DREAM GIRL - 42 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 42

ડ્રીમ ગર્લ 42

જિગર ગામમાં પ્રવેશ્યો ત્યારે રાતના સાડા સાત થવા આવ્યા હતા. એક શંકા જિગરને સતાવતી હતી કે પ્રિયાનો પ્રતિભાવ કેવો રહેશે? છેલ્લી વાત વખતનો પ્રિયાનો ગુસ્સો જિગરને યાદ આવ્યો. પ્રિયાનો ગુસ્સો વ્યાજબી હતો. કોઈપણ વ્યક્તિની પ્રતિક્રિયા આવી જ હોય, એ સહજ હતું. પણ જિગરને પોતાના ઉપર એક વિશ્વાસ હતો કે એ ખોટો નહતો. એ ચોક્કસ પ્રિયાને સમજાવી શકશે.
આછી સ્ટ્રીટ લાઈટમાં ગામમાં આછી ચહલપહલ હતી. શહેર કરતાં એક ખુશનુમા શાંતિ અહીં હતી. ગામના કૂતરા નવા આગંતુકને જોઈને પોતાની હાજરી પુરાવી આગળની શેરીના કુતરાઓને જાગ્રત કરી રહ્યા હતા. જિગરની જીપ પ્રિયાના ઘર આગળ આવીને ઉભી રહી.
જીપનો અવાજ સાંભળી પ્રિયાના મનને અજબ શાંતિ થઈ. પોતાનો વિશ્વાસ સાચો ઠર્યો. પણ સાથે સાથે જિગર પ્રત્યેનો ગુસ્સો પણ લાવા બનીને મગજ પર સવાર થઈ ગયો. પ્રેમની સાથે જ ગુસ્સો સંકળાયેલો છે. પણ આ ગુસ્સાને નિયંત્રિત રાખવો જોઈએ નહિ તો મોંઘામુલા સંબંધોનો સત્યાનાશ થઈ જાય. પણ પ્રિયાની મનોસ્થિતિ એવી નહતી કે એ આ વાત સમજી શકે.
પ્રિયા ઉભી થઇને ઘરની અંદર જતી રહી. જિગરે જીપ સાઈડમાં પાર્ક કરી અને આંગણામાં આવ્યો. નિશિધ બહાર ખાટલામાં બેઠો હતો.
" અરે આવ જિગર, કેમ છે તું? "
નિશિધની વાતમાં ઉમળકો હતો, આવકાર હતો.
" બસ, હું મઝમાં. "
જિગરનો અવાજ સાંભળી રોહન અંદરથી બહાર આવ્યો. એના હાથમાં ભગવદ્દ ગીતાનું પુસ્તક હતું.
" અરે જિગર, મને હતું જ કે તું જરૂર આવીશ. "
" ઓહ યસ, કેમ છો તમે બધા? "
" મઝામાં. "
ઔપચારિક વાતો સાથે સાડા નવ વાગે જમવાનું પતાવી બધા સુવા ગયા. જિગર બહાર જ ખાટલામાં સુઈ ગયો. ગામમાં આ સારી વાત હતી કે લોકો વહેલા સુઈ, સવારે વહેલા ઉઠતા હતા. પણ જિગરને ખૂબ મોડી ઊંઘ આવી. પ્રિયાએ હજુ સુધી જિગર સાથે કોઈ વાત કરી ન હતી. એની આંખોમાં જિગર પ્રત્યેની નારાજગી સ્પષ્ટ હતી.

** ** ** ** ** ** ** ** ** **

માણસ ગમે તેટલો ભણીગણીને આગળ વધી જાય, પરંતુ કેટલીક ધાર્મિક વિધિ મને કે કમને જરૂર કરે જ છે. ક્યારેક એવું પણ બને છે કે, એ ખબર નથી હોતી કે આ વિધિ શા માટે કરવાની છે, પણ એ વિધિ બધા કરે છે, સમાજની સિસ્ટમનો એક ભાગ છે એમ સમજીને પણ માણસ એ વિધિ કરે છે. વહેલી સવારથી અભિજિતના કુટુંબીઓ અને સ્વજનો આવી પહોંચ્યા હતા. સવારથી જ વિધિ ચાલુ થઈ ગઈ હતી. વિધિ કરવા માટે રોહન બેઠો હતો, પરંતુ પ્રિયાનો આગ્રહ હતો કે કેટલીક વિધિ જિગર પાસે કરાવવી, પ્રિયાને ડેડના શબ્દો હજુ યાદ હતા, માય સન... મરેલ વ્યક્તિની વિધિમાં એ વ્યક્તિની ભાવનાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અને જિગર પણ એ વાત સમજતો હતો. એ ચૂપચાપ વિધિમાં બેસી ગયો. કુટુંબીઓ માટે આ સમજ બહારની વાત હતી. પણ રોહનની હાજરી, બહુ મોટી વાત હતી. અને રોહનની મુકસંમતીનો અર્થ કુટુંબીઓ સારી રીતે સમજતા હતા.
સાંજે સાડા ચાર વાગે વિધિ પૂરી થઈ. ગામના પાદરે આવેલી શાળામાં જમણવાર રાખવામાં આવ્યો હતો. આખું ગામ અને કુટુંબના માણસોનું જમવાનું ત્યાં હતું. નિશિધ એક ઉમળકાથી તમામ કામ કરી રહ્યો હતો.
સાડા આઠ વાગે તમામ કામ પુરા થયા. સાડા નવ વાગે બધા સુવા ગયા. પ્રિયાને એમ હતું કે વિધિ પતશે એટલે જિગર ચાલ્યો જશે, પણ એની ગણતરી ખોટી પડી. જિગર રોકાયો હતો. પ્રિયાનો ગુસ્સો હળવો થયો. એ આંગણામાં આવી. જિગર મોબાઈલમાં કંઇક કરતો હતો.
" ઊંઘ નથી આવતી જિગર? "
" ના. "
જિગરના એકાક્ષરી જવાબનો અર્થ પ્રિયા સમજતી હતી.
" નારાજ છે હજુ મારાથી?"
" પ્રિયા, નારાજ તો તું છે મારા થી. "
" નારાજ ના થાઉં તો શું કરું? તું કરે છે જ એવું. "
" પ્રિયા, એકદમ તારા ડેડ જેવી છું તું, જીદ્દી. "
" કોણે કહ્યું ? "
" સુનિધિ, તારી માતા, તારા જેવી જ ખૂબ સુંદર પણ ગભરુ છોકરી હતી. તારા પિતાએ એને જોઈ અને એના પ્રેમમાં પડી ગયા. તારા પિતા અત્યંત સાહસિક, જિગરવાન અને બહાદુર. દરિયાના ઉછળતા મોજાઓને બાથ ભીડવી એ એમને મન સહજ હતું, અને તારા ડેડની બહાદુરી પર વારી જઈ તારી મોમે તારા ડેડ સાથે મેરેજ કરી લીધા. અને લગ્નના બીજા વર્ષે તારા ભાઈ દિપેશનો જન્મ થયો. એના બે વર્ષ પછી તારો જન્મ થયો. તમારા બન્નેના જન્મ પછી તારા ડેડ એમના કાર્યમાં ખુંપાઈ ગયા. પણ તારી મોમ માટે એ સમય ખૂબ અઘરો હતો. એ ગભરુ સ્ત્રી હતી. તારા ડેડના કામથી એ હંમેશા ડરેલી રહેતી, સાહસ એને મન દૂરની વાત હતી. "
પ્રિયા, જિગરની વાત ધ્યાનથી સાંભળતી હતી. જિગર દૂર કોઈ અતિતમાં જોતો બોલી રહ્યો હતો. જાણે દૂર એ કોઈ ફિલ્મ જોઈ રહ્યો હોય એમ.
" તું દેખાવમાં તારી મોમ જેવી સુંદર હતી, પણ તારો સ્વભાવ તારો પિતા જેવો હતો સાહસિક અને જલદ, જીદ્દી અને બળવાખોર. તારો ભાઈ દિપેશ, તારા પિતા જેવો દેખાતો હતો, પણ સ્વભાવ તારી માતા જેવો હતો. ગભરુ... એને માટે સાહસ એ દૂરની વાત હતી. એને ધ્યાન ગમતું હતું, સિમલાની મનોરમ્ય ભૂમિમાં જાત સાથે એકાકાર થવું ગમતું હતું, અને એમાંથી સર્જાતી ગઝલ લખવાનું એને ગમતું હતું, અને તારા ડેડને આ બધું ગમતું નહતું. એમને મન પુરુષ માત્ર સાહસનું પ્રતિક હતો અને એમાંથી સર્જાતો હતો એક વિરોધાભાસ. તારા પિતા એ તારા ભાઈને સૈનિક સ્કૂલમાં મુક્યો અને છ મહિનામાં એ બીમાર થઈ ગયો. તારી માતા એને ત્યાંથી ઘરે લઈ આવી. અને એ દિવસે તારા મોમ અને ડેડ વચ્ચે પહેલો ઝગડો થયો. "
" સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ. કોણે કહી તને આવી વાહિયાત વાતો? "
જિગર પ્રિયાની આંખોમાં જોઈ રહ્યો. આંગણાની આછી લાઈટમાં પ્રિયાનો ચહેરો ગુસ્સા થી તમતમતો હતો.
" તારા ભાઈ દીપેશે મને કહી આ વાતો. "

(ક્રમશ:)

21 માર્ચ 2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED