તુલસી.... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુલસી....

તુલસી......!

🌱🌼🌱

કોઈ છોકરી શહેરના જાણીતા ગાર્ડનમાં બાંકડે એકલી બેઠી બેઠી હીબકાં લેતી હતી.દુપટ્ટા વડે આંસુ લુછતી હતી.ઘટાદાર વેરવિખેર વાળ તેના ચહેરાને ઢાંકી રાખેલા હતા.નીચું મુખ અને બેઉ હાથે આંખો લુછતી હતી.નીચે નારી સહજ પગનો અંગુઠો ધરા ખોતરતો હતો.પાતળી કમર ફરતે શરીરને એકદમ કસોક્સ ડ્રેસ વડે ઢાંકેલ હતું.તેની નજીક કોઈ જ બેઠેલું ન હતું.
શ્યામ તે બાંકડાથી થોડે દૂર લટાર મારતો હતો. સાંજ થવા આવી હતી.ગાર્ડનની બત્તીઓના ઝગમગાટથી ગાર્ડનમાં અજવાળાં થઇ ચુક્યાં હતાં.એકલી અટૂલી બેઠેલી તુલસી પર વારંવાર તે નજર કરતો કરતો બગીચામાં ચક્કર લગાવતો હતો.તેનાથી ના રહેવાયું.લોકો પોતપોતાની રીતે ચક્કર મારતાં હતાં.સૌ સૌના ગ્રુપમાં મશગુલ હતાં.પરંતુ શ્યામ એકલો હતો.તે ક્યારનોય બાંકડે બેઠેલી છોકરી પર નજર રાખતો હતો.પરંતુ હિંમત ના હતી કે તેની પાસે જઈને પૂછી લઉં,કે તમેં કેમ એકલાં બેઠાં છો?અજાણી છોકરીને પૂછવું એટલે બીક પણ હતી.તે છતાં તેણે હિંમત એકઠી કરી. મનોમન વિચાર્યું કે પૂછી લઉં.કેમકે તે બે કલાકથી એકજ બાંકડો પકડીને બેઠી હતી.ઊંચું પણ નથી જોતી.બગીચાની બહાર અંધારે પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું હતું.વાતાવરણમાં ઠંડી લહેર આવવાની ચાલુ થઇ ગઈ હતી.તેના વદનને હવે મચ્છર કરડવા લાગ્યાં હતાં કેમકે તે પોતાના દુપટ્ટાથી વારંવાર ખુલ્લા પગ અને હાથ,મોઢા પર ફેરવતી હતી.પરંતુ તેની આંખોમાં અનરાધાર વરસાદ ચાલુ હતો.શ્યામ નજીક આવ્યો.ખૂબ નજીક આવ્યો.તે છતાં તુલસીને અણસાર પણ ના આવ્યો કે તેની બાજુમાં કોઈ આવીને બેઠું છે. થોડી મિનિટો બાદ શ્યામે હાય....!!
કહી તુલસીને તેની વિચારતંદ્રામાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો.અચાનક અવાજ અને અજાણ્યો વ્યક્તિ જોઈ થોડી તુલસી ગભરાઈ ગઈ.તે થોડી દૂર ખસી.પરંતુ શ્યામનો હાય... હેલ્લો...! નો પ્રત્યુત્તર ના મળ્યો.ફરીથી શ્યામે કીધું કે હું તમને છેલ્લા અઢી કલાકથી જોઈ રહ્યો છું. તમેં એકજ બાંકડે એકજ સ્થિતિમાં બેઠાં છો.પ્લીઝ મને કોઈ ગલત ના સમજતાં.પરંતુ તમેં લાંબા સમયથી એકલાં બેઠાં તેથી મારી ઉત્સુકતા અને ચિંતા વધી ગઈ છે.ખૂબ અંધારું થઇ ગયું છે. મને લાગે છે કે તમારે ઘેર જવું જોઈએ.કેમકે એકલી છોકરી જોઈ તમારા ઉપર ગેરવર્તણુક થવાની સંભાવના છે.માટે તમારી ભલાઈ માટે કહું છું.હું આ ગાર્ડનમાં રોજ સાંજે લટાર મારવા આવું છું.આવી રીતે આટલા લાંબા સમયથી એકલી છોકરી બેઠી મેં જોઈ નથી.અને આજે તમને પહેલાં જોઉં છું.બાકી કાયમ આવતાં બધાનાં ચહેરા મારે માટે પરિચિત છે.પરંતુ તમેં અપરિચિત છો.કોઈ તકલીફ હોય તો જણાવો.મારાથી બનતું કરીશ.પરંતુ હવે આ સમયે સ્ત્રીઓ માટે આ જગ્યા સલામત નથી.કોઈ દારૂડિયો,આવારા તમારી છેડતી કરી શકે.તમને જે કંઈ તકલીફ હોય તે કહો તો ખબર પડે.મને તમારો સાચો દોસ્ત સમજો.હું અહીં નજીકની સોસાયટીમાં જ રહું છું.મારું નામ શ્યામ છે.સરકારી અધિકારી છું. આટલું કહી શ્યામ ચૂપ થયો....
તુલસી એ આંખનાં આંસુ લૂછી એક નજર શ્યામ પર કરી.તેને શ્યામની નજરમાં સચ્ચાઈ જણાઈ. તે થોડી સ્વસ્થ થઇ.તેની પાસે દુપટ્ટો હતો તે તેણી એ અંગ સરખો કરી બોલી.કાંડે બાંધેલું ઘડિયાળમાં નજર કરી.રાતના સાડા સાત વાગી ચુક્યા હતા.પરંતુ તેને ઊભાં થવામાં કે ઉતાવળ બતાવવામાં કોઈ દિલચસ્પી ના સંકેત ના જણાયા.
ફરીથી શ્યામે કીધું... તમારું નામ તો કહો? તમેં કશુંય બોલશો નહીં તો મને શું ખબર પડશે? માટે મારી સોસાયટી ના કોઈ મને તમારી જોડે બેઠેલો જોઈ જશે તો મારી પણ બદનામી થશે.માટે કહું છું કે ઊભાં થાઓ.માનવતાનું દૃષ્ટિએ વિનવું છું. બાકી તમને મૂકીને હું હવે ચાલતો થઈશ.
શ્યામની વાણીમાં ટપકતી વિશ્વાસની લહેરખીએ તુલસીના હ્રદયને હલાવી નાખ્યું.તે રડતી રડતી બોલી.આ જગતમાં મારું કોઈ નથી.પપ્પા આ દુનિયામાં નથી.મમ્મી પણ આ દુનિયા છોડી ગયા ને પંદર દિવસ થયા છે.મારે ભાઈ નથી.હું એકલી છું.કાકા કાકી છે પરંતુ નમનાં છે.મારા પપ્પાની મિલ્કત પર કાયમ એનો ડોળો રહ્યો છે.તેની નજર નથી સારી.કાકી પણ મારા પર ત્રાસ ગુજારે છે. મારું નામ "તુલસી" છે.હું હજુ સુધી પવિત્ર છું. કોઈ છોકરો હજુ મારો હાથ પકડી નથી શક્યો કેમકે હું મગજની કઠણ છું.પરંતુ આજે હું હૈયે થી હલબલી ગઈ છું.મને એમ હતું કે પરણીને શું કરવું છે?એકલાં બિંદાસ જીવી જવાની મજા છે.તેવાં હવાતિયાંમાં જીવતી હતી.પરંતુ મારી મમ્મીના મૃત્યુ પછી સમજાઈ ગયું કે હું નારી છું.એક વેલ છું.વેલને વાડની જરુર પડે.વાડ વગર વેલો ના ચડે.હું ખૂબ મૂંઝવણ અનુભવું છું કે શું કરું? હું આ શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મમ્મીના મૃત્યુ પછી કંપનીએ મને કાઢી મૂકી કેમકે મારી ગેરહાજરી ખૂબ રહી.હવે મારો કોઈ આધાર નથી...!!!. હું શું કરું.મનને શાંત કરવા અહીં આવી છું.બાકી ગાર્ડનમાં આવવાનો મેં આ પહેલાં ક્યારેય પ્રયાસ નથી કર્યો......
એક શ્વાસે તેના પર વીતેલી બધીજ ઘટમાળ સાંભળી શ્યામ મનોમન મૂંઝવણ અનુભવી રહ્યો. થોડી ક્ષણો બાદ તે વિચારમાંથી બહાર આવી બોલ્યો.
તુલસી! તમને તકલીફ ના હોય તો મારે ઘેર ચાલો. આજે મારે ત્યાં જ રહેજો.તમેં ખૂબ ટેન્સન માં છો.ચિંતા ના કરો.મારે ઘેર તમારા જેવડી મારી બેન છે.મારાં મમ્મી પપ્પા પણ છે.તમેં આજની રાત મારી બેન ભેગાં ઉંઘજો.કાલે તમતમારે તમારે ઘેર જજો.તમને ના ફાવે તો હું તમારે ઘેર મૂકી જઈશ.મને ખબર છે કે હું તમને મારે ઘેર લઇ જઈશ તો બધાના સવાલો ના જવાબ દેવા અઘરા પડશે.પરંતુ એક નારીની પીડા માટે મારા પર જે પીડા ભોગવવાની થશે તો તે હું ભોગવી લઈશ.માટે ઝાઝું ના વિચારો.પ્લીઝ ઊભાં થાઓ. મારા ઘરનાં મારી હવે વાટ જોતાં હશે.
તુલસી ઉભી થઇ.બે દિવસથી તેણે કંઈ ખાધું ન હતું.ચાલવાની પરાણે હિંમત કરી શ્યામના ઘરમાં પગ મુક્યા.નાની બેન મંદિરમાં ભગવાનની પૂજા કરતી હતી.તેનાં મમ્મી પાપા તેની બાજુમાં દીકરીની આરતી પૂજામાં સાથ આપતા હતા.શ્યામ અને તુલસી ચુપચાપ તે લોકોની પાછળ ગોઠવાઈ ગયાં.મંદિર માં આરતી પૂજા પુરી થઇ.શ્યામની બેન "પૂજા"તેના મમ્મી પપ્પા ને પગે લાગી.ભાઈને પગે લાગવા પાછળ પીઠ કરી તો કોઈ અજાણી છોકરી જોઈ.બધાં એ એ છોકરી પર નજર કરી.છોકરીએ પૂજા થતી વખતે પોતાનો દુપટો માથા માથે રાખેલો જોયો.પ્રસાદી આપી. મંદિરમાંજ પૂજાએ ભાઈ શ્યામને પૂછ્યું.... ભાઈ! આ બેન કોણ છે.? બધાની જાણવાની ઇંતેજારી વધી ગઈ.
શ્યામે અથથી ઇતિ વાત કરી.સૌ જમવા રસોડે ડાઇનિંગ પર ગોઠવયાં.પૂજાએ ટીખળ કરી કે પપ્પા આપણા ઘરમાં ડાઇનિંગ ટેબલની ફરતે ચાર ખુરશીમાં એક ખુરશી કાયમ ખાલી પડી રહેતી. આજે જગ્યા પુરાઈ ગઈ.બોલ મમ્મી તું શું કહે છે?
ત્યાં શ્યામની મમ્મી બોલી.તુલસી ની આપણે આંગણે ખોટ હતી.ક્યારો બનાવી રાખેલો હતો પરંતુ તુલસી વાવી ન્હોતી.ચાલો...તારો ભાઈ, તુલસી લાવેલો જ છે,તો તું તે તુલસીની સન્માન પૂર્વક પૂજા કરી આપણા આંગણે રોપી દે!.
શ્યામની મમ્મીએ પોતાના પતિને ટોણો મારી કીધું... કે..હેં...! પૂજાના પપ્પા! બરાબર ને? હા... હા....! મારે એમાં કંઈ કહેવાનું નથી.તુલસી ને જ પૂછો કે આ ક્યારે જ તમને રોપીએ?
સૌએ તુલસીની સંમતિ લઇ શ્યામને આંગણે તુલસી ક્યારામાં તુલસીને રોપી દીધી.
(તમારી મૂંઝવણનો ઉકેલ ગામ મંદિર કે જાહેર બગીચો પણ હોઈ શકે.)
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )