નેહડો ( The heart of Gir ) - 18 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 18

કનો રાજી થતો થતો બોલ્યો, " રાધી આ કોણે બનાવી દીધા?".


" માર અમુઆતાએ હાલ્ય આપડે નીયા ભેંહું સરે ઈ ઠેકાણે આનથી રમશું."


રાધી ને કનો ખાખરાનાં છાયડામાં બેઠાં છે. રાધી બધાં ગારાનાં રમકડાં એક પછી એક બહાર કાઢે છે. રમકડાંમાં પાંચ કુંઢા શીંગડા વાળી ભેંસો બનાવેલી છે.અમુઆતાએ ખૂબ કારિગરાઈથી આ રમકડાં બનાવ્યાં છે.નાનકડી ગારાની બનાવેલી ભેંસોનાં આંચળ પણ દેખાય છે.ધોળા પથ્થરની આંખો પણ બનાવેલી છે.ભેંસો સાથે તેનાં નાનકડાં પાડરું ય બનાવ્યાં છે.ત્રણેક મોટાં શીંગડાવાળી ગાયો પણ બનાવેલી છે. એક સિંહ અને સિંહણ પણ બનાવ્યા છે. ક્યાંકથી મળેલા સિંહનાં વાળ ચોટાડીને સિંહની કેશવાળી પણ બનાવી છે.સિંહનાં દાંત અણીવાળા ઘુઘા શંખનાં બનાવેલા છે. ગારાનાં આ રમકડા જોઇ કનો રાજી રાજી થઈ ગયો.


"રાધી તારા આતાને કે' જે ને મને ય આવા રમકડા બનાવી આલે."કનાએ રાધી સામે જોઈ ભોળું મોઢું કરી કહ્યું.


"ગાંડા મારી પાહે તો કેટલાય સે. મેં આ તારી હારું જ બનાવરાવ્યાં સે."રાધીએ કનાનો હાથ પકડી ને કીધું.


" આ બધા તું મન મારા ઘરે લઈ જાવા દશ?"


" હા...લે..કવ તો સુ તારા જ સે.પશે તું ઘરે લઈ જા કી હિરણ નદીમાં નાખી દે તારી મરજી."એક કહી રાધી ઠાવકું હસી.


કનો રાજી થઈ ગયો. તેણે બધા રમકડાં ઊંધા સત્તા કરી બરાબર જોયા.

બંને ખાખરાનાં છાયડે રમી રહ્યા હતા. કનાએ કાંટાનાં નાનકડા ડાળખાં લાવી, નાનો એવો વાડો બનાવ્યો. વાડામાં રમકડાની ગાયો ભેંસો પુરી. સાથે પાડું અને વાછરું પણ પૂર્યા.
રાધી હસવા લાગી."અરે કાઠીયાવાડી આ પાડરું ને વાછરુ ભેરાં પુરિશ તો ઈ ઈની માવું ને ધાવી નય જાય? પસે દોવા હું સુ જાહ? ઈને નીયાથી બારા કાઢ્ય. હું જો નેહડો બનાવું સુ એમાં પૂરી દે."એમ કહી રાધીએ કનાએ બનાવેલ આ વાડા પાસે ગોળ પથ્થર ગોતી ફરતે ફરતે ગોઠવી એક કુંડાળું બનાવ્યું. ખાખરાનાં પાંદડાની સળીઓ ભેગી કરી સાવરણો બનાવ્યો. આ નાનકડા સાવરણા થી વાળીને રાધીએ નેહડો ચોખ્ખો કર્યો.
" લે હવે પાડરું ને વાછરુ આયા માલિકોરય પૂરી દે."
કનો રમકડાનાં નાનકડા પાડરું ને વાછરુ રાધી એ બનાવેલ નેસમાં પૂરી દે છે.
" કાઠીયાવાડી હવે એક એક ભેંહ વાડામાંથી કાઢય હું દોય લવ."
કના એ કુંઢી ભેંસને હાથમાં પકડી વાડામાંથી લઈ નેસમાં મૂકી. રાધી દોવાનો અભિનય કરવા લાગી. કનો થોડોક આઘેરેક્ આંટા મારતો હતો.
" એય...કાઠીયાવાડી, ન્યા ક્યાં આંટા મારે સો? આયા ભેહની આડા તો ઊભા ર્યોં! ભેંહ વટકે સે!"

કનો જાણે સાચે જ ભેંસ દોવાતી હોય અને આડો ઊભો હોય, એમ એક પગની આંટી મારી લાકડીને ટેકે રમકડાની ભેંસને દોવરાવી રહ્યો છે. અને જેમ તેનો ગેલો મામો રોજ બોલે તેમ અભિનય કરવા લાગ્યો.
" હિ...હો... બાહપો.. ભગર્ય..લે..લે. મરી ગઈ સે તે ટાંગા ઉસા કરે સે પાસી. તગારુ ભરીને ખાણ ખાય જાય સે ને દોવા દેવામાં મોત આવે હે?"
રાધી ભેંસ દોતી હોય તેમ બેસી ગઈ છે, અને કના સામે ત્રાસી નજરે જુએ રાખે છે. જોતી જોતી મનમાં ને મનમાં મરકે છે. આમ આજે બાળ ગોઠિયાને એક નવી જ રમત મળી ગઈ. તેણે ભેંસ દોવાથી લઈ, તેને ખાણ દેવું, વાસિદુ કરવું. બધું કામ કર્યું.
વાસીદુ કરતા કરતા રાધી એ છણકો પણ કર્યો," વળી પાસો ક્યાં આંટા મારવા મંડ્યો? હું વાસીદું કરું ત્યાં લગી આ છાણનાં ટોપલા ઉકડે ફગાવી દે."કનાએ વાસીદું પણ કરાવ્યું.

હવે કનો ગેલા મામાની જેમ દૂધ દેવા માટે પણ ઉપડ્યો. તેણે ગાડીની કિક મારવાનો અભિનય કરી,ગાડી દોડાવી ડેરીએ દૂધ ભરવા પણ દોડતો દોડતો એટલામાં આંટો મારીને ગયો.કનો આવ્યો ત્યાં રાધીએ પથ્થરનો મંગાળો કરી ત્યાં રોટલા કરી રાખ્યાં હતાં ને કનો સાચું જમતો હોય તેમ તેને થાળી પીરસી.કનાએ જમવાનો પણ અભિનય કરી નાખ્યો.આમ, જમણવાર પૂરો થયો.
" લે હાલ્ય હવે માલ ભૂખ્યો થયો સે.જંગલમાં સારવા જાવી." રાધી એ કહ્યું.
" તું માલને વાડા બારણે કાઢ્ય હું થેલો ખંભે લઈ નીકળી જાવ સુ."
રાધીએ ભેંસોને વાડા બહાર કાઢી ને કનાની પાછળ પાછળ ચાલવા લાગી.
" તું હાર્યે ક્યાં આવે સો?જંગલમાં હું ભેહુ સારિશ.તું ઘીરે કામ કરજી."કનાએ કહ્યું.

"ના રે ના...મન ઘરી એકલાં નો ગોઠે.હું તારી હંગાથે જંગલમાં માલ સારવા આઇશ."એમ બોલી રાધી પણ આ રમકડાંની ભેંસો ઉઠાવી પાછળ ચાલતી થઈ.

થોડા આગળ જઈ રમકડાના ગાય ભેંસ ને ઘાસમાં ચરાવવા મૂકી દીધા. જાણે ગાય ભેંસ સાચે જ ચરતા હોય તેમ બંને તેની પર ધ્યાન રાખી બેઠા.

એટલામાં ખાખરાનાં થડ પાસે બેઠેલા રમકડાંનાં સિંહને કનાએ પકડ્યો ને સિંહણને રાધીએ પકડી. બંનેને લઈ રમકડાની ગાયો ભેંસો ચરતી હતી તે બાજુ લાવ્યા. રાધી "જનાવર... જનાવર... "એવી બૂમો પાડવા લાગી. કનાએ પોતાના હાથમાં રહેલ સિંહને ચરતી ભેંસો સાથે અથડાવી બધી ભેંસોને નીચે પાડી દીધી. રાધીએ જોયું કે કનાનાં સાવજે બધી જ ભેંસોને મારી નાખી. તેણે ઠપકો આપ્યો,
"કના હાવજ કારેય બધી ભેંહોને નો મારે.બધી હું, બે ભેહોને ય નો મારે.ઈને બવ ભૂખ લાગી હોય ને બીજો હીકાર નો મળ્યો હોય, ભેહ એકલ દોકલ થય ગય હોય, તીયારે જ ભેહનો હિકાર કરે.બાકી બધી ભેહું ને મારી નાખે એવા હજી ગર્યમાં હાવજુ વંઠી ગ્યા નહિ હો કના!" કનાએ આડી પડી ગયેલી ભેંસોને ઉભી કરી પછી તેના હાથમાં રહેલા સિંહને એક ભેંસ પર હુમલો કરાવ્યો. રાધી એ તેના હાથમાં રહેલી સિંહણને પણ તે ભેંસ ની ડોક પાસે મૂકી દીધી. આમ રમત-રમતમાં શિકારનું દૃશ્ય પણ આવી ગયું.

આવી રીતે રમતા રમતા કેટલો સમય જતો રહ્યો તેની બંનેને ખબર પણ ના રહી. સાંજ થવા આવી. સુરજદાદા પશ્ચિમ દિશામાં ઢળવા લાગ્યા. આકાશમાં પંખીડા ઉડીને પોતાનાં માળા તરફ પાછા ફરવા લાગ્યા. ગીરનાં જંગલનાં અનેક રૂપ છે. તે ચોમાસામાં હરિયાળું ને હર્યુંભર્યું હોય છે.ગીર છ એક મહિના તેનું આ રૂપ જાળવી રાખે છે. શિયાળો પૂરો થવા આવે ત્યાં ઝાડનાં પાંદડા પીળાં થવા લાગે. આ પણ ગીરનું એક અલગ રૂપ હોય છે. ઉનાળામાં ગીરનું ઉજ્જડ સ્વરૃપ હોય છે. વૃક્ષોનાં પાંદડા ખરી પડે છે. ઝાડવા સૂકા સૂકા લાગે છે. જમીન પર સૂકા પાંદડાની પથારી થઇ જાય છે. દિવસે ગીરનું જંગલ સુંદર અને જાગતું લાગે છે. રાત્રે આનું આજ ગીર, ભીષણ અને ભયંકર લાગે. જીવ બચાવવા સતર્ક રહેતા તૃણાહારીઓ જે રાત્રે ઓછું જોઈ શકે છે. તેનો શિકાર કરવા સજ્જ થઈ ગયેલ સિંહ, દીપડા જે રાત્રે ખૂબ દૂરનું સારી રીતે જોઈ શકે છે. રાત્રે આ બધા વચ્ચે બચવાના અને મોતનાં ખેલ ચાલતા રહેતા હોય છે. સાંજનાં સમયે ગીરનું જંગલ ધીમે ધીમે તેનું આ રૂપ સજવાની તૈયારી કરી રહ્યું હતું. રાધીનાં પિતા નનાભાઈએ હાંકલો કર્યો,
" એ હાલો હવે ઘર ભેગા થાવી.હમણે હુરજ દાદો ડૂબી જાહે"
રાધીએ બધા રમકડા થેલીમાં ભરી કનાને આપ્યા. કનાએ રાજી થઈ થેલી લઇ લીધી. રાધી તરફથી કનાને આજે અણમોલ ભેટ મળી હોય તેવો તે રાજી હતો.

બધા ગોવાળિયાએ માલને હાકલ કરી કેડીએ ચડાવ્યો. સામેથી બે ગાર્ડ આવી રહ્યા હતા. તેમાંથી એકે દૂરથી હાકલો કરી ગેલાને પૂછ્યું,
" અલ્યા કાલ્ય તારી ભેહને મારી નાખી ઈ સામત હાવજનાં આણીકોરી વાવડ સે?આજ આખો દાડો ઈ શિકારની જગ્યાએ આયો નહિ."
ગાર્ડ્સને જોઈને ગેલો થોડો ગભરાયો પછી કહ્યું, " ના આનીકોર્ય ક્યાંય ભાળ્યો નહિ."

ક્રમશઃ


(સામત સાવજનું શું થયું હશે? જાણવા વાંચતા રહો "નેહડો (The heart of Gir)")

લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no.9428810621