થોડાજ દિવસમાં જ્યોતિએ હોસ્પિટલમાં આવતા નાના નાના કેસ સંભાળી લીધા હતા. વળી એની વાતચીત કરવાની સુમેળતા અને લોકો સાથે જલ્દી ભળી જવાના સ્વભાવથી તે નાના મોટા સૌમાં લોકપ્રિય થઈ ગઈ હતી. અનુરાગ અને જ્યોતિ બંને જ્યારે કામ સિવાય આમને સામને આવતા ત્યારે તેમના હ્રદયમાં અજીબ લહેર ઉઠતી પણ બંને ભાગ્યેજ એકબીજા સાથે વાત કરતા.
હવે તો નાના બાળકો પણ ખાલી સમયમાં જ્યોતિ સાથે આવીને વાતો કરતા અને એમને જ્યોતિ અવનવી રમતો પણ રમાડતી. ઘણીવાર અનુરાગ એને પોતાના રૂમની બાલ્કનીમાથી નીચે દેખાતા મેદાનમાં બાળકો સાથે રમતી જોઈ રહેતો. જ્યોતિના પ્રયાસથી જ અનુરાગે સરપંચને વિશ્વાસમા લઈ ગામમાં બાળકો માટેની શાળાની શરૂઆત કરી અને ગામની મહિલા અને યુવતીઓ માટે નાની નાની રોજગારીની તક ઊભી કરી. ગામના સરપંચની પૌત્રી પણ હવે જ્યોતિ સાથે ખૂબ ભળી ગઈ હતી.
અનુરાગને ગામમાં આવ્યાને પૂરા ત્રણેક જેટલા વર્ષ વિતી ચૂક્યા હતા. આ ગામમાં હવે એની શાખ અને ઓળખ થઈ ગઈ હતી. એનુ નામ ગામમાં માનથી લેવામાં આવતુ. હવેતો આજુબાજુના ગામમાંથી પણ લોકો સારવાર કરવા આવવા લાગ્યા હતા. અનુરાગ અને જ્યોતિને સાથે જોઈ લોકોની આંખ ઠરતી. એમને પહેલી વખત મળતા લોકો ક્યારેક બંનેને પતિ પત્ની સમજી બેસતા. એમના મોઢે સદા આમ સાથે અને ખુશ રહો, ભગવાન તમારી જોડીને સલામત રાખે, એવા આશીર્વાદ સાંભળીને જ્યોતિના મોં ઉપર લાલી છવાઈ જતી.
જ્યોતિ મનોમન અનુરાગને પસંદ કરવા લાગી હતી. આટલા સમયથી બંને સાથે હતા પણ ક્યારે અનુરાગે એની સાથે અણછાજતો વ્યવહાર કર્યો નહોતો. બીજી તરફ અનુરાગને પણ જ્યોતિની સાદગી અને સાલસ સ્વભાવ પસંદ આવી ગયો હતો. જ્યોતિ જ્યારે પણ એની નજદીક હોય ત્યારે એના મનમાં પણ એક અલગ ભાવ જાગી ઉઠતા. હવાની ઠંડી લહેર જાણે એના પૂરા શરીરને તાજગીથી ભરી દેતા હોય એવો અહેસાસ એને કાયમ થતો.
મનોરથ બંનેના દિલની વાત એમના વર્તન પરથી કળી ગયો હતો એટલેજ તે જાણી જોઈને તેમને કોઈને કોઈ બહાને સાથે રહી શકે તેવા સંજોગ ઊભા કરતો રહેતો.સમય રેતીની જેમ પસાર થઈ રહ્યો હતો પણ બંનેમાંથી કોઈએ ક્યારે પોતાના દિલની વાત બહાર ન લાવી શક્યા.
"સમુદ્ર ક્યારે પોતાની ભીતર ઉઠેલ તોફાનને રોકી શકતો નથી, એણે મોજા સ્વરૂપે બહાર આવવું જ પડે છે."
એમ અનુરાગ અને જ્યોતિના અંદર પાંગરી રહેલ પ્રેમરૂપી દરિયાના તોફાન ક્યારે ને ક્યારેક તો બહાર આવવાના જ હતા.
હંમેશા ટાઈમસર આવતી જ્યોતિ એકદિવસ પોતાના સમય પર હોસ્પિટલ ન આવી. કદાચ કંઈ કામમાં પડી હશે એમ માની અનુરાગ થોડીવાર તો ધીરજ રાખી રહ્યો. કલાક વીત્યા છતા એ ન આવતા અનુરાગે એને ફોન લગાડી જોયો પણ સામે છેડે કોઈએ ફોન ન ઉઠાવતા તે ગભરાતો જ્યોતિના રૂમ પર પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો તે તાવથી ધગધગતી સૂતી પડી હતી. અનુરાગે એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર એને પોતાની કારમા હોસ્પિટલ લઈ આવ્યો અને એની સારવાર શરૂ કરી.
જ્યોતિને આવી પરિસ્થિતિમા જોઈ અનુરાગને એના પ્રત્યેની લાગણીનો અહેસાસ થયો. એને ખોઈ દેવાના ડરે તેને અંદરથી હચમચાવી મૂક્યો હતો. જ્યોતિના માતાપિતા પણ આવી ચૂક્યા હતા.પૂરા ૨૪ કલાકે તે ભાનમા આવી ત્યા સુધી અનુરાગ એની પાસે બેસી રહ્યો. જ્યારે જ્યોતિએ આંખો ખોલી એની નજરો સમક્ષ અનુરાગ ખુશી અને પીડા મિશ્રિત ભાવ સાથે ઊભો હતો.
"તને ખબર નથી પડતી, તબિયત ખરાબ હોયતો માણસ એક ફોન કરીને જાણ કરે. તને શુ ખબર તને આમ જોઈ મારી શુ હાલત થઈ હતી." અનુરાગ જ્યોતિની પાસે બેસીને એનો હાથ પકડી બોલ્યો.
"અરે પણ એવુ તો શુ થઈ ગયુ. હું ફક્ત થોડી બીમાર પડી હતી. અને તમે આમ કેમ રીએક્ટ કરો છો", જ્યોતિ અનુરાગને આમ પહેલી વાર પોતાના પ્રત્યે ઉગ્ર થતો જોઈ બોલી.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)