Gandharv-Vivah - 9 books and stories free download online pdf in Gujarati

ગંધર્વ-વિવાહ. - 9

પ્રકરણ-૯.

પ્રવીણ પીઠડીયા.

                    દક્ષિણ તરફથી વહેતો પવન વરસાદનાં પાણીને વધું જોરથી જમીન ઉપર ફેંકી રહ્યો હતો. પાણીમાં લથબથ ભિંજાયેલા અંકુશ રાજડા અને તેની સામે સાવ કોરાકટ ઉભેલા પૂજારી વચ્ચે અજીબ દાસ્તાન મંડાય હતી.   

                   “જે વર્ષોથી થતું આવ્યું છે એ જ થયું હતું. વાસુનાં બાપે વાસુનાં લગ્ન તેનાથી વિસ વર્ષ મોટા આધેડ સાથે નક્કી કર્યા હતા. એ કોઈ કાળે તેને મંજૂર નહોતા એટલે ઘરેથી ભાગીને તે સીધી જ મારી પાસે આવી હતી.” પૂજારી તેના પૂત્રનું વૃતાંત સંભળાવી રહ્યો હતો.

                    “અને તેં એને સ્વિકારી લીધી…!” હું ગર્જી ઉઠયો હતો.

                    “બાપુ, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. જો એમ ન કર્યું હોત તો વાસુ ચોક્કસ આત્મહત્યા કરી લેત એ સ્પષ્ટ સમજાતું હતું. હવે તમે જ કહો એવું હું કેમ થવા દઉં…? મારામાં પણ તમારું લોહી વહે છે બાપુ. કોઈ નિરાધાર યુવતીને એમ જ એની કિસ્મતનાં ભરોસે હું ન છોડી શકું…! અને આ તો વાસુ હતી…મારો પ્રથમ પ્રેમ. તેને તકલીફમાં જોવી મારા માટે અસહ્ય હતું. હું તેને પ્રેમ કરતો હતો અને આજ સુધી તેને ભૂલાવી શક્યો નહોતો એ સત્ય પણ ક્યારેય બદલાયું નહોતું. હકીકત સમજો કે મારી સચ્ચાઈ, પણ એ ક્ષણે જ મને લાગ્યું કે ખુદ ભગવાન અમને બન્નેને ભેગા કરવા માંગે છે. બસ… મેં નક્કી કરી લીધું હતું કે હવે તેને નોધારી નહી છોડું. એ પછી જે થયું તેનું પરીણામ અત્યારે તમારી સમક્ષ છે.” તે બોલ્યો હતો… અને તે જે નહોતો બોલ્યો એ હું સમજી ગયો હતો કે હવે તે પોતાનાં નિર્ણયથી પીછેહઠ કરશે નહી. કમબખ્ત અમારું ખાનદાન જ એવું હતું કે એક વખત કોઈ વ્યક્તિ નિર્ણય કરી લે પછી પાછું વળીને વિચારતું નહી. મને યાદ છે ત્યાં સુધી અમારા કુટંબમાં આજ સુધી કોઈએ પાછા પગલા નહોતા ભર્યા. અમારા લોહીમાં જ એ ગુણધર્મો વણાયેલા હતા. વળી અહી તો ખુદ કુદરત જ તે બન્નેને મેળવવા માંગતી હતી તો પછી તેમને રોકવાવાળો હું કોણ..? એક ધરમ-સંકટ મારા દ્વારે આવીને ઉભું હતું જેનો ઉકેલ મારે શોધવાનો હતો. હું સારી રીતે જાણતો હતો કે તેમાં જરાક પણ ચૂક અમારા ખાનદાનને વિનાશ તરફ દોરી જશે. આખરે... ઘણું વિચાર્યા બાદ એક અઘરો નિર્ણય લીધો. તે બન્નેને મારી બહેનને ઘરે મોકલવાનો નિર્ણય.    

                   એક મહિનો… પૂરો એક મહિનો તે બન્નેને મેં ગામથી થોડે દૂર રહેતી મારી બહેનનાં ઘરે છૂપાવી રાખ્યાં હતા. જેથી એ યુવતીનાં પરીવાર તરફથી કોઈ શોધખોળ શરૂ થાય અને બીજી કોઈ સમસ્યા ઉભી થાય તો તેને પહોંચી વળી શકાય. પરંતુ એવું કશું જ થયું નહી. એ આશ્વર્યની વાત હતી પણ ખરી અને નહોતી પણ. હું અહીનાં લોકોની પછાત માનસિકતાથી પરીચીત હતો. મને ચોક્કસ એવું લાગતું હતું કે યુવતીનાં પરીવારે તેના નામનું નાહી નાંખ્યું હશે કારણ કે આજે પણ આ લોકો બાબા આદમનાં જમાનામાં જીવતા હતા. અત્યંત ગરીબ અને સાવ છેવાડાનાં ગણાતા આ તરફનાં વિસ્તારોમાં એટલા સંકુચિત સમાજો વસતા હતા કે તેમને માટે આખો અધ્યાય અલગથી લખવો પડે. અત્યંત કંગાળ અવસ્થામાં જીવન વ્યથિત કરતાં લોકોની માન્યતાઓ અને રિતી-રીવાજો પણ એટલાં જ કંગાળ હતા. તેમની માન્યતા મુજબ જો કોઈ છોકરી એક વખત ઘરેથી ભાગી જાય પછી તેને મારી નાંખવામાં આવતી અથવા સદંતર ભૂલાવી દેવામાં આવતી. અને કદાચ જો તે પાછી આવે તો પણ ભાગ્યે જ તેનો સ્વિકાર થતો હતો. પણ… ખેર… એ સમય બહું કપરો હતો. મારી માન્યતાઓ અને નજરે દેખાતા સત્ય વચ્ચે ભયંકર દ્વંદ યુધ્ધ છેડાયું હતું જેમા આખરે સત્યનો વીજય થયો હતો. મારે તે બન્નેને ન છૂટકે સ્વિકારવા જ પડયા હતા. એક તરફ મને મારાં લોહી ઉપર ગર્વ થતો હતો સાથે બીજી તરફ અજીબ કશ્મકશ હતી કે ગામ લોકોને હું કેવી રીતે સમજાવીશ…? ડર એ વાતનો પણ હતો કે જો ગામ લોકોને ખબર પડશે કે મંદિરનાં પૂજારીનો દિકરો એક પછાત સમાજની છોકરીને ઉપાડી લાવ્યો છે અને તેની સાથે રહે છે તો ચોક્કસ મોટો હંગામો મચે અને મારા નામ ઉપર થૂં-થૂં થાય. એવું ન થાય એ માટે મેં એક રસ્તો વિચાર્યો હતો. બહેનનાં ઘરે જ બધી સગવડતા કરીને મેં તે બન્નેનાં ગાંધર્વ-વિવાહ યોજયા હતા અને પછી અહી ગામમાં એવી વાત વહેતી મૂકી હતી કે બહેનનાં સાસરામાં જ સારી છોકરી મળી જતાં તેનાં ઘડિયા લગ્ન લઈ લીધા છે. 

                  ગામ લોકો માટે એ પચાવવું થોડું અઘરું હતું પરંતુ તેઓ મારા વાક્યને બ્રહ્મ-વચન માનીને જીવતા હતા એટલે કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો અને ક-મને પણ તે બન્નેને સ્વિકારી લીધા હતા. બસ, એ પછીની કહાની તું જાણે છે. હવે તું જ કહે… મેં શું ખોટું કર્યું…? જેવા સંજોગો મારા પૂત્ર વખતે હતા એવા જ સંજોગો પેલા યુવક અને યુવતી વખતે પણ હતા. જે યુવક ભાગીને આવ્યો તેમા મારા પૂત્રનો ચહેરો મને દેખાયો હતો. એ સમયે મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું અને તેમના ગાંધર્વ-વિવાહ કરાવ્યાં હતા. પરંતુ મને શું ખબર કે મારો એ નિર્ણય મને જ બહુ મોંધો પડશે.” તે અટક્યો. તેનો ચહેરો ખિન્નતાથી મઢાઇ ગયો. એકધારું બોલતા તેને પણ હાંફ ચડયો હોય એવું લાગ્યું. તે ખામોશ થયો અને રાજડા વિચારોમાં ગરકાવ બન્યો. એક પ્રેત આત્મા પોતાની કહાની સંભળાવી રહ્યો હતો એ ઘટના જ રાજડા માટે આઠમાં અજૂબા સમાન હતી. અને તેણે જે કહ્યું… જે કહાની બયાન કરી… તેની જગ્યાએ એ સમયે જો રાજડા ખુદ પોતે હોત તો તેણે પણ એવું કર્યું હોત તેમા કોઈ શક નહોતો. પૂજારી તેની જગ્યાએ બીલકુલ યોગ્ય હતો. તો પછી ભૂલ ક્યાં થઈ…? અને હવે આગળ શું…? 

                    વરસાદ બંધ થવાનું નામ લેતો નહોતો. જાણે આખા વરસનો વરસાદ આજે એક જ દિવસમાં વરસી જવાનો ન હોય એમ હેલીએ ચડયો હતો. વાતાવરણ એકદમ ઠંડુગાર અને ધીમે-ધીમે વધું બિહામણુ બનતું જતું હતું. રાજડા એક સાવ અજાણી જગ્યાએ એક ભયાનક પ્રેત આત્મા સમક્ષ ઉભો હતો. એટલું જ નહી… તેની આપવીતી સાંભળી રહ્યો હતો. તેની રુહ થરથરતી હતી છતાં કોણ જાણે ક્યા બળથી હજું ટકી રહ્યો હતો. વાત એટલી જ નહોતી…! હવે તેણે આ જગ્યા, આ સમસ્યા, આ પરિસ્થિતીનો ઉકેલ લાવવાનો હતો. ખબર નહી કેમ પણ તેને લાગતું હતુ કે તેનાથી એ થઈ શકશે. તેણે મગજ કસવાનું શરૂ કર્યું. એ સમયે…

                       તળાવ પાસે સમય થંભી ગયો હતો. પ્રભાત સંચિતાને ઢંઢોળી રહ્યો હતો પરંતુ સંચિતાનાં ગળામાંથી અવિરત વહેતી ચિખો કેમેય કરીને બંધ થતી નહોતી. પ્રભાત પોતે પણ સખ્ખત ડરેલો હતો. નીચે પાણીમાં કોઈ તેને જબરજસ્તીથી અંદર ખેંચી રહ્યું હતું. તેનું હદય તેના ગળામાં આવીને અટક્યું હતું પરંતુ હકીકત એ હતી કે તે પોતાની જગ્યાએથી સહેજ પણ હલી શકતો નહોતો. તે સાવ અસહાય બની ગયો હતો. દયામણી નજરે તેણે તળાવ કાંઠે ઉભેલા આદિવાસી યુગલ તરફ જોયું. એ નજરોમાં રીતસરની આજીજી તરતી હતી. જો ટૂંક સમયમાં તેમને કોઈ મદદ ન મળી તો ચોક્કસ તેઓ પાણીમાં ગરક થઈ જવાના હતા. 

 

 

                                      @@@ 

                     “તું આ બધું બંધ ન કરી શકે…?” રાજડાનાં અવાજમાં પહેલી વખત પૂજારી પ્રત્યે અનુકંપા ઝળકી. 

                     “મેં કહ્યુંને છોકરા કે… એ એટલું આસાન નથી.”

                     “પણ કેમ…? તું ચાહે તો અત્યારે જ બધું રોકી શકે છે”

                     “એ તને નહી સમજાય કે કેવી વિષમ દૂવિધા છે. મને પણ કોઈનો જીવ લેવાનું ગમતું નથી પરંતુ…” 

                      “પરંતુ શું…?” રાજડાને જબ્બર આશ્વર્ય ઉદભવ્યું. આત્માને પણ કોઈ પ્રોબ્લેમ હોય એ પહેલી વખત સાંભળ્યું હતું તેણે. 

                       પૂજારીએ ભયંકર નિસાસો નાંખ્યો. જાણે તેના બોલવાથી બધું રસાતાળ તરફ સરકી જવાનું ન હોય. રાજડા ટટ્ટાર થયો. તેનો શ્વાસ અધ્ધર તાળવે અટકી ગયો અને કંઈક અજુગતું સાંભળવા તેના કાન સરવા થયા.

                        “જ્યાં સુધી ત્રણ કુંવારી જોડીઓનો ભોગ હું તળાવમાં ધરાવીશ નહી ત્યાં સુધી આ ચક્કર અટકશે નહી. મંદિરનું તળાવ શ્રાપિત છે. એ પાણીએ મારા પૂત્ર અને પૂત્રવધુનો ભોગ લીધો હતો અને હવે વધું ભોગ માંગી રહ્યું છે.” ભયાનક નિસાસા સાથે કોઈ ગેબી વાણીની જેમ તેનો અવાજ ગૂંજી ઉઠયો. રાજડાએ એ બરાબર સાંભળ્યું હતું પરંતુ તેને કંઈ સમજાયું નહી. અને સમજાયું ત્યારે તે સન્નાટામાં આવી ગયો.  

                          “મતલબ..?” ભયંકર આશ્વર્યભર્યા શબ્દો તેના ગળામાંથી નીકળ્યાં. 

                          “મતલબ દિવા જેવો સ્પષ્ટ છે. જો હું ત્રણ કુંવારી જોડીઓને તળાવનાં પાણીમાં ડૂબાડીને પરમધામ નહી પહોંચાડું તો ક્યારેય મારા પૂત્ર-પૂત્રવધુને છૂટકારો નહી મળે.” કોઈ ગેબી વાણી સંભળાવતો હોય એમ પૂજારી બોલ્યો. બરાબર એ સમયે જ આકાશમાં વિજળીનો ભયાનક કડાકો બોલ્યો. એ કડાકો એટલો ગગનભેદી હતો કે રાજડાને લાગ્યું જાણે સમગ્ર આકાશ તૂટીને નીચે ખાબક્યું છે. તે ડરી ગયો. 

                            “છૂટકારો… કોનાથી છૂટકારો…?” પૂજારી એક પછી એક રહસ્યનાં પટારા ખોલી રહ્યો હતો જેમાં રાજડા ગોથા ખાઈ રહ્યો હતો. હવે આ નવી વાત તેમા કાને પડી હતી જેનો આશ્વર્યઘાત તેના ચહેરા ઉપર પથરાયો.

                            “નિયતીથી છૂટકારો… એક શ્રાપથી છૂટકારો. મારા પૂત્ર-પૂત્રવધુને કોઈ જ વાંક-ગૂના વગર મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતા. એ મોત એટલું ભયંકર હતું કે આજે પણ તેમનાં જીવ અવગતે ભટકે છે. એ આઘાતમાં મને પણ મોત આંબી ગયું હતું જેનો ઓથાર આજે પરલોકમાં પણ અમારો પીછો છોડતો નથી. લાખ ચાહવા છતાં અમારો છૂટકારો થતો નથી કારણ કે મરતી વખતે અમારી જીજીવિષા બાકી રહી ગઈ હતી. અમારો સમય નહોતો મરવાનો અને અમને મોત મળ્યું હતું. કદાચ એ અમારી નિયતી હશે. અને હવે જે થઈ રહ્યું છે એ ગામ લોકોની નિયતી છે. છતાં…” તે અટક્યો. તેણે ઉપર આસમાન તરફ નજર કરી. વળી પાછો એક મોટો નિસાસો નાંખ્યો. રાજડાને લાગ્યું જાણે આસમાનમાં તે કોઈને જોઈ રહ્યો છે. “હું ખુદ ચાહું છું કે આ બધું અહી જ બધું અટકી જાય.” અને તે ખામોશ થયો. તેની આંખોમાં ગહેરો વિષાદ તરી આવ્યો. 

                      “એવું કરતાં કોઈ રોકી રહ્યું છે તને…?” રાજડાએ એક ભયાનક સવાલ કર્યો. પૂજારીએ અચાનક ઉપર જોયું ત્યારે જ તે સમજી ગયો હતો કે જેટલું દેખાય છે એનાથી વધુ ગહેરું રહસ્ય તેની અંદર ધરબાયેલું છે.

                       “હાં… ખુદ મારો પૂત્ર મને રોકી રહ્યો છે.” ધડાકો કર્યો તેણે. તે અટક્યો અને વધું પાસે સરક્યો. તેની વિકરાળ આંખોમાં હવે અસહાયતાની લાલી ભળી હતી. “મેં તને કહ્યું હતુંને કે જો હું ત્રણ કુંવારી જોડીઓને યમસદન નહી પહોંચાડું તો પ્રેત યોનીમાં ભટકતા મારા પૂત્ર અને પૂત્રવધુનો ક્યારેય ઉધ્ધાર નહી થાય… એ અર્ધ-સત્ય હતું. પૂર્ણ-સત્ય એ છે કે ખુદ મારો પૂત્ર એવું ચાહે છે કે હું એ કામ કરું. તેનું મોત થયું ત્યારથી તે એક અત્રૃપ્ત આત્મા બનીને અહીનાં જંગલમાં ભટકી રહ્યો છે. તેનું ચાલ્યું હોત તો એ સમયે જ તેણે સમસ્ત ગામનો વિનાશ કરી નાંખ્યો હોત પરંતુ તેની શક્તિઓ સિમિત હતી. તેની આત્મા કોઈને નૂકશાન કરવા અસમર્થ હતી. એ કુદરતની મરજી ગણો અથવા કોઈ દૈવી શક્તિનાં નિયમ… તે ખાલી ભટકતી આત્મા બનીને રહી ગયો હતો. પરંતુ મારું મૃત્યું તેના માટે વરદાન સાબિત થયું. હું પૂત્ર વિરહમાં હિજરાઈને મોતને ભેટયો હતો, મારા મનમાં પણ ક્રોધ અને પ્રતીશોધની આગ સળગતી હતી એ કારણે અધૂરી ઈચ્છાઓએ મને પ્રેત યોનીમાં લાવીને પટક્યો હતો અને મારામાં એ શક્તિ હતી કે જે ચાહે એ હું કરી શકું. અને… પૂત્ર પ્રેમમાં હું તેની વાતોમાં આવી ગયો હતો. એ સમયે મારું મન પણ ક્રોધાગ્નીમાં સળગતું હતું. હું પણ ઈચ્છતો હતો કે જેમણે મારો પરીવાર ખતમ કર્યો છે એ લોકોનાં પરીવારને બરબાદ કરી નાંખું. લોકોને વીણી-વીણીને ખતમ કરું. એ સમયે એ મેં કર્યું પણ હોત પરંતુ…” તે ફરી અટક્યો. રાજડા શ્વાસ રોકીને એક પ્રેતની કહાની સાંભળી રહ્યો હતો જે ખરેખર કોઇ હેરતઅંગેજ થ્રિલર ફિલ્મથી કમ નહોતી. તેણે ક્યારેય સ્વપ્નેય નહી વિચાર્યું હોય એવી દિલ-ધડક દાસ્તાંનનો તે હિસ્સો બની રહ્યો હતો. 

                   “પરંતુ… પરંતુ શું…?” વાત અટકતા તે અકળાઇ ઉઠયો.

                   “મારાં માહ્યલાંયે મને એ કરતાં રોકી લીધો. મારી ઈચ્છા તો પળવારમાં આખું ગામ તબાહ કરી નાંખવાની હતી. ગામનાં એક-એક વ્યક્તિને જીવતે-જીવ દોઝખની યાતનામાં ધકેલી દેવાની હતી. એ કરવા હું મેદાને પણ પડયો હતો. પ્રતીશોધની આગમાં સળગતો મારો આત્મા અને ઉપરથી પૂત્રની ઉશ્કેરણીએ મને ઓર પાનો ચડાવ્યો હતો. પરંતુ… અણીનાં સમયે હું ફસકી ગયો. હમણાં તેં જે કહ્યું એવો જ પોકાર મારી અંદરથી ઉઠયો હતો કે… આ લોકોને સજા આપવાવાળો હું કોણ…? શું લાયકાત છે મારી કે હું ખુદ ઈશ્વર બનીને લોકોની જિંદગીઓનાં ફેંસલા કરું.! વળી જે સ્નેહ અને આદર આ ગામમાંથી મને મળ્યો હતો એ લાગણીઓ પણ મને ઘેરી વળી હતી. ચાહવા છતાં… બધું જાણવા છતાં… મનમાં બદલાની ભાવનાં ઉભરાતી હોવા છતાં… મેં પાછા પગલા ભર્યાં હતા અને બધું ઈશ્વર શરણોમાં સમર્પિત કરી દીધું હતું.”

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED