજાવવા મથતી રાશિને ધક્કો મારી ત્યાંથી નીકળી ગયો અને ધક્કાથી નીચે પડેલ રાશિ જમીન ઉપર પડેલ પોતાની જિંદગીને ફરીથી વિખેરતા કાગળ સમેટી રહી હતી ત્યારે સૂરજ દૂર ક્ષિતિજે આથમી રહ્યો હતો.


* શું અનુરાગ રાશિને સમજી શકશે? શું જ્યોતિના મૃત્યુ પાછળ રાશિ કે તેના પિતાનો હાથ હશે? જાણવા માટે જોડાઈ રહો મારી આં ધારાવાહિક સાથે.

*ક્રમશ...

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)