મધુ-મિલનની લવ સ્ટોરી वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુ-મિલનની લવ સ્ટોરી

ગામડે આવતી સવારની વહેલી બસમાં મધુ તેની બેનને પહેલી વખત પાલનપુર મળવા જતી હતી.તે જ બસમાં પાછળથી મિલનને બસનાં પગથિયાં ચડતો જોઈ મધુ ખૂબ ખુશ થઇ અને બોલી મિલન અહીં આવી જા આ સીટમાં જગ્યા ખાલી છે.મિલન આવી ને જોડે બેઠો...બસ પાલનપુરના લક્ષ તરફ હાઇવે પકડી સડસડાટ ચાલી.ત્યાં મધુ બોલી સારું કર્યું તું આવી ગયો,મને તારો સંગાથ મળી ગયો.બોલ તું ક્યાં પાલનપુર કૉલેજ જ જાય છે ને?
મિલન : હા મધુ...!
મિલન અને મધુ બચપણનાં દોસ્ત હતાં.ગરીબ ઘરનાં બેઉ અને ગામડાના રીવાજ મુજબ તે જમાનો એટલે છોકરીઓને વધુ ના ભણાવાય. એકડો બગડો અને ઘરનો હિસાબ વાંચી લખી શકે તેટલું ભણી જાય એટલે પત્યું.
આવા સમયની આ વાત છે.ખેતીમાં આવક ઓછી વધુ સંતાન અને ખર્ચા પાણીમાં જ જીવન પૂરું થઇ જતું.તે સમયની આ વાત છે.
મધુ : મિલન તારા આ બગલ થેલામાં શું છે? તેમ કહી થેલાની ચેઇન ખોલી ને જોયું તો એકાદ જોડ થીગડાં મારેલાં કપડાં,જરૂરી પુસ્તકો,પોતાની જરૂરિયાત પૂરતી વસ્તુ સિવાય થેલામાં કંઈ નહોતું.
મધુ : હેં,મિલન! તું ચા નાસ્તો કરી નીકળ્યો કે ભૂખ્યો?
ના આટલી વહેલી સવારે મારે માટે કોણ જાગીને ચા-નાસ્તો કરાવે?ગઇ કાલે ઘેર આવ્યો હતો.કોલેજની ફી લેવા પણ ઘેરથી બાપા બોલ્યા કે મારી.પાસે નથી.મરાથી ખર્ચ વેઠી શકાય તેમ નથી.તારે ભણવું ના હોય તો મજૂરીએ જા.મારી પાસે કોઈ રૂપિયા નથી.
ગામડામાં શિક્ષણ ઓછું,મજૂરી અને રૂઢિગત માન્યતાઓથી સંતાનની સંખ્યા વધુ થતી.એટલે "એક સાંધે ત્યાં તેર તૂટે " જેવી બાપાની સ્થિતિ જોઈ હું બોલ્યા ચાલ્યા વગર સવારે વહેલો ઊઠી બસ પકડી.
મધુ :તો કૉલેજ જાય છે,ત્યાં ફી ના રૂપિયા કોણ મારો ભા ભરશે ? બાપની ફરજમાં નથી આવતું? તો શું કામ આટલાં સંતાન જણ્યાં?એક બાજુ મોજ શોખ કરવામાં ભવિષ્યનું કંઈ ના વિચાર્યું? અને હવે ખર્ચાને રૂએ છે,તારા બાપા? બાપની ફરજ છે કે સંતાનને ભણાવવાં જોઈશે, તો માપમાં ચાલીએ?.જો આ ના થઇ શકતું હોય તો પરણવું ના જોઈએ.....
મધુ એક સાથે બસમાં બીજાં સહ પ્રવાસીની વચ્ચે ઊંચા સાદે બોલી ગઇ.મિલન નીચું મોં કરી આસું સારતો હતો.
મધુ : લે હવે છોકરીઓ જેમ રડવાનું બંધ કરી આંસુ લૂછ.મને ખબર છે કે તારી પાસે આસું લુછવા..રૂમાલ પણ નહિ હોય!અને સાચે જ તેના પાસે હાથ રૂમાલ સુદ્ધા નહિ હતો.તે લાચારીવશ મધુ સામે જોઈ બોલ્યો.
