રુદયમંથન - 18 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 18

બધા કામમાં વ્યવસ્થિત રીતે ભાગ લેવા માંડ્યા, અડચણો બહુ હતી, એક તો પહેલો પ્રશ્ન બધાને ભાષાનો હતો, અહીંની આદિવાસી ભાષા કોઈને બોલતાં આવડે નહિ અને અહીંના માણસો શુદ્ધ ગુજરાતી અને અંગ્રેજીમાં બહુ સમજે નહિ, સમજે તો બોલતાં આવડે નહિ, વચ્ચે કોઈ એકાદ સમજાણી વ્યક્તિ મળે તો મેળ રહે, બાકી તો એક જ કામમાં ઘણો સમય લાગી જતો.
બે ત્રણ દિવસ આમ જતાં રહ્યાં, એક દિવસ સવારે મહર્ષિ અને સ્વીટી તૈયાર થઈને બેઠા હતા, કબીલાના આરોગ્યકેન્દ્ર ગણી શકાય એવી કાચા છાપરાવાળા મકાન પાસે ઋતાને મળવાનું હતું, તેઓ નીકળવાની તૈયારી કરતાં હતા ત્યાં ઋતા એનું એક્ટિવા લઈને આવી, તેણે મહર્ષિને એક્ટિવા ચલાવવા ચાવી આપી પરંતુ મહર્ષિએ ના પાડી દીધી, હજી બે દિવસની મુલાકાતમાં મહર્ષિ એની જોડે સરખી વાત પણ નહોતી કરી શક્યો અને આમ એના પ્રસ્તાવને ઠુકરાવી દેવું એના માટે અઘરું હતું.

ગુચ્ચેદાર ચાવી એના કુમળા હાથમાં મૂકતાં એનું હૈયું બેસી જતું લાગી રહ્યું હતું, પણ વિલના નિયમો વિરુદ્ધ એ કોઈ સાધન વાપરે તો એને વારસામાંથી રદબાતલ થાય અને એ સંપતિ તો ગુમાવે સાથે ઋતાની સામે પોતાની ઈજ્જત પણ! અત્યારે એનું મુખ્ય ધ્યેય ઋતાના મનમાં પોતાના માટે ઇમ્પ્રેશન બનાવવી હતી.
"કેમ તમે નહિ ચાલવો એક્ટિવા?"- ઋતાએ મહર્ષિને ધારદાર સવાલ પૂછ્યો.
"ના, તમે અને સ્વીટી જાઓ હું આવું છું મારે મમ્મીને થોડી હેલ્પ કરવી છે તો!" - એણે બહાનું બનાવ્યું, પરંતુ એની આંખો સીધું કહી દેતી હતી કે એ જૂઠું બોલી રહ્યો છે.
"શું ભાઈ તમે પણ... બહાનાં શું કામ બનાવો છો? મોટીમમ્મીને કઈ કામ નથી તમારું.!" - સ્વીટીએ પોલ ખોલતા કહ્યું. મહર્ષિએ સ્વીટીને સામે આંખ કાઢી.
"આઈ નો, તમે નહિ ચાલવો એક્ટિવા!"- ઋતાએ હસતાં હસતાં કહ્યું.
"તો પછી કહો છો શું કામ?"- મહર્ષિ જરા અકડાયો, એનું અકળામણ નાના બાળક જેવું લાગી રહ્યું હતું, ઋતા એની મજા લઇ રહી હતી.
"સારું સારું, ચાલો હું ચલાવી લઈશ, પણ ટ્રીપલ સવારીનો વીમો મારી જોડે નથી હા!" - ઋતાએ કહ્યું.
"મતલબ? તમને નહિ ફાવે ટ્રિપલ?" ઋતાને મહર્ષિએ પૂછ્યું.
"ફાવે તો છે, પણ અહીંના સાપોલિયા જેવા રસ્તામાં કોઈ દિવસ ટ્રાય નથી કર્યો!"- ઋતાએ સ્વીકાર્યું.
"તો તો મારે નથી આવવુ ભાઈ! જો પડ્યાં તો મારા ગુંટણમાં વાગે તો મારે શોર્ટ્સ પહેરવાના બંધ થઈ જાય! મારે કોઈ રિસ્ક નથી લેવું!" - સ્વીટીએ એના નખરાળા અંદાજમાં કહ્યું અને ત્રણેય હસી પડ્યાં.
"બહુ આવી શોર્ટ્સવાળી, ચાલ છાનીમાની હવે, તમે જાઓ હું આવું છું ચાલતાં!" - મહર્ષિએ સ્વીટી અને ઋતાને જવાનું કહ્યું, એ બન્નેએ જવાની તૈયારી કરી, ઋતા એક્ટિવા સેલ મારે ત્યાં તો માધવી આવી પહોંચી.
"સ્વીટી બેટા, તું કશે જાય છે?" - માધવીએ સ્વીટીને પૂછ્યું.
"હા, અમે છાપરીફળીએ (આરોગ્ય કેન્દ્ર છે એ ફળિયાનું નામ માટે કબિલામાં આરોગ્ય કેન્દ્રને બધાં છાપરીફળી તરીકે જ ઓળખતા.) જઈએ છીએ, આજે ત્યાં સેવા છે! કેમ કઈ કામ હતું મોટીમમ્મી?" - સ્વીટીએ પૂછ્યું.
"હા દીકરા, ફળીમાં ઓલા રૂખીબા નથી? એમને કમરમાં અચાનક દુખાવો થઈ રહ્યો છે, તું જરા તારી ફિઝિ્ઓ ઠેરાપીની રીતે ચેક કરી આપ ને! બહુ હેરાન થઈ રહ્યા છે!" - એમણે સ્વિટીની મદદ માંગી.
"સારું, હું આવું છું ચાલો, સ્વીટીદીદી, હું જઈ આવું અડધો કલાક જેવું થશે!" - એણે સ્વીટીને પૂછ્યું.
"ભલે, તો આવ એમને જોઇને! એવુ હોય તો કોઈને લેવા મોકલું."- ઋતાએ વ્યવસ્થા કરતાં કહ્યું.
"નો ઇસ્યુ, તમે જાઓ એ તો હું આવી જઈશ." સ્વીટીએ એની સમજણ દાખવી.
સ્વીટી માધવી જોડે જતી રહી, તેઓના જતાની સાથે મહર્ષિના ધબકારા છાનામાના વધવા માંડ્યા, જેને એ પસંદ કરતો હતો એ છોકરી જોડે એકાંત મળી ગયું, ઋતા એ વાતથી અજાણ હતી માટે એ એની ફિલિંગ કહી પણ નહોતો શકતો,પરંતુ મનમાં મીઠી મુંઝવણ હતી, સ્વીટીની જગ્યાએ એ પાછળની સીટ પર બેઠો, એક્ટિવાનો સેલ વાગ્યો અને જોડે મહર્ષિના મનમાં પણ પ્રેમનો સેલ વાગી ગયો, હવામાં લહેરાતા વાળ મહર્ષિને સ્પર્શી રહ્યા હતા અને એની લિજજત માણી રહ્યો હતો, રસ્તાની બન્ને બાજુ લહેરાતી મહેંદીની વાડની સોડમ બન્નેના મનને તરબતર કરી રહી હતી, મંદ સ્મિત સાથે ડ્રાઇવ કરતી ઋતાને મહર્ષિ સાઈડ ગ્લાસમાં છાનોમાનો જોઈ રહ્યો હતો અને એની આંખોની ચમકથી એ મોહી રહ્યો હતો, આખો રસ્તો બોલ્યાં વગર ડ્રાઇવ કરે એમાંની ઋતા હતી નહિ, વાતોનું વળગણ એને પહેલથી હતું, એને મૌન તોડ્યું.
" બાય ધ વે, તમે અમદાવાદમાં શું કરો છો? આઈ મીન સ્ટડી કે બીજું?"- ઋતા એના મીઠા અવાજ સાથે રણકાર કર્યો.
"જી, એમબીએ પૂરું કરીને બિઝનેસમાં પાપાને હેલ્પ કરું છું હમણાં તો!"
"તો તો તમારામાં પણ દાદા જેવા વેપારી ગુણો છે એમ ને?"
"દાદા જેવો તો ના બની શકું પણ એમનાં બતાવેલા માર્ગ પર જવું એ બહુ છે."
"દાદાનો કુનેહ, એમનાં ગુણો એમનાં પરીવારમાં આવ્યા વગર ના રહે!"
"સાચી વાત પણ અમારા બધાની વિચારસરણી કદાચ દાદા કરતાં સાવ જુદી છે."
"મતલબ?"
" દાદા જેવા એકેય કર્યો અમે નથી કરતાં."
"હું કઈ સમજી નહિ, મને તો એવું નથી લાગતું."
" અત્યારે બધાં બધું કરે છે એ માટે બધા મજબુર છે, તમે કશું નથી જાણતાં બાકી આ બધાં પાછળ આખી વિષયવસ્તુ અલગ જ છે!"
"શું કહેવા માંગો છો?"
"ધર્મદાદાનો આખો પરિવાર માત્ર એમના અઢળક પૈસો વાપરવામાં જ મગ્ન હતો, એશોઆરામમાં જાહોજલાલી ભોગવી એમાં જ રચ્યો હતો, પણ એમનાં સ્વર્ગવાસ બાદ એમનાં વીલના કારણે અહી છે!"
"શું?" ઋતા મહર્ષિનો જવાબથી આશ્ચર્ય પામી ગઈ,એનાથી એક્ટિવાને અચાનક બ્રેક મરાઈ ગઈ, મહર્ષિએ એના પર કાબૂ મેળવ્યો અને એની જાતને ઋતાથી ટકરાતાં બચાવી.

ક્રમશઃ