પ્રેમની ક્ષિતિજ - 36 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

પ્રેમની ક્ષિતિજ - 36

દરેક સવાર પોતાનું એક નવું પ્રતિબિંબ લઇ દરેક વ્યક્તિના મનના અલગ આકારને ઝીલે છે. મૌસમ માટે જાણે આજે લગ્ન એટલે એક નવું સમાધાન અને શૈલ માટે લગ્ન એટલે સંપત્તિ મેળવવા માટે નું છેલ્લું પગથિયું....

આજે મૌસમ અને શૈલના ખૂબ જ સાદાઈથી કોર્ટ મેરેજ હતા. લેખા અને નિર્ભય તેની તૈયારીમાં હતા. શૈલના પક્ષે અતુલ અને મૌસમના પક્ષે લેખા અને નિર્ભય હતા. નીંદર ઉડતા જ વહેલી સવારે મૌસમને આલય યાદ આવ્યો અને તેની યાદ આંખોમાંથી ટપકી બારી બહાર દેખાતા ભવિષ્યને ધૂંધળું બનાવી ગઈ.

પાસે પડેલા મોબાઇલમાં જાણીતા નંબર પર મેસેજ ટાઈપ કર્યો.....

" આજે મારા લગ્ન છે. કોર્ટમાં શૈલ સાથે. તારા માટે આ સાંભળવું અસહ્ય છે તેનો ખ્યાલ છે, પણ આલય આ મારી જિંદગીના, આપણા સંબંધ સાથે સંકળાયેલા છેલ્લા સત્યને હું તારી સાથે વહેંચવા માંગતી હતી. બે ત્રણ દિવસમાં હું અમેરિકા માટે નીકળી જઈશ આ મારો કદાચ છેલ્લો મેસેજ છે. તને ફરીથી યાદ દેવડાવવા માટે કે તારે હવે તારા કેરિયર અને મમ્મી-પપ્પાની ખુશીઓને ધ્યાનમાં રાખીને આગળ વધવા માટે જ બધું કરવાનું છે. માટે હું ઇચ્છું છું કે તને મારા કરતાં પણ વધારે સારી મૌસમનું વ્હાલ મળે જેથી ભવિષ્યમાં હું તને કદાચ ક્યાંક મળી જાઉં તો પણ તારી આંખોમાં પૂર્ણ સુખ જોઈ શકું બસ...."

આટલું ટાઈપ કરી આલયને મેસેજ સેન્ડ કરી તેના નંબર હંમેશા માટે ડિલિટ કરી નાખ્યા સાથે બ્લોક પણ, જેથી આલયનો રીપ્લાય પોતાના નિર્ણયને ડગમગાવે નહીં.

જાણીતો અહેસાસ..... આલયને વિહવળ કરી ગયો. મોસમનો મેસેજ વાંચી આલયને લાગ્યું જાણે હૃદયનો એક ટુકડો કપાઈ રહ્યો છે. ફરી ફરીને મેસેજ વાંચ્યો તેને લાગ્યું જાણે હૃદયનો ડૂમો તેને તોડી નાખશે. તે સીધો જ બાથરૂમમાં ગયો અને પાણીની સાથે જાણે દુઃખની પાછળ મૌસમના સુખી ભવિષ્યને જોવા પ્રયત્ન કરવા લાગ્યો.

કાલે જ ઉર્વીશભાઈએ વિરાજને બધી જ વાત કરી. તેઓ જાણતા હતા કે આલયને અત્યારે સૌથી વધારે કદાચ વિરાજ જ સંભાળી શકશે.

તે બાથરૂમ ની બહાર આવ્યો ત્યારે વિરાજ ત્યાં જ હતી. વિરાજને જોઈ આલય સ્વસ્થ થવા પ્રયત્ન કરવા લાગ્યો.તેની રડવાથી થઈ ગયેલી લાલ આંખોને જોઈ વિરાજનું હૃદય પણ દ્રવી ગયું. તેણે આલયને કહ્યું, "શા માટે આજે બળજબરીપૂર્વક સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે?"

આલયે કહ્યું," કંઈ નહીં માં."

" નહીં આલય, કોઈ દિવસ પ્રેમ કે અણગમો ગમે તે ભાવ હોય તેને મારી સામે રોકતો નહીં. નાનપણથી જ આપણે બંને એકબીજાની સામે કદી પણ કંઇ છુપાવતા નથી. આજે તો તારા અને મારા માટે કદાચ સૌથી નબળી ક્ષણોનો દિવસ છે."

આલય બોલ્યો," એવું નથી મા.... આ દિવસ તો આવવાનો જ હતો, મારી જાતે સમજી વિચારીને નિર્ણય લીધો છે, પણ આજે જાણે ખાલી થઈ ગયો હોવ તેવું લાગે છે.

"અને મૌસમ?"

મૌસમનો મેસેજ આવ્યો હમણાં, કે આજે તેના કોર્ટ મેરેજ છે."

" જવું છે તારે?"

" ના મા હું નહીં જોઈ શકું."

" હું પણ તારી આ બેચેની નથી જઈ શકતી આલય, પરંતુ આ જ કદાચ પ્રેમનું એક રૂપ છે બેટા, તું અને મૌસમ નસીબદાર છો કે તમને આવા પાત્રો મળ્યા જે પોતાના પ્રિયપાત્ર સુખમાં પોતાનું સુખ જોઈ શકે છે."

"હા મા, હું સમજુ છું બધું જ. એટલે જ હવે આજે છેલ્લો દિવસ છે જ્યારે હું મૌસમને યાદ કરી લેવા માંગું છું. કાલથી હું મારી જાતને મારા આગળના ભવિષ્ય માટે રોકી દેવા માંગું છું. જ્યાં મૌસમ મારી પ્રેરણા બનશે પણ તેનો પ્રેમ મને રોકી શકશે નહીં.

" પ્રેરણા બનશે ચોક્કસ દીકરા, અને સાથે સાથે તારી અંદરની મૌસમનો પ્રેમ જીવંત પણ રાખજે તારી લાગણી માં તારા વિચારોમાં અને તારા નિર્ણયોમાં..."

વિરાજ સાથે વાત કરી આલય હળવો થઈ ગયો અને પોતાના મનનો અફસોસ પણ નીકળી ગયો.

આજે સવારથી ફક્ત પોતાની જાત સાથે રહેવા માટે આલય નીકળી ગયો .મોસમના એક એક સ્મરણને જાણે જીવી લેવા માંગતો હતો. હોટલ પેરેડાઇઝની ગ્લાસ વિન્ડો પાસે બેસી જાણે મૌસમની રાહ જોવા લાગ્યો અને ભૂતકાળમાં સરી પડ્યો.

અને અહીં મૌસમ ભવિષ્ય માટે જાણે વર્તમાનને ગોઠવતી હતી. લેખા તેને તૈયાર કરતી હતી. ડ્રેસિંગના ફુલ ગ્લાસમાં દેખાતા બેનુર ચહેરાને જોઈ લેખા થોડીવાર ગભરાઈ ગઈ.

" મૌસમ એક વાત પૂછું?"

મૌસમે એવી જ ઉદાસીથી જવાબ આપ્યો," હા લેખા"

" મને એવું કેમ લાગે છે જાણે તું ખુશ નથી?"

" અરે હું કેમ ખુશ ન હોવ? આજે તો ખૂબ જ ખુશ પણ કદાચ ડેડનું દુઃખ પચાવતા વાર લાગશે."

" ઈશ્વર કરે કે તુ જલ્દીથી અંકલના દુઃખમાંથી બહાર નીકળી જા...અને જીવન ની અઢળક ખુશીઓ તને પ્રાપ્ત થાય. આમ છતાં પણ જ્યારે તારું મન મૂંઝાય અને તને એમ લાગે કે લેખા સિવાય આ વાત કોઈ સમજી નહિ શકે ત્યારે તું મને યાદ કરજે પ્રોમિસ?"

મૌસમ લેખાને વળગીને લપાઈ ગઈ.... હા ચોક્કસ તને જ કહીશ , કારણકે તારી જેમ મને કોઈ સમજી નહિ શકે."

મૌસમની સાથે સાથે લેખા પણ એટલી જ સુંદર લાગતી હતી નિર્ભય બે મિનિટ માટે જોઈએ જ રહ્યો. લેખા ને ખબર પડી ગઈ કે નિર્ભય તેની સામે એકીટશે જોઈ રહ્યો છે. તેણે ટોકી લીધો,"નિર્ભયજી આ શું જોઈ રહ્યા છો?"

નિર્ભયને હસવું આવી ગયું. તે બંનેને જોઇને મોસમ પણ ખુશ થઈ. મૌસમને હસતી જોઈ અતુલને પણ આનંદ થયો કે સારું આ બહાને કેટીનું એક ઋણ હું ઉતારી દઈશ.અને શૈલ? આજે પહેલીવાર પહેરેલી શેરવાનીમા ગૂંગળાઈ ગયો.

એક નાનકડી કલમની વિધિથી હંમેશા માટે દેશમુખમાંથી મૌસમ શૈલની બની ગઈ. લેખા અને નિર્ભય પણ સાંજે જ નીકળી જવાનું વિચારે છે. લેખા અને મોસમ છેલ્લી વાર મળી લે છે. મૌસમની વિદાય લેખા માટે અસહ્ય થઈ જાય છે. પરંતુ મૌસમનું ભવિષ્ય કદાચ હવે ઇન્ડિયાની બહાર જ વધારે વ્યવસ્થિત છે તેમ વિચારી મોસમને હિંમત આપે છે," અરે મોસમી મારા માટે અમેરિકા દૂર નથી હું ત્યાં પણ આવી શકું."

મૌસમ લેખાની આંખોમાં પ્રેમ જોઈ ખુશ થઈ જાય છે,". હું તો એમ જ ઇચ્છું છું લેખા કે જલ્દીથી તું પણ કોઈ સારું પાત્ર શોધી લે અને તારા સપનાઓ શણગારવા માટે હું આવી જાઉં."

શૈલ હવે કંટાળી ગયો .તેને આ બધું જલ્દી પતાવી અને ઈન્ડિયામાંથી બહાર નીકળી જવું હતું." પ્લીઝ ડેડ કેટલી વાર છે હજુ?"

અતુલ ને બીક લાગે છે કે ક્યાંક શૈલ કોઈ સીન ક્રિએટ ના કરી લે. "અરે બેટા મને ખબર છે કે તું ગરમીથી અકળાઈ ગયો છે બસ હવે થોડીક જ વાર હમણાં હોટેલ પર પહોંચી જશું."

મૌસમને મનમાં વિચાર આવી ગયો,કે" આ શૈલ તો તેના નામ પ્રમાણે ગુણ ધરાવે છે, પણ મી શૈલ તારો પનારો મૌસમ સાથે પડ્યો છે. એ મૌસમ કે જેણે ઘણા શૈલને સરખા કર્યા છે."

લેખા અને નિર્ભય કોર્ટમાંથી જ મોસમને વિદાય આપી રવાના થાય છે. અતુલ મૌસમ અને શૈલને લઈ હોટેલ પર આવે છે. મૌસમ અને શૈલ ફ્રેશ થવા રૂમ પર જાય છે. શૈલ જાણે પાણી પહેલાં પાળ બાંધતો હોય તેમ તે મોસમને કહી દે છે," સાંભળ બધાની વચ્ચે મારે તને કશું કહેવું ન હતું પણ અત્યારે તમે સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું ,જો તું કોઈ ઇન્ડિયન ગર્લ ની જેમ વિચારી સપનામાં રાચતી હોય તો આ બધા જ સપનાઓ ભૂલી જજે. મને તારી ગોરી ચામડીમાં જરા પણ રસ નથી. હું આ ગોરી ચામડીમાં ફસાઈ જઈને મારુ ભવિષ્ય બગાડવા માંગતો નથી. આપણાં લગ્ન ફક્ત કોન્ટ્રાક્ટ જેવા છે એટલે એક પણ અપેક્ષા મારી આગળ રાખતી નહીં, અને જો તું બળજબરીપૂર્વક તારો અધિકાર માંગીશ તો મને તારા બધા અધિકાર છીનવી લેતા વાર નહિ લાગે. આને તું ચેતવણી કે સલાહ જે માનવું હોય તે માની લેજે."

આટલું બોલીને શૈલ મૌસમને એકલી મુકી અને ચાલ્યો જાય છે......

મૌસમને તો જાણે જોઈતું હતું અને ઈશ્વરે કૃપા કરી દીધી. અત્યાર સુધીની છેલ્લી ચિંતા પણ ચાલી ગઈ. પોતાના અને આલયના સંસ્મરણોને વાગોળતી ક્યારે નિંદ્રામાં સરી પડી ખબર જ ન પડી.....

અદકેરૂ મન ઊછળતું આવવા તારી પાસે,
ને નિત્ય સત્ય આપણા ભાગ્યનું ચણે દીવાલ.....

ચાલને એક હોવાના ભ્રમમાં જ સુખ નામના પ્રદેશમાં
વિહરીએ, પામીએ પ્રેમનુ એક નવું જ મેઘધનુષ્ય.....

(ક્રમશ)

પ્રિય વાચકમિત્રો પ્રેમની ક્ષિતિજ વાંચીને પ્રતિભાવ આપતા રહેજો જેથી હું પણ તમારા મોસમ આલય અને લેખાના પાત્રો વિશેના વિચારોને જાણી શકું. અને તમારા વાંચનની જિજ્ઞાસાને સંતોષી શકું....