નેહડો ( The heart of Gir ) - 17 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 17

રાત વધુને વધુ ઘેરી થતી જતી હતી. તેની સાથે સાથે નેહડામાં ચિંતાનો ભરડો ભીંસાતો જતો હતો. રાજીનાં મનમાં વિચારોનું વમળ ચાલી રહ્યું હતું. તે બેચેન બની ઘડીકમાં ખાટલે બેસે તો ઘડીકમાં ઊભી થઈ જતી હતી. ચિંતામાં તેનું ગળું સુકાવા લાગ્યું હતું. રામુ આપાને શું કરું તે સમજાતું ન હતું. આટલા વર્ષોમાં ગેલો આમ તેને કહ્યા વગર ક્યાંય નીકળ્યો નથી. તે પોતાના હાથમાં રહેલી ટોર્ચ ઘડી ઘડી ચાલુ કરી પ્રકાશ ચારેબાજુ ફેરવ્યાં કરતા હતા. ઝીણીમા પણ અજંપામાં ધ્રુજવા લાગ્યા,
"તમી હૂ બેહી ગ્યા સો. બત્તી લયને આઘેરેક જોયા'વો તો ખરા. ગેલો જંગલમાં તો નહીં ગયો હોય ની? રાત્યે મે ઈનું મોંઢું જોયું'તું બવ ઉપાદીમાં હોય એવું લાગતું હતું."

આમ વાત કરતા કરતા રામુ આપાએ ટોર્ચ ચાલુ કરી જાપા તરફ પ્રકાશ ફેંક્યો, ત્યાં જાપે ગેલો ઊભો હતો. પણ આ શુ? તેનાં કપડાં ધૂળ ધમાહા થઈ ગયા હતા. વાળ વિખણ શિખણ થઈ ગયેલા હતા. મોઢા પર ધૂળ જામી ગઈ હતી. આંખો લાલચોળ હતી. ચોરણો ગોઠણ સુધી પલળેલો અને પગ ગારાથી ખરડાયેલા હતા. ચારેય જણ દોડીને જાપે આવ્યા.
" હું થયું?ક્યાં ગ્યો તો?કીમ કોય ને જગાડ્યા નય? તની હું થય ગ્યું?"
જેવાં પ્રશ્નો ની ઝડી વરસી ગઈ.

ગેલો કશું બોલ્યો નહીં. બધાની સામે જોઈ રહ્યો. ખંભે રહેલી ડાંગ નીચે ઉતારી. ટોર્ચનાં અંજવાળે રામુઆપાએ જોયું, તો ગેલાની ડાંગની કુંડલી લોહીથી ખરડાયેલી હતી. ગેલાનું મોઢું જોઈ રામુઆપાને વધુ કંઈ પૂછ્યું યોગ્ય ન લાગ્યું.
કનાએ પૂછ્યું, "મામા ક્યાં જ્યાં ' તા?"
ગેલાએ લાલચોળ આંખો કના તરફ ફેરવી તેની સામે જોયું.પરંતુ ગેલાનાં મોઢાં પર કોઈ ભાવ ન દેખાતાં કનો વધુ પૂછવાની હિંમત ના કરી શક્યો. ગેલો તેના ખાટલા બાજુ ચાલ્યો. રામુઆપાએ જાપો બંધ કરી દીધો.કનાને પોતાની સાથે ખાટલે સુવડાવ્યો. ગેલાએ પોતાના ખાટલામાં જઈ થાકીને લોથપોથ થઈ ગયો હોય તેમ, તેનું શરીર પડતું મૂક્યું. તે પડ્યા ભેગો જ સુઈ ગયો. રાજી હજુ પણ લાજનો છેડો આડો કરી ઘરનાં બારણામાં ગેલા સામે જોઈ ઊભી હતી. જીણીમાનાં ચહેરા પર પણ અનેક પ્રશ્નો વાંચી શકાતા હતા. તે હજુ પણ ગેલા સામે ચિંતા ભરી દ્રષ્ટિ કરી ખાટલે બેઠા હતા. ચિંતા ઓછી કરવા માટે રામુઆપાએ હોકલી સળગાવી. હોકલીની કશ લેતાં રાજીને સંભળાય તેમ બોલ્યા,
" બટા ઈ હુંય ગ્યો લાગે. તમિ ય હવે હુંય જાવ.ઈને એદણ્ય બવ વાલી હતી. કદાસ ઈ ન્યા ગ્યો હહે. ચંત્યાં કરતાં નય. હવારે બધાં હારા વાના થય જાહે.".

નેહડા પરથી એક ભારે રાત્રિ પસાર થઈ ગઈ. સવારે બધા ટાઈમે જાગી પોતપોતાનાં કામમાં જોતરાઈ ગયા. પરંતુ રોજ જોવા મળતો ઉમંગ આજે કામમાં દેખાતો ન હતો. નહિતર રામુ આપા વહેલી સવારે ભેંસોનાં ખાણ પલાળતા પલાળતાં પ્રભાતિયા ગણગણતા હોય. રાજી ઉતાવળી થઈ ભેંસો દોવાની તૈયારી કરતી હોય. પરંતુ આજે બધા મૂંગા મૂંગા પોતાનું કામ કરી રહ્યા હતા. રામુઆપાનાં મનમાં ગેલાની ડાંગ લોહીવાળી કેમ બગડી હશે તે વિચાર ચાલી રહ્યા હતા.

માલને દોયને ગેલો દૂધ પણ ડેરીએ ભરી આવ્યો, કનાને નિશાળે પણ મૂકી આવ્યો. પાછા આવેલા ગેલાને જોઈ ભેંસો ચરવા જવા માટે રણકવા લાગી. ગેલાનો માલ ચારવા જવાનો થેલો રાજીએ તૈયાર રાખ્યો હતો. ગેલો આઈ ખોડલને પગે લાગ્યો, ખભે થેલો વળગાડ્યો, હાથમાં ડાંગ લઈ ભેસોનાં વાડે ગયો. વાડાનો જાપો ખોલ્યો. આખી રાત વાગોળીને દિવસે ચરેલ ચારો પચાવીને ભેંસો ભૂખી થઈ ગઈ હતી. વાડાનો જાપો ખુલતા ભેંસો બહાર નીકળવા અધીરી થઈ દોડવા લાગી. દોડીને સીધી જંગલ ની કેડી એ ચડી ગઈ. દૂઝણી ભેંસોને તેનાં પાડુનો લગાવ હોવાથી તે આંગણાંનાં જાપે જઈ ઊભી રહી ગઈ, ને રણકવા લાગી. થોડીવાર પહેલા જ ધવરાવેલા પાડુ તેની માને જોઈને ગેલમાં આવી ગયા. ગેલા એ ત્યાં આવી હાકલો કરી જાપે ઊભેલી ભેંસોને પણ જંગલ ની કેડીએ ચડાવી.

આજે ગેલાએ માલને બીજા રસ્તે વાળ્યો. તે કાલવાળી જગ્યાએ જવા માંગતો ન હતો. તેણે સામે કાંઠાની ટેકરીઓમાં માલને હાંક્યો. સાવજે જ્યાં શિકાર કર્યો હોય ત્યાં બે-ત્રણ દિવસ ધામા નાખે છે. તે બે દિવસ તો ત્યાં જ પડયા રહે છે. સાવજ શિકાર ખૂબ ધરાઇને ખાઇ લે છે. પછી ત્યાં જ સૂઈ જાય છે. આઠ-દસ કલાકનાં આરામ પછી ભૂખ લાગે ત્યારે ફરી શિકારને ખાવા લાગે છે. તેથી ગેલાને આજે તે જગ્યાએ જવાનું મન જ ના થયું. બીજા ગોવાળિયા પણ આજે આ બાજુ જ આવ્યા હતા. માલ ઢોરને ચરવામાં રાગે પાડી બધા ગોવાળિયા કહુંબો કરવા ભેગા થયા. કાલનાં બનાવની અસર બધાનાં મોઢા ઉપર હજું દેખાતી હતી. ગેલો મૂંગો મૂંગો ચા બનાવી રહ્યો હતો. નનાભાઈ એ વાત ચલાવી, "આપડું માલધારીયુંનું જીવન ઇમને ઇમ પૂરું થઈ જાય. ભેંહુંનું દૂધ દોયને ઈની પરજાને અડધી ભૂખી રાખવાની. ઈ દૂધ આપડી પરજાને મોઢેથી લઈ સેરનાં માણાહોની પરજા હારું મોકલી દેવાનું.નાના પાડરુને ખવરાવી પીવરાવી હાસવી મોટાં કરીને હાવજ્યુંની પરજાને ધરવવાના. આ બધી પળોજણમાં આપડે તો ધરાવીશી કે ભૂખ્યાં રેવિશી ઈ કોણ પુસે?".
નનાભાઈની દેશી પણ મરમવાળી વાત બધા ગોવાળિયા કાન દઈને સાંભળી રહ્યા હતા. નનાભાઈએ વાત આગળ વધારી,
"મારો હાળો આ હામતો બાળુટો હતો તયે માલની હામે જોય બેહી રેતો પણ કારેય નુકસાની કરતો નોતો.હમણાંકથી બેક વધારે વંઠી ગ્યો લાગે હે."
બધાનાં વાટકામાં ચા ગાળતા ગેલો નીચે જોઈ થોડું મરક્યો અને બોલ્યો,
" શેર માથે હવા શેર મળી જાહે"

ગેલાનું આ મર્મવાળું વાક્ય કોઇને ના સમજાયુ. બધા ગોવાળિયા વિચાર કરતાં કરતાં ચા નાં ઘૂંટડા પીવા લાગ્યા. કાલે જ્યાં એદણ્યનો શિકાર થયો હતો. તે જગ્યા પર ટ્રૅકરો આવી બેસી ગયા હતા. હવે તેની ડ્યુટી બે-ત્રણ દિવસ અહીં જ રહેશે. જ્યાં શિકાર કર્યો હોય એ જગ્યાએ સિંહ રોકાય છે. બે ત્રણ દિવસ સુધી આ જગ્યા પર આંટા ફેરા માર્યા કરે છે. તેથી તેને કોઈની કનડગત ન થાય એટલા માટે ટ્રેકર્સ સિંહે શિકાર કર્યો હોય તે જગ્યાએ ધ્યાન રાખી, ધામા નાખી બેઠા હોય.

કાયમ માલઢોરથી ભરેલી ટેકરી આજે સુમસામ લાગતી હતી. સિંહની ગંધ તૃણાહારી પ્રાણીઓને આવી જતી હોય છે. તેથી સિંહ જે જગ્યાએ હોય ત્યાં એ પણ ફરકતા નથી. આજે બપોર થવા આવ્યુ તો પણ હજી સામત સાવજ અને રાજમતી સિંહણ શિકારની જગ્યાએ દેખાયા નહીં. તેમની ગેરહાજરીનો લાભ લેવા જૂઠણ ખાવ શિયાળવા મીજબાની માણી રહ્યા છે. તેમાંથી પોતાનો ભાગ ચોરીને કાગડા ઊડી રહ્યા છે. ઉડીને ઝાડની ડાળીએ બેસીને ચાંચમાં લાવેલ ખોરાક ખાઇ રહ્યા છે. ગીધનો તો સોથ નીકળી ગયો છે. ગિરનારનાં ડુંગરે માંડ ગણ્યાગાંઠ્યા બચ્યા છે. નહીતર આવી રીતે મરેલું ઢોર હોય ત્યાં ગીધનાં ટોળાની હાજરી અવશ્ય હોય છે.

આજે જે ટેકરી પર માલ ઢોર ચરી રહ્યાં છે. ત્યાં કેડી સામે ધ્યાન રાખી રાધી બેઠી છે. બપોરનો સમય તો ક્યારનોય પસાર થઈ ગયો. કનો રોજ બપોર પછી માલ ચારવા આવે. રાધી રોજ કનાની રાહે હોય છે. કનો આવે એટલે બંને રમતે ચડે. ક્યારે હરણા પાછળ દોડે. તો ક્યારેક નદીમાંથી શંખલા વિણે. ક્યારેક પંખીનાં માળામાં ડોકિયા કરી જોવે કે માળામાં ઈંડા છે કે બચ્ચા થઈ ગયા? બંનેને ખૂબ સારું ભડે. આજે રાધી ઘડીએ ઘડીએ પોતાની પાસે રહેલી થેલીમાં જુએ છે. તો ઘડીકમાં પાછી કેડીએ નજર માંડે છે. આજે તે અધીરી થઈ ગઈ છે. કે ક્યારે કનો આવે ને આ વસ્તુ તેને બતાવું. એટલામાં સામેથી ધૂળ ઉડાડતો ખંભે લાકડી લઇ કનો આવતો દેખાયો. રાધી તેની સામે દોડીને ગઈ. કનાને થેલી ખોલી અંદર રહેલ વસ્તુ બતાવી. કનો તે જોઈ રાજી થઈ ગયો.

ક્રમશઃ...
(સામંત સિંહ અને સિંહણ શિકારની જગ્યાએ કેમ નહિ આવ્યા હોય? રાધી કનાને માટે શું લાવી હશે? જાણવા માટે વાંચતા રહો..)

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621