પ્રકરણ-૧૦.
પ્રવીણ પીઠડીયા.
પૂજારી અસ્ખલિત પ્રવાહમાં બોલી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે ઘણાં સમય પછી તે કોઈની સમક્ષ હળવો થઈ રહ્યો છે. એ ખરેખર અચરજની બાબત હતી પરંતુ અત્યારે તો એ જ સત્ય નજરો સમક્ષ ભજવાઈ રહ્યું હતું.
“એ સમયે જ મારી પનોતી બેઠી હતી કારણ કે મારા પૂત્રને એ બિલકુલ મંજૂર નહોતું. તે મારા ખભે બંદૂક રાખીને ફોડવાનાં નમસૂબા જોતો હતો. પહેલા તેણે મને સમજાવવાની કોશીશ કરી, પછી એક પૂત્ર હોવાનાં નાતે દૂહાઈ આપી અને છેલ્લે હું ન માન્યો ત્યારે ધમકીભરી ભાષામાં કહ્યું કે જો મેં તેની વાત ન માની તો એ પોતે ગમે તે ભોગે શક્તિઓ અર્જિત કરીને ગામને બરબાદ કરી નાંખશે. તેની વાત સાંભળીને હું સન્નાટામાં આવી ગયો હતો કારણ કે જાણતો હતો કે તે જે કહેશે એ કરીને જંપશે. તે મારો પોતાનો જ અંશ છે એટલે મને ખબર હતી કે એક વખત કોઈ નિર્ણય તે કરી લેશે પછી તેને વારવો કે અટકાવવો લગભગ અશક્ય બનશે. જો તેની પાસે આસૂરી શક્તિઓ આવી તો ફક્ત આ એક જ ગામ નહી પરંતુ સમગ્ર ઈલાકામાં તે હાહાકાર મચાવશે કારણ કે પછી આસૂરી શક્તિઓનું તેની ઉપર રાજ ચાલશે. હું વિચારમાં પડયો હતો. એક તરફ પૂત્ર-પ્રેમ હતો અને બીજી તરફ મારાં સિધ્ધાંતો. બહુ વિચાર્યા બાદ એક વચલો રસ્તો કાઢવા મેં તેને મનાવી લીધો હતો.” પૂજારી પોરો ખાવા રોકાયો.
“એ વચલો રસ્તો એટલે ત્રણ કુંવારી જોડીઓની કુરબાની…!! એમ જ ને…? વાહ… શું રસ્તો શોધ્યો હતો..!” ગર્જી ઉઠયો રાજડા. તેના રૂંએ-રૂંએ આગ વ્યાપી ગઈ. ભયંકર ક્રોધથી તેનો સુંવાળો ચહેરો તરડાયો. એ ગૂસ્સો પૂજારી પોતાની નાકામી બીજાનાં જીવન સાથે રમત રમીને છૂપાવવા માંગતો હતો તેનો હતો. ભલા એક બાપ પોતાના છોકરા આગળ કેવી રીતે વિવશ બની શકે! એ બાબત તેની સમજમાં ઉતરતી નહોતી. રાજડાનો પૂણ્ય-પ્રકોપ એકાએક જ પ્રજ્વલિત થઈ ઉઠયો હતો.
“એ તું કહી શકે છે કારણ કે એ સમયે તું મારી જગ્યાએ નહોતો. તને ખબર છે… ધૂતરાષ્ટ્રે પૂત્ર મોહમાં આખું મહાભારત સર્જી દીધું હતું અને સમસ્ત કૌરવકુળનો વિનાશ નોતર્યો હતો.! એ તું જાણતો જ હોઈશ એટલે વધું કહેવાનો કોઈ મતલબ નથી. પણ ખેર… એ વખતે મને જે ઠીક લાગ્યું એ મેં કર્યું. મારો સૌથી પહેલો શિકાર ગામમાંથી જ ભાગેલા લખો અને શ્યામળી બન્યાં. તેમને મેં તળાવમાં ડુબાડીને પરધામ પહોંચાડી દીધા. તું નહી માને પરંતુ એવું કરવામાં મારું કાળજું કંપી ગયું હતું. મને ખૂદને વિશ્વાસ નહોતો આવ્યો કે મેં કોઈનાં જીવ લીધા છે. પ્રશ્વાતાપની એક કસક મારાં જીગરમાં ઉઠી હતી પરંતુ મારો કોઈ આરો નહોતો. મારે કોઈપણ ભોગે ત્રણ જોડીઓને ખતમ કરવાની હતી. એક તરફ જબરી આત્મગ્લાની ઉદભવતી હતી અને બીજી તરફ પૂત્રનાં ખોટો દૂરાગ્રહ હતો. એ બન્ને વચ્ચે હું પિસાઈ રહ્યો હતો. એટલું ઓછું હોય એમ તેમાં વળી એક નવી ઉપાધી ભળી હતી. લખો અને શ્યામલીની આત્મા પણ પ્રેત-યોનીમાં ભટકવા લાગી હતી. કમોતે મરવાથી તેમના જીવ પણ અવગતે ગયા હતા અને તેમને પણ મુક્તિ જોઈતી હતી. મેં તેમને માર્યાં હતા તેમ છતાં તેઓ મારા શરણે આવ્યાં હતા અને મુક્તિની માંગણી કરી હતી. સાચું કહું તો એ સમયે અચાનક જ મને એક રસ્તો સૂઝયો જેણે મારી આત્મગ્લાનીને થોડી ઓછી કરી હતી. એ રસ્તો હતો મારું કામ લખા અને શ્યામલી પાસે કરાવવાનો. તેમણે એ સહર્ષ મંજૂર કર્યું હતું અને મારા આદેશને સર્વોપરી માનીને આજે તેઓ એક કુંવારી જોડીને તળાવ સુધી લઈ આવ્યાં છે. બસ… હવે થોડી જ વારમાં તેઓ પરધામે સિધાવી જશે અને પછી બસ… એક જ જોડીની તલાશ રહેશે. એ પછી આ બધુ સમાપ્ત થઈ જશે.”
“ચૂપ કર તારી બકવાસ અને રોકી લે એ લોકોને.” રાજડા રીટસરનો ચીખી ઉઠયો. પૂજારી જે કહી રહ્યો હતો એ એક જાતનું પાગલપન જ હતું. વનરાજે જે શક જતાવ્યો હતો એ સાચો પડયો હતો. નીચે ઉભેલી સેન્ટ્રો કારમાં ચોક્કસ કોઈ પ્રેમી જોડું આવ્યું હશે જેને લખો અને શ્યામલી અહી સુધી લઈ આવ્યાં હશે અને હવે તેમને તળાવમાં ડૂબાડવા લઈ ગયા હશે. “એ લોકોને કોઈપણ ભોગે તારે મુક્ત કરવા જ પડશે. એ તું કેમ કરીશ એ મને ખબર નથી પરંતુ મારા જીવતે-જીવ હું એ લોકોનું બલીદાન તારી બેવકૂફીભરી નાદાન હરકતોને હવાલે નહી થવા દઉં. અને તું સારી રીતે જાણે છે કે એવું કરતા મને કોઈ રોકી નહી શકે.” રાજડાએ ફૂંફાડો માર્યો. હવે તેની સહન શક્તિની હદ આવી ગઈ હતી.
તે બોલ્યો તો ખરો પરંતુ એ એક આત્મઘાતી પગલું હતું કારણ કે એક પ્રેત સામે એક સામાન્ય માનવીનું ભલા શું ચાલે…! પરંતુ કોણ જણે કેમ પણ તેના હૈયે એક ધરપત હતી. જ્યારથી તે અહી આવ્યો હતો અને જે રીતે તેની અને પૂજારી વચ્ચે લડાઈ જામી હતી અને પછી… પૂજારી જે રીતે સાથે વર્તી રહ્યો હતો, પોતાની કરમ કહાની સંભળાવી રહ્યો હતો એ ઉપરથી એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજાઈ હતી કે એવું કંઈક તો કારણ છે જેના લીધે તે હજુ સુધી જીવિત બચ્યો છે અને આગળ પણ તેને કંઈ થવાનું નથી. તેના મનમાં એક આત્મવિશ્વાસ જાગ્યો હતો કે આ પરિસ્થિતીમાંથી તે હેમખેમ બહાર નિકળશે અને ગામ લોકો ઉપર છવાયેલી પ્રેતની માયાજાળને પણ તોડી શકશે.
“એક કામ કર… તું મને તારા પૂત્ર સાથે ભેટો કરાવ. મારે તેની રૂબરું થવું છે.” ધડાકો કર્યો તેણે. તે હવે મરણિયો બન્યો હતો.
અવાક બની ગયો પૂજારી. તેના માટે એ સાવ અન-અપેક્ષિત હતું. રાજડાએ જે કહ્યું એ કદાચ તેણે બરાબર સાંભળ્યું નહોતું અથવા તો તેને સમજાયું નહોતું. તે અચંભિત બનીને સામે ઉભેલા નાનકડા નાજૂક જૂવાન છોકરાને જોઈ રહ્યો. ભલા કોઈ સામે ચાલીને મોતને ભેટવાની વાત કેવી રીતે કરી શકે..? તે સન્નાટામાં આવી ગયો હતો. તે ખૂદ પોતાના પૂત્રને વશમાં રાખી શકયો નહોતો તો સામે ઉભેલો એક સામાન્ય છોકરો શું કરી લેવાનો એવો ભાવ તેના ચહેરા ઉપર પથરાયો. તેમ છતાં… કોણ જાણે કેમ પણ… સાથોસાથ તે વિચારમાં પણ પડયો હતો.
એવું કંઈક હતું જે અચાનક તેને ખૂંચયું હતું. કદાચ આજે પહેલી વખત તે થોડો મુંઝાયો હતો કારણ કે તેના અહમને ઠેસ પહોંચી હતી. જે કામ તે પોતે નહોતો કરી શક્યો એ કામ કરવાની ચેલેન્જ સામે ઉભેલો એક સામાન્ય છોકરો તેને ફેંકી રહ્યો હતો. એ વાત તેને અંદર સુધી ખૂંચી ગઈ હતી. ખરેખર જો એવું થયું તો તેના માટે એક નાલોશીભરી હાર ગણાય અને તેની સજા રૂપે કદાચ અનંતકાળ સુધી તેણે પ્રેત યોનીમાં જ ભટકવું પડે. એક બાબત દરેક જગ્યાએ સરખી લાગુ પડતી હતી કે હારેલા વ્યક્તિની આ દુનિયામાં તો શું પણ ઉપરની દુનિયામાં પણ કોઈ કિંમત હોતી નથી. તો શું કરવું જોઈએ…? તે વિચારમાં પડયો. શું પોતાના પૂત્રને આ છોકરા સમક્ષ લાવવો યોગ્ય છે..? કે પછી બીજો કોઈ રસ્તો વિચારવો પડશે…? પૂજારી એક અજીબ કશ્મકશમાં પડયો. શું કરવું જોઈએ એ ઘડીક તો સમજાયું નહી તેને. ભયાનક અજંપાભર્યો સમય એમ જ વહેતો રહ્યો જાણે બધુ સ્થિર થઈ ગયું હોય. આખરે…
@@@
“ભલે… તારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે. પણ… એ પછી જે થાય એનો જવાબદાર હું નહી રહું એ બરાબર સમજી લેજે.” પૂજારીનાં મનમાં અજીબ ગણતરીઓ મંડાઈ હતી. તેનો પથ્થર જેવો ચહેરો ચાડી ખાતો હતો કે તેણે ઉંડો વિચાર કરીને નિર્ણય લીધો છે.
“એ જોયું જશે. તું બોલાવ તારા દિકરાને. જોઉં તો ખરો કે આખરે એ કઈ બલા છે..?” રાજડા પણ ક્યાં પાછો પડે એમ હતો. તે હવે આ પાર કે પેલે પારનાં મૂડમાં આવ્યો હતો. મોતનો ભય ક્યારનો તેના દિમાગમાંથી નિકળી ચૂક્યો હતો અને તે મરણિયો બન્યો હતો.
પૂજારીએ તેની સામું જોયું અને ફરીથી એક ભયાનક નિસાસો નાંખ્યો. તેને સામે ઉભેલા છોકરાની દયા પણ આવતી હતી અને સાથોસાથ મનોમન પ્રસંશા પણ ઉદભવતી હતી. છોકરો હઠી અને મક્કમ હતો. તે બે સેકન્ડ માટે થોભ્યો… પછી પીઠ પાછળ ફરીને આકાશ તરફ જોયું. કાળા ઘટાટોપ વાદળો પાછળ કશુંક ચળીતર ભાળ્યું હોય એમ તેનો ચહેરો સખત બન્યો. એક મક્કમતા તેના ચહેરા ઉપર ઉભરી. આંખો બંધ કરીને કશુંક આહવાન કરતો હોય એમ તે બબડયો. તેના હોઠ અજીબ રીતે હલ્યા. ખડતલ દેહમાં ધ્રૂજારી ઉપડી અને… ખભે ફરફરતો સફેદ ખેસ આપોઆપ હવામાં અધ્ધર ઉંચકાયો. એ ખેસ તેને ઉપર ખેંચતો હોય એમ પરીસરની ફર્શથી તે ઓર વધુ ઉંચે ઉંચકાયો…! લગભગ મંદિરની ટોચ સુધી ઉંચે જઈને તે અટક્યો. તેની આંખો ચળક-વળક થતી હતી. અંધકારભર્યા નભમાં તે કોઈને શોધી રહ્યો હતો. અને એકાએક જ… એ નજર આવ્યું હોય એમ તે સ્તબ્ધ બની સ્થિર ઉભો રહી ગયો. તેની નજરો સામેની દિશામાં એકધારું જોઈ રહી. ત્યાં… સામે દેખાતા આકાશમાં… વાદળોનાં સમુહની વચ્ચે… ધોધમાર પડતાં વરસાદનાં ફોરાની પેલે પાર… કશીક હલચલ મચી હોય એવો ખળભળાટ મચ્યો. કાળા, ડરામણાં વાદળોનાં ટોળાની અંદર અજીબ ગડગડાહટભર્યો વંટોળ ઉદભવ્યો. એકાએક વાદળોનાં એ સમુહમાં જીવ આવ્યો હોય એમ પવનની સાથે ધીમી ગતીએ વાદળો ગોળ ફરવા લાગ્યાં. એ એવું જ દ્રશ્ય હતું જાણે જંગી ઘમ્મર-વલોણું વાદળોનાં પેટમાં ખુંપપાવીને કોઈ વ્યકતિ પોતાના હાથ વડે વાદળોને વલોવવા ગોળ-ગોળ ઘુમડતું હોય. ધીમે-ધીમે એ ચક્કર ઓર તેજીથી ફરવા લાગ્યું અને જોતજોતામાં… વિજળીનો એક પ્રચંડ ચમકારો થયો. બે સેકન્ડ… ફક્ત બે સેકન્ડ માટે જ સમસ્ત આકાશ અને પૃથ્વી વિજળીની એ ચકાચોંધ રોશનીમાં નહાઈ ઉઠયા હતા. પ્રકાશનાં તેજ તિખારા રાજડાની આંખોને આંજી ગયા. ચમકારો એટલો તિવ્ર હતો કે એવું જ લાગ્યું જાણે સમસ્ત બ્રહ્માંડનું તેજ એક જ જગ્યાએ એકઠું થયું હોય. રાજડાએ આંખો આગળ હાથનું નેજવું કર્યું અને… તેનું હદય એક ધબકારો ચૂકી ગયું. તેની આંખો ભયાનક વિસ્મયથી પહોળી થઈ. રગોમાં દોડતા લોહીમાં અચાનક ખળભળાટ મચ્યો અને આખા શરીરમાં વિજળીનો જબરજસ્ત કરંટ પસાર થઇ ગયો. સામે દેખાતું દ્રશ્ય હૈરતઅંગેજ અને અવિશ્વસનિય હતું.
(ક્રમશઃ)