Rupen .... books and stories free download online pdf in Gujarati

રૂપેણ....

रूपेण....
🌹🙏🏿🌹

લીલીછમ વનરાઈઓમાં નાચતી કૂદતી રૂપેણ પહાડની ધારે દાંતા ના ડુંગર અને તારંગા ડુંગર એટલે એનું પિયર તેનું ઘર.બાપનું આ દીકરી એકજ સંતાન.લાડકોડ સાથે ઉછેર.ગરીબાઈ ખરી પરંતુ બાપે તેને ગરીબાઈનો 'ગ' પણ કળવા દીધો નહી.ધાંધાર પ્રદેશનું સંતાન અને તેનું વ્હાલા ધોરીની જેમ લાલન પાલન થયું.ઘરનું તમામ કામ તે કરી લેતી,ઢોરને ઘાસ, છાણ પોદડા, વાસીદું કરવું,ચોક વાળવો,ફુલ છોડને પાણી પાવું,તુલસીની પૂજા કરવી.મહાદેવને મંદિર જઈ બીલીપત્ર ચડાવવું.પગમાં પગરખું હોય ના હોય પરંતુ તેની ચાલને કોઈ પહોંચી ના શકે તેવી લટક મટક ચાલ.ગામનાં સૌ જોઈ જ રહેતાં,અંગે ટૂંકો કબજો અને પાની સુધી માંડ પહોંચતો તેનો ઘાઘરો એટલે ગામમાં કોઈ પૂછે એટલે કહી જ દે કે 'રૂપેણ'!
હા રૂપેણ એ વહેતી નદી જેવી.તેના ઉપર ગામના લોકો જેટલો મેલ ધુએ છતાં તે મલિન ના થાય. તેને માટે ક્યારેક કોઈ અણછાજતું બોલે પરંતુ તેનો પ્રત્યતર ખરાબ ના હોય તેવી નમણી નારી જાત એટલે રૂપેણ.રૂપેણ ઘરનું કામ કરતાં કરતાં તે વૃક્ષ જેમ ઊંચી થયે જતી હતી. પહાડની ધારે થી નીચે ઉતરતી હોય ત્યારે વન્ય પ્રાણી તેને ઓળખતાં હોય તેમ રસ્તે આડે ના ઉતરે.વાંદરા હોય કે કૂતરાં હોય કે પક્ષીને તે નિયમિત જે મળે તે ખવડાવતી. ડુંગર ની ધારે તેનું નાનું ખેતર અને તે ખેતરમાં જે કંઈ પાકતું તે તેમાંથી તે પોતાનો હિસ્સો થોડો રાખી બાકી તો વન્ય પ્રાણી રોજડાં, વાંદરા કે અન્ય જંગલી જાનવર ખાઈ જતાં. ડુંગર પર ખેતી કરવી તે ખૂબ કઠિન કામ હતું. ચારે બાજુ વાડ હોવા છતાં ભૂંડ થી માંડી શિયાળવા કંઈ જ રહેવા ના દે. એટલે રૂપેણના બાપાને ના છૂટકે બહાર મજૂરી જવું પડે અને ઘર ગુજરાન તેને આધારે થયા કરતું.
રૂપેણ મોટી થતી ગઈ.રોજના સગાંના સંદેશા આવવા લાગ્યા.કોઈ શહેર થી કોઈ મૉટે ગામડેથી. પરંતુ રૂપેણ મનમાં ગાંઠ વાળી બેઠી હતી કે મારે લગ્ન કરવાં જ નથી.તેના બાપાને તે કહેતી.બાપા મને પરણાવશો તો તમારો આ ડુંગર ઉજ્જડ થઇ જશે.બાપ કહેતો બેટા ! જગતની પ્રણાલી છે કે સમય આવ્યે દીકરી પરણાવવા લાયક થાય એટલે પરણાવી સાસરે વળાવવી પડે.ગામના બધાજ વડીલો મને કહે છે કે તારી દીકરી ને હજુ ઘરમાં કેમ સંઘરી બેઠો છે? તો મારે શું જવાબ આપવો કે બેટા.તારી બા ને તારા ગયા પછી ખૂબ તકલીફ પડશે.કેમકે તારે ભાઈ નથી.તો વહુ પણ ના હોય. તું જ અમારી આશા છે.પરંતુ બાપ ને ભલે કષ્ટ પડે તારી બા ને ભલે આ ઉંમરે ઘરનું બધું કામ કરવું પડે,છતાં મારે તો તને સાસરે મોકલવીજ પડે.
રૂપેણ,દલીલ કર્યાં વગર ચૂપ રહેતી. શું કરવું શું ના કરવું, તેવા ઘોર રાત્રીના શિયાળ બોલે,વાઘ,વરૂ બોલે તેમ તેની વિચારધારા અને પહાડી પ્રદેશની નીરવ શાંતિ તેને બિહામણી લાગવા માંડી. તેને તેનાં બા - બાપુજીને એકલા મુકી ભાગી જવાનું પસંદ નહોતું.ભાગીને લગ્ન કરવાનો વિચાર કર્યોજ ન્હોતો.પરણવું જ નથી તેવા મનના નિર્ધાર હતા. શું કરું.... તેવા વિચાર તંદ્રામાં તે આખી રાત ઊંઘી શકી નહી.સવારે ઊઠીને તે તેનું કામ પતાવી.ઓટલે બેઠી હતી.ઝરમર વરસાદ ચાલુ હતો.ઝરણાં ધીમે ધીમે ચાલુ થઇ ગયાં હતાં. બધાંજ પશુ પક્ષી પોતપોતાના માળામાં ભરાઈ ને બેઠાં હતાં.વરસાદ ની ઝડપ વધી.તેમ રૂપેણના વિચારોમાં ગતિ આવી.
તે ઉભી થઇ.ધીરે ધીરે ભીને વાને પગદંડીના વળાંકે વાંકી વળી પોતાના બાપ ને તેની જનેતાને પગે લાગી.બોલી :બાપા! તમેં કહો છો કે સમય આવ્યે દીકરીએ સાસરે જવું પડે.દીકરી ઘરમાં ના શોભે.દીકરી પારકી થાપણ કહેવાય,દીકરી તો સાસરે જ શોભે,આ બધું હવે તમારે નહી સાંભળવું પડે... કેમકે હું મારી સાસરીની શોધમાં જતે જ વહી જવા ઉતાવળી થઇ છું.મારે માટે વનના મોરલા,મારે માટે વનનાં પંખી,મારે માટે વનનાં આ ઝાડવાં આ ડુંગરા મને વિદાય ગીત સંભળાવી રહ્યાં છે.મારો સમય થયો છે.હું આ ડુંગર છોડીને નીચે ખુલ્લી ધરતીમાં મારું સાસરું શોધવા જાઉં છું.જો નહી મળે તો મારું અસ્તિત્વ આ ધરતીમાં સમાવી દઈશ.મારા થકી કેટલાંના ઉદ્ધાર થતા હોય તો મારે હવે અહીં ટકવું નથી. આ ડુંગરમાં આવતું ટીપું મને તમારી યાદ અપાવશે.હું જયાં જઈશ ત્યાં આ ડુંગરેથી આવતું પાણી પીશ અને જયાં જઈશ ત્યાં ધરતી પાવન કરતી જઈશ.તેવામાં મને કોઈ સમજનાર મળી જશે તો હું પરણી જઈશ.બાપા મને રજા આપૉ... તમેં નહી આપૉ તોય હું હવે જાઉં છું. આ પંખી,વનચર,જલચર,વિહગનું ધ્યાન રાખજો.
રૂપેણ... રૂપેણ..... રૂપેણ...! ના..જા.. ના.. જા! ના રુદન સાથે માં બાપે દીકરીની નિષ્ઠા આગળ નમતું જોખી ભારે હૈયે વિદાય આપી.
વરસાદનું તાંડવઃ વધવા લાગ્યું.ઝરણાંનો નાદ અને બાપનો સાદ ભારે હૈયે કાનની અંદર સમાવી રૂપેણ ભાર હૈયે..તારંગા,ડાવોલ,ડાલીસણા,ખેરાલુ,સુંઢિયા,ઊંઝા,પાંચોટ,મોઢેરા,શંખેશ્વર થઇ ગામડે ગામડે પતિની શોધમાં તે કચ્છના નાના રણમાં અલોપ થઇ ગઈ.રણમાં આજે પણ પોતાનું સાસરું શોધતી રૂપેણ કયાં ખોવાઈ ગઈ છે,તે કોઈને ખબર નથી.આજે પણ હજુ કુંવારી છે.તેનો રત્નાકર તેનું ક્યારે પાણી ગ્રહણ કરશે તે તો સમય કહેશે.
(આ નદી પરમાર્થ માટે કુંવારી રહી છે )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED