Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 5 - (એક દિલચસ્પ પ્રેમકથા)

ઈશીતા અર્જુનની રાહ જોતી બહાર ગેટ પાસે જ ઉભી રહી ગઈ. અર્જુન અને ઈશીતા બંને બાજુ બાજુમાં જ રહેતાં હતાં, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતાં એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતાં અને ઘરે જતાં.

સાન્વી બસમાં કોલેજ આવતી એટલે વેદાંશ તેની બાજુમાં આવીને ઉભો રહ્યો અને તેને પૂછવા લાગ્યો કે," તને ડ્રોપ કરી જવું ઘરે ? " અને સાન્વીએ પોતાનું માથું નકારમાં જ ધુણાવ્યું અને વેદાંશના ગયા પછી ઈશીતાને પૂછવા લાગી કે, "આ કોલેજમાં રોજ આવું જ હોય છે કે પછી ભણવાનું પણ ચાલે છે ? નહિતર હું તો વિચારું છું કે કોલેજ ચેન્જ કરી દઉં."

ઈશીતા: ના ના, એવું કંઈ નથી એ તો જુનિયર્સનું રેગીંગ લેવું એ તો આ કોલેજની વર્ષો જૂની પરંપરા છે. બાકી આપણી કોલેજનો ભણવામાં, સ્પોર્ટ્સમાં, ગરબામાં દરેકમાં ફર્સ્ટ નંબર આવે છે.

ઈશીતાના કોલેજ વિશેના રીવ્યુ પછી સાન્વીને તેની વાત ઉપર વિશ્વાસ તો બેઠો અને તેણે વિચાર્યું કે કોલેજની તો પપ્પાએ પણ તપાસ કરી હતી એટલે સારી તો હશે જ હવે સ્ટડી શરૂ થાય પછી કંઈક ખબર પડે અને કોલેજ બદલવાનો પોતાનો નિર્ણય હાલ પૂરતો તેણે મોકુફ રાખ્યો.

બીજે દિવસથી કોલેજમાં ભણવાનું બરાબર શરૂ થઈ ગયું હતું સાન્વીને એક સબ્જેક્ટમાં થોડી ઓછી ખબર
પડતી હતી એટલે તેણે ઈશીતાને શીખવવા માટે કહ્યું. એટલે ઈશીતા તેને કહે છે કે, "મારા કરતાં આ સબ્જેક્ટ વેદાંશને વધારે ફાવે છે તો તે તને શીખવાડે તો તને વાંધો તો નથી ને ?"

સાન્વી: ના, કંઇ વાંધો નથી.

અને પછીના દિવસે ઈશીતાના ઘરે બધા ભેગા થાય છે અને સાન્વીને પણ ત્યાં જ બોલાવે છે. વેદાંશને તો, "ભાવતું'તું ને વૈદ્યે કીધું." તે સમયસર ઈશીતાના ઘરે પહોંચી જાય છે. અને બધા સાન્વીની રાહ જોતાં બેઠાં હોય છે. એટલામાં સાન્વીને તેના પપ્પા ડ્રોપ કરી જાય છે.

રાત્રે મોડા સુધી ઈશીતાને ઘરે બધા રોકાય છે. વેદાંશને ઈશીતાને કહેવું છે કે, "હું તને પસંદ કરું છું" પણ યોગ્ય સમયની રાહ જુએ છે.

સાન્વી બસમાં કોલેજ આવતી એટલે વેદાંશ તેને રોજ પૂછતો કે, "તને ડ્રોપ કરી જવું ઘરે ?" અને સાન્વી રોજ સ્માઈલ સાથે "ના" પાડતી.

વેદાંશ વિચારતો કે ક્યારે સાન્વી મારા બાઇકની સીટ પાછળ બેસશે. તે ઈશીતાને કહ્યા કરતો કે,"સાન્વીને મારા માટે પૂછ ને" અને ઈશીતા, "શટઅપ યાર, એનું નામ ન લેતો" કહી વાતને કાપી કાઢતી હતી.

પરંતુ આજે ઈશીતાના ઘરે મોડે સુધી રોકાવાનું થયું અને રાત્રે ઘરે જવાનો સમય થયો એટલે વેદાંશે સાન્વીને પૂછ્યું કે, "તને ડ્રોપ કરી જવું તારા ઘરે ?" પરંતુ સાન્વીએ તેના પપ્પાને પોતાને લેવા માટે બોલાવવાનું કહ્યું. પણ ઈશીતા અને અર્જુન તેને સમજાવે છે કે, "વેદાંશ, તારા ઘર પાસે થઇને જ જાય છે તો તને ડ્રોપ કરતો જશે તેમાં વાંધો શું છે ?"

વેદાંશ મનોમન ખુશ થાય છે તે જે ક્ષણની રાહ જોઇ રહ્યો હતો કે સાન્વી તેની બાઇકની સીટ પાછળ બેસે તે ક્ષણ આવી રહી છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે સાન્વી "હા" પાડે અને ભગવાન તેની પ્રાર્થના સાંભળે છે. સાન્વી "હા" પાડે છે.

સાન્વી "હા" પાડે છે એટલે ઈશીતા ધીમેથી બોલીને, આંખ મારીને વેદાંશ સાથે મજાક પણ કરે છે કે, "જા, કાનુડા, તારી રાધા તૈયાર છે." અને વેદાંશ ઇશારાથી "ચૂપ રે" કહીને સાન્વીની રાહ જોતો બહાર ઉભો રહે છે.

સાન્વી કદી કોઇની પાછળ આ રીતે બેઠી નથી એટલે તેને એટલો બધો સંકોચ થાય છે ને કે વાત ન પૂછો, એમાં પાછું વેદાંશનું બાઇક પણ સ્પોર્ટસ બાઇક એટલે તેણે વેદાંશને પકડીને જ બેસવું પડે..!

રસ્તામાં વેદાંશ સાન્વીને તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે પૂછે છે. એટલે સાન્વી જણાવે છે કે, "મારા પપ્પા સેલટેક્ષ ઓફિસર છે.હું એકની એક છું. મમ્મી-પપ્પાએ ખૂબ લાડ પ્યારથી મને ઉછેરી છે.અમારી કાસ્ટમાં છોકરીઓને મેકસીમમ દશ ધોરણ સુધી જ ભણાવે છે. પણ હું ભણાવામાં પહેલેથી જ બ્રાઇટ છું. પપ્પાની પહેલેથી જ ઇચ્છા હતી કે, હું મારી દીકરીને ખૂબ ભણાવીશ અને અમારા સમાજમાં એક આદર્શ પૂરો પાડીશ અને મારે પણ આઇ.ટી. એન્જીનીયરીંગ કરવું હતું. તેથી અહીં એલ.જે.માં એડમિશન લીધું છે."
વેદાંશ સાન્વીને પોતાની વાત કરે છે કે નહિ વાંચો આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

13/7/2021