ગંધર્વ-વિવાહ. - 12 - છેલ્લો ભાગ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગંધર્વ-વિવાહ. - 12 - છેલ્લો ભાગ

પ્રકરણ-૧૨.

પ્રવીણ પીઠડીયા.

              સહમી ગયો રાજડા. ભગવાનનાં નામની એક છેલ્લી આશા જન્મી હતી એ પણ રસાતાળ ભણી ધસી ગઈ હતી. તેની સમજ બહેર મારી ગઈ કે આવું કેમ બને…? શું ભગવાન કરતા શૈતાન મોટો બની ગયો છે..? શું હનુમાન ચાલિસા કામ નહી કરે…? ઘણી હિન્દી હોરર ફિલ્મોમાં તેણે અંત સમયે કોઈ કારી કામ ન આવે ત્યારે હનુમાન ચાલિસા જ કારગત નિવડતી જોઈ હતી. તો અત્યારે કેમ નહી…? હનુમાનજી મહારાજથી તો ભલભલા ભૂત-પલિતોને ઉભી પૂંછડીએ ભાગવું પડે, પછી ભલે એ ગમે એટલો શક્તિશાળી મલિન આત્મા હોય કે ભયાનક શૈતાન કેમ ન હોય. તેણે હંમેશા પરાજીત થવું જ પડે કારણ કે દાદાનાં નામમાં એટલી શક્તિ હતી. તેણે આંખો મિંચી અને વધુ જોરથી… વધુ મોટા અવાજે… વધુ બુલંદીથી… સંપૂર્ણ સમર્પણનાં ભાવથી ઉંચા સાદે ફરીથી પાઠ લલકારવો શરૂ કર્યો.

                    “ભૂત-પિચાસ નિકટ નહી આવે મહાવીર જબ નામ સૂનાવે, નાસે રોગ હરે સબ પિરા જપત હનુમંત બિરા.” 

                    અને… એકાએક જ જાણે ચમત્કાર સર્જાયો. ઉંચે આકાશમાં, જથ્થાબંધ વાદળાનાં પેટાળની અંદર, અચાનક જ એક ભયાનક કડાકો બોલ્યો. એ સાથે જ વાતાવરણમાં ભયંકર ગડગડાહટ ભર્યો અવાજ ગૂંજી ઉઠયો અને… રાજડાની નજરો સમક્ષ એક આશ્વર્યજનક ઘટના બની. અત્યાર સુધી ખામોશ ઉભેલા પૂજારીનાં શરીરમાં અચાનક ભયંકર ધ્રૂજારી ઉપડી. તે રીતસરનો ધૂણવા લાગ્યો. તેનું શરીર વિચિત્ર રીતે આમળાવા લાગ્યું. જાણે ખૂદ ઉપર તેનો કાબુ ચાલ્યો ગયો હોય એમ તેનાં શરીરમાં અસિમ તાકતનો સંચાર થયો. તેના હાથ ફરકવા લાગ્યાં, છાતીનાં સ્નાયુઓ તંગ બન્યા, પગમાં અજીબ તરવરાટ ફેલાયો. એકાએક તેનાં રોમ-રોમમાં વિચિત્ર પ્રકારની ઉર્જાનો વિસ્ફોટ થયો હોય એમ તેનું શરીર ખેંચાઈને એકદમ તંગ બન્યું. ભયંકર વેગે ઉડતો તે રાજડા સમક્ષ આવીને ઉભો રહ્યો. 

                  “છોકરા… મારું આવ્હાહન કર. મારી શક્તિઓને પોકાર. હું તારી અંદર સમાવા થનગની રહ્યો છું.” એકદમ બુલંદ અવાજે પૂજારીએ રાજડાને પોકાર્યો. 

                   તેનાં શરીરમાં થયેલો ફેરફાર વિસ્મયકારક હતો, તે ખુદ હેરાની અનુભવતો હતો કે અચાનક તેની કાયાપલટ કેમ કરતા થઈ? થોડીવાર પહેલા જ તેણે હથીયાર હેઠા મૂકી દીધા હતા અને એ તમામ ઉમ્મિદો… જે તેના પૂત્રને અટકાવી શકે એમ હતી… એ છોડી દીધી હતી. તો પછી એકાએક એવું શું બની ગયું જેણે તેનામાં તરવરાટ ભર્યો આત્મવિશ્વાસ ભરી દીધો. છેલ્લે તેણે નીચે પડેલા છોકરાને હનુમાન ચાલિસાનાં પાઠ ગાતો સાંભળ્યો હતો અને ત્યાર પછી જ આ ચમત્કાર સર્જાયો હતો. ઓહ… ક્યાંક એ દૈવી ચમત્કાર નહી હોય ને…!  “જય હનુમાનજી મહારાજ.” એકાએક જ પૂજારીને ઝબકારો થયો. સાક્ષાત હનુમાન દાદાનાં આશિર્વાદ તેનાં ઉપર ઉતર્યા હતા અથવા તો એમની શક્તિઓ તેનામાં આવી હતી. અસિમ અહોભાવથી આપોઆપ જ તેનાં હાથ આપસમાં જોડાયા હતા અને આંખો ખૂશીનાં આસુંઓથી છલકાઇ ઉઠી. તેનું હદય ગદગદ થઈ ઉઠયું. “છોકરા… ઉતાવળ કર, જલ્દી પોકાર મને.” તેણે ફરીથી રાજડાને હુકમ કર્યો. એક દૈવી શક્તિ આજે માનવ શક્તિ સાથે એકાકાર થવા થનગની રહી હતી. 

                    ભયંકર આશ્ચર્યથી રાજડા પૂજારીને જોઈ રહ્યો. પૂજારીનાં દેહમાં અજબ ફેરફાર થયો હતો. તેના બાવડા અસિમ શક્તિનાં કારણે ગઠ્ઠાદાર બન્યા હતા, તે કોઈ પહેલવાનને પણ શરમાવે એટલો સૃદ્રઢ અને સખત બન્યો હતો. રાજડાએ આંખો બંધ કરી, તેના મૂખમાંથી અવીરત વહેતી હનુમાન ચાલિસા વધુ બુલંદ બની. એ સાથે જ તેના અંતરમાંથી એક નાદ ઉઠયો…”ઓમ હનુમંતે નમઃ ઓમ હનુમંતે નમઃ” અને… ચમત્કાર સર્જાયો. એકાએક જ… 

                  હવામાં લહેરાતા પૂજારીનું શરીર જોતજોતામાં જ એક પાતળી ધૂમ્રસેરમાં રૂપાંતરિત થયું. રાજડા કંઈ સમજે એ પહેલા એ ધૂમ્રસેર વિજળીવેગે ઉડીને તેના દેહમાં સમાઈ ગઈ. ધ્રૂજી ઉઠયો રાજડા, તેના રોમરોમમાં વિજળીનો ભયાનક સંચાર થયો. શરીરની રગોમાં દોડતાં લોહીમાં જબરજસ્ત ઉથલ-પાથલ મચી. એવું લાગ્યું જાણે તેનું શરીર… તેનો આત્માં હવામાં ઉડી રહ્યાં છે અને એકાએક તેનામાં સો હાથીઓનું બળ ઉત્પન્ન થયું છે. તેના શરીર ઉપર પડેલા ઘાવ… પછડાટને લીધે થતો ભયંકર દુખાવો… એ બધું એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. તેના પગમાં જોમ પ્રગટયું અને સડક કરતો તે ઉભો થઈ ગયો. એ દ્રશ્ય અવિસ્મરણીય, અવિશ્વસનિય હતું.    

                   ભયંકર અવાજે લલકારતા પૂજારીનાં પૂત્રનો આત્મા એ જોઈને એકાએક સ્તબ્ધ બની ગયો. તેના આશ્ચર્યનો કોઈ પાર નહી. આપોઆપ જ તે પાછો ધકેલાયો હતો કારણ કે હમણા જે બન્યું હતુ એ તેની સમજ બહારનું હતું. પોતાને સર્વ-શક્તિમાન માનતું પ્રેત એકાએક પાછું પડયું હતું. પહેલી વખત તેની આંખોમાં ડર ડોકાયો હતો. પરંતુ… એમ હાર માને તો એ પ્રેત કેવું? ઘડીકવારમાં ફરી પાછો તે હું-કારા ભણવા લાગ્યો. તેના કદમ પાછળ જરૂર ખેંચાયા હતા પરંતુ સામો હુમલો કરવા સેકન્ડોમાં તે સજ્જ થયો હતો. તેનું આશ્વર્ય ઓસર્યું એ સાથે જ તે રાજડા ઉપર ઝપટી પડયો. ભયાનક વેગે ઉડતો રાજડા ઉપર રીતસરનો ધસી ગયો હતો અને પોતાની તમામ શક્તિઓને એકત્રિત કરીને તેની ઉપર ત્રાટકી પડયો. 

                   રાજડાને લાગ્યું જાણે પવનનું ભયંકર વાવાઝોડું તેની તરફ ધસી આવ્યું છે. તે સતર્ક હતો અને તૈયાર પણ. તેનામાં અજીબ શક્તિનો ધોધ વહેતો હતો, જાણે સમસ્ત બ્રહ્માંડની ઉર્જા એકઠી થઈને તેનામાં સમાઈ ગઈ હોય એટલો પાવરફૂલ તે પોતાને મહેસૂસ કરી રહ્યો હતો. એકાએક તેના દેહમાંથી પ્રકાશનાં કિરણો નિકળવા લાગ્યાં હતા જે તેની ચારેકોર વિંટળાઈને અનોખી આભા ઉત્પન્ન કરતા હતા. તેનો ડર… તેની ગભરામણ એકાએક ગાયબ થઈ ચૂક્યા હતા. તે પ્રેતનો સામનો કરવા સજ્જ બન્યો હતો. 

                  તિવ્ર ગતીથી ઉડતું પ્રેત જેવું તેની નજીક આવ્યું કે તેનો જમણો હાથ આપોઆપ હવામાં અધ્ધર થયો અને આગળ તરફ લંબાયો. એ ક્ષણે જ તેના હાથમાંથી અત્યંત તેજ પ્રકાશનાં કિરણોનો ધોધ વછૂટયો જે સીધો જ પ્રેતનાં શરીર સાથે અથડાયો. એ દ્રશ્ય ગજબનાક હતું. ભયંકર અવાજો કરતું પ્રેત એજ સેકન્ડે હવામાં સ્થિર થઈ ગયું. એવું લાગ્યું જાણે કોઈએ પોતાના મજબૂત હાથોથી તેની ગતીને અવરોધી લીધી હોય. તેના ચહેરા પર ભારે આશ્વર્યાઘાત છવાયો. તે અટક્યો અને હવામાં ઘડીક એમ જ લટકતો રહ્યો. પરંતુ વાત એટલે જ નહોતી અટકી… રાજડાનાં હાથમાંથી નિકળતો પ્રકાશનો તેજસ્વી ધોધ ભયંકર ગતીથી તેના શરીરની આરપાર નિકળી ગયો હતો. 

                    પ્રેતનાં ગળામાંથી ભયંકર ચીખ ફાટી પડી. એ ચીખ એટલી દર્દનાક હતી કે સમસ્ત જંગલ ઘ્રૂજી ઉઠયું. દિવ્ય કિરણોનો ધોધ તેનાં મલિન આત્માંને વિંધતો આકાશમાં દૂર સુધી ફેલાયો હતો. તેના પેટ અને છાતીની બરાબર વચ્ચેનાં ભાગે મોટું ભગદળું પડયું હતુ અને એમાથી જાણે તેની તમામ અસૂરી શક્તિઓ એ પ્રકાશનાં ધોધ સાથે વહી જતી હોય એમ તે જીણ-ક્ષિણ બનવા લાગ્યો હતો. હવામાં લહેરાતું તેનું વિશાળકાય શરીર આપોઆપ ધીમે-ધીમે સંકોચાવા લાગ્યું. રાજડાની અંદર સમાયેલી દૈવી શક્તિનો એક જ પ્રહાર તેને નેસ્તોનાબૂદ કરવા કાફી હતો. તે ભયંકર રીતે આમળાતો હતો, તેનો ચહેરો અજીબ રીતે તરડાયો હતો, આંખોની કીકીઓ વિસ્ફારિત બની અને તેની આસપાસ કાળાશ છવાતી ગઈ. ભયંકર રીતે છટપટાતો તે એ પ્રકાશથી દૂર ભાગવા મથતો હતો પરંતુ તેની તમામ કોશિશો નાકામીયાબ નિવડતી જણાઈ. અને કેમ ન હોય… એ કોઈ સામાન્ય પ્રહાર નહોતો. જે ક્ષણે પૂજારીનાં શરીરમાં દાદાનાં તેજનો પ્રવેશ થયો હતો એ ક્ષણે જ તેનો અંત લખાઈ ચૂક્યો હતો. પરમ શક્તિવાળી, પરમવીર, મહાવીર, હનુમાનજી દાદાનો સાક્ષાત્કાર થવો કોઈ સામાન્ય ઘટના નહોતી. દાદાની અસિમ તાકત આગળ તો રાવણ જેવા બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી અધિપતિએ પણ ઝૂકવું પડયું હતું તો પછી એક સામાન્ય પ્રેતનું શું ગજુ..! તેનો વિનાશ તો નક્કી જ હતો.

                   રાજડાનો સમગ્ર દેહ એક વિશાળ પ્રકાશપૂંજમાં તબદિલ થઈને વધુને વધુ પ્રકાશિત બનતો જતો હતો. તે એક જ્વાળામૂખી સમાન ભાસતો હતો. તેના હાથમાંથી નિકળતો પ્રકાશનો ધોધ સમગ્ર ઈલાકાને સળગાવીને રાખ કરી નાંખશે એવું લાગતું હતું. મંદિર અને તેનું પરીસર એ પ્રકાશમાં રીતસરનું નહાઈ ઉઠયું હતું અને ચારેકોર ભયંકર સફેદ ઉજાસ ફેલાયો હતો. પ્રેત ગભરાઈ ગયું. તેનો સામનો આજ સુધી કોઈ કરી શક્યું નહોતું. અરે ખુદ તેનો બાપ પણ તેના ઈશારે નાંચતો હતો અને ધારે એ તેની પાસે કરાવી શકતો હતો તો એક સામાન્ય છોકરો તેને ભારે કેમ પડયો એ તેની સમજમાં ઉતરતું નહોતું.  

                   અચાનક એક ઝબકારો થયો તેને. આ બાબત સૌથી પહેલા ધ્યાનમાં આવવી જોતી હતી. તેણે તેના બાપને ધૂમ્રસેરમાં તબદિલ થતો અને છોકરાનાં શરીરમાં સમાતો જોયો હતો. એ ઘટનાને તેણે ગણકારી નહોતી કારણ કે તે જાણતો હતો કે તેનો બાપ ગમે એટલી કોશીશ કરી લે તો પણ તેનાથી કંઈ થવાનું નથી. પરંતુ અત્યારે લાગતું હતું કે એ તેની ભૂલ હતી. તેના બાપની શક્તિઓ એ છોકરામાં સમાઈને દસ ગણી બની ચૂકી હતી. પરંતુ તેના બાપમાં આટલી શક્તિ આવી ક્યાંથી…? શું ખરેખર છોકરાનાં મૂખેથી વહેતી હનુમાન ચાલિસાનો એ પ્રભાવ હતો…? પરંતુ હવે એ બધું નકામું હતું. તેનો દેહ ધીમે-ધીમે પીગળતો જતો હતો. તેનો આત્મા તેનો જ સાથ છોડી રહ્યો હતો. ચારેબાજુ ફેલાયેલો પ્રકાશ તેને અંધકાર ભણી ધકેલી રહ્યો હતો. તેણે પોતાની બાકી રહેલી તમામ શક્તિઓને એકઠી કરીને પ્રકાશનાં નાગપાશમાંથી બચવા ઘણા ધમપછાડા માર્યાં પરંતુ બધા પ્રયત્નો નિષ્ફળ નીવડયા. તેનું શરીર, તેનો આત્મા, જોતજોતામાં એક ભયંકર અંધકારમાં સમાઈ ગયો. રાજડાનાં હાથમાંથી વહેતા પ્રકાશપૂંજમાં તે સંપૂર્ણપણે બળીને રાખ બની ગયો હતો. અગોચર વિશ્વમાં વિચરતી એક ભયાનક રૂહ આકાશમાં ગોરંભાયેલા કાળાડીબાંગ વાદળોની અંદર વરાળ બનીને ધીમે-ધીમે સમાઈ ગઈ. એ સાથે જ મંદિર પરીસરમાં મચેલું મોતનું તાંડવ એકાએક ખતમ થઈ ગયું. એ સાથે જ રાજડાનું શરીર પ્રકાશ વિહિન બની ગયું. તેનામાં સમાયેલી દૈવી શક્તિઓએ એ સમયે જ તેનું શરીર છોડી દીધું હતું અને તે મુર્છિત બનીને નીચે ઢળી પડયો હતો. તેના દેહમાં સમાયેલી ધૂમ્રસેર મોં વાટે બહાર નીકળીને ફરી પાછી પૂજારીનાં રૂપમાં તબદિલ થઈ હતી. આજે ઘણાં વર્ષો બાદ એક જૂવાન છોકરાનાં કારણે તેને મૂક્તિ મળી હતી. તે હવે સંપૂર્ણપણે મૂક્ત હતો. ફક્ત તે એકલો જ નહી… આ ગામ, આ જંગલ, આ સમગ્ર ઈલાકો ભય મૂક્ત બન્યો હતો. તેણે વહાલભરી એક નજર રાજડા ઉપર નાંખી અને એ સમયે જ તે અંતરધ્યાન બની ગયો. 

                  મંદિર અને તેનું પરીસર એકાએક જ શાંત પડી ગયું. વાદળોમાં થતો ભયંકર ગડગડાહટ બંધ થયો. કડાકા ભડાકા સાથે એકધારી ચમકતી વિજળીમાં ઓટ આવી હતી. અનરાધાર વરસતો વરસાદ ધીમેધીમે ઓછો થવા લાગ્યો. એ નાનકડી ટેકરી અને તેની આસપાસનાં વાતાવરણમાં એકાએક જ જબરો ફેરફાર થયો હતો. રાજડા અને વનો સોલંકી સહી-સલામત બચ્યાં હતા. તે બન્ને બેહોશીની હાલતમાં પરીસરમાં પડયા હતા પરંતુ તેઓ ઠીક હતા. જ્યાં ખૂદ ઈશ્વર તેમનું રખોપું કરવા હાજરાહજૂર બન્યો હોય એને આ જગતની કઈ તાકત મારી શકે..? રાજડા જેવા એક નાસ્તિક યુવાને હનુમાન દાદાનો સાક્ષાતકાર થતો અનુભવ્યો હતો જેનો ગહેરો પ્રભાત તેના મસ્તિષ્ક ઉપર પડયો હતો.

                                       @@@

                     સંચિતાનાં ગળામાંથી અવીરત વહેતી ચીખો એકાએક જ બંધ થઈ હતી અને તેના ચહેરા ઉપર ભયાનક આશ્વર્યનાં ભાવ છવાયા હતા. પ્રભાતની હાલત પણ એવી જ થઈ. તે બન્ને સ્તબ્ધ બની ગયા હતા અને તેમની આસપાસનાં વાતાવરરણમાં થતા અજીબ ફેરફારને જોઈ રહ્યાં. તેઓ હજુંપણ તળાવની અંદર કમરડૂબ પાણીમાં ઉભા હતા અને પોતાના મોતનો ઈંતજાર કરી રહ્યાં હતા કે અચાનક જ બધું બદલાવા લાગ્યું હતું. તેમના પગ એકાએક જ ’ફ્રી’ થઇ ગયા હતા અને જે કોઈ તેમને તળાવની અંદર ખેંચી જવા માંગતું હતું એ ભૂતનાં માથાની જેમ ગાયબ બની ગયું હતું. એ એક અસંભવ સમાન ઘટના હતી. તેમણે ગરદન ફેરવીને તળાવકાંઠે ઉભેલા આદીવાસી યુગલ તરફ જોયું અને… તેમનાં હદયમાં ભયાનક ડરનું લખલખુ પસાર થઈ ગયું. તેમની આંખો સમક્ષ એક કલ્પનાતિત દ્રશ્ય ભજવાતું હતું. એ દ્રશ્ય જોઈને તેમના રૂંઆટા ખડા થઈ ગયા. તેમને જે આદીવાસી યુગલ તળાવ સુધી લઈને આવ્યું હતું એ આદીવાસી યુગલ હવામાં ઘુમાડાની જેમ ઓગળી રહ્યું હતું. તે બન્નેનાં શરીર ધીરે-ધીરે રાખમાં તબદિલ થઈને હવામાં ભળી રહ્યાં હતા. પ્રભાત અને સંચિતાની આંખો ફાટી પડી. તેમનું હદય તેમનાં જ ગળામાં આવીને અટકી ગયું. 

                   “સંચીતા, ભાગ અહીથી…” એકાએક જ પ્રભાતે બૂમ પાડી હતી અને સંચિતાનો હાથ પકડીને તળાવની બહાર તરફ ભાગ્યો હતો. તેઓ એક ભૂતાવળમાંથી માંડ-માંડ છૂટયા હતા એટલે હવે તે કોઈ ગફલત કરવા માંગતો નહોતો. ઝડપથી તેઓ તળાવની બહાર નિકળી આવ્યાં હતા અને તેની મંઝિલ મંદિર પાસે પાર્ક કરેલી સેન્ટ્રો કાર તરફની હતી.

                   ગામ અને ગામની આસપાસનાં જંગલ ઉપર છવાયેલો કાળો ઓછાયો એકાએક હટવા લાગ્યો હતો અને વરસાદ શરૂ હોવા છતાં આકાશમાં આછો ઉઘાડ છવાયો હતો.     

                                     (સમાપ્ત)

મિત્રો… આ લઘુ-નવલકથા આપને કેવી લાગી એ જરૂર જણાવશો. મારી અન્ય નવકલથાઓ જેવી કે….

નો-રીટર્ન.

આંધી.

જૂહૂ-બીચ.    જરૂર વાંચજો.

એ ઉપરાંત મારી બીજી નવલકથાઓ પુસ્તક તરીકે ઉપલબ્ધ છે જેવી કે…

નો-રીટર્ન-૨,

અંજામ,

અર્ધ-અસત્ય,(મુંમ્બઈ સમાચારમાં ધારાવાહિક રૂપે અત્યંત સફળ રહેલી નવલકથા.)

અંગારપથ,

નસીબ,

નગર.(હોરર થ્રિલર)

અને હાલમાં મુંમઈ સમાચારમાં ચાલતી “આઈલેન્ડ”.

ધન્યવાદ. 

પ્રવીણ પીઠડીયા.

સુરત.

વધું જાણકારી માટે આપ મને 9099278278 પર વોટ્સએપ કરી શકો છો.