"કાકા, આટલી રાતે શીદ ગયાં હતાં?" - ઋતાએ મુનીમજીને પૂછ્યું, અંધારી રાતે પૂછાયેલા સવાલમાં ઘેરું રહસ્ય હોય એમ એ બોલી.
"અરે હા, દીકરા! એ તો આ બાઈકનો જુગાડ કરવા ગયા હતાં."- મુનીમજી એ બાઈક સામે ઈશારો કર્યો.
"કેમ બાઈક? અહી હતા તો ખરાં, લઈ લેવાયને હવેલીના!" - ઋતાએ કહ્યું.
"હા તારી વાત સાચી, પણ રોજ તો ક્યાં તકલીફ આપવી!" - મુનીમજી એ ઉમેર્યું.
" રોજ એટલે?કાકા મને કઈ સમજાતું નથી! મને માલતીમાસી એ કહ્યું આજે મહેમાનો માટે નોટિસ મૂકી હતી તમે? શું વાત છે બધી?" - એણે બેબાકળા થતાં બધા સવાલ એક સાથે પૂછી લીધા.
"વાત બેટા એમ છે...!" મુનીમજી અટક્યા.
"ઋતાબેટા, અંદર આવ! હું તને સમજાવું બધું!" - કહેતાં કેસરીકાકા એ હવેલીની અંદર જવાનો ઇશારો કર્યો, વાત ગંભીર હોય એમ ત્રણેય અંદર ગયા, હવેલીમાં સૂનકાર હોઇ કોઈ સંભાળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હતું.
"હા ભલે, ચાલો મારી ગેલેરીમાં જઈએ!" - ઋતાએ એની પર્સનલ આર્ટગેલેરી તરફ દોરી ગઈ.
ગેલેરી કહી શકાય એવો મોટો રૂમ જેમાં મોટા મોટા પેન્ટિંગ ભરેલી દીવાલો હતી, બધી પેન્ટિંગ જાણે પોતાની અલગ અલગ વાતો કહી રહી હતી, ક્યાંક પોટ્રેટ, ક્યાંક લેન્ડસ્કેપ્સ,વારલી શૈલીના, મધુબની શૈલી પોતાની આભા ઝલકાવી રહી હતી, પણ લેન્ડસ્કેપ્સમાં પ્રકૃતિપ્રેમ સ્પષ્ટ નીરખી રહ્યો હતો.રૂમમાં એક ટેબલ પર જાતજાતના કલરબ્રશ અને કલરટ્યુબ અને કેનવાસ વિખેરાયેલા હતા, એમાંય જાણે સુંદરતા ઝલકાઈ રહી હતી, એના પરથી જાણી શકાતું હતું કે ઋતા એના નવરાશના સમયે માત્ર અહી એનાં ચિત્રકામમાં મગ્ન રહેતી હશે.
"આવો, બેસો અહી શાંતિથી! હું પાણી માંગવું!" - ઋતાએ બે સ્ટૂલ ગોઠવ્યાં, એણે બારણાં પાસે ઊભા રહીને માલતીબેનને ઈશારો કર્યો અને "બોલો,શું વાત છે?" -કહેતાં એ પણ એના ટેબલ પર ટેકો લેતા ઉભી રહી.
"તું જાણે છે કે હવે ધર્મદાદા નથી રહ્યા, તેઓ જીવતા હતા ત્યારે રતનપુરાને પોતાના બાળકની જેમ વહાલ કર્યો છે, પળેપળે સાથ આપ્યો છે, પણ આ બધી વસ્તુથી એમનો પરિવાર હંમેશ દૂર રહ્યો છે." - કેસરીભાઈ બોલ્યાં.
"હું હંમેશ એમની જોડે આવતો પરંતુ તે એમનાં પરિવારને કોઈ દિવસ એમની સાથે આવતાં જોયો છે ક્યારેય?"- મુનીમજી એ ઉમેર્યું.
"એ વાત પણ સાચી!" ઋતાએ સ્વીકાર્યું.
"તો તને એમ ન થયું કે એમનાં અવસાન પછી આ બધાં અચાનક કેમ અહી આવી ગયા?"- કેસરીભાઈએ એની જીજ્ઞાસા વધારી.
"હા, પણ એ તો એમનાં કોઈ અગત્યના કામથી આવી શકે ને?" શાંતિસદન માટે યા તો એમની અંતિમવિધિઓ માટે?- ઋતાએ એના મનમાં ચાલતા વિચારો બાહર લાગી દીધા.
"તું આ બધાને મળી? તને લાગ્યું કે આમાંથી કોઈ અંતિમવિધિમાં માનતું હશે?" - કેસરીભાઈએ ઉમેર્યું.
"બહુ મોર્ડન છે બધા, કદાચ તો નહિ!" - ઋતાએ એનું અનુમાન લગાવ્યું.
"એક્સેટલી! આમથી કદાચ એકાદ બે ને મૂકીને કોઈને ધર્મદાદાની કઈ પડી નથી!" - મુનીમજીએ ઋતા સામે એક કડવું સત્ય ઉઘાડું કરી દીધું.
"તો પછી અહી સુધી કેવી રીતે?" - એણે ધડાકાભેર સવાલ કરી દીધો.
"ધર્મદાદા ખેંચી લાવ્યા, ના ના એમની પ્રોપર્ટી લઈ આવી!" - મુનીમજી બોલ્યાં.
"મતલબ?" - ઋતાએ એ બંનેની સામે જોયુ.
"મતલબ એ છે કે ધર્મદાદાએ લખેલા વિલના કારણે આ લોકો મજબુર થઈ ગયા અને અહી રતનપુરા આવ્યા છે!" - મુનીમજી બોલ્યાં.
"વિલ? શું કહો છો મને કંઈ સમજણ નથી પડતી! તમે બધું બરાબર કહો ને ગોળગોળ ના ફેરવો!" - ઋતાએ જીદ કરીને પૂછ્યું.
"એ તને ધીમે ધીમે બહુ સમજાશે! તું કોઈ જોડે બહુ સહાનુભૂતિના દાખવતી! સ્વાર્થનાં સગા છે સૌ અહી! માત્ર રતનપુરાની સેવા એ જ આપણો ધર્મ છે અને ધર્મદાદાનો!" - મુનીમજીએ એને ફોડ પડતાં કહ્યું.
" ચાલો, આમ પણ રાત પણ બહુ થઈ ગઈ છે! તું થોડા દિવસ જવા દે તને બધું સમજાઈ જશે!" કેસરીભાઈ એમનાં સ્ટૂલ પરથી ઉભા થઈને સામેની ભીતની પેન્ટિંગ જોવા માંડ્યા.
"સારું, તમારે જમવાનું પણ બાકી છે ને? હું રેડી કરું છું તમે ફ્રેશ થઈને આવો!" - ઋતાને વાતવાતમાં મુનીમજી અને કેસરીભાઈ ભૂખ્યા હશે એનો અણસાર જ ના રહ્યો, એને ખબર પડતાં એને ફિકર કરી.
" દીકરા! અમે બહાર નાગલીના રોટલા અને શાક ખાઈને આવ્યા છીએ! તું ખાલી ગરમ દૂધની વ્યવસ્થા કરી આપ,એટલે અમે પણ સૂઈ જઈએ." - કેસરીભાઈએ કહ્યું.
"ભલે, હું કહી દઉં છું રસોડામાં!" - ઋતાએ બાજુ જતાં બોલી.
ૠતા રસોડામાં માલતીબેનને કહીને એના રૂમ તરફ નીકળી ગઈ, કેસરીભાઈની નજર હજી ૠતાના પેન્ટીંગ્સમાં અટકી હતી, એની બનાવેલી રચનાઓએ એમનું મન મોહી લીધું હતું, રંગપૂર્ણી અને ૠતાના દિલનાં હાવભાવો એકસાથે અલગ અલગ કેનવાસ પર ઉતરી રહ્યા હતા, કેસરીભાઈ ભલે વકાલત કરતા હતા પરંતુ એમને આર્ટમાં વધારે રસ રહેતો.
"વકીલસાહેબ,ચાલો થાક્યા નથી કે શું આજે?" - મુનીમજીએ એમને પૂછ્યું.
"થાક તો એવો જબ્બર લાગ્યો છે કે પડતાની સાથે સવાર થવાની છે." - એમ કહેતા તેઓ આગળ વધ્યા.
"ખુબ સરસ પેન્ટીંગ્સ છે હા ૠતાના!"- તેઓએ વખાણ કરતા કહ્યું.
"હા એની રચનાઓ તો છેક દિલ્હી સુધી જાય છે એક્ઝિવિઝનમાં ."- મુનીમજીએ ઉમેરતા કહ્યું.
" શું વાત છે? આટલી નાની ઉંમરમાં બહુ સરસ કરે છે, સાચે બહુ હોશિયાર છે હો ઋતા ." - વકીલસાહેબ એનાથી અંજાઈ ગયા.
તેઓ ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠાં, ત્યાં માલતીબેન ટ્રેમાં બે મોટા ગ્લાસમાં ડ્રાઈફ્રુટથી ભરપૂર ગરમાગરમ દૂધ લઈને આવી ગયા, તેઓએ ગ્લાસ મુક્યા અને બાજુમાં ઉભા રહ્યા, એમનો અતિથિ સત્કાર ખુબ સરસ હતો, આમ સાદા લાગતાં હતા પરંતુ તેમનાં હાથમાં સાક્ષાત અન્નપુર્ણાનો વાસ હતો, ઘણી વાર ધર્મસિંહ અને મુનીમજી રતનપુરા આવતા ત્યારે એમના હાથના પકવાનો આરોગતા હતા અને વખાણ કરતાં. મુનીમજીને એમના હાથની પુરણપોળી ખુબ જ ભાવતી.
"માલતીબેન હવે અમને તમારા હાથની પુરણપોળી ક્યારે ખવડાવશો?" - મુનીમજીએ પૂછ્યું.
"તમે કહો ત્યારે મુનીમજી, કહો તો કાલે સવારે જ બનાવી આપું." - તેઓએ બનાવી આપવાની સ્મિત સાથે મંજૂરી આપી દીધી.
" ભલે ભલે, આ વખત તો બધા રોકવાના છે, ગમે ત્યારે ખવડાવી દેજો ભૂલ્યા વગર!' - મુનીમજીએ કહ્યું.
" ભૂલવાની તો ક્યાં વાત આવી, તમે કીધું એટલે બની જ જશે ." - માલતીબેનનો રસોઈ પ્રેમ ઉભરાઈ ગયો.આમ તો માલતીબેન એ સાવ નિરક્ષર પરંતુ ઋતાની રાત્રિશાળા માં જઈ જઈને થોડું ઘણું વાંચતા લખતા શીખી ગયેલા, પણ એમની સાચી આવડત તો રસોડે જ હતી, માતૃછાયામાં સૌને પ્રેમથી જમાડતા જમાડતા એમને પચીસેક વર્ષ થઇ ગયેલાં, એમનો અનુભવ અને બાળકો પ્રત્યેનુ હળવું વલણ એના ભરોસે તેઓ ઋતા જોડે કાયમી રહેતાં હતા.ઋતા નાની હતી ત્યારથી એ માલતીબેનની દેખરેખ હેઠળ રહી હતી, ઋતાની પરવરીશ એના કુટુંબે એવી રીતે કરાવડાવી છે કે જેને આધીન તે આજે આ મુકામે હતી, એમાં માલતીબેનનો ફાળો ભારોભાર હતો,ભણતર તો સ્કૂલમાં થતું હતું પરંતુ જીવનનું સાચું ઘડતર એક આદિવાસી વિસ્તારમાં અભણ મહિલા પણ કરી શકે છે એનું માલતીબેન જીવતુંજાગતું ઉદાહરણ હતા,માલતીબેન એમની નાની ઉંમરમાં એમના દારૂડિયા પતિની માંદગીમાં વિધવા થયેલા, ફરીવાર લગ્ન કરીને જીંદગી ખોઈ દેવા કરતાં તેઓએ અહીં રહીને સેવાકાર્ય કરવાનું નક્કી કરેલું, મૂળ આદિવાસી હોઈ કોઈ વિકાસશીલ પ્રવૃત્તિમાં જોડાઈ નહોતા શક્યા પરંતુ ૠતામાં સમય પરોવીને જાણે ખુદનો વિકાસ કરી લીધો હતો.
માલતીબેન સાથે પૂરણપોળીની વાતો ચાલતી રહી ત્યાં દૂધના ગ્લાસ પણ પુરા થયા, થાકેલાં બધા છુટા પડયા અને અંધારી રાતમાં નિંદ્રારાણીનું આહવાન કરવા લાગ્યા,ને સવારની રાહ જોવા માંડ્યા.
ક્રમશ
જુઓ આગળના ભાગમાં ....
વહેલી સવારની પરોઢ અને દેસાઈ પરિવાર....