Gandharv-Vivah - 11 books and stories free download online pdf in Gujarati

ગંધર્વ-વિવાહ. - 11

પ્રકરણ-૧૧.

પ્રવીણ પીઠડીયા.

                     સામે… ગોળ ધુમરાતાં વાદળોની વચ્ચે… એકાએક એક ભયાનક  આકાર ઉદભવ્યો હતો. ઉંચો... લગભગ વીસ ફૂટ ઉંચો અને પહાડ જેવો વિશાળ દેહ ધરાવતો એ ભયાનક સાયો અત્યંત વિકરાળ દેખાતો હતો. વાદળોનાં આપસમાં ટકરાવથી ઉદભવતા પ્રકાશનો જબરજસ્ત ધોધ એ આકૃતિ ઉપર કોઈ સ્પોટ લાઈટની જેમ ચમકી રહ્યો હતો. એ પ્રકાશ રીતસરનો તેના શરીરમાં ઉતરીને શોષાઈ જતો હતો જેના લીધે તેના દેહની આસપાસ એક અમાનૂસી  આભા ઉત્પન્ન થતી હતી. એ દેહ એક પુરુષનો હતો. તેનું શરીર વજ્ર જેવું ખડતલ દેખાતું હતું. તેના લાંબા અને ઘુંઘરાળા વાળ હવામાં તરતાં હોય એમ ઉડી રહ્યાં હતા. તેનો ચહેરો  લોહી તરસ્યા પિચાસ જેવો હતો. તેની આંખોનાં ગોખલામાં ભયાનક અગનજ્વાળાઓ ધધકતી હતી જે હમણાં જ સમગ્ર કાયનાતને બાળીને ખાક કરી નાંખશે એવું જણાતું હતું. 

                   એ દ્રશ્ય જોઈને રાજડા સહમી ગયો. તેનો શ્વાસ તેના જ ગળામાં આવીને અટવાયો. અત્યાર સુધી તે એમ માનતો હતો કે ફક્ત એક પૂજારીને લીધે જ આ ગામ ઉપર અગોચર આત્માનો ઓછાયો પથરાયો છે પરંતુ હવે તેને ખ્યાલ આવ્યો કે પૂજારી તો માત્ર એક મોહરાની જેમ નાંચી રહ્યો છે. હકીકત તો કંઈક અલગ જ છે. ખરેખર તો તે એક બાપ હોવાની કિંમત ચૂકવી રહ્યો છે. હકીકતમાં તેની પીઠ પાછળ તેનું જ લોહી તેને જ નચાવીને કોહરામ મચાવી રહ્યું છે. રાજડાને ક્ષણભરમાં બધુ સમજાઈ ગયું અને… તે ઓર વધુ સતર્ક બન્યો. તેની નજરો સામે ભલભલાનાં હાજા ગગડાવી નાંખે એવું દ્રશ્ય સર્જાયું હતું. તે ઠરી ગયો. તેણે પૂજારી તરફ નજર ઘુમાવી. પૂજારી એકદમ શાંત પડી ગયો હતો અને કોઈ જ હલચલ કર્યાં વગર સ્થિર બનીને હવામાં તરી રહ્યો હતો. તેની આંખોમાં રાજડા જેવા હૈરતપૂર્ણ ભાવ નહોતા છતાં તે અવાક જરૂર બની ગયો હતો. તે લાચાર હતો કે વિવશ... અહીથી એ કળવું મુશ્કેલ હતું. 

                 “તેણે મને બે વખત બરબાદ કર્યો. પહેલી વખત એક અજાણી છોકરીને મારાં દરવાજે લાવીને ખડી કરી દીધી હતી અને બીજી વખત મર્યા પછી પોતાની જો-હુકમી ચલાવીને. હવે તું જ કહે હું શું કરું? તે અત્યારે એટલો શક્તિશાળી બની ગયો છે કે મારી ઓકાત નથી કે હું તેને રોકી શકું. એટલે જ મેં તને નાં કહી હતી. હવે જે થશે એમાં મારો કોઈ દોષ નહીં હોય.” પૂજારીનો નંખાઈ ગયેલો અવાજ હવામાં ગુંજી ઉઠયો. તેણે રાજડાને સંબોધીને કહ્યું  જરૂર હતું પરંતુ તેની નજરો સામે દેખાતા વાદળોની અંદર હતી. તેની સ્થિર નજરોમાં અકળ ભાવ ઉદભવ્યાં હતા જેની પીડા ખૂદ તેના હદયમાં ટિસ બનીને ઉઠતી હતી. સામા પક્ષે રાજડા ખુદ સહેમી ગયો હતો. આવું કંઈ જોવાની કલ્પના પણ તેને નહોતી! અરે આ જન્મારે ભયાનક આત્માઓ સાથે તેનો પનારો પડશે એવું તો સ્વપ્નેય વિચાર્યું નહોતુ! તે અવાક બની ગયો હતો. છતાં… તેનું દિમાગ સતર્ક હતું. તે ઝડપથી વિચારતો હતો. આ ખેલ અહી જ સમાપ્ત થવો જોઈએ એવો એક નિર્ણય તેણે લીધો હતો. હવે વધુ લોકોની આહૂતી લેવાય એ તેને મંજૂર નહોતું. રાજડાએ મન મક્કમ કર્યું અને એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો. મનોમન જ પોતાના ઈષ્ટદેવને પ્રણામ કર્યાં.

                    “હું રોકીશ તેને…” તેણે ગર્જના કરી અને પૂજારી સામે ભારોભાર ઉપહાસ ભરેલી દ્રષ્ટીથી જોયું. જે પોતાનાં જ સંતાનથી હારી જાય તેને બહારનાં દુશ્મનોની જરૂર પડતી નથી. ખળભળી ગયો પૂજારી. રાજડાની નજરોનો તાપ તેનાથી જીરવાયો નહી. ન ચાહવા છતાં તેની આંખો ઝૂકી ગઈ. તેના હદયમાં આત્મગ્લાની ઉપજી હતી પરંતુ રાજડાને હવે તેનાથી કોઈ મતલબ નહોતો. તે ફરી પાછો મંદિરની પાળી નજીક પહોંચ્યો હતો અને આકાશમાં ભયંકર ગડગડાહટ કરતાં વાદળો સામે સામી છાતીએ ઉભો રહ્યો.  

                “હા હા હા હા…..” એક ગગનભેદી અટ્ટહાસ્યનો અવાજ વાતાવરણમાં ગૂંજયો. રાજડા કાનમાં એ હાસ્યનાં પડઘા ફેલાયાં. હાસ્ય એટલું ભયાનક અને ડરામણું હતું કે મંદિર અને તેની આસપાસનો સમસ્ત વિસ્તાર થથરી ગયો. કાળજું કંપાવી દેનાર એ હાસ્ય તેની ઉપર ઘુમરાતા વાદળોમાંથી ફેલાયું હતું. અટ્ટહાસ્ય કરતો પૂજારીનો પૂત્ર વઘું વિકરાળ બન્યો હતો અને તેના ગળામાંથી અસ્ખલિત હાસ્ય વહેતું હતું. “તું મને રોકીશ… હા હા હા. તારી જેવા મગતરાંની શું વિસાત કે મને અટકાવી શકે.” તેનો અવાજ ભયાનક અને ભલભલાને કંપાવી દેવા પૂરતો હતો. 

                      “એ તો સમય જ બતાવશે કે કોણ કોને ભારે પડે છે.” રાજડા ગર્જી ઉઠયો અને વધું બે ડગલા આગળ ચાલ્યો. તે હવે પરીસરની છેલ્લી પારાફિટે પહોંચી ચૂક્યો હતો. અહીથી આગળ જઈ શકાય તેમ નહોતું કારણ કે પારાફિટની પછિતેથી સીધી ઉંચી દિવાલ શરૂ હતી જે નાનકડી અમથી ખીણમાં સમાપ્ત થતી હતી. રાજડા બોલ્યો તો ખરો પણ તેને સમજાતું નહોતું કે કેવી રીતે તે એક અગોચર વિશ્વમાં વિચરતા ખતરનાક આત્મા સાથે બાથ ભિડી શકશે..! ઘડીકમાં તેનામાં હિંમત પ્રગટતી હતી અને ઘડીકમાં તે ડરી જતો હતો. તેની ખૂદની મનોદશા અત્યારે સાવ ડામાડોળ બની ગઈ હતી. તે મુંઝાયો. જોશ-જોશમાં એક આત્મા સાથે બાથ તો ભીડી લીધી હતી પરંતુ તેનું પરીણામ શું આવશે એ વિચાર આવતાં તેના પગ થરથરી ગયા. સામે દેખાતો વિકરાળ સાયો તેના જીગરમાં ડર જન્માવતો હતો. વળી એક વખત તેણે ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો, મનોમન ભગવાનને યાદ કર્યાં અને પૂરી મક્કમતાથી પ્રેતની નજર સાથે નજરો મેળવી. “હું તારી સામે ઉભો છું. હવે તો આ પાર અથવા પેલે પાર. તું પેલા લોકોને છોડી દે અથવા મારી સાથે મુકાબલો કરવા તૈયાર થા.”   

                      “હાહાહાહા…..” વળી ભયાનક હાસ્ય ગુંજયું અને એ સાથે જ… અચાનક રાજડા ઉછળ્યો. તેના શબ્દો તેના જ ગળામાં અટકી ગયા. એક જોરદાર હવાનો ધક્કો તેની છાતીમાં વાગ્યો અને રીતરસનો હવામાં તરતો તે ઉછળીને પીઠભેર ફર્શ ઉપર પટકાયો. તેની છાતીમાં કોઈકે જોરદાર મુક્કો માર્યો હતો અને એ ફોર્સથી તેના પગ જમીનથી ઉંચકાયા હતા. તે કોઈ ફૂટબોલની માફક ઉછળ્યો હતો અને ધબાકાભેર ફર્શ ઉપર ખલાયો હતો. “આહ…” તેના મોમાંથી અનાયાસે દર્દનો ઉંહકારો નિકળ્યો. એ પછડાટથી તેની કરોડરજ્જુમાં ભયંકર કડાકો બોલ્યો હતો અને બે-ઘડી તો એમ જ લાગ્યું જાણે તેની પીઠનાં બે ટૂકડા થઈ ગયા છે. તેની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યાં. પહેલો જ વાર એટલો ભયાનક હતો કે રાજડાને  આંખો સમક્ષ પોતાનું મોત નાચતું દેખાયું. તેના ગળામાંથી આપોઆપ દર્દ ભર્યા ઉંહકારા નિકળવા લાગ્યા. અને… આ તો જાણે હજું શરૂઆત હોય એમ હવામાં ઘૂમરાતું પ્રેત તેની ઉપર ત્રાટકી પડયું. 

                 બીજો વાર રાજડાનાં ચહેરા ઉપર થયો. પ્રેતનો ભયાનક ચહેરો રાજડાનાં ચહેરાની સાવ નજીક આવી ગયો અને તેણે દિલ દહેલાવી દે એવી તીણી ચીખ પાડી. તેનું મોં ખૂલ્યું હતું અને તેમાથી હજ્જારો ઉકરડા ગંધાતા હોય એવી દોજખ યુક્ત દૂર્ગંધનો ભભકો નિકળ્યો. એ ભભકો સીધો જ રાજડાનાં ચહેરા ઉપર અથડાયો અને તેની પાતળી ચામડીને દઝાડી ગયો. “ઓ માં….” ગળું ફાટી પડે એવી ભયાનક ચીખ રાજડાનાં મોમાંથી નિકળી અને સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠયું. રાજડાને લાગ્યું જાણે કોઈએ તેનો ચહેરો આગની ભયાનક લપટોમાં હોમી દીધો છે. તેનો આખો ચહેરો એ ભભકાની હવાથી દાઝી ઉઠયો હતો. તેના ગાલની ચામડી રીતસરની બળી ગઈ હોય એમ તરડાઇ ઉઠી હતી. તેની આંખો, તેના વાળ, તેનું નાક, બધું જ એ લપટોની ઝપટમાં આવીને લાલઘૂમ બની ગયું હતું. પ્રેતનાં બે જ વારમાં રાજડા પસ્ત બની ગયો હતો. જે હિંમતથી તેણે એક આત્માનો સામનો કરવાનું નક્કી કર્યું હતું એ હિંમત બે જ મિનિટમાં રસાતાળમાં ધરબાય ગઇ હતી. તેના દિમાગમાં લગભગ શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. આંખો સખ્ખત બળતરાનાં કારણે સરખી રીતે ખૂલી પણ શકતી નહોતી. 

               અને… એટલું ઓછું હોય એમ… તે હજું કંઈ સમજે એ પહેલા… અચાનક લાગ્યું કે પ્રેતે બન્ને હાથે તેના પગ પકડયા છે અને એ હાલતમાં જ તેને ઉંચકી રહ્યો છે. રાજડા આપોઆપ જમીનથી અધ્ધર ઉંચકાયો. તેના પગ અને આખું શરીર હવામાં તરતું હોય એમ સૂતેલી હાલતમાં જ ઉપર ઉઠયું. એ દ્રશ્ય ખરેખર ભયાનક હતું. હવામાં તરતો હોય એમ તે ઉંચો ઉંચકાયો હતો અને કોઈ જ આધાર વગર ગોળ-ગોળ ઘૂમવા લાગ્યો. તેનું માથું નીચે જમિનને સમાંતર, થોડું ઉંચું હતું અને પગ તેનાથી પણ વધું ઉંચે લટકતા હતા. એમ સમજો કે ઉંધેમાથે લટકાવીને તેને ગોળ ઘૂમરી ફેરવવામાં આવી રહ્યો છે. તેની હાલત ગોફણમાં મૂકેલા પથ્થર જેવી થઈ હતી. પથ્થરને દૂર ફેંકવા કોઈ ગોફણ ફેરવે એમ તે ગોળ ચક્કર ફરતો હતો. જોત-જોતામાં એ ચક્કર વધુંને વધું ગતીથી ફરવા લાગ્યું. ફાસ્ટ ઘૂમતી ચકરડીને જેમ હવે તે રીતસરનો હવામાં ઉડી રહ્યો હતો અને… ગોળ ફરતી એ ઘૂમરડીમાં જ… આંખનાં પલકારા કરતા પણ વધું ઝડપે તેના પગ  છોડી દેવામાં આવ્યાં. રીતસરનો તેનો ઘા કરી દેવામાં આવ્યો. ’ધડામ’ એક ભયંકર અવાજ આવ્યો અને રાજડાનું માથું મંદિરના ઉભા પિલ્લર સાથે ભારે વેગથી અફળાયું. “ઓ માં…” રાડ ફાટી પડી તેનાં ગળામાંથી અને એવું લાગ્યું જાણે તેના મસ્તકનાં સેંકડો ટૂકડા થઈને ચારેકોર વેરાઈ ગયા છે. ભયંકર ધડાકાભેર તે મંદિરનાં પિલ્લર સાથે અફળાયો હતો અને પછી ’ધફ્ફ…’ કરતો નીચે ખાબક્યો હતો. તેની પીઠમાં જોરદાર પછડાટ લાગી… કરોડરજ્જૂનાં હાડકામાં ક્યાંક કડાકો બોલી ગયો, કરોડરજ્જૂ ભાંગી ગઈ હોય એમ તેના મણકામાં ખળભળાટ વ્યાપી ગયો. અનાયાસે જ રાજડાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યું. એ પછડાટ તેની સહન-શક્તિની બહાર હતી. તેને પોક મૂકીને રડવાનું મન થયું. બન્ને પગ ભેગા કરીને, ટૂંટિયું વાળીને, ઘડીક તે એમ જ પડયો રહ્યો. એક જ ઘા તેના માટે મરણતોલ સાબિત થયો હતો અને તેની રહી-સહી હિંમત પણ જવાબ દઇ ગઇ હતી. તેનું મગજ આથી વધું આઘાત સહન કરી શકે તેમ નહોતું. તે બેહોશ બની જવા માંગતો હતો જેથી આ પરિસ્થિતીમાંથી છૂટી શકે. લાચાર નજરે તેણે પૂજારી સામે જોયું. પૂજારીએ જે કહ્યું હતું એ શત-પ્રતીશત સત્ય સાબિત થયું હતું. તેના છોકરામાં અસિમ તાકત હતી અને તેને નાથવો લગભગ અશક્ય જણાતું હતું. 

              રાજડા બેહાલ અવસ્થામાં નીચે પડયો હતો, વનરાજ સોલંકી હજુ પણ બેહોશ હતો. પૂજારી સાવ સ્થિર બની ગયો હતો અને એક ભયાનક આત્મા ચારેકોર અટ્ટહાસ્ય વેરતી મંદિર પરીસરમાં ઘૂમી રહી હતી. પૂજારીથી રાજડાની દશા જોવાતી નહોતી પરંતુ તે કરે પણ શું? ખૂદ પોતાનાં જ પૂત્ર આગળ તે સાવ નિઃસહાયતા અનુભવતો હતો. તેની શક્તિઓ એટલી નહોતી કે તે તેને રોકી શકે કે તેનો સામનો કરી શકે. તેને રાજડાની દયા આવતી હતી. એક નવલોહિયો યુવાન આજે વગર કારણે કૂટાઈ જવાનો હતો એ વાત સહન કરતા ઘણું કષ્ટ થતું હતું. તે ચાહતો હતો કે રાજડાની મદદ કરે. તેની નજરોમાં રાજડા પ્રત્યે અનુકંપા ઉદભવી હતી અને તેનું મન વિજળી વેગે વિચારતું હતું. કે અચાનક…એક અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠયો. 

                 “જય હનુમાન ગ્યાન ગૂન સાગર, જય કપિસ તિહું લોક ઉજાગર…” રાજડાને અચાનક જ સુજયું હતું અને નીચે પડયા-પડયા જ તેના મો-માંથી અસ્ખલિત હનુમાન ચાલિસાનો પાઠ શરૂ થયો. સાવ અચાનક… એકાએક… ઓચિંતા જ રાજડાનાં હદયમાંથી આપમેળે જ એ શબ્દો… એ ચોપાઈઓ શબ્દ રૂપે નિકળવી શરૂ થઈ. રાજડા ખૂદ અચંભિત હતો કે આ તેને પહેલા કેમ યાદ ન આવ્યું! તેનું અંતર ભરાઈ આવ્યું. અત્યંત ભાવુકતામાં તેની આંખો છલકાઈ આવી. જો તે ભૂત-પ્રેતમાં માનતો હોત તો સૌથી પહેલા ચોક્કસ હનુમાન ચાલિસા જ યાદ આવી હોત પરંતુ અત્યાર સુધી તે અર્ધ-નાસ્તિક અવસ્થામાં જીવતો હતો. તેની ધારણા પ્રમાણે આ વિશ્વમાં અગોચર શક્તિઓ જેવું કશું જ હોતું નથી. જે હોય છે એ ફક્ત નબળા મનનો વિકાર જ હોય છે જે આવી બાબતો માનવા પ્રેરતો હોય છે. પરંતુ તેની એ માન્યતા ભાંગીને ભૂક્કો થઈ ચૂકી હતી. હવે ઈશ્વરનું શરણ એ જ છેલ્લો અને એક માત્ર ઉપાય છે એ તેને સમજાઈ ચૂક્યું હતું. હનુમાન ચાલિસાનો પાઠ ભજતા તે પિલ્લરનાં ટેકે અધૂકડો બેઠો થયો અને સામે ઘુમરાતા ભયાનક આત્મા સન્મૂખ થયો. 

                   વિકરાળ સાયો ઘડીભર માટે સન્નાટામાં ચાલ્યો ગયો. એક ક્ષણ... માત્ર એક ક્ષણ પૂરતો તે ખામોશ બન્યો અને બીજી જ ક્ષણે…”હા…હા…હા…” તેનું ભયાનક હાસ્ય ફરીથી ગુંજી ઉઠયું. સ્તબ્ધ બની ગયો રાજડા. તેને એમ હતું કે હનુમાન ચાલિસા સાંભળીને પ્રેત ખામોશ બની જશે, અથવા તેની લીલા સંકેલીને અહીથી ચાલ્યું જશે અને સમગ્ર ઈલાકો એક આત્માનાં ચુંગલમાંથી મુક્ત બની જશે પરંતુ… “છોકરા, તારો ભગવાન પણ મને નહી રોકી શકે. હું આ મંદિરનાં પૂજારીનો દિકરો છું એટલે એ તમામ બાબતો જે મને અટકાવી શકે એમ છે એનો તોડ પહેલેથી જ મેં કરી રાખ્યો છે. આવી હરકતોથી મારું કોઈ નૂકશાન થવાનું નથી. હા..હા..હા..”

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED