Just think books and stories free download online pdf in Gujarati

જરા વિચારો

આજના પ્રવર્તમાન સમય ની મોટા માં મોટી ફરિયાદ છે કે આજના યુવાનો બગડ્યા છે. આજે વિભક્ત કુટુંબો વધતા જાય છે. સંયુક્ત કુટુંબમાં રહેવું કોઈ ને ગમતું નથી.
દરેક ને પોતાની સ્વતંત્ર લાઈફ જીવવી છે. પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે અને આજનો યુવાવર્ગ આ સ્વચ્છંદતા ને સ્વતંત્રતા નું નામ આપી સ્વચ્છંદ બની રહ્યો છે. એ આ ભેદરેખા ને ક્યારે ઓળંગી જાય છે એ પોતે પણ જાણી કે સમજી શકતા નથી. પહેલાં ના યુવાવર્ગ માં જે સહનશક્તિ જે માન મર્યાદા હતા તે આજના યુવાવર્ગ માં જોવા મળતા નથી.
આજે આપણા દરેક ની આ ફરિયાદ છે કે આજની પેઢી બગડી છે. આજનો યુવાવર્ગ દિશાહીન બન્યો છે. પરંતુ ક્યારેય કોઈએ એના વિશે ગંભીરતાથી વિચાર કર્યો છે ખરો? કે આની પાછળ ક્યાંક આપણે મા-બાપ જ જવાબદાર તો નથી ને? ગૌર કરજો મિત્રો ક્યારેક આપણા હાથમાંથી વાસણ પડી જાય ત્યારે આપણે એ વાસણ પર તરત જ આપણો હાથ મૂકી દઈએ છીએ અને એ અવાજ કરતું વાસણ અચાનક તરત જ શાંત થઈ જાય છે. આ નિર્જીવ વાસણ ને પણ જો માત્ર સ્પર્શ કરવાથી એ શાંત થઈ જતું હોય તો શું જીવતા જાગતા મનુષ્યના માથા પર પ્રેમ થી હાથ ફેરવીએ તો એ શાંત ન થાય?? પ્રેમાળ સ્પર્શ તો ભલભલાને પીગળાવી- બદલી દે છે પણ આજે હાથ ફેરવવાની ફૂરસદ છે કોની પાસે? દરેક ને બસ માત્ર ને માત્ર ફરિયાદ કરવી છે. મારે દરેક વડીલને દરેક મા-બાપ ને એક પ્રશ્ન પૂછવો છે કે ચોવીસ કલાકમાં થી કેટલા કલાક - કેટલી મિનિટ તમે તમારા બાળક સાથે પસાર કરો છો? એને પ્રેમ થી સ્પર્શ કરો છો? એની સાથે વાત કરો છો? પછી એ સંતાન ચાહે ગમે તેટલા મોટા કે પરણેલા કેમ ન હોય સંતાન સંતાન છે અને એ તમામ ઉમ્ર- ઉમ્રભર પોતાના માતા- પિતા નો પ્રેમાળ સ્પર્શ ઝંખે છે. આજે દરેક ને સંતાનો જોઈએ છે રામ અને ક્રિષ્ન જેવા કે શિવાજી જેવા પણ ક્યારેય એ વિચાર કર્યો છે કે શું આપણે દશરથ જેવા કે વાસુદેવ કે જીજાબાઈ જેવા છીએ ખરા? કૃષ્ણ ને મેળવવા હોય તો દેવકી અને વાસુદેવ જેવી સહનશીલતા જોઈએ, જશોદા અને નંદબાબા જેવો પ્રેમમય ભાવ જોઈએ. પ્રેમ પામતાં પહેલાં પ્રેમાળ બનવું પડે. ઉત્તમ સંતાનો પ્રાપ્ત કરવા હોય તો પ્રથમ આપણે ઉત્તમ બનવું પડશે. અગર સંતાનો માં કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય ભાવના જગાવવી હશે તો એની શરૂઆત નાનપણથી કરવી પડશે કારણ વિકાસ બીજ નો થાય . સાંભળશે એ કદાચ એ નહીં શીખે પણ જોયેલું બાળક તરત જ શીખી જાય છે. અગર કૌટુંબિક ભાવના જગાવવી હશે તો પહેલાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેવું પડશે, મા- બાપ ની સેવા કરશો તો બાળક કાલે તમારી સેવા કરશે. એને સમાજના દરેક નાના મોટા કાર્ય માં ઉજવણી માં લઈ જઈશું તો એને સમાજમાં ભળવું ગમશે.
દીકરો જ્યારે લગ્ન કરી ને આવે ત્યારે આપણે વહુમાં દીકરી ના દર્શન કરવા જોઈએ. આપણા વડીલો એ વહુ માટે પુત્રવધૂ શબ્દ પ્રયોજ્યો છે. પુત્રવધૂ એટલે જે પુત્ર કરતાં પણ વિશેષ સાચવનાર છે અને એને આપણે પારકી જણી કહીને કચ- કચ કરીએ તે કેટલા અંશે યોગ્ય છે? આપણે જો તેની સાથે પારકી જણી જેવો વ્યવહાર રાખીશું તો એ ક્યાંથી આપણને પોતાના સમજશે? દીકરી અને વહુ માં ક્યારેય ભેદ ન રાખવો જોઈએ ઉલટાનું દીકરી કરતાં વહુ ને સવાઈ રાખો કારણ કે જિંદગી આખી એ જ આપણને સાચવવાની છે. સાસુ વહુ ને કચ- કચ કરે પછી વહુ દીકરાને ફરિયાદ કરે અને દીકરો અજાણપણે મા- બાપ થી અલિપ્ત થઈ જાય છે અને આખરે કુટુંબ વિભક્ત થાય છે.
આપણે ત્યાં કહેવત છે કે ' પુત્ર કપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય ' પરંતુ અત્યારે ઘણી વાર ઘણી જગ્યાએ આનાથી ઉલટું જોવા મળે છે કે ' માવતર કમાવતર થાય પણ પુત્ર કપુત્ર ન થાય ' . ઘણા વડીલો એટલી હદે બાળકો ઉપર ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરે છે- જોહુકમી ચલાવે છે જેને કારણે સંતાનો ને સહન કરવાનો વારો આવે છે. આપણે દરેકે સમજી વિચારીને યુવાનો સાથે સાયુજ્ય સાધવું પડશે. અગર આપણે ઈચ્છીએ છીએ કે આપણા સંતાનો અને આપણી વચ્ચે જનરેશન ગેપ ન રહે તો પરિવર્તન ની તૈયારી મા- બાપે પણ રાખવી પડશે અને બે પેઢી વચ્ચે સેતુ રચવાનો એક માત્ર ઉપાય સંવાદ છે. એકબીજા ના મન ને જાણો - સંવાદ કરો, દિલ ની વાત દિલ ખોલીને કરો તો શબ્દો ના મહાસાગર પર લાગણી નો સેતુ રચાઈ જશે.
માણસ જાગશે તો માણસાઈ જાગશે
મા-બાપ ના સંસ્કાર સંતાનો પામશે
માત્ર ફરિયાદ કરવાથી કંઈ નહીં વળે
જાત બદલશો તો સમાજ બદલાશે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED