મહોરું - 10 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહોરું - 10

( પ્રકરણ : ૧૦ )

‘તેની પાસેથી તેનું કલગી નામ-તેની જિંદગી છીનવી લઈને તેની જગ્યાએ અનામિકા નામની યુવતીને ગોઠવી દેનાર આખરે કોણ છે ?!’ એ જાણવા માટે કલગીએ અનામિકાને જુમીરાહ પાર્કમાં બોલાવી હતી. તે બાંકડા પર બેઠેલી અનામિકા પાસે પહોંચી હતી, તો અનામિકાના પેટમાં ચપ્પુ ખૂંપેલું હતું.

‘આ...આ...’ કલગી કંપતા અવાજે બોલી : ‘...આ શું થઈ ગયું, અનામિકા...? !’ ‘મારા..,’ અનામિકા પીડાથી દબાયેલા અવાજમાં બોલી : ‘...

પે..ટમાંથી ચપ્પુ બહાર..’

‘હા !’ કલગીએ કંપતા હાથે ચપ્પુનો લોહીભીનો હાથો પકડયો અને ચપ્પુ ખેંચી કાઢયું. પીડાના એક ઉંહકારા સાથે અનામિકાએ માથું કલગીના ખભા પર ઢાળ્યું. ‘અનામિકા ! કોણે તને આમ ચપ્પુ માર્યું ?!’ પૂછતાં કલગીએ પોતાના ખભેથી અનામિકાનું માથું હટાવ્યું તો અનામિકા બાંકડા પર ઢળી પડી. કલગી અનામિકા પાસે વાંકી વળી, ત્યાં જ તેના કાને પહેલાં અરબીમાં બૂમ સંભળાઈ અને એની પાછળ-પાછળ જ એક ત્રાડ સંભળાઈ : ‘હૅન્ડઝ્‌ અપ !’

અને કલગીએ જોયું તો તેનાથી થોડાંક પગલાં દૂર, ચાર પોલીસવાળા તેની તરફ પોત-પોતાની રિવૉલ્વરની અણી તાકીને ઊભા હતા.

‘...તારી જાતને અમારે હવાલે કરી દે, તોરલ !’ આગળ ઊભેલો ગોરો પોલીસવાળો તૂટી-ફૂટી અંગ્રેજીમાં બોલ્યો, ત્યારે કલગીએ તેના હાથ તરફ અને પછી બાંકડા પર પડેલી અનામિકા તરફ જોયું.

તેના હાથમાં લોહી નીતરતું ચપ્પુ પકડાયેલું હતું અને બાંકડા પર અનામિકા લોહી-લુહાણ હાલતમાં પડી હતી. આ જોઈને પોલીસે તેને અનામિકાની ખૂની માની લીધી હતી, એ વાતનો ખ્યાલ આવતાં જ કલગી પગથી માથા સુધી કાંપી જતાં બોલી ઊઠી : ‘તમને...તમને ગેરસમજ થાય છે, સાહેબ ! મેં-મેં આને નથી મારી...’

‘તારી ભલાઈ એમાં જ છે કે તું તારી જાતને અમારે હવાલે કરી દે.’ ગોરો પોલીસવાળો તેની તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં આગળ વધ્યો, એટલે કલગીએ હાથમાંનું ચપ્પુ ફગાવ્યું અને મુઠ્ઠીમાં જીવ લઈને જમણી બાજુ દોડી.

કલગી ચીસો પાડવા માંડી : ‘એ અનામિકા હતી અને મેં એનું ખૂન નથી કર્યું ! હું તો એને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી !’

‘‘તોરલને પકડી લો !’’ ‘‘જોજો તોરલ છટકી ન જાય !’ એવી અરબી ભાષામાં બૂમો પાડતા એ ચારેય પોલીસ-વાળાએ કલગીનો પીછો શરૂ કર્યો અને પછી......

‘...અને પછી..,’ કલગીની નજર સામેથી એ વખતનું દૃશ્ય દૂર થયું અને સામે બેઠેલી ડૉકટર બુશરા દેખાઈ : ‘..પછી પોલીસવાળાની મોટરસાઈકલ સાથે મારી ટકકર થઈ. હું બેહોશીમાં સરી અને પોલીસે મને પકડીને અહીં પહોંચાડી.’

બુશરાએ એક લાંબો શ્વાસ બહાર છોડયો અને ઊભી થઈ.

‘હવે..,’ કલગી બોલી : ‘મારી આખી વાત સાંભળ્યા પછી તો તમે માનો છો ને કે, હું તોરલ નહિ પણ કલગી છું.’

‘હું એ માનું છું કે તું એવું માને છે કે તું તોરલ નહિ, પણ કલગી છે !’ બુશરા બોલી.

અને કલગીનો પિત્તો ગયો.

તેણે બુશરાને ગળા પાસેથી પકડી લીધી : ‘તમે મારી હાંસી ઉડાવી રહ્યા છો ? તમે મારી સાથે મજાક કરી રહ્યા છો !’

‘ગાર્ડ !’ કલગીના હાથમાંથી છુટવાનો પ્રયત્ન કરતાં બુશરાએ બૂમ પાડી.

બહાર ઊભેલી મહિલા પોલીસે બીજી મહિલા પોલીસને બૂમ પાડતાં કોટડીનો દરવાજો ખોલવા માંડયો.

‘તમે મારી સાથે અન્યાય કરી રહ્યા છો.’ કલગી બોલી, ત્યાં જ દરવાજો ખોલીને બન્ને મહિલા પોલીસ અંદર ધસી આવી અને બન્નેએ પાછળથી કલગીના હાથ પકડીને એને બુશરાથી દૂર ખેંચી. ‘તારા આ ધમપછાડાનો કોઈ મતલબ નથી.’ બુશરા બોલી : ‘તારી પાસે તું તોરલ નહિ અને કલગી છે એવા કોઈ પુરાવા નથી.’

‘મેં તમને બધું જ તો જણાવ્યું.’ બન્ને મહિલા પોલીસ્ના હાથમાંથી છૂટવા-છટકવાના પ્રયત્નો કરતાં કલગી ચિલ્લાવા માંડી : ‘હું હકીકતમાં તોરલ નથી, પણ કલગી...’

‘...કલગી તો એ હતી જે તારા હાથે જુમીરાહ પાર્કમાં મરી પરવારી !’ બુશરા બોલી.

‘...એ કલગી નહોતી !’ કલગી ગળું ફાટી જાય એટલી જોરથી ચીસો પાડવા માંડી : ‘એ અનામિકા હતી અને મેં એનું ખૂન નથી કર્યું ! હું તો એને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી !’

‘તારી વાતનો તારી પાસે કોઈ પુરાવો નથી.’ બુશરા બોલી, ત્યાં જ બહારથી આવેલા પુરુષ ગાર્ડે કલગીના બાવડામાં ઈન્જેકશન- ની સીરિંજ ખૂંપાવીને એમાંની બેહોશીની દવા કલગીની નસોમાં દોડાવી દીધી.

‘...તમે મારી વાત માનો !’ કલગીના મગજ પર તુરત જ એ દવાએ અસર કરવા માંડી. એના ધમપછાડા એકદમથી જ ઓછા થવાની સાથે જ એ રડી પડી : ‘મેં તમને મારી સાથે જે કંઈ બન્યું એ બધું સાચેસાચું કહી દીધું.’

‘હા, પણ તારી પાસે તારા સાચા હોવાનો કોઈ પુરાવો નથી.’

કલગીની આંખે અંધારા આવવા માંડયા : ‘રોકસાના.., એ જાણે છે કે, હું કલગી...’

‘પણ રોકસાના છે કયાં ?!’ બુશરા બોલી, ત્યાં તો કલગીના હાથ-પગ ઢીલા થઈ ગયા અને તે બેહોશીમાં સરી પડી.

‘કલગી ! માય ડિયર !’’ કલગીના કાનમાં આ અવાજ પડયો અને તેની આંખો સામેનું અંધારું સહેજ ઓછું થયું. તેને એક ઝાંખો ચહેરો દેખાયો.

‘કલગી ! જાગ, કલગી ! હું છું. જો તો...!’ કલગીના કાને અવાજ પડવાની સાથે જ કલગીની આંખો સામે એ ચહેરો સ્પષ્ટ થયો. કલગીને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ. તે બોલી ઊઠી : ‘અચલ તું ?’

‘તું ઠીક છે, કલગી ‘મારી પાસે આવ.’ કહેતાં કલગીએ અચલનો ચહેરો નજીક લીધો અને અચલનું કપાળ ચૂમ્યું : ‘મને વિશ્વાસ નથી બેસતો કે, તું મારી પાસે આવી ગયો છે, અચલ !’

અચલે કલગીનો હાથ ચૂમ્યો. ‘તું અહીં કયારે આવ્યો ?’ કલગીએ અચલના ગાલ પર હાથ ફેરવતાં પૂછયું : ‘તેં.., તેં મને શોધી કેવી રીતના ? !’

‘મને ફોનમાં તારો મેસેજ મળ્યો ને હું અહીં ઊડી આવ્યો.’ અચલ બોલ્યો : ‘હું સીધો જ તારી હોટલ પર ગયો. પણ તું ત્યાં મળી નહિ. પછી.’

‘તને વિશ્વાસ નહિ બેસે કે મારી સાથે અહીં કેવું-કેવું બની ગયું ? !’

‘એમણે, પોલીસવાળાઓએ મને બધું કહ્યું.’

‘...તને તને ખબર છે, એ લોકો મને. ’

‘...હા, જેલમાં લઈ ગયા હતા,’ અચલ બોલ્યો : ‘પણ મેં એમને જેવી તારી સાચી ઓળખ આપી, તારા કલગી હોવાના પુરાવા આપ્યા એટલે તેઓ દિલગીર થયા. મેં આપણી ઈન્ડીયન એમ્બસીને ફોન કર્યો   અને એમ્બસીના ઓફિસરે તને જેલમાંથી બહાર કઢાવવામાં મદદ કરી. જેલમાંથી હું તને સીધી જ મારા એક ફ્રેન્ડની બંધ હોટલના આ રૂમમાં લઈ આવ્યો.’ અને અચલે કલગીના માથે હાથ ફેરવ્યો : ‘શું તને યાદ નથી ? !’

‘હેં !’ કલગી બેહોશીમાંથી હોશમાં અત્યારે જ આવી હતી. તેને અચલ કહી રહ્યો હતો એ વાતની બિલકુલ ખબર નહોતી. ‘મેં તારા માટે નવા કપડાં મંગાવ્યા છે.’ અચલ બોલ્યો : ‘અને આ રહી તારી બીજી વસ્તુઓ !’ અને અચલે બાજુમાં પડેલું કાગળનુ કવર આપ્યું. કલગીએ એમાંનું પોતાનું કાંડા ઘડિયાળ, એરિંગ્સ અને રોકસાનાએ આપેલું લીલા નંગવાળું બ્રેસલેટ કાઢયું. ‘આ શું છે ?’ અચલે બ્રેસલેટ જોઈ રહેતાં પૂછયું.

‘આ કરામતી બ્રેસલેટ છે.’ કલગીએ કાંડા પર બ્રેસલેટ પહેરતાં કહ્યું : ‘આ મને બૂરી નજર અને બદનસીબીથી બચાવે છે.’

‘હું આવી ગયો છું, એટલે હવે તારી બદનસીબી દૂર થઈ ગઈ સમજ, ડિયર !’

‘અચલ ! હું જેમ બને એમ જલદીથી અહીંથી નીકળીને ઘરે પહોંચી જવા માંગું છું.’ કલગીનો અવાજ ગળગળો થઈ ગયો અને એની આંખોમાં વિષાદના વાદળાં આવી ગયાં.

અચલે ખિસ્સામાંથી પ્લેનની બે ટિકિટ કાઢીને કલગીના હાથમાં ધરી : ‘આ કાલની મુંબઈની ફલાઈટની ટિકિટ છે. કાલે આપણે આ શહેર છોડીને આપણાં દેશ-આપણાં ઘરે પહોંચી જઈશું.’

કલગીએ ટિકિટ હાથમાં લીધી. તેની આંખમાં ઝળહળિયાં આવી ગયાં : ‘મને વિશ્વાસ નથી બેસતો. હું...હું ખૂબ જ ખુશ છું.’

‘ચાલ !’ અચલે કલગીના ગાલ પર ટપલી મારી : ‘હું થોડીક વારમાં જ પાછો આવું છું.

મારે ઈન્ડિયન એમ્બસી જવાનું છે. એમ્બસી બંધ થાય એ પહેલાં મારે કેટલુંક કામ પતાવી દેવાનું છે.’

‘પ્લીઝ,’ કલગીના અવાજમાં ચિંતા આવી ગઈ : ‘તું મને છોડીને ન જા.’

‘હું હમણાં કલાકમાં જ પાછો આવું છું.’ અચલ ઊભો થયો : ‘તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તને કંઈ નહિ થાય. પોલીસે બહાર એક ગાર્ડ ઊભો રાખ્યો છે.’ અને અચલે સ્મિત રેલાવ્યું : ‘કલગી ! આપણે કાલ સવારના મુંબઈ માટે ઊડીશું. તું મારી પર ભરોસો રાખ. હું તારી જિંદગી પલટી નાંખીશ. કાલ સવારથી જ હું તારી જિંદગીની દિશા અને દશા બદલી નાંખીશ.’ અને આટલું કહેતાં જ અચલ રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો ને દરવાજો બંધ કરી ગયો.

કલગી બેઠી થતાં બંધ દરવાજા તરફ તાકી રહી. અચલના છેલ્લા શબ્દો કલગીના કાનમાં હજુ પણ ગૂંજી રહ્યા હતા : ‘‘તું મારી પર ભરોસો રાખ. હું તારી જિંદગી પલટી નાંખીશ. કાલ સવારથી જ હું તારી જિંદગીની દિશા અને દશા બદલી નાંખીશ.’’ આવા જ..., એક્‌ઝેકટ આવા જ શબ્દો તેણે અનામિકાના મોઢે સાંભળ્યા હતા. તેણે અનામિકાને ‘સોહા ઈન્ટરનેશનલ’માં ફોન કર્યો હતો અને આખરે આ આખાય ખેલની પાછળ કોણ છે ? એ વાતનો ભેદ કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અનામિકાએ તેને કહેલું કે, ‘‘...હું જેલમાં હતી, ત્યારે ઈન્ડિયન એમ્બેસીમાંથી એક માણસ આવ્યો અને એણે મને કહ્યું કે, ‘‘તું મારી પર ભરોસો રાખ. હું તારી જિંદગી પલટી નાંખીશ. કાલ સવારથી જ હું તારી જિંદગીની દિશા અને દશા બદલી નાંખીશ. પણ હું કહું એમ તારે કરવું પડશે. બસ, એણે મને આટલું જ કહ્યું.’’ અને હવે કલગી વિચારે ચઢી : ‘અનામિકાને આમાં ફસાવનાર આદમી જે શબ્દો બોલ્યો હતો, બરાબર એવા જ શબ્દો અચલ બોલ્યો હતો. આનો...આનો અર્થ શું ? !’ તે પલંગ પરથી ઊભી થઈ અને દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજો સહેજ ખોલીને બહાર નજર નાંખી.

બહાર-લૉબીમાં એક ઊંચો-તગડો માણસ સિગારેટ ફૂંકતો ઊભો હતો. માથે કેપ અને કાળું પેન્ટ અને જાકિટ પહેરેલો એ માણસ પોલીસનો માણસ બિલકુલ લાગતો નહોતો.

એ માણસે કલગી તરફ સ્મિત રેલાવ્યું.

કલગીએ સામું સહેજ સ્મિત રેલાવ્યું અને પાછો દરવાજો બંધ કર્યો. ‘....હવે શું કરું ? !’ કલગી બેચેન થઈ ઊઠી હતી. તે બાલ્કની તરફ આગળ વધી ને બાલ્કનીનો દરવાજો ખોલીને બહાર નીકળી. તેણે નીચે નજર નાંખી. તે ત્રીજા માળની બાલ્કનીમાં ઊભી હતી. તે હવે શું કરવું એની મૂંઝવણમાં પડી,

ત્યારે આ રૂમની બહાર ઊભેલા પેલા ઊંચા-તગડા માણસે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને કલગીના રૂમના દરવાજાને ધકેલ્યો. દરવાજો ખૂલ્યો નહિ. ઊંચા તગડા માણસે દરવાજાને એટલા જોરથી ચાર-પાંચ ધકકા માર્યા કે, અંદરની સ્ટૉપર ઢીલી થઈ ગઈ અને બીજા બે ધકકામાં તો એ સ્ટૉપર પોતાની જગ્યામાંથી ઊખડીને નીચે પડી.

તગડા માણસે દરવાજો ધકેલીને ખોલ્યો અને હાથમાંની રિવૉલ્વર સાથે અંદર દાખલ થયો. અંદર કલગી દેખાઈ નહિ. એ માણસ બાલ્કની તરફ આગળ વધ્યો. એણે બાલ્કનીમાં જોયું, કલગી દેખાઈ નહિ. એણે નીચે નજર નાંખી. પાઈપ પકડીને કલગી નીચે ઊતરી જતી દેખાઈ નહિ.

એ માણસ પાછો વળ્યો, ત્યાં જ રૂમમાંથી કલગી હાથમાં પિત્તળની ફૂલદાની સાથે ધસી આવી. એ માણસ કલગી તરફ રિવૉલ્વર તાકવા ગયો પણ એ પહેલાં જ કલગીએ એના માથા પર ફૂલદાની ફટકારી દીધી. તગડો માણસ પોતાનું બેલેન્સ ખોઈ બેઠો ને પોતાની પાછળની બાલ્કનીની રેલિંગની ઉપરથી ગુલાંટ ખાઈને ત્રીજા માળ પરથી નીચે પડી જવા ગયો, પણ એ જ પળે કલગીએ એનો હાથ પકડી લીધો.

‘મને...મને છોડતી નહિ.’ સામે મોત જોઈને એ માણસ એકદમથી જ નરમ પડીને ગભરાટભેર બોલી ઊઠયો : ‘જલદી,

મને ઉપર ખેંચી લે.’

‘પહેલાં મને એ કહે કે, તું કોણ છે ? !’ કલગી એને ઝુલતો રાખીને જ બોલી : ‘કોણે તને મોકલ્યો છે ? !’

‘મને કંઈ ખબર નથી.’ ‘જલદી બોલ....’ કલગી ચિલ્લાઈ : ‘. નહિતર હું તારો હાથ છોડી દઈશ !’

‘કહું છું..કહું છું.., છોડતી નહિ.’ એ માણસે ઊતાવળા અવાજે કહ્યું અને એ નામ બોલવા ગયો, પણ એ જ પળે કલગીના લમણે રિવૉલ્વર ની અણી મૂકાઈ. એકદમથી જ થીજી જતાં કલગીએ ત્રાંસી આંખ કરીને-આંખના ખૂણેથી તેના લમણે રિવૉલ્વર મૂકનાર તરફ જોયું અને તે ચોંકી ઊઠી-ખળભળી ઊઠી.

તેના લમણે રિવૉલ્વર મૂકનાર બીજું કોઈ નહિ પણ અચલ., હા ! તેનો પ્રેમી અચલ જ હતો.

( વધુ આવતા અંકે )