પત્ની.. वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્ની..

પત્ની....
સાચી પત્નીની વ્યાખ્યા કરવી હોય તો
"તે આપણી પહેલાં સવારે જાગી જાય અને આપણે રાત્રે ઊંઘ્યા પછી એ ઊંઘે" તેવી એકજ ત્યાગની મૂરત એટલે પત્ની.આખા દિવસ દરમ્યાન પગ વાળીને ઘડીકેય આરામ કરવાની તક ના પામનારી પત્નીને આપણી દરેક બાબતે નાની નાની બાબતમાં રોક ટોક કરીએ ત્યારે ક્યારેક એવું વિચારવું જોઈએ કે તેને પણ આ દુનિયામાં સ્વતંત્રતા જોઈએ છે.પરંતુ તેની સ્વતંત્રતા આપણે જન્મતાં જ છીનવી લીધી હોય છે.
અહીં દરેક સ્ત્રીની વાત નથી, પરંતુ આજનો લેખ એવી સ્ત્રી માટે છે કે જે "પત્ની" બનીને આપણી દરેક કામના પુરી કરે છે.આપણા દરેક કામમાં તેની ક્યારેય ના નથી.કોઈ પણ વળતર, ઇનામ,પ્રમાણપત્ર,અપેક્ષા વગર આપણને નિર્મળ અને નિર્દોષ અવિરત પ્યાર કરનારી પત્ની ને છે.તે છતાં ઘણી વખત નાનકડી ભૂલ માટે હમેશાં સજા માટે તત્પર રહેતા પુરુષ પતિ ઉપર મને ખૂબ ગુસ્સો આવે છે.
આપણે કોઈપણ કામે બહાર ગયા હોઈએ તો તે સતત વાટ જોતી હોય છે કે મારો પતિ ઘેર ક્યારે આવે અને ક્યારે એને ગરમ ગરમ જમાડું. એવી પત્ની માટે જયારે પુરુષ હોટેલનું જમણ જમી આવ્યા પછી તે પત્ની ને કૉલ કરી કહેતો નથી કે "મેં જમી લીધું છે. તું જમી લેજે." ઘેર આવી ને પત્ની ભૂખી રાહ જોતી હોય ત્યારે પતિ હોટલમાં જમી આવ્યા પછી પત્ની ને એમ કે કે મને ભૂખ નથી. તો સત્તર સવાલ કરે કે તમને કેમ ભૂખ નથી? અને તે છતાં તે એમ કહે કે મેં નથી ખાધું. તમેં થોડુંક તો જમો તો હું જમું. આ રણકાર પત્નીના લ્હેકામાં તમને મને અને દરેક પતિઓને સંભળાતો હશે. ઘણી પત્નીઓ એટલાં વ્રત કરે કે તેના શરીરમાં માત્ર હાડકાં અને પ્રાણ જ બચ્યાં હોય. તે પતિ ને જમાડી ને પછી જ જમે. ભલે પછી સવારની સાંજ પડે.પતિ ના આરોગ્ય માટે ઉપવાસ કરે.એકટાણાં કરે. માનતા બાધા કરે. કેમકે સાચા અર્થમાં તે પતિની પૂજારણ બની જાય છે. છતાં પત્નીને માટે આપણે ખૂબજ ઉપેક્ષિત રહીએ છીએ.
સૌથી મહત્વની બાબત એ છે કે પોતાની સુંદર કાયા ને બેડોળ બનાવી તે આપણા બાળકની માતા બને છે. ના છૂટકે જ તે કષ્ટ સહન ન થતાં તે પોતાનું પેટ ચિરાવી આપણા બાળક માટે તેની કાયા કે સુઘડ શરીર ચિરાવી ને હસતે મુખડે પિતા બન્યાનું વગર મહેનતનું બિરુદ તે પતિઓને આપે છે.
એટલું જ નહિ પરંતુ ઘરમાં પતિના ગેસ્ટ આવ્યા હોય તો બધું કામ પડતું મુકી તેની આગતા માટે લાગી જાય છે. "આપણી જીભ અને તેના પગ " ની જેમ આપણે ખૂબ મજૂરી કરાવીએ છીએ. તે છતાં તે કોઈ વળતર માંગતી નથી. તમારી પસંદની તે સાડી પહેરશે, તમારી પસઁદ નું તે રાંધશે. તમારી પસંદ વિના તે કોઈ જ વિચારી નથી શકતી.
રસોડે રાંધતી વખતે ભલે તમેં ઘરમાં હો કે બહાર હો તો તે મોબાઈલથી પૂછી લેશે કે આજે જમવાનું આ શાક બનાવું કે !
. કોઈ પ્રસંગે સમયસર બહાર જવાનું થાય અને સાથે તેને લઇ જવાનું હોય ત્યારે આપણે તેને સમય આપીએ કે આટલા વાગે જવાનું છે. તે નિર્ધારિત કરેલા સમયથી હમેશાં મોડી જ પડશે કેમકે તેને આખા દિવસ નાં કામ માટે વિકલ્પ નથી માટે તે બધાં કામ નીપટાવતાં તે લેટ થવા ન ઇચ્છતાં તે લેટ થઇ જાય જ છે.
બાળકને સ્કૂલે મૂકવા માટે તેને જગાડી, નવડાવી નાસ્તો કરાવી, નાસ્તાનો ડબ્બો, પાણીની બોટલ કાળજી પૂર્વક તૈયાર કરી તે એવી રીતે પોતાના બાળકને તૈયાર કરે અને તેના બાળકને નજર ના લાગે માટે કાજળનું ટપકું ગાલે,આંખે કે કાનની પાછળ કરવાનું તે ક્યારેય ભૂલતી નથી.પાછી સ્કૂલે મૂકવા લેવા અને તેને સ્કૂલ ડ્રેસ કઢાવીને તે ને સમય મળે તેમ તે બાળક ને સ્કૂલ નું લેશન પણ કરાવે. આ દરેક ક્રિયામાં પતિની ભૂમિકા કેટલી હોય છે તે દરેક પતિએ ક્યારેક વિચારવા જેવું ખરું. આટલો ત્યાગ આપણા માટે તે પત્નીજ કરી શકે.ત્યાં માતા કરતાં પત્ની ચડિયાતી બની જાય છે.કેમકે આપણે જનેતા માટે ખૂબ કથા વાર્તાઓ સાંભળી છે. પરંતુ પત્નીઓની કથાઓ કે તેના નામે થતી ખરાબ કોમેન્ટ જ સાંભળી છે. પરંતુ ક્યારેય એવું નથી સાંભળ્યું કે પત્નીનો આપણા માટે મોટો ત્યાગ છે.
દરેક પતિને પોતાની પત્નીની ખોટ ત્યારેજ વર્તાય છે કે જયારે તે પતિની પહેલાં પરમાત્માને પ્યારી થઇ ગઈ હોય. ક્યારેક એવા પતિઓની મુલાકાત ખાસ લેજો અથવા વ્યથા સાંભળજો કે પત્ની વગરની જિંદગી પતિઓ માટે ખૂબ જ અસહ્ય હોય છે.
"બાળક જયાં સુધી પગભર ના થાય ત્યાં સુધી તે થોડી બેધ્યાન રહે છે,પરંતુ બેદરકાર નહિ. " માટે પત્ની નામનું પાત્ર પતિઓ માટે અતિ ઉત્તમ છે. ભગવાન એવા પુરુષ કે પત્નીઓનું જોડકું અખંડ રાખજે.કારણ કે પત્ની વગર પતિ અધૂરો છે તેમ પતિ વગરની પત્નનીને જિંદગી જીવવી અસહ્ય છે.
. પત્નીની ક્યારેય તેના સમૂહમાં બેઇજ્જતી ના કરો.પત્ની ને ક્યારેય અપશબ્દ ના બૉલૉ. તે ઘરનો નોકર નથી. તેને માટે તુંકાર માં પણ ભાષા શાલીન રાખીયે.તેને પણ પક્ષીની જેમ આકાશમાં ઉડવું છે.તેને પણ પ્રવાસ કરવો છે. તેને પણ રજા જોઈએ છે.તેને પણ પહેરવાનો આભરખો છે પરંતુ આપણા ખિસ્સામાં જુએ ત્યારે તે મનમાં ને મનમાં બધા શોખ દાબી દે છે. તે તેના પતિની ઓશિયાળી છે. બાકી દુનિયામાં તેને બીજાં ની જરુર નહિવત છે. તેને પણ થાકી હોય ત્યારે ફરવા લઇ જાઓ. હોટલમાં તેને જે ભાવે તે જમાડો. તેને જે વસ્ત્ર પહેરવાનો શોખ હોય તેને પૂરો કરો. તેને સુખ મળશે તો તે સુખ આખા પરિવાર ને વહેંચી ને માણશે. માટે પત્ની ને મારઝૂડ ના કરો. દારૂ ના પીઓ. ખૂબ કમાઓ. થોડી બચત કરો. જેટલું જીવી શકાય તેટલું હળીમળી જીવો. ભગવાને તમને પત્ની રૂપી લાઈફ ટાઈમ ગિફ્ટ આપી છે. તેને દુઃખી ના કરો. તરછોડો નહિ.
"ભગવાન ને પ્રાર્થના કરું કે પત્ની થી દૂર મને ના કરતો. અને કરવો જ હોય તો તેના પહેલાં મને મૃત્યુ આપજે "
........ આભાર
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )