થાકલાં वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાકલાં

🌹થાકલાં🌹

સૌરાષ્ટ્રના એક નાનકડા રાજ્ય એવા ગોંડલના રાજા સર "ભગવદસિંહજી"નો પ્રેરક પ્રસંગ છે, જે દરેકે સમજવા જેવો છે.
એક વખત ખેડૂતને પડતી તકલીફ જોવા ખેડૂતનો વેશ લઇ "સર ભગવતસિંહ" સિમના કાચા રસ્તે જતા હતા.ગોંડલના સીમાડે દૂર માર્ગ વચ્ચે એક વૃદ્ધા ચારનો ભારો લઇ બેઠી હતી.એ માર્ગે ભાગ્યેજ કોઈ જતું આવતું.ભગવતસિંહજીને જોઈ એ માજી બોલ્યાં બેટા! આ ભારો ઉંચકાવી મારે માથે મૂકાવો ને!હું ક્યારની બેઠી છું,તરસ પણ લાગી છે,મારું ખેતર ગામથી ખૂબ દૂર છે.અને વજનનો ભારો જાતે ઉંચકાતો નથી,મારાં ઢોર ભૂખ્યાં થયાં હશે.મારાં બાળકો પણ મારી વાટ જોતાં હશે.
. આ સાંભળી રાજાએ એ ભારો ઊંચકાવી માથે મુકાવીને બોલ્યા : માજી તમેં મને ઓળખો છો?
માજી બોલ્યાં ના બેટા!
સારું! તમને આ રસ્તે આવવા જવા શું શું તકલીફ પડે છે? અને તમારા રાજાને કોઈ કહેવું હોય તો કહો,હું તેમને તમારો સંદેશ પહોંચાડીશ.
માજી :બેટા અમેં ગરીબ! આ રસ્તે દૂર ખેતરે આવવા જવા તકલીફ પડે છે.રાજાને એટલું કે'જો કે રસ્તે "થાકલાં" અને પાણીની "પરબ" બનાવે.રાજાને આ માજી ના શબ્દનો ભાવાર્થ ના સમજાયો. તેમણે માજી ને કહ્યું કે થાકલાં એટલે શું?
માજી એ શબ્દની સમજૂતી આપી.ઉતાવળે માજી ચાલતાં થયાં.પરંતુ રાજાના માનસ પર મોટી અસર આ માજીના શબ્દથી થઇ.
રાજા બોલ્યા,સારું! માજી! હું તમારો સંદેશ તેમને કહીશ....
. બીજા દિવસે એ માજી ને રાજ નાં તેડાં આવ્યાં.રાજનું તેડું આવે એટલે જુના લોકો ખૂબ ગભરાઈ જતા.કેમકે રાજનો કોઈ ગુનો કર્યો હોય તો જ રાજનું તેડું આવે.માજી ખૂબ ગભરાઈ ગયાં...કે મેં રાજનો દ્રોહ કર્યો લાગે છે.બાકી રાજનું તેડું આવે નહી અને આવે એટલે જવું જ પડે,બહાનાં ચાલે જ નહી.
રાજસભા હકડેઠઠ ભરાઈ હતી.બધાંને ઉત્સુકતા હતી કે આ વૃદ્ધનો શું ગુનો છે અને શું દંડ કરશે!
રાજના સેવકોએ માજીને રાજા સમક્ષ હાજર કર્યાં.
રાજા બોલ્યા :માજી મને ઓળખો છો? "માજી : ના બાપુ! હા લોકો કહે છે કે તમેં ગોંડલ ના રાજા ભગવતસિંહ છો.આજે જ પહેલી વખત આ રાજમહેલ અને રાજદરબાર જોયો છે.ફફડતા હૈયે માજી બોલ્યાં..મહારાજ મારો ગુનો કોઈ થયો હોય તો માફ કરો."
આટલું સાંભળતાં રાજા બોલ્યા : "તમારો કોઈ ગુનો નથી.પરંતુ મારો ગુનો ખૂબ મોટો થયો છે.હું આ રાજનો રાજા છું,અને રાજની સીમામાં પડતી દરેકની પીડા હું જાણતો ના હોઉં તો મારું રાજાપણું લાજે."માજી તમેં ગઈ કાલે જે રસ્તે વટેમારગુની વાટ જોઈ બેઠાં હતાં અને તમને જે ભારો ઉંચકાવી માથે મુક્યો તે હું પોતે હતો..... આ સાંભળી સભા સ્તબ્ધ થઇ ગઈ. માજી બે હાથ જોડી રાજાની માફી માટે ભરી સભામાં આજીજી કરવા લાગી.
રાજાએ બે ઘડી સભાનો ગણગણાટ સાંભળી ફરી બોલ્યા.... માજી અપરાધ તમારો નથી મારો થયો છે.મારે માફી તમારી માગવી જોઈએ.કેમકે તમારી આંખ ઉઘાડી. બાકી દરેક ખેડૂતને તકલીફ શું છે તે મને સમજાયું ના હોત!
પછી રાજાએ દરબારીઓને ફરમાન જારી કર્યું કે ગોંડલ રાજ્યની સીમા સુધી જયાં જયાં માર્ગ છે ત્યાં ત્યાં પાકાં "થાકલાં" બનાવે અને "પાણીની પરબનો" પ્રબંધ થાય.(થાકલાં એટલે રસ્તે આવતાં જતાં લોકોને થાક લાગે ત્યારે તે થોડી વાર વિસામો લેવા બેસે પાણી અને પીએ તેમજ તેના માથે જે વજન ઊંચકેલું હોય તે સીધું તેના ઉપર મૂકી શકે અને વજન ઉચકવા મદદ કરનાર કોઈ ના હોય તો સરળતાથી પાછુ માથા ઉપર લઇ શકે.તેને ત્યાંની લોકબોલીમાં "થાકલાં" કહે છે. સાથે પાણીનું માટલું -લોટો હોય છે કે જેથી તરસ લાગે તો પાણી પી શકે )
માજી ને યોગ્ય સન્માન કરી માજી સ્વમાનભેર ઘેર મોકલ્યાં અને રાજાના ફરમાન મુજબ રાજની સીમા સુધી માર્ગે 'પરબ' અને 'થાકલાં ' બનાવી દીધાં.
આજે પણ ગોંડલ રાજ્યની સીમામાં જાઓ તો આવાં "થાકલાં" અને "પરબ" જોવા મળશે.આવા હતા ગોંડલ રાજના પ્રજાવત્ત્સલ રાજા સર ભગવતસિંહ.જેમણે આ પ્રસંગ તેના આ શબ્દકોશમાં લખેલો છે.
જેમણે ગુજરાતને એક ખૂબ મોટી ભેટ આપી છે અને તે એટલે ગૂજરાતી શબ્દકોશ
"સર ભગવતગોમંડલ" જે પુસ્તક આજે પણ અર્થ,લોકબોલીમાં બોલાતા શબ્દના અર્થ વિશે પ્રચૂર માત્રામાં વીવરણ કરેલું છે.બેજોડ ગ્રંથ છે. ક્યાંય મળી જાય તો ભાષા પ્રિય વાચકો માટે વાચન કરવા ખાસ વિનતી છે.
(સારાં પુસ્તકો એ આપણો સાચો મિત્ર છે )
. - સવદાનજી મકવાણા(વાત્ત્સલ્ય)