Premni Kshitij - 35 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 35

શરૂઆત નવા સમયની અને સંજોગો સાથે સમાધાનની સાનુકૂળતાની. મૌસમે જાણે સુખના સમયને પેટીમાં બંધ કરી સાચવીને મૂકી દીધો અને શરૂ કરી એક નવી જ સફર નવા સાથીઓ સાથે....

મૌસમે સવારે ઊઠતાંવેંત જ વિચારી લીધું કે થોડાક સમયમાં ઘણા બધા કામ ફટાફટ પતાવવાના છે એટલે જરાપણ સમયની બરબાદી પરવડે નહીં. આજે જાણે મૌસમ નહીં પણ કેટીની છાયા તેમાં પ્રવેશી ગઈ.

સવારે જ અતુલ અંકલ અને શૈલને બોલાવ્યા હતા. જેથી કરીને આગળના આયોજનો થઈ શકે. પોતાના મમ્મી ડેડી અને લેખા સાથેની બધી જ યાદોને એક બેગમાં પેક કરી અલગ કરી લીધી અને બાકીનું બધું સમેટવા માંડયું.

એક પછી એક સીડીઓ ઉતરતી મૌસમને જોઈ અતુલ પણ એક સેકન્ડ જાણે કેટીને જોઈ રહ્યો. આનંદની સાથે પીડા પણ થઇ. અને મનોમન કેટીને વિશ્વાસ પણ દેવડાવ્યો કે મૌસમ વિશે કેટીએ ધારેલું ભવિષ્ય વધારે સારું બનાવીશ.

શૈલે પણ ઝડપથી ઇન્ડિયા છોડી દેવા માંગતો હતો, એટલે એક બે દિવસમાં જ કોર્ટ મેરેજ કરી લેવાનું નક્કી કર્યું. અતુલે એક વીક પછી બન્ને ની ટિકિટ કરાવી લેવાનું વિચાર્યું. મૌસમ જાણે મૌસમ ન રહી. હૃદયથી વિચારવું છોડી મનને મનાવવા લાગી.

પરંતુ ઈશ્વર તેના હૃદયને જીવંત રાખવા સંજોગો નિર્માણ કર્યે જ કરતો હતો. લેખા ભારે પગલે બંગલામાં પ્રવેશી. આજે પહેલીવાર અબોલ શાંતિ વાતાવરણમાં જણાઇ. મૌસમનું ધ્યાન બારણામાં પ્રવેશતા નિર્ભય અને લેખા તરફ ગયું. તે દોડીને લેખા પાસે ગઈ. લેખાએ સામાન ત્યાં જ મૂકી દીધો. પોતાનો બધો જ પ્રેમ મોસમને સંભાળી લેવા માટે ઉમટી પડ્યો.

મૌસમે રડતા રડતા કહ્યું, " શા માટે મોસમ ઈશ્વર મને ખુશ નથી રાખી શકતો?"

લેખાનું પણ રડવાનું શરૂ થઈ ગયું. તેને સમજમાં જ ન આવતું હતું કે કયા શબ્દોથી મોસમને સાંત્વના આપે?
" કેવી રીતે અચાનક બની ગયું આ બધું?"

મૌસમે રડતા રડતા પોતાની વાત કહી.....
શૈલ મોસમનું આ રૂપ જોઈ જ રહ્યો, અને તેનું મગજ મોસમના ઇમોશનલ માઇન્ડને કેમ હેન્ડલ કરવું તેની ગણતરી કરવા લાગ્યું. અતુલ અંકલ અને નિર્ભયે તે બંનેનો પ્રેમ અને સંવાદ સાંભળી થોડીવાર સાંત્વના અનુભવી કે સારું છે ,બંને એકબીજાને સંભાળી લેશે.

બંનેની વાત ચાલુ હતી ત્યાં લેખાનું ધ્યાન શૈલ તરફ ગયું.
તેણે આંખોથી જ જાણે મોસમ ને પૂછ્યું શૈલ વિશે.....
અને મોસમ તરત જ લેખાને સત્ય ગળે ઉતરી જાય, તે માટે તૈયાર થઈ ગઈ.

મોસમે શૈલની ઓળખાણ કરાવતા કહ્યું, "સોરી લેખા હું તો તને વાત કરતા જ ભૂલી ગઈ, આ શૈલ છે અને આ તેના પિતાજી અતુલભાઇ. આ શૈલ જ છે મારા મિસ્ટર અલગારી"
. લેખા ને જાણે માન્યામાં ન આવ્યું. તે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ શૈલ સામે જોઈ રહી.
મૌસમે હળવાશથી કહ્યું," અને બીજી પણ એક વાત હવે ડેડ નથી તો મારે અહીં ઇન્ડિયામાં ઝાઝો સમય રહેવું નથી. શૈલ ને હું બે-ત્રણ દિવસમાં જ લગ્ન કરી અને અમેરિકા સેટલ થઇએ છીએ. સારું છે કે તું સમય પર પહોંચી ગઈ. કોઈક તો છે જે મારા પક્ષે મારા ભવિષ્યનું સાક્ષી બનશે."

અતુલ ને એમ થયું કે થોડીવાર મોસમને લેખા સાથે સમય વિતાવવા દઉં, પછી ક્યારેય આ સમય નહીં મળે. તેણે તરત જ શૈલ સાથે વાત કરી અને હોટેલે જવાનું નક્કી કર્યું. નિર્ભય પણ બંનેને એકલા છોડી પોતાના મિત્રને મળવાનું બહાનું કહી નીકળી ગયો.

મૌસમને પોતાની જાતની જ બીક લાગવા માંડી કે ક્યાંક લેખા સામે બધું જ વ્યક્ત ન થઈ જાય. તેણે પોતાની લાગણીઓ ઉપર કંટ્રોલ કરી અને લેખાને બીજી વાતોમાં વાળવાનો પ્રયાસ કર્યો." લેખા મને ડેડના મૃત્યુ પછી ખબર પડી કે તેઓને બિઝનેસમાં થોડું-ઘણું ટેન્શન હતું અને કદાચ તે પ્રેશરમાં જ તેમને એટેક આવી ગયો."

લેખાએ પણ કહ્યું, " સાચી વાત છે મને પણ એવું જ લાગ્યું બાકી અંકલ તો ખુબ જ નિયમિત અને મહેનતુ હતા. તેઓ આમ અચાનક મૃત્યુ પામ્યા તો મને પણ એવું જ કંઈક કારણ જવાબદાર લાગ્યું. પણ મોસમ હવે આ બધું કેમ હેન્ડલ થશે કોણ સંભાળશે?"

મૌસમને જાણે લેખાને સમજાવવાનું કારણ મળી ગયું." ઈશ્વર મને મદદ કરે છે લેખા... હું અને શૈલ અતુલ અંકલ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. અમારા બંનેની વાતો ચાલુ થઈ ગઈ હતી, અને અમને બંનેને એમાં જે લાગતું કે અમારા મુક્ત વિચારો એક બીજા ને સાચવી લેશે, પરંતુ ડેડની તો તને ખબર છે ને? શૈલ એક બિન્દાસ અને ધનવાન પિતાનો એકનો એક દીકરો છે અને ડેડ ને કદાચ આ વાત ન ગમે એટલે જ હું કહેતા પહેલાં બીતી હતી, તું માનીશ તે રાત્રે જ મેં ડેડ ને મનાવી લીધા હતા. ડેડને એકવાર શૈલને મળવાની ઈચ્છા હતી અને ત્યાં તે રાત્રે જ ડેડ મૃત્યુ પામ્યા."

લેખાને ધીમે ધીમે લાગવા માંડ્યું કે કદાચ પોતે જ ખોટી શંકા કરી રહી હતી, મોસમ ની વાત સાચી લાગવા લાગી.

મૌસમે આલયની વાતને શૈલની વાત નું નામ આપી દીધું.
" અને હવે ડેડનો બિઝનેસ પણ ચિંતાનો વિષય છે માટે જ અતુલ અંકલ ડેડના બિઝનેસને સંભાળશે અને હું શૈલ સાથે અમેરિકામાં શૈલના બિઝનેસને."

લેખાએ પણ ખુશીથી કહ્યું," સારુ મોસમ આ સાંભળીને હું ખુશ થઈ, મેં જ્યારથી ડે અંકલ વિશે સાંભળ્યું ત્યારથી તારી ચિંતા થતી હતી. હવે હું થોડી નિશ્ચિંત થઈ ગઈ ઈશ્વર કરે કે તું અને શૈલ બધી જ ખુશીઓને પામો."

મૌસમે બે મિનિટ આંખો બંધ કરી લીધી આલયને છેલ્લી વખત યાદ કરવા માટે......

તારા સાથે હોવાના ભ્રમે ભ્રમે.,
ઓગળતું અસ્તિત્વ મારી અંદર...

બધું જ પૂર્ણ કરવાની મથામણ,
છતાં આંખોની ભીનાશ અપૂર્ણ અવિરત....

સંભારણાઓનો સામાન ખીચોખીચ,
અને હૃદયનો એક ખૂણો ખાલી ખાલી....

શું મૌસમ બધું જ સંભાળી શકશે?
કેવું હશે શૈલ અને મોસમનું ભવિષ્ય?

જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ..

(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED