મહોરું - 6 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહોરું - 6

( પ્રકરણ : ૬ )

કલગીને મદદ કરનાર ટૅકસી ડ્રાઈવર ઓમરના લમણે કોઈએ રિવૉલ્વરની ગોળી મારી દીધી હતી અને અત્યારે ઓમરની લાશનું માથું કલગીના ખોળામાં પડયું હતું, એ ભયંકર હકીકતના આઘાતમાંથી કલગી હજુ તો બહાર આવી નહોતી, ત્યાં જ અત્યારે કલગીને રિવૉલ્વરની ગોળી છૂટવાના અવાજની સાથે જ ટૅકસીનો પાછળનો કાચ ફૂટવાનો અવાજ સંભળાયો. કલગીએ ચહેરો ફેરવીને પાછળ જોયું તો ટૅકસીના પાછળના કાચની કરચો ઊડતી દેખાઈ. તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ ચહેરામાં કાચની કરચો ઘૂસી જવાના ભયથી તેનો ચહેરો આગળની તરફ ફરી ગયો. આ જ પળે બીજી ગોળી છૂટવાના અવાજની સાથે જ કારનો આગળનો કાચ ફૂટયો. તેણે પાછું વળીને જોયું, તો થોડાં પગલાં દૂર ઊભેલો એક અજાણ્યો આદમી તેની તરફ રિવૉલ્વરની ગોળી છોડી રહ્યો હતો.

તે વાંકી વળી અને પોતાના ખોળામાંથી ઓમરની લાશનું માથું હટાવ્યું. તે ટૅકસીની બહાર નીકળી અને ટૅકસીની ઓથમાં જ રહીને-વાંકી વળેલી હાલતમાં આગળની તરફ દોડી.

થોડેક આગળ ઊભેલી વૅન પાસે પહોંચતાં કલગીએે જોયું તો પેલો આદમી રિવૉલ્વરની ગોળી છોડતાં તેની તરફ આવી રહ્યો હતો. કલગીએ જોયું તો વેનમાં ચાવી ભેરવેલી હતી. તે પળનો પણ સમય વેડફયા વિના વેનમાં બેઠી અને તેણે વેન ચાલુ કરી, ત્યાં જ એ આદમીએ તેની તરફ બે પગલાં વધુ આગળ વધતાં વધુ એક ગોળી છોડી, પણ ત્યાં તો કલગીએ આંચકા સાથે આગળની તરફ વેન દોડાવી મૂકી.

એ આદમીએે-હુમલાખોરે ગુસ્સામાં ગાળ બકી અને થોડેક દૂર પડેલી કાર તરફ ધસી ગયો.

કલગીએ પાર્કિંગની બહાર વેન કાઢીને રસ્તા પર દોડાવી. તેણે જમણી બાજુ વેન વળાવતાં પાછું વળીને જોયું તો તેને કારમાં પેલો હુમલાખોર પીછો કરતો આવતો દેખાયો. તેણે વેનના એકસીલરેટર પર પગ દબાવ્યો અને વેન પૂરપાટ દોડવા માંડી.

કલગીનો સ્વભાવ પહેલેથી જ મરણિયો હતો. એ કોઈ વાતમાં-કોઈ કામમાં ગભરાઈને પાછી પાની કરતી નહોતી. તેનો એ લડાયક મિજાજ જ અત્યારે તેને આ જીવ સટોસટની પળોમાં બચાવી રહ્યો હતો અને  પોતાનું કલગીના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ ચહેરામાં કાચની કરચો ઘૂસી જવાના ભયથી તેનો ચહેરો આગળની તરફ ફરી ગયો.

જીવન બચાવવા માટે આમ દોડાવી રહ્યો હતો.

અત્યારે કલગીએ વેન દોડાવ્યે રાખતાં પાછળની તરફ જોયું. પેલો હુમલાખોર એ જ રીતના કારમાં તેનો પીછો કરતાં આવી રહ્યો હતો. હુમલાખોરની કાર અને તેની વેન વચ્ચેનું અંતર ઘટતું જતું હતું.

તેણે ડાબી બાજુ વેન વળાવી. એ ગલી નાની અને સૂમસામ હતી. તેની સાથે આ શું બની રહ્યું હતું?! તેને દુબઈમાં આવ્યાને હજુ માંડ થોડાંક કલાકો થયા હતા અને તે પોતાની જિંદગી બચાવવા માટે દુબઈના રસ્તા પર આમ દોડી રહી હતી. અને વળી આની પાછળનું કારણ, આની પાછળનું રહસ્ય પણ તેની સમજમાં આવતુ નહોતું !

ધમ્‌ !

કારમાં તેનો પીછો કરતા આવી રહેલા એ હુમલાખોરે કલગીની વેન સાથે કાર અથડાવી અને કલગીના મોઢામાંથી જોરથી સવાલ સરી પડયો : ‘. શું જોઈએ છે, તને મારી પાસેથી !’ 

ધમ્‌ !

કલગીનો અવાજ વેન અને કારની અથડામણમાં કયાં એ હુમલાખોર સુધી પહોંચવાનો હતો અને એ હુમલાખોર એને જવાબ આપવા રોકાય એવો પણ કયાં લાગતો હતો ! એણે તો કલગી તરફ સીધી ગોળીઓ જ છોડવા માંડી હતી ને !

ધમ્‌ !

ત્રીજીવાર એ હુમલાખોરે તેની વેન સાથે પોતાની કાર અથડાવી ને વેનની પાછળનો ભાગ ખૂલી ગયો અને વેનમાં પડેલું ગેસનું સિલીન્ડર નીચે સડક પર, પાછળ આવી રહેલી એ હુમલાખોરની કારની આગળ પડયું ને કાર સાથે એટલી જોરથી અથડાયું કે હુમલાખોરની કાર આડી- અવળી થઈ અને ડાબી બાજુની દીવાલ સાથે જોરથી અફળાઈ.

અત્યાર સુધીમાં વેનમાં એ હુમલાખોરની કારથી થોડેક આગળ સુધી પહોંચી ગયેલી કલગીએ પાછું વળીને જોયું. હુમલાખોરની કારને અથડાયેલી જોઈને તેના ચહેરા પર રાહત આવી અને તેણે ફરી આગળ જોયું, તો તેના ચહેરા પર ગભરાટ આવી ગયો. આગળ આવેલા ચાર રસ્તા પર, જમણી બાજુના રસ્તેથી નીકળીને ડાબી બાજુની ગલી તરફ જઈ રહેલી એક મોટરસાઈકલ તેની વેનની બરાબર સામે આવી ગઈ. તેની વેનને મોટરસાઈકલ સાથે અથડાતી બચાવવા માટે કલગીએ છેલ્લી પળે વેનને જમણી બાજુ વળાવી દીધી. મોટરસાઈકલવાળો તો બચી ગયો પણ કલગીની વેન જમણી બાજુની દીવાલ સાથે ટકરાઈ ગઈ. ભમ્‌ ! જોરદાર અવાજ થયો. કલગી હચમચી ગઈ. તે વેનની બહાર નીકળી, તો થોડેક પાછળ અથડાયેલી પડેલી કારમાંથી બહાર નીકળી આવેલો પેલો હુમલાખોર તેની તરફ દોડી આવી રહ્યો હતો.

કલગી દોડી અને જમણી બાજુની જે ગલીમાંથી મોટર-સાઈકલવાળો બહાર નીકળી આવ્યો હતો એ ગલીમાં વળી તો એ ગલીમાં માર્કેટ ભરાયેલુ હતું અને લોકોની ભીડ લાગેલી હતી. કલગી એ ભીડમાં દાખલ થઈ અને ‘હટો-હટો !’ બોલતાં દોડવા માંડી.

આની પાંચમી પળે જ એ હુમલાખોર પણ એ ભીડમાં દાખલ થયો અને બધાં વચ્ચે રસ્તો કરતો કલગી પાછળ દોડવા માંડયો.

એ હુમલાખોરે કાળું પેન્ટ અને લેધરનું કાળું જેકેટ પહેર્યું હતું. અત્યારે એણે પોતાના જેકેટમાં રિવૉલ્વર મૂકી દીધી હતી, પણ કલગી સીધી જ એેના નિશાનમાં આવે તો રિવૉલ્વર કાઢીને ગોળી છોડી દેવાની એની પૂરી તૈયારી હતી.

હુમલાખોર ભીડમાં રસ્તો કરતો કલગીની પાછળ દોડી રહ્યો હતો, પણ વચ્ચે આવી રહેલા લોકોને લીધે એ કલગી સુધી પહોંચી શકતો નહોતો.

થોડાંક પગલાં આગળ દોડી જઈ રહેલી કલગી જમણી બાજુ આવેલા મોલમાં દાખલ થઈ જતી દેખાઈ એટલે એ હુમલાખોર વધુ ઝડપે ભીડમાંથી રસ્તો કરતો મોલ પાસે પહોંચ્યો. મોલમાં દાખલ થતાં એણે ઝડપી નજર ફેરવી અને એની મોટી કાતિલ આંખો ઝીણી થઈ. કલગી દેખાઈ નહિ. આ મોલ વિશાળ હતો અને અલગ-અલગ વસ્તુઓથી ભરાયેલા ઊંચા-ઊંચા રેન્ક આજુબાજુ ગોઠવાયેલા હતા. એ રેન્કમાંથી કોની પાછળ કલગી સરકી ગઈ હતી, એ સમજી શકાય એમ નહોતું. છતાંય એ જમણી બાજુના પહેલા રેન્ક પાછળ સરકયો. એણે એ બાજુના રેન્ક પાછળ જોયું તો એક યુવતી વસ્તુઓ લેતી દેખાઈ પણ કલગી નજરે ચઢી નહિ.

હુમલાખોરે કલગીની શોધ ચાલુ રાખી, પણ એને ખ્યાલ આવી ગયો હતો કે, કલગી એેના હાથમાંથી છટકી ગઈ હતી ! અને કલગીને ખતમ કરવા માટે એને મોકલનાર એના બોસને જવાબ આપવાનું એને માટે ભારે બની જવાનું હતું !!

હુમલાખોર જમણી બાજુના રેન્ક પાછળ આગળ વધ્યો,

ત્યારે અત્યાર સુધીમાં કલગી મોલના બીજા દરવાજામાંથી બહાર નીકળીને આ મોલથી ખાસ્સે દૂર નીકળી ચૂકી હતી.

તે ઝડપભેર ચાલી રહી હતી. તે દુબઈમાં આવીને કેટલી મોટી મુસીબતમાં મુકાઈ હતી ! અચલ સાચું જ કહેતો હતો, દુબઈ સલામત નહોતું. તેના જેવી યુવતી માટે એ જોખમી સાબિત થઈ રહ્યું હતું ! !

સાંજના સાત વાગ્યા હતા. કલગીએ ફરી એકવાર એક બાજુ ઊભી રહીને પોતાના મોબાઈલ ફોન પર અચલનો મોબાઈલ નંબર લગાવ્યો, પણ મોબાઈલ લાગ્યો નહિ.

કલગીએ પેલા હુમલાખોરથી પીછો છોડાવ્યા પછી કંઈ કેટલીય વાર અચલને મોબાઈલ ફોન લગાવ્યો હતો, પણ અચલનો મોબાઈલ લાગ્યો નહોતો. અચલ દિવસે ઘરમાં રહેતો નહોતો છતાંય તેણે બે-ત્રણવાર અચલના ઘરનો ફોન નંબર પણ લગાવ્યો હતો, પણ અચલ મળ્યો નહોતો. અત્યારે સાત વાગ્યા સુધીમાં અચલ ઘરે પહોંચી જ જતો હતો એટલે અત્યારે તો હવે અચલ સાથે તેની વાત થઈ જ જશે એવી આશા સાથે તેણે અચલના ઘરનો ફોન નંબર લગાવ્યો. સામેથી રિંગ વાગવા માંડી એટલે કલગી ઉતાવળા અવાજે બોલી

‘અચલ ! જલદી ફોન ઉઠાવ, અચલ !’ અને મોબાઈલમાં સામેથી રિંગ વાગી અને બીજી જ પળે સામેથી અચલનો એ જ રેકોર્ડ થયેલો અવાજ ફરી સંભળાયો

‘હેલ્લો ! હું અચલ બોલું છું. અત્યારે હું બહાર છું. તમારું નામ અને જે કંઈ મેસેજ હોય એ બીપ‌ના અવાજ પછી કહી દો. થૅન્કયૂ !’ ને બીજી જ પળે સામેથી બીપ્‌ અવાજ સંભળાયો.

‘અચલ !’ કલગીનો અવાજ ગળગળો થઈ ગયો : ‘હું બોલું છું, કલગી ! અહીં હું ખૂબ જ મોટી મુસીબતમાં મુકાઈ છું. તારી વાત સાચી નીકળી. મારી સાથે ખતરનાક રમત રમાઈ છે.

મારો જીવ જોખમમાં છે. મને તારી મદદની ખાસ જરૂર છે. મારો આ મેસેજ મળે કે તુરત જ મને મોબાઈલ કરજે !’ અને કલગીએ નિશ્વાસ સાથે મોબાઈલ કટ્‌ કર્યો. ‘...હું તારી હાલત સમજી શકું છું.’ કલગીના કાને લેડી ડૉકટર બુશરાનો અવાજ પડયો એટલે કલગી ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી.  કલગીની આંખોમાં ગુસ્સો આવી ગયો

‘..શું સમજી શકો છો, તમે?’ કલગી રોષભેર બોલી : ‘ના ! તમને મારી હાલત નહિ સમજાય. તમને ખબર પડે કે તમારું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું તો ?!’ અને કલગીની આંખોમાથી આંસુના બે ટીપાં નીકળી આવ્યાં. કલગીએ તુરત જ એ ટીપાં લુંછી નાખ્યા.

‘તને ફોન પર અચલ મળ્યો નહિ એ પછી શું થયું ? !’ ડૉકટર બુશરાએ કલગીને પૂછયું એટલે કલગીએ બુશરા સામે જોતાં કહ્યું

‘અચલ ફોન પર મળ્યો નહિ એટલે પછી હું મારી હોટલ, હોટલ ખૈબર તરફ આગળ વધી ગઈ.’ અને કલગીની નજર સામે એ વખતનું દૃશ્ય તરવરી ઊઠયું. તે એ રીતના બોલવા માંડી કે ડૉકટર બુશરાની નજર સામે પણ એ દૃશ્ય દેખાવા માંડયું.

કલગી હોટલ ખૈબરથી થોડાક પગલાં દૂર હતી, ત્યાં જ તેના પગ એકદમથી જ આગળ વધતાં રોકાઈ ગયાં.

હોટલ ખૈબરની બહાર પોલીસ ઊભેલી દેખાતી હતી.

કલગીએ રસ્તાની એક બાજુ સરકીને ઊભી રહી જતા હોટલ ખૈબર તરફ ધ્યાનથી જોવા માંડયું. તેની નજર રસ્તા પર પડતા હોટલના તેના રૂમની બારી પર અટકી. એ બારી ખુલ્લી હતી અને અંદર લાઈટો સળગી રહી હતી. બારી પાસે જ એક પોલીસ ઑફિસર ઊભેલો દેખાતો હતો.

‘....તો હામિદે પોલીસને તેના રૂમ સુધી મોકલી દીધી !’ બબડતાં કલગી ઝડપભેર ત્યાંથી પાછી વળી અને ઝડપી પગલે હોટલથી દૂર સરકી.

અનામિકા જે કોઈ પણ હતી, પણ આખરે એ તેની જગ્યાએ ગોઠવાઈને શું કરવા માંગતી હતી ? એ તેને સમજાતું નહોતું. કલગીની નજર સાઈબર કાફે પર પડી અને તે સાઈબર કાફેમાં દાખલ થઈ ગઈ.

તે જમણી બાજુના ખૂણાના ટેબલ સામેના કૉમ્પ્યુટર સામે ગોઠવાઈ. તેણે ઈન્ટરનેટ પર પોતાનું બૅન્ક એકાઉન્ટ ખોલવા માટે કી-બોર્ડના બટનો દબાવવા માંડયા. તેના ખાતામાં ‘સોહા ઈન્ટરનેશનલ’ તરફથી, એના માલિક હામિદે તેના કામના એડવાન્સમાં એક લાખ ડૉલર જમા કરાવ્યા હતા. અનામિકા એ રૂપિયા માટે જ તો આ ખેલ કરી રહી નહોતી ને ! એ તે તપાસવા માંગતી હતી.

અને તેના આશ્ચર્ય વચ્ચે તેનું બૅન્કનું એકાઉન્ટ ખૂલ્યું નહિ.

તે આ વિશે સવાલોના ઘોડા દોડાવતી કૉમ્પ્યુટરની સ્ક્રીન પર તાકી રહી, ત્યાં જ સ્ક્રીન પર તેનો ફોટો ઝળકી ઊઠયો. તે ચોંકી. તેણે પોતાના ફોટા સાથે લખાયેલું લખાણ વાંચ્યું અને તે પગથી માથા સુધી કાંપી ઊઠી-ખળભળી ઊઠી !

પોલીસ તેને સાઈબર હેકર કૉમ્પ્યુટર મારફત ઉઠાંતરી કરનારી અપરાધી માની રહી હતી, અને ટૅકસીવાળો ઓમર હકીકતમાં ટૅકસીવાળો નહિ પણ પોલીસ ડિટેકટીવ હતો અને હવે પોલીસ એવું માની રહી હતી કે, ઓમરનું ખૂન તોરલે, એટલે કે તેણે કર્યું હતું અને ઓમરના ખૂની તરીકે પોલીસ તેને શોધી રહી હતી. પોલીસે આ રીતના ઈન્ટરનેટ પર તેનો ફોટો મૂકવાની સાથે જ લોકોને તેને પકડી પાડવામાં મદદ કરવા માટેની અપીલ કરી હતી.

કલગી કૉમ્પ્યુટર બંધ કરતા ઊભી થઈ અને કાઉન્ટર પર બેઠેલા છોકરાને પૈસા ચૂકવીને બહાર નીકળી ગઈ.

હવે તેનું મગજ બહેર મારી ગયું હતું. તેની સાથે જે કંઈ પણ બન્યું હતું એ ખતરનાક હતું. અનામિકા નામની યુવતી ‘સોહા ઈન્ટરનેશનલ’માં તેની જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી !

તેનું બૅન્કનું એકાઉન્ટ જ ગૂમ થઈ ગયું હતું !!

કોઈ અજાણ્યો આદમી તેને મારી નાંખવા માંગતો હતો !! અને પોલીસ તેને સાઈબર હેકર ગણવાની સાથે જ ‘પોલીસ ડિટેકટિવ ઓમર’ની ખૂની માનીને તેને પકડી પાડવાના પ્રયત્નો કરી રહી હતી !!!

તે પરાયા દેશમાં હતી અને તેના જીવ-જાન પર આવી બની હતી !!!!

તેની સામે અજાણી સડક પથરાયેલી હતી અને તેને કયાં જવું એ સમજમાં આવતું નહોતું. અને ત્યાં જ....

....ત્યાં જ તેને સામે પથરાયેલી સડક પર, થોડેક દૂરથી એક પોલીસ કાર ધસી આવતી દેખાઈ !

( વધુ આવતા અંકે )