Abhishek books and stories free download online pdf in Gujarati

અભિષેક

અભિષેક
*******

" મારે અભિષેક ત્રિપાઠીને મળવું છે. આ બ્લોકનું બીજા માળે રૂમ નંબર ૬ નું એડ્રેસ મને આપેલું છે. " અદિતિ વ્યાસ એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના સિક્યુરિટી સાથે વાત કરી રહી હતી.

"તમે અંદર ના જઇ શકો મેડમ. આ બોયઝ હોસ્ટેલ છે. ગર્લ્સને અંદર પ્રવેશ નથી. " ચોકીદાર બોલ્યો.

" મારે અર્જન્ટ મળવું જરૂરી છે. એવું હોય તો તમે એમને નીચે બોલાવો. " અદિતિ બોલી.

"અત્યારે બધા સ્ટુડન્ટ ક્લાસમાં ગયેલા છે. સાંજે પાંચ વાગ્યે ક્લાસ છૂટે પછી તમે બહાર મળી શકશો. " ચોકીદાર બોલ્યો.

અત્યારે હજુ સવા ચાર વાગ્યા હતા. હજુ પોણા કલાકની વાર હતી. સમય કેવી રીતે પસાર કરવો ?

એણે હોસ્પિટલમાં એક ચક્કર માર્યું. જુદા જુદા વોર્ડમાં ફરી. એ પોતે પણ નર્સિંગનો અભ્યાસ કરતી હતી. એટલે હોસ્પિટલ સાથે એક પ્રકારની માયા બંધાઈ ગયેલી. ભવિષ્યમાં પોતે પણ આવી જ એક નર્સ બનીને વોર્ડમાં દોડાદોડી કરતી હશે ! પતિ અભિષેક એક ડોક્ટર અને હું નર્સ !!

પોતે પણ અભિષેકની જેમ એક બ્રાહ્મણ કન્યા હતી. પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતાની ઈચ્છા તો એને ડોક્ટર બનાવવાની જ હતી પરંતુ એ ૧૦મા ધોરણમાં હતી અને પિતાનો જીવનદીપ બુઝાઇ ગયો. ૧૨મામાં સારું રિઝલ્ટ આવ્યું તો પણ આર્થિક મુશ્કેલીઓના કારણે એણે છેવટે નર્સિંગનો કોર્સ કરવાનું વિચાર્યું.

અભિષેક ત્રિપાઠીના ગળાબૂડ પ્રેમમાં એ પડી ગઈ હતી. પરિચય પણ કેવા વિચિત્ર સંજોગોમાં થયો હતો !! દસેક મહિના પહેલાં એની એક જૂની ફ્રેન્ડ તાન્યાના લગ્નના સમાચાર એને મળેલા. એની ડાયરીમાં તાન્યાનો એક એક જૂનો નંબર લખેલો હતો. એના ઉપર એણે વોટ્સએપ મેસેજ મોકલ્યો અને એ મેસેજ પહોંચી ગયો અભિષેકના મોબાઈલમાં.

હકીકતમાં તાન્યાનો એ જૂનો નંબર કપાઈ ગયો હતો અને એક વર્ષથી એ નંબર અભિષેકની પાસે આવી ગયો હતો !! મોબાઈલના નંબરોમાં આવું બનતું જ હોય છે.

અને પોતે ત્યારે તાન્યાને મેસેજ પણ કેવો કરેલો !!

" કોન્ગ્રેચ્યુલેશન તાન્યા ! તારા મેરેજ નક્કી થઈ ગયા જાણીને ખૂબ જ ખુશી થઈ ! ભગવાન જાણે મારા જીવનમાં પણ કોઈ રાજકુમાર આવશે કે નહીં !! કે પછી આમ જ નર્સિંગની જિંદગીમાં કુંવારા જ રહેવાનું લખેલું છે. ! "

તાન્યા તરફથી થોડીવાર સુધી તો કોઈ જવાબ ના આવ્યો. પરંતુ રાત્રે એ જ નંબર ઉપરથી એક મેસેજ આવ્યો.

" સોરી મેડમ તમારું નામ જે હોય તે. તમે મને રોંગ મેસેજ કરેલો છે. "

" ઓહ સોરી. હું સુરતથી અદિતિ વ્યાસ. તમે કોણ ? "

" ઈટ્સ ઓકે. હું બરોડાથી અભિષેક ત્રિપાઠી. મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ છું. ગુડ નાઈટ. "

" ગુડ નાઈટ. " અને વાર્તાલાપ પતી ગયો.

બીજા દિવસે રાત્રે ફરી પાછો અભિષેક નો મેસેજ આવ્યો.

" અદિતિ તમે કોઈ તાન્યાને કરેલો તમારો મેસેજ મેં બે થી ત્રણ વાર વાંચ્યો છે. મોબાઈલ નામના કબૂતરે ભલે ભૂલ કરી પણ મેસેજ વાંચીને તમારી સાથે ફ્રેન્ડશિપ કરવાનું મન થયું છે જો તમને વાંધો ના હોય તો !! હું એમબીબીએસના છેલ્લા વર્ષમાં છું."

અને અભિષેકના આ પ્રસ્તાવને પોતે હૈયાના ઉમળકાથી વધાવી લીધેલો. નિયતીની જ કદાચ આ ઈચ્છા હશે તો એને સ્વીકારી લેવી જ સારી. મૈત્રીનો એ સંબંધ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો એ બંનેમાંથી કોઈને ખબર ના પડી.

બંનેએ એકબીજાને જોયા ન હતા. માત્ર ફોટોગ્રાફ્સનું આદાન પ્રદાન થતું રહ્યું. એકબીજાને પરણવાના કોલ પણ આપી દીધા. ૧૦ મહિનાના આવા પ્રેમાળ સંબંધો ઉપર અચાનક એક મહિના પહેલા બ્રેક લાગી. અભિષેકે એને બ્લોક કરી દીધી.

અભિષેકનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. એણે એની ફ્રેન્ડના મોબાઈલ ઉપરથી પણ એકવાર એને વોટ્સએપ મેસેજ કરેલો પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. અદિતિ ખરેખર ચિંતામાં પડી ગઈ હતી. અભિષેકે મને અચાનક બ્લોક કેમ કરી હશે ?

એક અઠવાડિયાના મનોમંથન પછી એણે જાતે બરોડા તપાસ કરવાનું નક્કી કર્યું. અભિષેકે પોતાનું એડ્રેસ આ હોસ્ટેલનું જ લખાવ્યું હતું.

પાંચ વાગે ક્લાસ છૂટ્યો એટલે અદિતિ હોસ્પિટલમાંથી બહાર આવી અને ફરી પાછી બોયઝ હોસ્ટેલ પાસે ગઈ.

" તમે અભિષેક ત્રિપાઠીને નીચે બોલાવો ને ? " અદિતિએ ચોકીદારને કહ્યું.

" ઓકે. તમે અહીંયા જ ઊભાં રહેજો મેડમ. " કહીને ચોકીદાર ઉપર બીજા માળે ગયો અને અભિષેકને બોલાવી લાવ્યો.

" આ મેડમ તમને મળવા માંગે છે. " ચોકીદાર બોલ્યો.

" અરે પણ આ અભિષેક ત્રિપાઠી નથી. તમે કોને બોલાવી લાવ્યા ? " અદિતિ અભિષેકને જોઈને બોલી.

" મેડમ હું પોતે જ અભિષેક ત્રિપાઠી છું. તમે ક્યાંથી આવો છો ? " અભિષેક આ યુવાન રૂપસુંદરીને જોઈ જ રહ્યો.

" હું અદિતિ વ્યાસ સુરતથી આવું છું." અદિતિ બોલી.

હવે અભિષેકને ખ્યાલ આવી ગયો. એ અદિતિને ઓળખી ગયો.

" આવો આપણે કેન્ટીનમાં બેસીએ. હું બધી જ વાત તમને કરું છું. પ્લીઝ " અભિષેકે નમ્રતાપૂર્વક આગ્રહ કર્યો.

અદિતિનું મગજ બહેર મારી ગયું હતું. એને કંઈ સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે ! એ પેલા અજાણ્યા યુવાનની પાછળ કોલેજ કેન્ટીનમાં ગઈ.

" જુઓ અદિતિ. મારી વાત શાંતિથી ધ્યાનથી સાંભળો. અભિષેક ત્રિપાઠી મારું જ નામ છે. મારા જ આ મોબાઈલ ઉપરથી ચિંતન મહેતા તમારી સાથે ચેટિંગ કરતો હતો અને વોટસએપ કોલથી વાતો પણ કરતો હતો. " અભિષેક બોલ્યો.

" તમારો પહેલી વાર મેસેજ આવ્યો ત્યારે એ રાત્રે તો મેં જ જવાબ આપેલો. ચિંતન મારો રૂમ પાર્ટનર હતો. એણે તમારો મેસેજ બે થી ત્રણ વાર વાંચ્યો. તમે તમારા લગ્ન માટે ચિંતિત હતા અને ડીપી માં તમારો ફોટો પણ એને પાગલ કરી ગયો. એને તમારામાં રસ પડ્યો. "

" ચિંતને મને કહ્યું કે હું અદિતિને પ્રપોઝ કરું છું. જો એ હા પાડે તો ઠીક છે નહીં તો ભૂલી જવાનું. કોશિશ કરવામાં શું વાંધો ? "

" મેં એને ના પાડી કે કોઈ અજાણી છોકરી આ રીતે તારી ફ્રેન્ડશીપ નહીં સ્વીકારે. પણ મારા આશ્ચર્ય વચ્ચે તમે એની મૈત્રીનો સ્વીકાર કર્યો એટલે પછી મારા જ વોટ્સએપ ઉપર એણે ચેટીંગ ચાલુ રાખ્યું. મેં એને કહ્યું કે તારા મોબાઇલ ઉપર જ તું હવે વાત કર પણ એ બોલ્યો કે તારો મોબાઈલ મારા માટે લકી છે. તારા આ નંબર થી જ મને અદિતિ મળી છે." અભિષેક બોલતો ગયો.

" એ મારો ખાસ મિત્ર હતો એટલે એની ખુશી ખાતર હું એને મારો મોબાઈલ રાત્રે આપી દેતો. મોડે સુધી તમે લોકો ચેટિંગ કરતાં. એક મહિના પહેલાં જ એનો અચાનક એક્સિડન્ટ થઈ ગયો. બાઈક સ્લીપ થઈ ગયું. આ દુઃખદ ઘટના હું તમને જણાવી શક્યો નહીં. " અભિષેક બોલ્યો.

" એના અકસ્માત મૃત્યુ પછી ત્રણ દિવસ સુધી તમારી સાથે એના નામે મેં જ ચેટિંગ કરેલું. તમને યાદ હોય તો મેં છેલ્લે લખેલું કે અચાનક મારું મૃત્યુ થઈ જાય તો તું શું કરીશ ? તમે લખેલું કે હું અભિષેકની બની ચૂકી છું. હું છું ત્યાં સુધી અભિષેકનો વાળ પણ વાંકો નહીં થાય."

" બસ તમારા આ શબ્દો વાંચીને હું ખૂબ જ લાગણીવશ થઈ ગયો અને મેં તમારો નંબર બ્લોક કરી દીધો. તમારી સાથે ચેટિંગ ચાલુ રાખીને હું પ્રેમની રમત ના રમી શકું. " અભિષેક નિખાલસતાથી બોલ્યો.

અદિતિને અભિષેકની આ પ્રમાણિકતા સ્પર્શી ગઈ. આમ જોવા જઈએ તો એણે પ્રેમ તો અભિષેકને જ કર્યો હતો !! એ કંઈ બોલી નહીં. એની આંખો ભીની થઈ ગઈ હતી.

" આ બધું સાંભળ્યા પછી મારી તમારા માટે કોઈ જ ફરિયાદ નથી. મને કંઈ સમજાતું નથી કે હવે મારે શું કરવું ? હું એક ડોક્ટરની પત્ની બનવાનાં સપનાં જોઈ રહી હતી ! " અદિતિ બોલી.

" એક વાત કહું ? ખોટું ના લગાડો તો. હું પણ એમબીબીએસમાં છેલ્લા વરસમાં છું. નાનપણમાં જ મમ્મી ગુમાવી ચુક્યો છું. ચિંતન તમારાં બહુ જ વખાણ કરતો હતો. તમને જો વાંધો ના હોય તો સાચો અભિષેક અને અદિતિ એક ના થઈ શકે ? " અભિષેક બોલ્યો.

" હમ્... મને આ આઘાતમાંથી બહાર આવવા દો અભિ !! નંબર તો મારી પાસે છે જ. મારા જવાબની રાહ જો જો. " કહીને અદિતિ ઉભી થઇ ગઈ અને સડસડાટ બહાર નીકળી ગઈ.

લગભગ એક મહિના પછી અભિષેકના મોબાઈલ ઉપર અદિતિનો વોટ્સએપ મેસેજ આવ્યો.

" અદિતિએ તો અભિષેકને જ પ્રેમ કર્યો હતો. મારા નસીબમાં વિધાતાએ જે નામ લખ્યું છે એને હું કઈ રીતે બદલી શકું ? અભિષેક ઉપર જ મારા પ્રેમનો અભિષેક ચાલુ રહેશે અભિ. ... હવે તમારી અદિતિ "

અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED