ગંધર્વ-વિવાહ. - 1 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગંધર્વ-વિવાહ. - 1

                   “ચા બનાવું સાહેબ?” વના સોલંકીએ નવા નિમાયેલા ફોરેસ્ટ ઓફિસર અંકુશ રાજડાને માનપૂર્વક પૂછયું.  

                    વનો જાણતો હતો કે સાહેબ ના નહી કહે છતાં તેણે પોતાની ફરજ બજાવી હતી. તે એ પણ જાણતો હતો કે અહીં આખા દિવસ દરમ્યાન આઠ-દસ વખત ચા ન બને ત્યાં સુધી સાંજ પડતી નહી. તેનું કારણ એ હતું કે નવરા બેસવા અને ચા પિવા સિવાય અહીં કરવા જેવું કશું જ નહોતું! ખબર નહીં સરકારે શું વિચારીને ઘેઘૂર વન-વગડા વચ્ચે આ ચોકી ઉભી કરી હશે? એક તો સાવ અંતરીયાળ જંગલ વિસ્તાર, આજૂ-બાજૂમાં કોઈ બસ્તી કે ગામ નહી, ઉપરથી ચારેકોર ગીચ વનરાજીથી ઘેરાયેલી એકલી અટૂલી ચોકીનું મકાન. એને મકાન પણ કેમ કહેવું? ચાર દિવાલો, તેની ઉપર દેશી નળિયાની છત, ખખડધજ લાકડાનાં મોભિયા અને એવી જ પરસાળ. અડધા-એક વિધા જેટલી જમીનને આવરી લેતી કાંટાળી વાડ. તેની અંદર વના સોલંકીએ નવરાશનો સદ્-ઉપયોગ કરીને ઉગાડેલા જાત-ભાતનાં છોડવાઓ અને શાકભાજીનાં વેલાઓ અને… વાતાવરણમાં આખો દિવસ પથયેલો રહેતો ભયંકર કંટાળો. વના સોલંકીએ જ્યારે જાણ્યું કે આ ચોકીમાં કોઈ નવા સાહેબ નિમાયા છે ત્યારે તેને અચરજ થયું હતું. આ જંગલમાં કરવા જેવું કંઈ કામ જ નહોતું જેના માટે કોઈ સાહેબને અહીં આવવું પડે. તે એકલો જ કાફી હતો આ ભયાનક વગડાની રખેવાળી માટે. પાછલાં છેલ્લા કેટલાય વર્ષોથી આ જંગલમાં સમય જાણે સ્થિર થઇ ગયો હોય એમ કોઈ બદલાવ થયો જ નહોતો. પણ આ તો સરકારી ખાતું હતું. ઉપરથી ફરમાન થયું અને અંકુશ રાજડા નામનાં સાહેબ અહીં આવી પધાર્યાં હતા. આજે સવારે જ તેમનું પોસ્ટિંગ થયું હતું અને એક સરકારી જીપમાં બેસીને તેઓ આવી પહોંચ્યા હતા.

                    “શું નામ છે તારું?” રાજડાએ ચોકીને એક નજરમાં આવરી લઈને એક લાંબો નિસાસો નાંખ્યો અને પછી ત્યાં હાજર એક માત્ર જીવતી જાગતી વ્યક્તિ ઉપર નજર ઠેરવી. 

                 “નવરાજ સોલંકી.” વનાએ આદરથી પોતાનું નામ લીધું. “તમે વનો કહેશો તો ચાલશે સાહેબ. અહીથી પાંચેક ગાઉ આઘે મારું ગામ છે. આઠેક વર્ષથી આ વગડાનું ધ્યાન હું જ રાખું છું.” તે બોલ્યો અને પછી અટક્યો. તેના કપાળે સવાલોનાં સળ ઉપસ્યાં. “એક વાત પૂંછું સાહેબ?” ફરીથી તે અટક્યો. તેના મનમાં અવઢવ હતી કે સાહેબને સવાલ પૂછવો કે નહી? “તમે અહીં કેમ આવ્યાં? મતલબ કે પોસ્ટિંગ વખતે તમે જાણ્યું નહોતું કે તમને ક્યાં મૂકવામાં આવે છે?” તેનાં મનમાં ચાલતી જીજ્ઞાસાને આખરે વાચા આપી.  

                 “આપણે ચેક ડેમ બનાવવાનાં છે વનરાજ.” રાજડાએ ત્યાં પડેલી લાકડાની ખુરસી ઉપર બેઠક લીધી. “એ બધી વિગતો પછી તને જણાવીશ, અત્યારે એટલું સમજી લે કે સરકારે આ જિલ્લામાં આવતાં તમામ ફોરેસ્ટ વિસ્તારમાં પાણીની તંગી દૂર કરવા ચેક ડેમો બનાવવાનું નક્કી કર્યું છે. એ માટેની નિમણૂકો થઈ ચૂકી છે. ચોમાસામાં ધોધમાર વરસાદ થતો હોવા છતાં ઉનાળો આવતાં જિલ્લામાં પાણીની ભયંકર તંગી સર્જાય છે તેનો ઉકેલ લાવવાનો આ એક માત્ર રસ્તો છે એવું સરકાર વિચારે છે.” રાજડાએ ફરીથી એક લાંબો નિશ્વાસ છોડયો. અહી આવવું તેને પણ સહેજે પસંદ આવ્યું નહોતું પરંતુ આ સરકારી નોકરી હતી. ગમે ત્યાં અને ગમે તેવા ઠેકાણે તેનું પોસ્ટિંગ થઈ શકે છે એની તૈયારી તો ટ્રેનિંગ દરમ્યાન જ તેમને કરાવવામાં આવતી હતી એટલે ફરીયાદ કરવાનો કે અફસોસ કરવાનો કોઈ મતલબ નહોતો. જ્યાં સુધી ચેક ડેમ વાળો પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી તેણે આ વગડામાં જ રહેવાનું હતું.  તેણે ચારેકોર નજર ફેરવી સમગ્ર મકાનનો તાગ મેળવવાની કોશિશ કરી. ચોકીની સાથે જ સંકળાયેલો… પાછળનાં ભાગે એક ઓરડો હતો. આગળ કામકાજનો કમરો હતો. તેમાં એક ટેબલ, એક ખૂરશી, દિવાલને અઢેલીને પડેલો એક કબાટ, બસ આટલું જ ફર્નિચર હતું. એ કમરાને જર્જરીત લાકડાનાં પાર્ટિશન વડે અલગ કરીને બીજો ઓરડો બનાવાયો હતો જે હવે તેનું રહેઠાણ બનવાનો હતો. 

                       વનાને સાહેબની વાતોથી સંતોષ થયો હોય એમ તેણે મૂંડી હલાવી અને પરસાળનાં એક ખૂણે બનેલાં ચૂલા તરફ પગ ઉપાડયા. 

                        એ સમયે… બે માંથી કોઈ નહોતું જાણતું કે તેમનાં જીવનમાં એક ભયાનક આફત છાનાં પગલે દસ્તક દેવા આવી રહી છે. જેના કારણે વગડાનો આ સન્નાટો વધું ઘેરો બનવાનો હતો. તેઓ એક એવા દળદળમાં ફસાવાનાં હતા કે તેમાથી ઉગરવાનો કોઈ રસ્તો તેમને સૂઝવાનો નહોતો. એક અજાણ્યાં… ડરામણા… અગોચર ઘટનાક્રમનો તેઓ સાક્ષાત અનુભવ કરવાનાં હતા જેમાં તેમની રુહ સુધ્ધા કાંપી ઉઠવાની હતી.

                                      ------

                    વગડાઉ વિસ્તારમાં બપોરનો તડકો વધું આકરો લાગતો હોય છે. ચારેકોર ઉગેલા અસંખ્ય વૃક્ષો અને ગીચ વનરાજીનું અફાટ સામ્રાજ્ય પથરાયેલું હોવા છતાં જ્યારે મધ્યાહને તપતા સૂરજનાં તીખા કિરણોનો પ્રકોપ વહેતાં પવનમાં ભળે છે ત્યારે એક અજીબ ઉકળાટ વાતાવરણમાં પ્રસરતો હોય છે. એ ઉકળાટનો બફારો સમગ્ર વન વિસ્તારને સૂસ્ત અને બોઝિલ બનાવી દે છે. ગરમ પવન સાથે વહેતી ’લૂ’માં ઉડતાં સૂકા પાંદડાઓનો કર્કશ અવાજ ભેંકાર બપોરને વધું ભેંકાર અને એકલતા બક્ષતો હોય છે.

                    એવા સમયે કાળા તડકામાં લાલ રંગની એક ખખડધજ સેન્ટ્રો કાર ડબલ પટ્ટીનાં લીસ્સા રોડ ઉપર તેની તમામ શક્તિઓ લગાવીને ફૂલ સ્પિડમાં ભાગી રહી હતી. તેમાં બે વ્યક્તિઓ સવાર હતી. બાવીસ વર્ષનો પ્રભાત અને વીસ વર્ષની સંચીતા. તે બન્ને એક-બીજાને અનહદ પ્રેમ કરતા હતા. તેમનાં ઘરવાળાઓને તેમનો પ્રેમ મંજૂર નહોતો એટલે તેઓ ઘર છોડીને ક્યાંક દૂર ભાગી જવા માંગતા હતા. કાર પ્રભાતનાં મિત્ર દેવની હતી. તેણે જ એ બન્નેને ભાગવામાં મદદ કરી હતી. તેઓ ગુજરાતની બોર્ડર પાર કરીને મહારાષ્ટ્રમાં દેવનાં એક સંબંધીને ત્યાં થોડો સમય રોકાવાનાં હતા અને પછી સંજોગો તેમને જે દિશામાં લઈ જાય એ દિશામાં અને દશામાં આગળ વધવાનાં હતા. તે બન્ને મૂળ દક્ષિણ ગુજરાતનાં બીલીમોરાનાં રહેવાસી હતા. કોલેજમાં તેમનો પ્રેમ પ્રાંગર્યો હતો અને બરાબર એક વર્ષ પછી તેઓ તેમનાં ઘરેથી ભાગી છૂટયા હતા. બીલીમોરાથી ચીખલી અને ત્યાંથી વાંસદા થઈને સાપુતારા વટો એટલે સીધી જ મહારાષ્ટ્રની ચેકપોસ્ટ લાગે. તેમની મંઝિલ એ બોર્ડર તરફની હતી. 

                      “કેટલી ગરમી છે નહી?” સંચીતા દુપટ્ટાથી પોતાનો ચહેરો લૂછતાં બોલી. કારનાં અધખૂલ્લા કાચમાંથી અંદર ફૂંકાતો ભર-બપોરનો ગરમ પવન તેના ચહેરા સાથે અથડાતો હતો જે તેની કોમળ ત્વચા ઉપર રીતસરનો જૂલમ વર્તાવી રહ્યો હતો. પ્રભાતે એક નજર સંચીતા ઉપર નાંખી અને ફરી ડ્રાઈવિંગમાં ધ્યાન પરોવ્યું. અત્યારે તે અસહાય હતો કારણ કે એક તો કાર બીજા પાસેથી માંગેલી હતી અને ઉપરાંત ઘણી જૂની પણ હતી એટલે તેનું એ.સી. ઓલરેડી ’ડેડ’ કંડીશનમાં હતું. તેણે ફરજીયાતપણે બારીનાં કાચ ખૂલ્લા રાખવા પડે એમ હતા. જો એમ ન કરે તો કારની અંદરની ગરમીથી જ તેઓ બફાઈને મરી જાય. સંચીતાનાં ગળે ભયંકર શોષ પડતો હતો. તરસથી વ્યાકુળ બનીને ક્યારની તે બારી બહાર ડોકુ કરીને કોઈ દુકાન કે હોટલ શોધી રહી હતી પરંતુ એ અજીબ હતું કે આખો રસ્તો સાવ સૂમસાન હતો. ક્યાંય કોઈ ચકલું ય ફરકતું નહોતું. જાણે તેઓ કોઈ વેરાન રણમાં આવી ચઢયાં હોય એમ સરપટ દોડતા રસ્તા ઉપર એકલા જઈ રહ્યાં હતા. ખરેખર એ એકલતાને તેમણે ધ્યાનમાં લેવા જેવી હતી. “ક્યાંક કોઈ દુકાન આવે તો ઉભી રાખને પ્રભાત. મારે ઠંડુ પાણી પીવું છે.” આખરે તરસ સહન ન થતા સંચીતા બોલી ઉઠી.

                       “હું પણ ક્યારનો એ જ શોધી રહ્યો છું પરંતુ આ રસ્તે કેમ કોઈ દુકાન દેખાતી નથી..! આપણે નિકળ્યાં ત્યારે જ એ વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી.” પ્રભાત બોલ્યો તો ખરો પરંતુ તેઓ એટલી ઉતાવળ અને ગભરાહટમાં બીલીમોરાથી નિકળ્યાં હતા કે તેમને બીજી કોઈ વાતનું ધ્યાન જ રહ્યું નહોતુ. તેણે હાથ ઉપર બાંધેલી ઘડીયાલમાં જોયું. બપોરનાં બે વાગ્યાં હતા. રસ્તો એકાંતભર્યો, એકધારો, સીધો અને સપાટ હતો. કોઈ વાહન કે કોઈ વ્યક્તિનાં હજુ સુધી તેમને દર્શન થયા નહોતા. એ થોડું અજૂગતું હતું પરંતુ તેઓ એટલા ડરેલા અને ગભરાહટમાં હતા કે એ બાબત તેમનાં ધ્યાનમાં આવી જ નહોતી. ખરેખર એ તેમનાં ધ્યાને ચડવું જોતું હતું કે કેમ રસ્તો આટલો નિર્જન છે? કારણ કે આ રસ્તા ઉપર થોડા-થોડા અંતરે નાના ગામડાઓ અને રોડ કિનારે બનેલી હાટડીઓ હોવી જોઈએ. પરંતુ કોણ જાણે કેમ, અત્યારે એમાનું કશું જ તેમને દેખાતું નહોતું.

                    વાંસદા વટીને તેઓ વઘઈ તરફ આગળ વધ્યાં. વાંસદાથી વઘઈનો રસ્તો પૂર્ણા વન્ય અભ્યારણને અડીને પસાર થતો હતો. ત્યાંથી એક રસ્તો વઘઈ બોટનીકલ ગાર્ડન થઈને સાપુતારા તરફ ફંટાતો હતો. હજુ તેઓ અધવચ્ચે જ પહોંચ્યાં હશે કે પ્રભાતની નજર રોડ કીનારે ઉભેલી બે વ્યક્તિઓ ઉપર પડી. ’અરે… આટલી બળબળતી બપોરે કોણ ઉભું છે?’ પ્રભાતનાં મનમાં વિચાર જનમ્યો. સાથોસાથ એક આશા જાગી કે જરૂર આ લોકો પાસેથી નજીકમાં કોઈ દુકાન વીશે જાણી શકાશે. તેણે કારને એ લોકોની સાવ નજીક લીધી અને રોડને કીનારે ઉભી રાખી. કાર ઉભી રહી એ સાથે જ તેનું હદય એક ધબકારો ચૂકી ગયું. સંચીતાની આંખોમાં પણ અજાણ્યો ખૌફ દોડી આવ્યો. “માયગોડ…” પ્રભાતનાં મોમાંથી અનાયાસે શબ્દો નીકળ્યાં. બે-ઘડી તો થયું કે તેણે કાર ઉભી રાખીને ભૂલ કરી છે. એ ડરનું કારણ એ વ્યક્તિઓના ચહેરા હતું.  

                   એ કોઈ નવ-પરણિત આદીવાસી યુગલ જણાતું હતું. તેમણે પહેરેલાં કપડા ઉપરથી તો કમસેકમ એવું જ લાગતું હતું. યુવતીએ એકદમ લાલ ભડક રંગની ઓઢણી ઓઢી હતી. તેના ચીમળાયેલા કાળા દેહ ઉપર પીળા ચમકતાં આભૂષણો ભર-તડકામાં અજીબ રીતે ઝગારા મારી રહ્યાં હતા. સ્પષ્ટ જણાઈ આવતું હતું કે એ આર્ટિફિશિયલ ઘરેણા છે. યુવકે સફેદ ટોપી પહેરી હતી જેની બન્ને તરફ કાન પાસે લાંબા ફૂમતાંની સેર ઝૂલતી હતી. એકદમ સફેદ ઝગ કૂરતો અને ખૂલતી બોટમનું પેન્ટ તેણે પહેર્યું હતું. તે બન્નેનાં ગળામાં ફૂલોની માળા લટકતી હતી અને કપાળે મોટા… લાલ કંકૂનાં ચાંદલા હતા. પરતું તેમનાં ચહેરાં…? માયગોડ… ડર પમાડે એવા હતા. તે બન્નેનાં ચહેરાનો રંગ એકદમ ફિક્કો અને કાળો હતો. ચામડી જાણે મોઢાનાં હાડકા સાથે ચોંટી ગઈ હોય એમ સાવ સૂકાઈને ચીપકી ગઈ હતી. ગાલનાં હાડકાનો ઉભાર આટલે દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. આંખોનાં ડોળામાં અજબ પ્રકારની પીળાશ ડોકાતી હતી. તેમનાં દેદાર એવા હતા જાણે તે બન્ને હમણાં જ કોઈ કબરમાંથી ઉઠીને આવ્યાં હોય! પ્રભાત ધરબાઈ ગયો હતો. કાર ઉભી રાખતા રખાઈ તો ગઈ પરંતુ હવે શું કરવું…? એક વખત તો વિચાર આવી ગયો કે ગાડી ભગાવી મૂકે, પરંતુ તેનાથી એવું થયું નહી. પગ જાણે એક્સલરેટ ઉપર ચોંટી ગયા હોય એમ સ્થિર થઈ ગયા હતા. ચાહવા છતા તેનું શરીર પથ્થરનું બની ગયું હોય એમ હલન-ચલન કરવા અસમર્થ બની ગયું હતું. સંચીતાની હાલત પણ કંઈક એવી હતી. તેના દેહમાં ભયંકર ડરનું એક લખલખું પસાર થઈ ગયું. અનાયાસે તેનો હાથ પ્રભાતનાં હાથ ઉપર ચંપાયો. એ હાથમાં ધ્રૂજારી સ્પષ્ટ વર્તાતી હતી.  ડોકું ફેરવીને તેણે પ્રભાતની સામું જોયું. પ્રભાતે આંખોથી જ સંચીતાને ધરપત આપી અને ભારે મહેનતથી તે બારી નજીક સરક્યો.

                   “અહી કોઈ દુકાન હશે? સખત તરસ લાગી છે. અમારે પાણી પીવું છે.” તેણે પેલા યુવકને સંબોધીને પૂછયું. એ સાંભળીને યુવકનાં ચહેરાની એક રેખા સુધ્ધા ફરકી નહી કે તે પોતાની જગ્યાએથી હલ્યો પણ નહી. જાણે તેણે કશું જ સાંભળ્યું ન હોય એમ સ્થિર દ્રષ્ટીથી પ્રભાતને તાકતો રહ્યો. એ નજરોમાં જબરી ઠંડક છવાયેલી હતી. ઘડીભર માટે તો પ્રભાતનાં શરીરનું એક-એક રૂઆટું ખડું થઈ ગયું. સમય જાણે ત્યાં જ સ્થિર થઈ ગયો હોય એમ થંભી ગયો. એક સેકન્ડ પણ એક કલાકની જેમ પસાર થતી હતી. ખબર નહી કેટલો સમય એમ જ વિત્યો હશે અને… યુવકે તેની બાજુમાં ઉભેલી યુવતી સામું જોયું. તે બન્નેની નજરો આપસમાં મળી. નજરોથી જ વાતો થઈ હોય એમ યુવતી કારની બારી નજીક આવી. બપોરનાં ભેંકાર સન્નાટામાં તેણે પહેરેલાં આભૂષણોનો ખણકાટ દૂર સુધી રણકી રહ્યો. 

                   “અહી નજીકમાં એક મંદિર છે. મંદિરમાં પૂજારી પણ હશે. ત્યાં બધું મળી રહેશે. ચાલો અમે લઈ જઈએ.” યુવતીએ આદીવાસી ભાષાનાં લહેકા સાથે કહ્યું. તેનો અવાજ કોઈ અંધારિયા કૂવામાંથી આવતો હોય એવો ઘેરો અને કર્કશ હતો. તેણે પાણીનું ઠેકાણું ચિંધવાને બદલે જાણે હુકમ કર્યો હોય એવો અવાજમાં લહેકો હતો. અને… પ્રભાત કે સંચીતા કંઈ બોલે એ પહેલા તે બન્ને કારનો પાછલો દરવાજો ખોલીને તેમાં બેસી ગયા. “અહીથી નીચે ઢોળાવમાં ગાડી લઈ લો.” એ હુકમ હતો. પ્રભાસ હિપ્નોટાઇઝ થયો હોય એમ તેણે કારનું સ્ટિયરિંગ મૂખ્ય રસ્તાથી નીચે ઉતરતા ધૂળિયા અને ઉબડ-ખાબડ કાચા રસ્તા તરફ વાળ્યું. એ તેની ભયંકર ભૂલ સાબિત થવાની હતી પરંતુ અત્યારે તે ખૂદ પોતાના કાબુમાં નહોતો. 

                      ગાંડા બાવળ અને કાંટાળી બોરડીની હાર વચ્ચે સાંકડી નેળ જેવો ધૂળિયો રસ્તો કોણ જાણે ક્યા નકરમાં જતો હશે. એ રસ્તો પણ કેમ કહી શકાય! માંડ એક ગાડુ ચાલી શકે એટલા સાંકડા, ઝીણા લોટ જેવી ધૂળમાં આડેધડ ખૂંપેલા પથ્થરો આચ્છાદિત ઉબડ-ખાબડ ગાડા કેડા ઉપર પ્રભાતની સેન્ટ્રો કાર રીતસરની ઉછળતી આખડતી કોઈ અજાણી મંઝિલ તરફ જઈ રહી હતી. કારની પાછળ ઉડતા ધૂળનાં ગોટે-ગોટા જાણે આ દુનિયામાંથી તેનું અસ્તિત્વ મિટાવતા જતા હોય એમ સેન્ટ્રો કાર એ ધૂળનાં વાદળોમાં જોત-જોતામાં અદ્રશ્ય થઈ ગઈ.

(ક્રમશઃ)