દિલમાં કઈ કેટલાય ઉમંગ અને અરમાનો સાથે ધડકતા હૃદયે "ડો. અનુરાગ" લખેલ નેમ પ્લેટ વાંચતા રાશિ અનુરાગનીએ કેબીનનું બારણું ખોલવા જઈ રહી, ત્યાંજ અંદરથી આવતા અવાજને કારણે એના હાથ રોકાઈ ગયા.
"આપણા એન્ગેજમેન્ટ પણ થઇ ગયા. અને હવે મારા મમ્મી પપ્પા આપણા લગ્ન વિષે પૂછ્યા કરે છે. તુ કહેતો હોય તો અમારા પારંપરિક જ્યોતિષ મહારાજ પાસે લગ્ન્નની તારીખ જોવડાઈ લઈએ?", કોઈ સ્ત્રીનો સુમધુર અવાજ સંભળાઈ રહ્યો.
"જ્યોતિ, હજુ તો આપણા પ્રેમ કરવાના દિવસો શરુ થયા છે, લગ્ન્ન કરી આટલી જલ્દી તે દિવસોને હું ગુમાવવા નથી માંગતો".
એજ પરિચિત પૌરુષી અવાજ સાંભળી રાશિના પગ તળેથી જમીન સરકી રહી. હવાના હલકા ઝોકાથી અર્ધ ખુલ્લા દરવાજામાંથી અંદર રહેલ અનુરાગને કોઈ છોકરી સાથે પ્રેમમાં મગ્ન જોઈ રાશિના કદમ પાછા પડ્યા. પોતાનો અનુરાગ હવે કોઈ બીજાનો થઇ ગયો હતો. એનું દિલ હજુ તે માનવા તૈયાર નહોતુ. પણ જે તેણે નજર સમક્ષ જોયું હતું તે પણ ઝુઠલાવી શકાય તેમ નહોતુ.
ઉત્સાહથી અનુરાગને મળવા આવેલ એના કદમો હવે નિરાશાથી ઘેરાઈ ગયા અને રેલ્વે સ્ટેશન તરફ પાછા મંડાયા. તે અનુરાગને મળ્યા વગરજ પોતાના ઘરે પાછી ફરી ગઈ.
રાશિએ ઘરે જઈને બધી વાત પોતાના પિતાને કહી સંભળાવી થોડી મિનિટ બંને બાપ દીકરી મૌન રહી આંસુ વહાવી રહ્યા.
"દીકરી, મને લાગે છે તારે આમ પાછુ નહોતુ આવવું જોઈતુ. તારે ત્યાં રહી તારા પ્રેમનો સામનો કરવા જેવો હતો. દુનિયામા આપણા હકનુ હોય તે આમ ક્યારે આસાનીથી નથી મળી જતુ. તે છીનવી લેવુ પડે છે અને તે પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે. માટે તુ આમ હિંમત હાર્યા વગર પાછી જા અને જે તારું છે એને મેળવી લે. બની શકે તારો સાચો પ્રેમ તમને બંનેને ફરીથી એક કરી દે".
"હા પિતાજી તમે બિલકુલ સાચું કહો છો. હું જરૂર અનુરાગ પાસે પાછી જઈશ અને મારો પ્રેમ મેળવવા પ્રયત્ન કરીશ."
મક્કમ નિર્ધાર કરી બીજાજ દિવસે પોતાના પિતાની મદદથી હોસ્પિટલમા ઇંટર્ન ડોક્ટરની ફરજ માટેની જોબ પ્રાપ્ત કરી રાશિ વિલાસપુર જવા નીકળી.
રાશિ જ્યારે વિલાસપુરની હોસ્પિટલ પહોંચી ત્યારે અનુરાગ બે દિવસ માટે કોઈ કોન્ફરન્સ એટેન્ડ કરવા ગયો હતો.
"શુ હું અંદર આવી શકુ?", રાશિ અનુરાગની ગેરહાજરીમા હોસ્પિટલ સંભાળતી જ્યોતિની કેબિનમા અંદર જવા માટે અનુમતિ માંગી રહી.
એક ક્ષણ રાશિને જોઈ જ્યોતિની આંખો પહોળી થઇ ગઈ અને એના મોં ઉપર રાશિને જોઇને સ્પષ્ટ અણગમો દેખાઈ આવ્યો.
"તું? મારો મતલબ તમે કોણ છો અને અહી શું કામ આવ્યા છો?", જ્યોતિએ રાશિને પૂછ્યુ.
" જી મારી અહી ઇંટર્ન ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે. તમને એની જાણ તો હશે ને?"
"હા મેડિકલ કાલેજથી અમને ફોન આવ્યો હતો, તમને આમ અચાનક અહી મોકલવામા આવ્યા છે માટે વધારે જાણકારી નહોતી. બહાર જઈને મનોરથ કરીને ભાઈ હશે એમને મળીને આગળની પ્રોસેસ કરી લો. પણ આમ આવા નાનકડા ગામડામા તમે ડોક્ટર તરીકે અહી રહી શક્શો?"
"જી કેમ નહિ, તમે પણ રહો છો અહી તેમ હું પણ અહી રહીને કામ કરીશ",
પોતાનું અહી આવવું જ્યોતિને ખટક્યું હોય એમ રાશિને લાગ્યુ પણ તેની વાત ધ્યાન આપ્યા વગર તે આટલુ કહી ત્યાંથી મનોરથ પાસે જવા નીકળી ગઈ.
ત્યારબાદ રાશિએ જ્યોતિ સાથે વાત કરી એની સાથે મિત્રતા કરવાની કોશિશ કરી પણ જ્યોતિ હમેશા તેની સાથે વાત કરવાનુ ટાળતી રહેતી.
અનુરાગ કોન્ફરન્સ એટેન્ડ કરી જ્યારે પાછો ફર્યો જ્યોતિને સરપ્રાઈઝ આપવા સીધો તેની કેબિનમા જઈ પહોંચ્યો. ડોક્ટરના ઓવરકોટમા રહેલ તે કબાટમાંથી કોઈ ફાઈલ શોધી રહી હતી ત્યાજ અનુરાગે એને પાછળથી જકડી લીધી.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)