આ જનમની પેલે પાર - ૧૫ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૧૫

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૫

દિયાનને થયું કે તેણે પાછા આવીને ભૂલ કરી છે. ત્રિલોકનું ભયાનક રૂપ જોઇને તે હેબતાઇ ગયો હતો. ત્રિલોક લોહી નીતરતા ચાકુ સાથે ગાંડાની જેમ હસી રહ્યો હતો. તેણે કોઇ મોટું કામ કર્યું હોય એમ ખુશીથી ઝૂમી રહ્યો હતો. તેના હસવાનો અવાજ દિયાનના શરીરમાં કંપારી ઊભી કરી રહ્યો હતો. તેને થયું કે પોતે અહીં ફરી ક્યારેય ન આવવાનું નક્કી કરી નીકળી જવું જોઇતું હતું. તે કોઇ લાગણીથી દોરવાઇને કે ઉત્સુક્તાને કારણે અહીં સુધી પાછો ખેંચાઇ આવ્યો હતો. ત્રિલોકના હાથમાં લોહીથી તરબતર ચાકુ એ વાતની સાબિતી આપતું હતું કે તેણે કોઇની હત્યા કરી છે.

દિયાને છુપાઇ રહીને જ થોડા આમતેમ ખસીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ત્રિલોકના હાથ કોના લોહીથી ખરડાયેલા છે. દ્રશ્ય ચોંકાવનારું હતું. તેણે જોયું કે જમીન પર એક બકરી લોહીના ખાબોચિયામાં પડી છે. દિયાન ત્રિલોકનું રાક્ષસી રૂપ જોઇ ડઘાઇ ગયો. તેને લાગ્યું કે કોઇ માણસને નહીં હેવાનને જોઇ રહ્યો છે. ત્રિલોક હસતાં-હસતાં જ જમીન પર બેસી ગયો અને ચાકુ બાજુમાં મૂકી બકરીના શરીરમાંથી માંસનો લોચો બહાર કાઢી... દિયાનને થયું કે તે આગળનું દ્રશ્ય જોશે તો અહીં જ ચક્કર ખાઇને ઢળી પડશે. તેણે એક ક્ષણ માટે આંખો બંધ કરીને શરીર ફેરવી પાછું વળીને જોયા વગર મુઠ્ઠીઓ વાળી હિંમત કરીને દોડવાનું શરૂ કર્યું. ડરને કારણે તે સરખું દોડી શકતો ન હતો. પગમાં મણમણનું વજન હોય એમ થોડું દોડીને જ હાંફી ગયો. કાર પાસે જઇને હાંફતાં-હાંફતા દરવાજો ખોલ્યો અને અંદર બેસી એક શબ્દ બોલ્યા વગર કારને હંકારવા લાગ્યો. શરૂઆતમાં કાર વાંકીચૂકી ચાલી.

દિયાનની હાલત જોઇને હેવાલી ગભરાઇ ગઇ. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. ચહેરા પર પરસેવાના ટીપાં હતા. કારનું એસી વધારીને હેવાલીએ તેના માથા પર હાથ મૂકી હેતથી પૂછ્યું:'દિયાન, શું વાત છે? આમ આટલો બધો ડરેલો કેમ છે? તેં ત્યાં એવું શું જોયું કે ભાગીને આવી ગયો?'

દિયાન અવાક હતો. તેનું ધ્યાન કાર ચલાવવામાં જ હતું પણ તેની સામે ત્રિલોકનું હેવાનિયતભર્યું કૃત્ય દેખાઇ રહ્યું હતું. હેવાલીની ચિંતા વધી રહી હતી. તે બોલી:'દિયાન, આમ મૂંગોમંતર કેમ થઇ ગયો છે? કંઇક બોલ ને...'

બે ક્ષણ પછી દિયાન સામાન્ય બની રહ્યો હતો. થોડે દૂર ગયા પછી તેણે કારને રસ્તાની બાજુમાં પાર્ક કરી ઊંડા શ્વાસ લઇ હાશકારો અનુભવ્યો. એ સાથે હેવાલીને પણ જાણે હાશ થઇ.

'હેવાલી...તું વાત જ ના પૂછીશ. મેં ત્યાં જે દ્રશ્ય જોયું એ બહુ ભયાનક હતું. એમ કહે કે આપણે એ ત્રિલોકની ચુંગાલમાં ફસાયા નહીં અને હેમખેમ આવી ગયા...'

'શું વાત કરે છે દિયાન? એ તો પછી લાગણીભરી વાત કરી રહ્યો હતો...' હેવાલી હેરતથી પૂછી રહી.

'એ લાગણી વગરનો નિષ્ઠુર અને ઘાતકી માણસ છે. એણે... એણે નિર્દયતાથી એક બકરીને ચાકુથી મારી નાખી હતી અને એની ઉજાણી કરી રહ્યો હતો...તેના હાથ ચાકુ સાથે લોહીથી ખરડાયેલા હતા. તે લાગણીવાળો માણસ નથી. તે માંસાહારી માણસ છે...' બોલતી વખતે દિયાનના ચહેરા પર ત્રિલોકનું હેવાનિયતભર્યું રૂપ તરવરી રહ્યું હતું.

'ઓહ! બહુ વિચિત્ર કહેવાય....' કહી હેવાલીએ પાણીની બોટલ દિયાનને ધરી. દિયાન ઝટપટ અડધી બોટલ પી ગયો. તેને રાહત થઇ.

'આપણે અહીં આવીને ભૂલ કરી છે. કોઇ જરૂરત જ ન હતી. હવે મેવાન કે શિનામિ જો સપનામાં આવે તો કહી દેવાનું કે અમારે તમારી સાથે કોઇ લેવાદેવા નથી. અમારે તમારા વિશે કંઇ જ જાણવું નથી. અમને અમારી જિંદગી જીવવા દો. તમે પતિ-પત્ની હતા તો ભૂત કે પ્રેત સ્વરૂપમાં સાથે જ રહો. અમારી જિંદગીમાં દખલ ના દેશો....' દિયાન પોતાનો નિર્ણય સંભળાવતા બોલ્યો.

હેવાલી અતીતમાં જોતી હોય એમ પલક ઝપકાવ્યા વગર બોલી:'દિયાન, એ શક્ય નથી...'

દિયાન એને ગંભીર રૂપમાં સ્વગત બોલતી જોઇ ચમકી ગયો. હેવાલીને શું થઇ ગયું હશે?

ક્રમશ: