મહોરું - 7 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહોરું - 7

( પ્રકરણ : ૭ )

કલગી પરાયા દેશના અજાણ્યા શહેર દુબઈની સડકો પરથી પોલીસ પોતાનો જીવ બચાવવા માટે રઝળી રહી હતી, ત્યાં જ તેને થોડે દૂરથી પોલીસ કાર ધસી આવતી દેખાઈ હતી.

કલગીનો જીવ ગળે આવી ગયો. ડાબી બાજુ રસ્તો જતો હતો, તે તુરત જ એ રસ્તા પર વળી ગઈ ને નીચી નજરે ચાલવા માંડી. થોડાંક પગલાં ચાલીને તેણે પાછું વળીને જોયું તો એ પોલીસ કાર આ ગલીમાં વળી નહિ ને સીધા રસ્તે દોડી ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. કલગીએ રાહતનો શ્વાસ લીધો. નસીબજોગે તે પોલીસની નજરે ચઢી નહોતી.

કલગીએ હવે ગલી તરફ ધ્યાન આપ્યું. ગલી સૂમસામ હતી. તે ગલીની અધવચ્ચે ઊભી રહી. તે થાકી હતી. તેનું કોઈ ઠેકાણું નહોતું. તે એક બાજુ બેસી ગઈ. તે જે મુસીબતમાં સપડાઈ હતી તેને લગતા સવાલોની કમી નહોતી, પણ તેનું મગજ એટલું થાકયું હતું કે એ વિશે વિચારવા માટે મગજ તૈયાર નહોતું.

તે થોડીક વારમાં બેઠી-બેઠી જ ઊંઘમાં સરી ગઈ.

‘..પછી તેં શું કર્યું ? !’ કલગીના કાને લેડી ડૉકટર બુશરાનો અવાજ પડયો, એટલે કલગી ભૂતકાળ-માંથી બહાર આવી. તેણે ડૉકટર બુશરા સામે જોયું. ‘હું બીજું શું કરી શકું એમ હતી ?’ કલગીએ નિસાસો નાંખ્યો : ‘મારા રહેવા માટે કોઈ જગ્યા નહોતી.

મારું કોઈ ઓળખીતુ નહોતું.

મારી પાસે પૈસા પણ ઓછા હતા. અને મારી પાછળ પોલીસ પડી હતી. અને હથિયારોનો વહેપારી એન્ટોનિયો અને શી ખબર કોણ-કોણ મારી પાછળ પડેલું હતું. અને મારી પાસે ફકત એક જ જગ્યા હતી જ્યાંથી મને ખબર પડી શકે એમ હતી કે કોણ મારી સાથે આ ખેલ ખેલી રહ્યું હતું ?’

‘ગેલોપ ફાઈનેન્શિયલ !’ બુશરા બોલી : ‘બરાબર ને !’

‘હા !’ કલગી બોલી : ‘મને ખબર હતી કે, જો હું ગેલોપના સુપર કૉમ્પ્યુટર સુધી પહોંચીને જોઈ લઉં કે, એ લોકો રૂપિયાની હેરફેર કયાં કરી રહ્યા હતા, તો એ ભેદ ખૂલી જાય એમ હતો કે આ બધાં પાછળ કોણ હતું.’

‘તો તું ફરી પાછી ગેલોપ ફાઈનેન્શિયલ પહોંચી.’

‘હા !’ અને કલગી એ રીતે બોલવા માંડી કે, બુશરાને એ વખતનું દૃશ્ય ફિલ્મના દૃશ્યની જેમ દેખાવા માંડયું.

કલગી પાછળ પોલીસ પડી હતી. અને હથિયારોનો વહેપારી એન્ટોનિયો અને શી ખબર કોણ-કોણ પાછળ પડેલું હતું.

બીજા દિવસે સાંજે કલગી ‘ગેલોપ ફાઈનેન્શિયલ’ નજીક પહોંચી. તેણે મોબાઈલ ફોન પરથી ગેલોપ ફાઈનેન્શિયલનો ફોન નંબર લગાવ્યો અને સામેથી ઓપરેટરનો અવાજ આવ્યો એટલે કલગીએ પૂછયું : ‘...શું હું મિસ્ટર આદિલ અબ્બાસી સાથે વાત કરી શકું.’

‘જી, તેઓ નીકળી ગયા !’

‘મને એમનો મોબાઈલ નંબર મળી શકશે ?’ કલગીએ પૂછયું.

‘હા !’ સામેથી ઓપરેટરે કહ્યું અને નંબર આપ્યો.

કલગીએ ‘થૅન્કયૂ !’ કહીને મોબાઈલ કટ કર્યો અને મોબાઈલ પર સામેવાળાનો અવાજ ટૅપ થઈ શકે એવી રીતના મોબાઈલ સેટ કરીને આદિલ અબ્બાસીનો મોબાઈલ નંબર લગાવ્યો.

મોબાઈલમાં સામેથી આદિલ અબ્બાસીનું ‘હેલ્લો !’ સંભળાયું એટલે કલગીએ પૂછયું : ‘તમે કોણ બોલી રહ્યા છો ?’

‘આદિલ અબ્બાસી !’ સામેથી આદિલ અબ્બાસીએ કહ્યું એ સાથે જ કલગીએ ફોન કટ્‌ કરી દીધો અને બોલી ઊઠી : ‘હં, અવાજ બરાબર ટેપ થઈ ગયો.’ અને તે ત્યાં જ બેસી રહી.

તેણે જોયું તો સામે આવેલા રૂમમાં બે માણસો ગયા. થોડીક વારમાં એ બન્ને જણાં સિકયુરિટી ગાર્ડની વર્દી પહેરીને બહાર નીકળ્યા અને ગેલોપની મુખ્ય બિલ્ડીંગની અંદર ચાલ્યા ગયા.

કલગીએ ભગવાનનું નામ લીધું અને સિકયુરિટી ગાર્ડના એ ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધી. તેનું હૃદય ગજબનાક ઝડપે ધબકવા માંડયું હતું. તે જે કામ કરવા નીકળી હતી એ કામમાં જોખમ હતું, પણ જોખમ લીધા વિના કયાં છૂટકો હતો ?

તે ડ્રેસિંગ રૂમમાં દાખલ થઈ. રૂમમાં કોઈ નહોતું. એક તરફ સિકયુરિટી ગાર્ડની બે વર્દી લટકી રહી હતી. તેણે પોતાના કપડા ઉપર જ ગાર્ડની વર્દી પહેરી લીધી. તેણે વાળ વાળીને માથા ઉપર ગાર્ડની કૅપ પહેરી અને ગેલોપ ફાઈનેન્શિયલના મેઈન ડોર તરફ આગળ વધી. તે મેઈન ડોરની અંદર દાખલ થઈ અને લિફટ તરફ ચાલી.

તેના ધારવા કરતાં તે વધુ સહેલાઈથી અંદર આવી શકી હતી. તે પહેલા માળ પરના બાથરૂમમાં દાખલ થઈ અને દરવાજો બંધ કર્યો. હવે તેણે રાતના દસ વાગ્યા સુધી બાથરૂમમાં જ પુરાઈ રહેવાનું હતું.

કલગી રાતના દસ વાગ્યે બાથરૂમમાંથી નીકળી. તે લૉબીમાં આવી. લૉબીમાં સન્નાટો હતો. તે ઝડપી ચાલે સુપર કૉમ્પ્યુટર રૂમના દરવાજા પાસે પહોંચી. તે ગઈકાલે આદિલ અબ્બાસી સાથે અહીં આવી ત્યારે આ દરવાજો ખોલીને તે જેવી અંદર દાખલ થઈ હતી એ સાથે જ લેસરની જાળ રચાઈ હતી ને એમાં દાખલ થતાં જ સિકયુરિટી એલાર્મ ગૂંજી ઊઠયું હતું.

તેણે દરવાજો ખોલ્યો એ સાથે જ તેને લેસર કિરણોનું જાળું દેખાયું. તેણે આદિલ અબ્બાસીને મોબાઈલ કરીને એનો જે અવાજ મોબાઈલમાં ટેપ કર્યો હતો એ વગાડયો, ‘આદિલ અબ્બાસી,’

મોબાઈલ ફોનમાંથી આદિલ અબ્બાસીનો અવાજ ગૂંજ્યો અને એ સાથે જ લેસર કિરણોનું જાળું અદૃશ્ય થઈ ગયું.

કલગી અંદર દાખલ થઈ. તે બાજુના સુપર કૉમ્પ્યુટર રૂમના દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજો ખોલ્યો અને સહેજ આગળ વધીને, દરવાજાની ઉપર રહેલા કૅમેરાની નીચે મોબાઈલ રાખીને સામેના કૉમ્પ્યુટરનું રેકોર્ડિંગ કરવા માંડયું. તેણે મોબાઈલમાં દસ મિનિટનું રેકોર્ડિંગ કર્યું. પછી તેણે મોબાઈલનું કૅમેરા સાથે એવી રીતના વાયરિંગ કરીને મોબાઈલનું બટન દબાવ્યું કે, કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાં બેસીને, ટી. વી. પર આખી બિલ્ડીંગ પર નજર રાખી રહેલા સિકયુરિટી ગાર્ડને કલગીએ પોતાના મોબાઈલમાં કરેલું સુપર કૉમ્પ્યુટરનું રેકોર્ડિંગ દેખાવા માંડે. કલગી ટેબલ સામેની ખુરશી પર બેઠી અને કોમ્પ્યુટરના કી-બોર્ડના બટન દબાવવા માંડી. ત્યારે ગ્રાઉન્ડ ફલોરના એક રૂમમાં, ટેબલ પર પડેલા પાંચ કલોઝ સર્કિટ ટી. વી.માં દેખાઈ રહેલા આ બિલ્ડીંગના અગત્યના રૂમો પર સિકયુરિટી ગાર્ડ ડેવિડ નજર ફેરવી રહ્યો હતો. ડેવિડની નજર બીજા ટી. વી.ના સ્ક્રીન પર અટકી. એ ટી. વી. ના પડદા પર સુપર કૉમ્પ્યુટર રૂમ દેખાઈ રહ્યો હતો. અત્યારે એ રૂમમાં કલગી કૉમ્પ્યુટર સામે બેઠી ઝડપભેર પોતાનું  કામ કરી રહી હતી, પણ ડેવિડને કલગી દેખાતી નહોતી. ડેવિડને ટી. વી.ના પડદા પર કલગીએ પોતાની કમાલથી ગોઠવેલું રેકોર્ડિંગ દેખાઈ રહ્યું હતું. ડેવિડે એ ટી. વી.ના સ્ક્રીન પરથી બીજા સ્ક્રીન પર નજર નાંખી.

તો કૉમ્પ્યુટર રૂમમાં કલગી ટેબલ પરના કી-બોર્ડના બટન દબાવવાની સાથે જ સામે લાગેલા કૉમ્પ્યુટરના મોટા સ્ક્રીન પર નજર દોડાવી રહી હતી.

‘હં !’ કલગી બબડી : ‘એમણે બધાં કોડ બદલી નાંખ્યા છે. પણ સોફટવેરમાં હું કંઈ અમસ્તી જ માસ્ટર થોડી ગણાઉં છું ?’ અને કલગીએ આવા વખતે કામમાં લાગે એવા પોતે બનાવેલા પ્રોગ્રામને કામે લગાડયો. સ્ક્રીન પર આંકડા ફરવા માંડયા. ચોથી મિનિટે તેના પ્રોગ્રામે સિકયુરિટી કોડ તોડીને કૉમ્પ્યુટરમાં ડોકિયું કરવાની બારી ખોલી આપી.

‘સોહા ઈન્ટરનેશનલ’ના માલિક હામિદે કહ્યું હતું કે, ‘દસ મિલિયન ડૉલર ગૂમ થઈ ગયા છે.’ એટલે કલગીએ એ છેડો પકડીને કૉમ્પ્યુટરમાં શોધ ચલાવી. પણ સામે જે દેખાવા માંડયું, એ જોઈને તેના મોઢેથી નિશ્વાસ નીકળી ગયો.

અને આ સાથે જ તે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી. તેણે જોયું તો લેડી ડૉકટર બુશરા તેની સામે તાકતી બેઠી હતી.

‘ડૉકટર !’ કલગીએ કહ્યું : ‘ગેલોપ’ના કૉમ્પ્યુટરમાંથી જેણે પણ આ ડોલરની ઊઠાંતરી કરી હતી, એણે ઘણાં-બધાં નકલી એકાઉન્ટ ખોલ્યા હતા અને ઢગલાબંધ વાર એ એકાઉન્ટોમાં ડૉલરની હેરફેર કરી હતી, જેથી ખબર ન પડે કે, આખરે એ ડૉલર કયાં જઈ રહ્યા છે. જોકે, એ વ્યક્તિએ એક મોટી ભૂલ કરી નાંખી. છેલ્લે એણે મારા, કલગીના નામના એકાઉન્ટમાં એ ડૉલર નાંખી દીધા હતા.’

‘તો પછી તેં એ ડૉલર...!’ ‘ના, મને આ હકીકતની ખબર પડી એ જ પળે, મેં કલોઝ સર્કિટ ટી. વી. સામે બેઠેલા સિકયુરિટી ગાર્ડને હું ન દેખાઉં અને મારા મોબાઈલમાં મેં ટેપ કરેલો એ રૂમ દેખાયા કરે એ માટેનું દસ મિનિટનું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું.’ અને આ સાથે જ કલગીની નજર સામે એ વખતનું દૃશ્ય તરવરી ઊઠયું.

કલગીનું રેકોર્ડિંગ પૂરું થતાં જ કલોઝ સર્કિટ ટી. વી.વાળા રૂમમાં બેઠેલા સિકયુરિટી ગાર્ડ ડેવિડને કલગી કૉમ્પ્યુટર સામેની ખુરશી પરથી ઊભી થતી દેખાઈ હતી અને એટલે સિકયુરિટી ગાર્ડે ડેવિડે સિકયુરિટી એલાર્મ ચાલુ કરી દીધું હતું.

કલગી ઝડપભેર કૉમ્પ્યુટર રૂમમાંથી નીકળીને લૉબીમાં આવી. થોડેક આગળ જ સીડી હતી. તે સીડી નજીક પહોંચી તો તેને નીચેથી ઉપર આવી રહેલા પગલાંનો અવાજ સંભળાયો. તે પળવાર પણ વિચારવા રોકાયા વિના ઊપરની તરફ જઈ રહેલી સીડીના પગથિયા ચઢવા માંડી. ત્યાં જ તેના કાને દીવાલોમાં લાગેલા સ્પીકરોમાંથી અંગ્રેજીમાં સિકયુરિટી ગાર્ડ ડેવિડનો અવાજ સંભળાયો : ‘...એ બીજા માળની સીડી ચઢી રહી છે !’

આ સાંભળીને કલગી ચોંકી નહિ. તેની પાસે ઈલેકટ્રો-નિકસનું જે નૉલેજ હતું એના ઉપરથી તે સમજી ચૂકી હતી કે, સિકયુરિટી ગાર્ડ તેની પાસેની ઈલેકટ્રોનિક વસ્તુને પકડીને, એના પરથી પોતાના સાથી ગાર્ડ ને ‘અત્યારે તે કયાં છે ?’ એ જાણકારી આપી રહ્યો હતો.

અત્યારે તે બીજા માળની લૉબીમાં પહોંચી ચૂકી હતી. તે જમણી બાજુ દોડી. તેની પાસે મોબાઈલ ફોન હતો અને એને કારણે જ કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાંના ગાર્ડને તે કયાં હતી એનો ખ્યાલ આવી રહ્યો હતો. તે એ લૉબીના ડાબી બાજુના છેલ્લા રૂમ પાસે પહોંચી અને અંદર દાખલ થઈ ગઈ.

બરાબર એ જ વખતે એ માળ પર ચીફ સિકયુરિટી ગાર્ડ ડેની પોતાના ચાર સાથી ગાર્ડ સાથે ચઢી આવ્યો. ડેનીના હાથમાં રિવૉલ્વરની સાથે મોબાઈલ ફોન પણ હતો અને એ કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાં રહેલા ગાર્ડ ડેવિડને ગુસ્સામાં કહી રહ્યો હતો : ‘ડેવિડ ! હવે સ્પીકરમાં છોકરીની પોઝીશન જણાવીને એને સાવચેત કરવાને બદલે મને મોબાઈલમાં એ કહે કે, અત્યારે છોકરી કયાં છે ? !’

‘એ બીજા માળના કૉન્ફરન્સ રૂમમાં છે.’ સામેથી સિકયુરિટી ગાર્ડ ડેવિડનો અવાજ આવ્યો, એટલે ડેની ડાબી બાજુના જે છેલ્લા રૂમમાં કલગી હમણાં થોડી પળો પહેલાં ગઈ હતી, એ રૂમ તરફ દબાતા પગલે ચાલ્યો.

ડેનીના ચારેય સાથીઓ પણ હાથમાંની રિવૉલ્વરની અણી આગળની તરફ તાકેલી રાખતાં બિલ્લી પગલે ડેની સાથે ચાલ્યા. ડેની એ રૂમના દરવાજા પાસે પહોંચ્યો અને લાતથી દરવાજાને ખોલીને અંદર દાખલ થયો. તેની પાછળ-પાછળ જ તેના સાથી ગાર્ડે પણ અંદર દાખલ થતાં પોત-પોતાની રિવૉલ્વર સામેની તરફ તાકી. પણ હોલ જેવા એ રૂમમાં કલગી દેખાઈ નહિ.

‘..એ મળી ? !’ મોબાઈલ-માંથી કલોઝ સર્કિટ ટી. વી. વાળા ગાર્ડ ડેવિડનો અવાજ આવ્યો, એટલે ડેનીએ ના પાડી. ‘એ ત્યાં ટેબલ પાસે જ છે.’ મોબાઇલમાંથી ગાર્ડ ડેવિડનો અવાજ આવ્યો એટલે ડેનીએ ટેબલ નીચે જોયું. કલગી નહોતી. તે સીધો થયો ત્યાં જ તેનું ધ્યાન ટેબલ પર પડેલા મોબાઈલ ફોન પર પડયું.તેને સમજાઈ ગયું, આ મોબાઈલ પેલી છોકરીનો જ હતો.

તેણે બારી બહાર નજર દોડાવી. કલગી દેખાઈ નહિ.

‘એ છોકરી ચાલાક નીકળી. એ મોબાઈલ છોડીને ભાગી નીકળી !’ ડેની બબડયો, ત્યાં જ તેના કાને અવાજ પડયો : ‘..શું થયું, ડેની ? છોકરી પકડાઈ ?’

અને આ અવાજ સાંભળતાં જ ડેની કાંપી ઊઠયો. તેના બૉસ એન્ટોનિયોનો આ અવાજ હતો. એન્ટોનિયો તેની નજીક આવીને ઊભો રહ્યો. શરીરે લાંબો-પાતળો ને દેખાવે ભલો લાગતો તેનો બોસ એન્ટોનિયો ખૂબ જ ખતરનાક હતો. એ ગોળીઓની બોલી બોલતો હતો અને એને ફકત રૂપિયાની ભાષા જ સમજાતી હતી.

‘એક છોકરી...’ એન્ટોનિયો ધારદાર અવાજમાં બોલ્યો : ‘...આપણી બિલ્ડીંગમાં દાખલ થઈ, કૉમ્પ્યુટર રૂમમાં પહોંચી, કૉમ્પ્યુટર સાથે છેડછાડ કરીને પછી ભાગી નીકળી !’ અને એન્ટોનિયોએ કોટના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી : ‘આ કેટલું શરમજનક  કહેવાય ? !’ ‘સૉરી, બૉસ ! પણ હું એને...’ અને ડેની આગળ બોલે એ પહેલાં જ એન્ટોનિયોએ ડેનીની છાતીમાં  રિવૉલ્વરની ગોળી ઉતારી દીધી. ડેનીનો જીવ નીકળી જવાની સાથે જ એ જમીન પર પટકાયો. ધબ્‌ !

બાકીના ચારેય ગાર્ડ શ્વાસ રોકીને ઊભા રહ્યા.

એન્ટોનિયોએ ખિસ્સામાંથી એક કાગળ કાઢયો. એ પોલીસે બહાર પાડેલું ફરમાન હતું. એમાં કલગીનો ફોટો છપાયેલો હતો અને કલગી દેખાતાં જ પોલીસને ખબર કરવાની અપીલ કરવામાં આવી હતી.

એન્ટોનિયોએ સામે ઊભેલા ચાર ગાર્ડમાથી ડેની પછીના ગાર્ડ લુકાસને એ ચોપાનિયું પકડાવતાં

કાતિલ અવાજે કહ્યું. ‘. પોલીસ આ છોકરી તોરલને પકડી પાડે એ પહેલાં જ એને પકડી પાડો. તોરલ પહેલું કામ કૉમ્પ્યુટર પરથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કરશે. તમારે એને પકડીને. ’

‘...એને ખતમ કરી નાંખવાની છે ને, બૉસ !’

‘ના !’ એન્ટોનિયોએ કહ્યું :

‘..એને તમારે જીવતી જ પકડી લાવીને મારા હાથમાં સોંપવાની છે !’

( વધુ આવતા અંકે )