આ જનમની પેલે પાર - ૧૪ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૧૪

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૪

ત્રિલોકે પોતાની વાત સાંભળી લીધી હોવાના ડર સાથે તે પથ્થર જેવી બની ગઇ. હેવાલીને થયું કે ત્રિલોક તેને ખીજવાશે. એના અવાજમાં ગંભીરતા હતી પણ ગુસ્સો ન હતો. તે સહેજ હસતાં બોલ્યો:'મારી સ્થિતિ અને વાતો પરથી તમને હું ગાંડા જેવો લાગતો હોઇશ. અને એમ પણ બની શકે કે મારું મગજ ઠેકાણે ના હોય. કેમકે મેં જે દિલ દહેલાવનારી ઘટના જોઇ છે એમાંથી વર્ષો પછી પણ બહાર આવી શક્યો નથી. અને જીવનની મજબૂરી એવી છે કે જીવી શકાતું નથી અને મરી શકાતું નથી. એક બાજુ એમ થાય છે કે આત્મહત્યા કરીને આ જીવનનો અંત લાવી દઉં. હવે જીવવા જેવું છે પણ શું? આખો પરિવાર વિખેરાઇ ગયો છે. પછી ડર લાગે છે કે આત્મહત્યા કરીશ અને મારા આત્માને મોક્ષ નહીં મળે તો? મેં ક્યાંક વાંચ્યું હતું કે આત્મહત્યા કરનારનો જીવ અવગતે જાય છે. ભગવાને જીવન આપ્યું હોય એનો અનાદર કરવો ન જોઇએ. કોઇપણ સંજોગો અને પરિસ્થિતિમાં જીવનનો આનંદ માણવો જોઇએ. આત્મહત્યા કરનારનો જીવ ક્યાં ગયો એના કોઇ પુરાવા નથી એટલે એ બધી વાતોને વિસારીને બસ જીવી રહ્યો છું. શ્વાસ લઇ રહ્યો છું. તમે બંને અહીં આવ્યા એટલે એમ થયું કે...'

ત્રિલોક રડવા લાગ્યો. તે આગળ બોલી શક્યો નહીં. દિયાને એમને આશ્વાસન આપ્યું અને શાંત થવા કહ્યું. ત્રિલોક રડવાનું ખાળતાં બોલ્યો:'મને લાગે છે કે મેવાન અને શિનામિ મને મળવા આવ્યા છે. તમે અહીં આવીને સારું કર્યું. તમને હું ખાતરી આપું છું કે તમારા પૈસા જલદી પરત આપીશ. તમે તમારું સરનામું આપીને જાવ. મેવાનના માથા પર કોઇનું દેવું રહ્યું હોય તો એ તમે જ છો...'

દિયાનને થયું કે એમને કેવી રીતે સમજાવવા કે તે મેવાન કે શિનામિને જાણતો નથી. ખરેખર તો તેમના વિશે જાણવા અને ઓળખવા જ અહીં આવ્યો છે. મેવાને શેરબજારમાં રૂપિયા ગુમાવ્યા હોય એની પણ પોતાને ખબર નથી. છતાં એવો જ ડોળ કરીને અહીંથી નીકળી જવું જોઇએ એમ વિચારીને તેણે કહ્યું:'અંકલ! હવે અમે રજા લઇએ. અને આ રહ્યું મારું કાર્ડ. બીજી એક વાત ખાસ કહી દઉં કે અમે પૈસા લેવા આવ્યા ન હતા. અમારે તો બસ મેવાન અને શિનામિને મળવું હતું. તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. આ થોડા રૂપિયા હું મારા મિત્ર મેવાનના આપી રહ્યો છું...અં...અં... તમે કંઇ જ બોલશો નહીં. તમારી દયા ખાઇને નહીં પણ મેં એની પાસેથી એક વખત થોડા ઉછીના લીધા હતા એ પાછા આપી રહ્યો છું. શેરબજારનો હિસાબ જુદો રાખજો...'

દિયાન અને હેવાલી રૂપિયા ખાટલા પર મૂકીને ઊભા જ થઇ ગયા.

ત્રિલોક કહે:'...મને આ રૂપિયા ના આપો. મારું નસીબ મને જ્યાં લઇ જતું હશે ત્યાં જઇશ... અને હા, તમે જમીન ખરીદવા માટે જરૂર વિચારજો...'

દિયાન કહે:'ચોક્કસ. મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ...'

દિયાન અને હેવાલી બહાર નીકળ્યા ત્યારે થયું કે હવે ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહ્યા છે. અંદર ડર સાથે એક અજીબ પ્રકારની ગંધ આવી રહી હતી.

બંને ઝડપથી બહાર આવીને ચાલીને દોડતા હોય એમ કારમાં જઇ બેસી ગયા. હેવાલીને હવે રાહત થઇ. કોઇ જંજાળમાંથી છૂટયા હોય એમ બંને રાહતના શ્વાસ લેવા લાગ્યા.

'દિયાન, એક વાતની તેં નોંધ લીધી કે પહેલાં એમણે કહ્યું કે તે મેવાનને ઓળખતા નથી અને પછી એને પોતાના પુત્ર તરીકે ઓળખાવ્યો...'

'હા, મને એની બધી વાતો શંકાસ્પદ લાગી. એ ખરેખર મેવાનના પિતા છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પણ મેવાન અને શિનામિ અસ્તિત્વ ધરાવતા હતા એ નક્કી છે. પ્રશ્ન એ છે કે તેઓ જ જો પતિ-પત્ની તરીકે રહ્યા હોય તો આપણાને એમના જીવનસાથી તરીકે કેમ ઓળખાવી રહ્યા છે? મેવાન અને શિનામિ પતિ –પત્ની તરીકે જ ગુજરી ગયા હતા...'

બંને વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઇના હસવાનો અવાજ આવ્યો. શાંત વાતાવરણમાં એના પડઘા પડ્યા. બંને થથરી ઉઠ્યા. બંનેને એ અવાજ ત્રિલોકનો હોવાનો અંદાજ આવી ગયો.

ત્રિલોક વધુ પડતો હસી રહ્યો હતો.

'એ ગાંડા તો થઇ ગયા નથી ને?' દિયાને ડર સાથે પૂછ્યું.

'મને તો એમનો ચહેરો જોઇને બીક લાગે છે...' હેવાલી ફફડતી બોલી.

'તું અહીં બેસ. હું જોઇ આવું...' દિયાન હિંમત કરીને બોલ્યો.

હેવાલીને બોલવાના હોશ ન હતા. તેણે ઇશારાથી હા કહ્યું.

દિયાન ચોર પગલે લપાતો એ ઘરની પાછળની દિવાલ સુધી પહોંચ્યો ત્યારે ત્રિલોકના હસવાનો અવાજ વધુ આવી રહ્યો હતો. તેણે નજર કરી અને ભયાનક દ્રશ્ય જોઇને ચોંકી ગયો. ત્રિલોકના હાથમાં મોટું ચાકુ જેવું હથિયાર હતું અને એ લોહીથી ખરડાયેલું હતું.

ક્રમશ: