પુનર્જન્મ - 54 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 54

પુનર્જન્મ 54

" સુરભિ, અહીં આવ. જો કોણ આવ્યું છે? મોનિકાજી. માય મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ. કમ ફાસ્ટ. "
મોનિકાનું હદય ધડકી ઉઠ્યું. એક યુવતી આવી. સ્હેજ ઉજળી, લાંબો ચહેરો. સેઇમ અનિકેતની નાની પ્રતિકૃતિ. લાંબા વાળ બેફિકરાઈથી માથા પર બાંધેલા હતા. જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પર એક જેકેટ. સફેદ આંગળીઓ પર અનામિકા પર સુંદર ડાયમન્ડની વીંટી. ગળામાં મંગળસૂત્ર.
" જો સુરભિ, આપણે પહેલું પિક્ચર સાથે જોયું હતું એ ફિલ્મના એક્ટ્રેસ મોનિકા જી. "
સુરભિ મોનિકાને જોઈ રહી.
" ઓહ, આટલા મોટા સ્ટાર અમારી દુકાનમાં ક્યાંથી. "
મોનિકાને સમજમાં ના આવ્યું કે આ પ્રશ્ન છે કે વ્યન્ગ.
" કેમ અમારું તમારી દુકાનમાં આવવું અયોગ્ય છે? "
" ના, અયોગ્ય નથી. પણ આશ્ચર્યકારક જરૂર છે. કેમકે અમારી દુકાન એટલી ફેમસ કે મોટી નથી. "
" મેં બી... પણ તમારી સર્વીસ કદાચ સારી હોય, મારા એક ફેનના સજેશનથી હું આવી છું. "
" અરે સુરભિ તું પણ. મોનિકાજી આપણી દુકાનમાં આવ્યા એ જ મારે મન મોટી વાત છે. મોનિકાજી તમને જોઈતી વસ્તુ હું ગમે ત્યાંથી લાવી આપીશ. તમારે અહીંથી ક્યાંય જવાની જરૂર નથી. "
" ઓ.કે.. જેન્ટ્સને ગિફ્ટ કરી શકાય એવી કોઈ યુનિક આઈટમ બતાવો. "
" ચોક્કસ, સુરભિ તું મોનિકાજીને થોડી વસ્તુ બતાવ. હું ગોડાઉનમાંથી સારી ગિફ્ટ લઈ આવું અને મોનિકાજી માટે કંઇક નાસ્તાની વ્યવસ્થા કરું છું. "
એ યુવક ચાલ્યો ગયો. મોનિકાને લાગ્યું કે એ સુરભિનો પતિ હશે. સુરભિ દસેક આઈટમ લાવી અને મોનિકાની સામે મૂકી. મોનિકાએ પોતાનો મોબાઈલ ટેબલ પર સુરભિ તરફ મુક્યો અને પોતે ગિફ્ટ જોવામાં મશગુલ થઈ ગઈ. મોનિકાના મોબાઇલમાં કોઈને કોઈ મેસેજ ચાલુ જ રહેતા હતા. અને એ મોબાઈલની સ્ક્રીન લાઈટ ઝબુકતી હતી. મોનિકા ગિફ્ટ જોવામાં મશગુલ હતી. સુરભિની નજર મોનિકાના મોબાઈલ પર પડી. મોબાઈલના સ્ક્રીન પર એક ફોટો હતો. સુરભિને આશ્ચર્ય થયું. એણે મોબાઈલ હાથમાં લીધો.. યસ... અનિકેત... પણ અનિકેતનો ફોટો આના મોબાઈલમાં ક્યાંથી ? અનિકેતે આની જોડે લગ્ન કર્યા હશે? ના.... ના... આટલી મોટી સેલિબ્રિટી અનિકેત સાથે લગ્ન ના કરે. તો આ કોઈ અનિકેતનો ડુપ્લીકેટ હશે? હા, એ બની શકે. પણ સુરભિની જિજ્ઞાસા શાંત ના થઇ. એટલામાં જ મોનિકાએ સુરભિ તરફ જોયું. કોઈનો મોબાઈલ આમ જોવો એ એક અસભ્યતા છે. સુરભિ થોડી ઝંખવાણી પડી ગઈ.
" શું થયું ? "
" આ ફોટો જોતી હતી. કોનો છે? "
" એ અનિકેત છે. "
મોનિકાએ ફોન હાથમાં લીધો અને અનિકેતની રીંગ આવી. મોનિકાએ રીંગ કાપી નાંખી. મોનિકાએ ફોન સાયલન્ટ કરી પર્સમાં મુક્યો.

** ** ** ** ** ** ** ** **

લેઈકની સામે બાંકડા પર વૃંદા અને અમોલ બેઠા હતા. આસપાસનું મનોરમ્ય વાતાવરણ મનમોહક હતું. હવામાં ઠન્ડક હતી. વૃંદા આ મનોરમ્ય દ્રશ્ય ને હદય માં ભરી રહી હતી. અને અમોલને ચિંતા હતી વૃંદાની. એ વૃંદામય બની ગયો હતો. એ વૃંદાને છોડવા નહોતો માંગતો. બીજું કોઈ વૃંદાના જીવનમાં આવશે તો ? પ્રેમમાં પડતા વ્યક્તિને સતાવતો આ એક મહત્તમ ડર છે. એ જેમ બને એમ જલ્દી એક એવી વ્યવસ્થા કે વર્તુળ રચવા માંગે જેમાં એનું પ્રિયપાત્ર પોતાની સાથે સેફ રહે. આ એક સહજ માનવીય પ્રક્રિયા છે. સહજ માનવીય સંવેદના છે.
અમોલ વૃંદાના ચહેરા પરની માસૂમિયત, સુંદરતાને મન ભરી પી રહ્યો હતો. અચાનક વૃંદાની નજર અમોલ પર પડી. અમોલને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે.
" શું વિચારો છો ? "
" કંઈ નહીં. "
" કંટાળો આવ્યો હોય તો આપણે છુટા પડીએ. "
" ના ના. વૃંદા એક વાત કહેવી હતી. "
" બોલો. "
" પણ તું ખોટું ના લગાડતી, અને કદાચ ખોટું લાગે તો મને માફ કરજે. "
" ઓ.કે. બોલો. "
" મને ખબર નથી કે હું તારા લાયક છું કે નહિ, બટ આઈ લવ યુ. મારી સાથે લગ્ન કરીશ ? "
વૃંદા ક્યાંક અતિતમાં જોઈ રહી હતી. એની નજર સમક્ષ સ્નેહા અને અનિકેત આવી ગયા. આવા જ કોઈ બાંકડા પર બેસી સ્નેહાએ અનિકેત સાથે સુંદર જીવનના સ્વપ્નાં સેવ્યા હતા. અને એમના તૂટેલા સ્વપ્નના ભંગારમાં ક્યાંક પોતાનો હાથ હતો. છતાં અનિકેતે એને માફ કરી હતી.
અમોલે ચપટી વગાડી. " મેડમ ક્યાં ખોવાઈ ગયા. ક્યાંક બીજા કોઈને યાદ કરી મારું દિલ ના તોડતા. "
" હમણાં તો આવો કોઈ વિચાર નથી. "
" વૃંદા પ્લીઝ, તું મારી ધડકન છે. તું કહીશ ત્યાં સુધી હું તારી રાહ જોઇશ. તું એકવાર... એકવાર હા પાડ. "
" મારી હા મારા હાથમાં નથી. "
" તો કોના હાથમાં છે. હું એમની પાસે તારા હાથની ભીખ માંગીશ. "
" મારી હા મારી દીદી અને જિજુના હાથમાં છે. "
" કોણ છે આ દીદી અને જિજુ અને ક્યાં છે એ ? "
" ઇન્ડિયામાં. મારી દીદી સ્નેહા અને અનિકેત જિજુ. "
વૃંદાના ફોનમાં રીંગ વાગી. અનિકેતનો ફોન હતો. વૃંદાએ ફોન રિસીવ કર્યો.
" હેલો. "
" હેલો વૃંદા તું ક્યાં છે? "
" હું બહાર નીકળી છું. "
" મોનિકાને ફોન આપ. "
અચાનક વૃંદાને યાદ આવ્યું કે અનિકેતે એને વૃંદાનું ધ્યાન રાખવા મોકલી હતી. હવે શું જવાબ આપવો એ એને સમજમાં ના આવ્યું. એ મૌન થઈ ગઈ.
" મોનિકા તારી સાથે નથી? "
" ના. "
" તો ક્યાં છે? "
" હોટલ પર હશે. "
અનિકેતનો અવાજ ગુસ્સાથી ફાટ ફાટ થતો હતો. વૃંદાએ અનિકેતનો આટલા ગુસ્સાવાળો અવાજ સાંભળ્યો ન હતો.
" વોટ ડુ યુ મીન હોટલ પર હશે. ટોટલી કેરલેસ પર્સન. કંઈ જવાબદારી જેવું છે કે નહિ. જો મોનિકાને કાંઈ થયું તો હું જીવનભર તને માફ નહિ કરું. "
વૃંદાના ચહેરા પરનો રંગ ઉડી ગયો. અમોલને ભયંકર ગુસ્સો આવતો હતો. એની વૃંદાને આમ ખખડાવવાની કોઈની હિંમત કેવી રીતે થઈ.

(ક્રમશ:)

05 નવેમ્બર 2020