મધુ....! બધાંની વચ્ચે આવું ના બોલ. હા તું સાચી છે.ભૂલ કોની હોય છે અને કોને ભોગવવાનું હોય છે તે તું અને દુનિયા આખી જાણે છે.
મધુ : કોલેજમાં વગર ફી એ પાછો જાય છે તો ત્યાં શું કરીશ? ફી ક્યાંથી ભરીશ?
મિલન : મધુ... હું અઠવાડિયાની દોઢ દિવસની રજામાં કડિયા કામે જાઉં છું.મારા પોતાના ખર્ચ પેટે એ રકમ ખર્ચાય છે.પરંતુ કોલેજમાં અવનવા ફી ને નામે લૂટ જે થાય છે તે મારાથી નથી ભરાતા.હું જો ના ભણું તો મારો બાપ મને મજૂરીએ મોકલી દેશે,સાથે મારું સ્વમાન ખોઈ મારે જીવવું પડશે.કેમકે બાપા અભણ છે.મારી બા પણ અભણ છે.પરિવારમાં બીજાં ભાઈ બેન નાનાં છે,જેના ખર્ચા આવનારા સમયમાં આવશે તે મને ખબર છેએટલે કષ્ટ વેઠી મારે ભણવું છે.
મધુ બોલી.. મિલન તને દુઃખ લાગે તેવું હું બધાંની વચ્ચે બોલી ગઇ.હા તને તારા બા બાપુજીનું ખોટું લાગ્યું હશે,પરંતુ મારી વાત ખોટી નથી.અહીં બસમાં સાંભળનાર બીજા આવી ભૂલ ના કરે તે માટે હું ગુસ્સામાં બોલી ગઇ.એ ગુસ્સો તારા પર નથી,આ બસની અંદર કે સમાજના બેઠેલા વડીલો પર છે,જે તેના સંતાન માટે કંઈજ વિચાર્યું નથી.માત્ર મોજ શોખ પૂરા કરવા પરણે છે.પરંતુ તેનાં પરિણામ કેવાં માઠા આવે તેના માટે કોઈ વિચારતાં નથી.તને ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું.
મિલન... ના મધુ તું મારી સાચી મિત્ર છે.સાચી સલાહકાર છે.કોઈપણ સ્થિતિમાં તું મને દુઃખી નથી જોઈ શકતી.હું ઘેર આવું એટલે તું દોડતી મને મળવા આવી જાય છે.મને ખબર છે કે મારાં આસું તું જોઈ નથી શકતી.કપડાં, રૂપિયા, પુસ્તકો,ફી માટે તેં મારાં માટે ખૂબ મજૂરી કરી છે.
મધુ મજૂરીએ જે કંઈ કમાય તેમાંથી થોડી તે પોતાની અલગ મૂડી મિલન માટે સાચવી રાખતી.તેને મિલન ખૂબ જ વહાલો હતો.મનોમન પ્યાર પણ કરતી હતી.ઉંમરમાં થોડાં મહિના મધુ મોટી હતી.પરંતુ તેને મિલન ખૂબ ગમતો.મિલનનું દુઃખ તેનાથી સહન ના થતું.તે જયારે જુએ ત્યારે મિલનને પૂછતી.મિલન તું ભણજે!તારો ખર્ચ હું વેઠવા તૈયાર છું.હું કાળી મજૂરી કરીશ પણ તને મદદરૂપ થઈશ.મિલન જયારે જયારે બગલમાં થેલો ભરાવી ગામની સાંકળી શેરીમાં નીકળે ત્યારે દોડતી આવતી તેના થેલામાં જે કંઈ બચત કરી હોય તે થેલામાં નાખી પવનવેગે જતી રહેતી.... મધુનો મિલન માટે ખૂબ સહારો હતો.મધુ પરણી સાસરે જઈ ત્યારથી મિલનનો સહારો કોઈ હતું નહિ.તે આવતો અને ઉના આસુંડે રડી પાલનપુરની વાટ પકડતો.આજે અચાનક મધુનો બસમાં ભેટો થઇ જતાં.તે મનોમન ખૂબ હરખાતો હતો.
"સફરમાં કોઈ હમસફર મળે,તો સફર શાનદાર લાગે,
એ સફરમાં કોઈ ગમતો મિત્ર આવી જાય તો સફર જાનદાર લાગે."
મધુ-મિલન પાલનપુરના બસ ડેપો ઉતર્યા અને મધુએ પૂછ્યું.ચાલ મિલન તું ભૂખ્યો થયો હોઈશ. સવારે નાસ્તો પણ નહિ કર્યો માટે કોઈ લોજ માં આપણે બેઉ જમી લઈએ.મારે બૅનને ઘેર જવું છે. બે દિવસ છું.ચિંતા નથી.તે બહાને તારી સાથે વાત કરીશ અને તારા કઠણ દિવસોની હું ભાગીદાર બનીશ.
બેઉ કંતાનથી ઢાંકેલી સાદી લોજમાં ગરમ ગરમ બાજરીના રોટલા અને બટાટા રીંગણનું મિક્ષ શાક ધરાઈને ઉપર છાસ પીધી.જરૂરી મધુ પાસે હતી તે બધી રકમ તેની ફી માટે મિલનને આપી.તેના પાસે રિટન ભાડા પેટે જરૂરી રકમ રાખી.અને ખૂબ હિંમત રાખી અભ્યાસમાં ધ્યાન આપવાની મીઠી સલાહ આપી મિલનને તેની કોલેજમાં રવાના કરતી વખતે ફરી બોલી.મને પોસ્ટ કાર્ડ લખતો રહેજે.હું મનીઓર્ડર કરી દઈશ પરંતુ તારું લક્ષ ભણવામાં રાખજે.
મધુ ત્યાંથી છૂટી પડી,મિલનને મધુની વિદાય ગમી નહિ પરંતુ તેની સોનેરી સલાહથી જીવનમાં કંઈંક કરી છૂટવાની તમન્ના જાગી.
મિલન ખૂબ ભણ્યો,નોકરી મેળવવા ખૂબ સંઘર્ષ કર્યાં બાદ મળી ગઇ.મધુને પ્રથમ ખુશીની જાણ કરવા પોસ્ટ કાર્ડ અને કલમ લીધી.અને પોસ્ટ કરી દીધો.મધુ ની થોડી સલાહને કારણે મિલન ખૂબ મોટો અધિકારી છે.
આજે મિલન તેની મધુને વાર તહેવારે અચૂક મળવા પહોંચી જાય છે.સાથે સાથે મોંઘી મોંઘી ઘર ઉપયોગી વસ્તુઓ મધુ માટે લેતો જાય છે.મધુની ઘણી આનાકાની છતાં તે દરવખતે તેના ઘરમાં શું ખૂટે છે તે જોઈ લે છે અને જયારે ફરી આવે ત્યારે વસ્તુ લેતો આવે છે.મધુ કંઈ કહે તો મિલન વળતો એટલો જ જવાબ આપે "મારે માટે તારાથી વધુ કોઈ ચીજની કમી નથી, આ ઉપકાર નથી,મારી ફરજ પણ નથી,તારા નિર્વ્યાજ પ્રેમનું વળતર પણ નથી,માત્ર તું અને હું આ જુદાઈ છે. આવતે ભવે આ જુદાઈ મટી મધુ-મિલન થઇજાય તેવું ભગવન પાસે દરરોજ માગું છું "
મધુને મળીને જયારે મિલન નોકરીના સ્થળ જવા નીકળે છે,ત્યારે એટલું અવશ્ય બોલે છે કે મધુ! "આ જનમ નહિ આવતે જનમ તને મેળવીને જંપીશ,મને જન્મોજનમ તારા સહારાની જરુર છે.તારા આ નિર્વ્યાજ પ્યારની ઝંખના છે,
"મધુ-મિલન" નામ પણ તારા મારાં પ્યારનું કેવું મધુરમ સાયુજ્ય છે?".
-- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)