ગૌરીનું સુખ Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

શ્રેણી
શેયર કરો

ગૌરીનું સુખ

ગૌરીને આજે બધું ખાલીખમ લાગી રહ્યું હતું. નાના આ શહેરનું ઘર તો મોટુંમસ હતું. બધોયે સરસામાન ખસેડી દઈએ તો, પચાસ માણસોને અલાયદાં ગોદડાં પાથરી જમીન પર સૂવાનું થાય , તો યે વચ્ચે ચાલવાની જગ્યા રહે એટલો મોટો તો બેઠકખંડ હતો. આગળ મઝાની પરસાળ અને ત્યાં અસલ પિત્તળનો ગામવાળી હવેલીએથી આણેલો ઘુઘરિયાળો હીંચકો. બે મોટાં ઓરડાં, દરેકમાં લાકડાંનાં બબ્બે પલંગ, મશરૂની તળાઈઓથી ભરેલાં. નીચે ક્યાંય પગ ના મૂકવો પડે, એટલે જમીન ઉપર પાથરેલાં દોઢ ઈંચના નરમ ગાલીચા. ભીંતો પર ચાકળા ને વળી કુદરતી રંગો વડે હાથે દોરેલાં ચિત્રોની મહેક. મોટું, ઉજાસવાળું રસોડું જ્યાં કોલસાની સગડીથી લઈ ઇન્ડક્શન ચૂલા સુધીની સગવડ.


ઉપરના માળે વીરમજીએ પોતાની ટ્રાન્સપોર્ટની આૅફિસ કરેલી. દાદર પણ ઘર બહારથી એટલે દિવસે ડ્રાઈવરોની અને બીજા લોકોની અવરજવર ગૌરીને ન નડે. બેય દીકરીઓને અનુક્રમે ચોવીસ અને પચીસની ઉંમરે સારા ઠેકાણે પરણાવી હતી. બંન્ને પોતાના ભણતરનો સદ્ઉપયોગ પોતપોતાના ગામની શાળામાં શિક્ષિકા બનીને કરતી હતી. બંન્ને જમાઈઓને મોટી ખેતી હતી.


વાર તહેવારે બધાં ભેગાં થતાં. પણ, આ ઘરમાં છ મહિના થયા, ગૌરીને કેમે કરી ગોઠે નહીં. કામકાજમાં ખૂંપેલા પણ, ચતુર એવા વીરમજીના ધ્યાનમાં આ વાત ઘર કરી ગઈ હતી કે, અહીં રહેવા આવ્યાં એ દી'થી ગૌરી હસવાનો-ખુશ રહેવાનો ડોળ કરે છે પણ, પોતાની ઉદાસીનું કારણ તેની પાછળ કંઈક નિષ્ફળતાથી છુપાવી રાખે છે.


તેમને થયું, 'ગૌરીએ લગ્નજીવનના પાંત્રીસ વર્ષોમાં ક્યારેય કોઈ ફરિયાદ કે માંગણી કરી નથી પણ. તે ખુશ હંમેશા જ રહી છે. તો તેની ખુશી જતી રહેવા પાછળનું કારણ શું હશે?'


તેમણે બે દિવસ પછી પોતાને ગામની ખેતીના હિસાબો જોવાં જવાનું હોઈ, મેનેજર વિઠ્ઠલને ઘરના માળ ઉપરની આૅફિસ સંભાળવાનું કહી દીધું હતું. અને મોટી દીકરી અહીં રોકાવા આવી હતી અને નાની દીકરી પણ કાલ આવી જવાની હતી એટલે ગૌરી એકલી પડશે એવી ચિંતા તેમને ન હતી. પણ, જ્યારે વીરમજી જવા નીકળ્યા ત્યારે ગૌરીના મંદ સ્મિત સાથેનાં વણ ઊઘડેલાં હોઠ જાણે તેમને પૂછી રહ્યાં, 'હું પણ આવું?' આ જ ખુશી જોવા માટે વીરમજી કેટલાયે દી' થી વ્યાકુળ હતાં. તેમણે ગૌરી પાસે પાણી માંગ્યું અને જેવી ગૌરી પાણી લઈને આવી, તેને કહ્યું,' તું યે સાથે જ ચાલને? મીરા તો અહીં છે જ. કાલે રોહિણી પણ આવી જશે. ઘરની ચિંતા ના કરીશ.' ગૌરીનો ચહેરો અબુધ બાળકીની માફક ખીલી ઊઠ્યો. તેણે મીરાને હરખથી બોલાવી કહ્યું,' હું જાઉં છું, બેટા. તને વાંધો તો નથી ને?' મીરા મા ના મોઢાની ખુશી જોઈ તેને વળગી પડી, 'તું તો મારી શાળાનાં નાનકડાં બાળુડાને પર્યટન લઈ જવાની વાત કરીએ ને એ ખુશ થાય, એવી ખુશખુશાલ થઈ ગઈને વળી?' વળી ઊમેર્યું, 'જા તું તારે. રોહિણી કાલે સવારે જ આવી જવાની છે. મારી ચિંતા ના કરીશ.'


સાંજે ગામમાં પોતાની ખેતીના હિસાબો પોતાના ભાગિયા સાથે જોઈને વીરમજી પરસાળમાંથી ઊભાં થયાં તો ઘર આખામાં અંધારું. એકેય દીવો નહીં. તેમણે ગૌરીને બૂમ પાડી પણ, ગૌરી હોય તો સાંભળે ને?


બેઠકમાંથી પોતાની ખેતરમાં જવા વપરાતી મોટી ટોર્ચ લઈ વીરમજી રસોડા તરફ ગયાં. ત્યાં ચૂલો ધીમા તાપે સળગી રહ્યો હતો જાણે જમવાનું બની જ રહ્યું હોય. સૂવાના ઓરડામાંયે જોઈ લીધું. આટલાં વર્ષોમાં ગૌરી દીવાટાણું ભૂલી નહોતી. વીરમજીના મગજમાં એક ઝબકારો થયો. તેમણે પૂનમની રાત્રે ટોર્ચ બૂઝાવી નાનકડો દાદર ચઢવા માંડ્યો. અને તેમની ધારણા મુજબ ગૌરી અગાસીમાં પાળીએ પોતાની બેય કોણી ટેકવી તેની ઉપર સુંદર છૂંદણાં વાળી હડપચી મૂકીને આકાશનાં તેજ પોતાની આંખોમાં ભરી રહી હતી. તેનું છ માસમાં ઝાંખું પડેલું મોં આજે પૂનમની ચાંદની અને અઢળક તારાઓએ ખીલવી દીધું હતું. તેની આ આગાસીના આકાશનો વિરહ આજે વીરમ્યો હતો. ત્યાં વીરમજીએ ખોંખારો ખાધો અને ગૌરીનું તારામૈત્રક ચંદ્રમાથી તૂટીને વીરમજી સાથે જોડાયું.


વીરમજીએ ગૌરીને મીઠું પણ ગર્વિલું સ્મિત આપતાં કહ્યું, ' હું પારખી ગયો હતો કે શહેરમાં તને કાંઈ ઓછપ નડે છે. પણ તું પાછી પતિપરાયણ. બોલે શાની? મેં જ મીરાને બોલાવી. તેને ઝટ કળાઈ ગયું કે તું તારી અગાસીને અને ત્યાંથી દેખાતાં સૌમ્ય સવાર, રૌદ્ર બપોર અને ભીંજાયેલા આકાશને ઝંખે છે. ક્યારેક તારાઓથી તો ક્યારેક માળામાં પાછાં ફરતાં પક્ષીઓથી તો વળી ક્યારેક વાદળાં પાછળ છુપાયેલાં આકાશને ઝંખે છે. તને ઘર અને મારી કાળજી સિવાય બીજું કાંઈક જોઈતું હોય તો તે આ તારું આકાશ છે. ' વીરમજીના શબ્દસ્નેહને પહેલી વાર ગૌરી માણી રહી હતી. તેણે પૂછ્યું,' તો શું આ અગાસી, આ આકાશ... ' વીરમજીએ તેનાં વાક્યની પૂર્તિ કરી,' હા, આપણે અહીં જ રહીશું. તારી દીકરીઓ અને જમાઈઓ મને ધંધામાં મદદ કરશે. વળી, વિઠ્ઠલ તો છે જ. હવેથી હું સોમવાર અને ગુરુવારે જ શહેરમાં જઈ હિસાબો જોઈ આવીશ. પચીસ કિલોમીટરનું જ અંતર છે એક તરફી. તારી અગાસી અને તારા આકાશ વચ્ચે હું ક્યારેય નહીં આવું. તારું મનના ઊંડાણથી જે સ્મિત આવે છે તેનો હું બંધાણી છું.' અને ગૌરી અદ્દલ એ જ સ્મિત આપતી તેમની પાસેથી થઈ દાદર ઊતરતાં ટહુકો કરી ગઈ, 'જમવાનું તૈયાર જ છે, જલ્દી હાથ - મોં ધોઈ લ્યો. તમારું મનપસંદ ચૂરમું, કઢી ને રીંગણાનો ઓળો બનાવ્યાં છે. બસ, બે રોટલા ગરમા ગરમ ઘડી દઉં છું.' આ બાજુ નીચે ઊતરતાં પહેલાં વીરમજીએ આખાંયે આકાશમાં નજર ફેરવી, જાણે કહી રહ્યાં હોય, 'આ સુખ તો તારે ખોળે જ મળ્યું. તને જોયા વિના મારી ગૌરીને ગોઠે જ નહી. તું ખરેખર અદ્ભુત છો.'


બાંહેધરી : ઉપરોક્ત વાર્તા 'ગૌરીનું સુખ' એ મારી, અલ્પા મ. પુરોહિત ની, સ્વરચિત, મૌલિક રચના છે.


આભાર

અલ્પા મ. પુરોહિત

વડોદરા