Pratyancha - 15 - last part books and stories free download online pdf in Gujarati

પ્રત્યંચા - 15 - છેલ્લો ભાગ

પ્રહર તરત ઉભો થયો, એ બહારની તરફ દોડ્યો. પ્રહર, ક્યાં જાય છે ? ઉભો રહે, ક્યાં જાય છે ? પાખી, કશુ જ સમજાતું નથી. પ્રત્યંચા.... મારે પ્રત્યંચાને મળવું છે. પ્લીઝ પાખી મને લઈ જા જલ્દી. જો ત્રણ તો વાગી ગયા છે. પાંચ વાગ્યા પછી મળવા નહી દે. પ્લીઝ પાખી મને પ્રત્યંચાને મળવા લઈ જા... પ્લીઝ પાખી. પ્રહર આજીજી કરવા લાગ્યો. એને પોતાને સમજમા નહોતું આવતું કે હવે શુ કરવું ! એક ડાયરીની આશા હતી, જે હવે પુરી થઈ ગઈ. પ્રહર, શાંત થા. હું લઈ જાઉં છુ. તું કારમા બેસ પહેલા . પાખી ફાસ્ટ કાર ચલાવજે. હા પ્રહર, આજે તને પ્રત્યંચાને મળતા કોઈ નહી રોકે. બસ, તું શાંત થા. પણ પાખી, મારી પ્રત્યંચા નહી રહે હવે. એકદમ માસૂમ બાળકની જેમ પ્રહર બોલી રહયો હતો. પાખી એની નિર્દોષતા જોઈ પોતાના આંસુ રોકી ના શકી. આજે પાખીમા પણ હિમ્મત નહોતી કે પ્રહર ને સાંત્વના આપી શકે. પ્રત્યંચાએ પોતે કબલ્યું છે કે એને ખૂન કર્યા છે. અને કારણ ગમે તે હોય પણ ખૂન થયા છે તો સજા તો થવાની જ. એ પાખી જાણતી હતી. કોઈ ઠોસ સબૂત પણ નથી કે જે પ્રત્યંચાના ખૂન કરવાના કારણને સાબિત કરી શકે. પ્રહર આપણે આરોહીને એક વાર મળીએ. પાખી પહેલા હું પ્રત્યંચાને મળીશ.હા, પ્રહર આપણે પહેલા ત્યાં જ જઈએ છીએ.
પ્રહર, આવી ગઈ તારી મંજિલ. જા મળી આવ પ્રત્યંચાને. તું... તું ચાલને પાખી. એક બાળક જાણે કોઈ અજાણી જગ્યા પર જતા ડરતું હોય એમ પ્રહરને આજે ડર લાગી રહયો હતો. પાખીએ પ્રહરનો હાથ પકડ્યો, પ્રહર આ સમય તારો અને પ્રત્યંચાનો છે. તું સમય ના બગાડીશ. જા જલ્દી... પ્રત્યંચા ને મળી આવ. ઓકે, પાખી.. હું આવું. પ્રહર જેમ જેમ આગળ વધતો જતો હતો એમ એના હૃદય પર ભાર વધતો જતો હોય એમ લાગ્યું. પ્રત્યંચાને મળવા માટેની ફોર્માલિટી પુરી કર્યા પછી પ્રહર પ્રત્યંચાની સામે આવી ઉભો રહી ગયો. પ્રત્યંચા... આટલું જ બોલાયુંને પ્રહરની આંખોમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગ્યા. પ્રત્યંચા પ્રહરની નજીક આવી. પ્રહરનો હાથ પકડ્યો. પ્રહર, તમે આમ ઢીલા પડશો તો મારી હિમ્મત તૂટી જશે. તમારે સ્ટ્રોંગ બનવાનું છે. હોસ્પિટલ માટે, હોસ્પિટલમા રહેલા પેશન્ટ માટે, આપણા સપના માટે. તેલ લેવા જાય હોસ્પિટલ, તેલ લેવા જાય બધું.મને કશુ જ નથી જોઈતું. પ્રહર ઊંચા અવાજે બોલ્યો. મને તું જોઇએ છે પ્રત્યંચા, બસ તું... તારો સાથ જોઇએ છે મને હંમેશ માટે. હું દુનિયા સામે કબુલી લઈશ કે તું મારી પત્ની છે. મારી ભૂલ છે.. આ કામ મારે પહેલા કરવાનું હતુ. પણ કેમ તારી વાતોમા આવી ગયો ! જો પહેલા મે કહી દીધું હોત તો તારી આ હાલત ના હોત. પ્રત્યંચા હજી એકદમ સ્વસ્થ ઉભી હતી. પ્રહર, તો શુ થાત ? હું ખૂન ના કરત ? પ્રત્યંચાની વેધક નજર પ્રહરને હચમચાવી ગઈ. હજી પ્રત્યંચા સ્થિર હતી. એ જોઈ પ્રહર ડગમગી ગયો. પ્રત્યંચા.... તું.. ! એક મિનિટ પ્રહર... ! પ્રત્યંચા મક્કમ અને સરળ અવાજમા બોલી. પ્રહર આગળ બોલતા પહેલા મારી વાત સાંભળી લો. પ્રહર હું જાણું છુ, કે તમે મારી બધી સચ્ચાઈ જાણી ગયા છો. મે ખૂન કેમ અને કઈ પરિસ્થિતિમા કર્યા એ પણ તમે સારી રીતે જાણો છો અને સમજો છો. નથી સમજતા તો જે સત્ય છે એ. કોઈ જ ફર્ક નહી પડે હવે. પાણી બહુ ઊંડું છે પ્રહર, કોઈ નાવ નથી.. તરવાનું આપણે જાણતા નથી. પડી તો ગયા છીએ અંદર તો હવે મર્યા સિવાય છૂટકો નથી. સ્વીકાર કરો તમે આ વાત ને. પ્રહર તમે એક ડૉક્ટર છો, રોજ કેટલાય લોકોની જાન જતા તમે જોઈ હશે ને. કેટલાકને બચાવા તમે પ્રયત્ન કર્યા હશે પણ સફળ ના પણ રહેવાયું હોય, ત્યારે શુ બધો દોષ તમારો હોય છે ? ના, તમે તો એક કોશિશ કરી બાકી જે થાય એ ભગવાનની મરજી હોય છે. બસ, મારા માટે પણ એવું જ છે. તમે કોશિશ કરી ને, ના થયુ કશુ... કેમ ? કેમ કે ભગવાને આ રીતે મારૂં મૃત્યુ નિશ્ચિત કર્યુ હશે. પ્રહર જોઈ રહયો હતો, કેટલી સરલ વાત પ્રત્યંચા સમજાવી રહી હતી. આ છોકરી એ પણ સમજી ગઈ કે મને બધી ખબર પડી ગઈ. પણ એ કેમ નથી સમજતી કે હું કઈ રીતે જીવીશ એના વગર. પ્રહર, હું જાણું છુ તમે શુ વિચારો છો ? તમે મારા વગર શુ કરશો ? એ જ ને ! બધુંજ ખબર છે ને પ્રત્યંચા તને મારા વિશે ? તો બોલ, શુ કરીશ હું ? જયારે મને ખબર પડશે તું નથી રહી તો ? કેવી રીતે જીવીશ .. ? હું નહી હોવ પણ મારી યાદો તમારી સાથે હશે. હું તમારી અંદર છુ. તમે બહાર કેમ શોધો છો મને ? પ્રત્યંચા આ બધી ફિલ્મી વાતો છે. હું નહી રહી શકું તારા વગર. પ્રહર, સમય બધું શીખવાડી દેશે. પ્રહર, હું તમને બહુ જ પ્રેમ કરૂં છુ. અને એ હું હોવ કે નહી તમારી સાથે મારો પ્રેમ હંમેશા રહેશે. પ્રત્યંચા..... પ્રહરે પ્રત્યંચાને પોતાની બાહોમા લઈ લીધી. પ્રહરની પક્કડ એટલી મજબૂત હતી કે એ જાણે પ્રત્યંચાને છોડવા જ ના માંગતો હોય. એટલામા જ પોલીસ ત્યાં આવ્યા. તમારો સમય પતી ગયો છે. હવે તમારે જવું પડશે. પ્રત્યંચા પણ જાણે પ્રહરને જવા દેવા ના માંગતી હોય એમ એને પોતાની પક્કડ પણ મજબૂત કરી. પ્રહર, ધ્યાન રાખજો તમારું. આઈ લવ યુ પ્રહર..... પ્રત્યંચાએ એક ઊંડો શ્વાસ લઈ પ્રહરથી અલગ થવા પ્રયત્ન કર્યો. પ્રત્યંચા, હું તો ધ્યાન રાખી લઈશ મારૂં, પણ તને બચાવીને રહીશ. એમ કહી ફરી પ્રહરે પ્રત્યંચાને મજબૂત પકડી લીધી. આઈ લવ યુ ટુ પ્રત્યંચા... જલ્દીથી હું આવીશ તને લેવા. હું રાહ જોઈશ કાલ... પ્રત્યંચા મનમા બોલી. હસી ને પ્રહરને બાય કહયું. પ્રત્યંચાના ચહેરા પર અજબની શાંતિ હતી. એના હોઠો પરનું હાસ્ય જાણે પ્રહરને કશુ કહેતું હતુ પણ પ્રહરને સમજાતું નહોતું. પ્રહરે પણ હસીને પ્રત્યંચાને બાય કહયું. પ્રહરના હાસ્યનુ કારણ એનો વિશ્વાસ હતો કે એ પ્રત્યંચાને બચાવી શકશે. પ્રત્યંચાને તો ખબર જ હતી કાલ એ શુ કરવાની છે. બને પ્રેમી પંખીડા અલગ અલગ વિચારો અને નવી આશા સાથે છૂટા પડ્યા.
પ્રહર, મળી આવ્યો પ્રત્યંચાને ? શુ કહયું એને ? કોઈ રાઝ ? પાખી.. પાખી... એક મિનિટ. પાખી એને તો કશુ જ કહયું નહી. એ જાદુગરની છે. મે એને કહયું પણ નહી કે મને એના વિશે ખબર છે ને એને ખબર પડી ગઈ. એને ઉલ્ટી સુલ્ટી વાતો કરી મને ડાઇવર્ટ કરી રાખ્યો. અને દસ મિનિટનો સમય પૂરો થઈ ગયો. પ્રહર, પણ તે ડાયરેક્ટ કેમ ના પૂછ્યું ? પાખી, કહયું ને એ જાદુગરની છે... હું એની જોડે હોવ એટલે એના હાથમા મને ચલાવાની ચાવી હોય છે. છોડ પાખી, હવે એક રસ્તો છે બસ.... કયો પ્રહર ?? દાદી...પ્રત્યંચાના દાદીને મળવું પડશે. આપણે વિનોદકાકાના ઘરે ગયા ત્યારે દાદીને મળ્યા નહોતા. હવે તો આપણે જાણીએ છીએ કે દાદીને બધું ખબર છે. હા પ્રહર, ચાલ હાલ જ જઈએ. ના પાખી, આપણે સવારે વહેલા જઈશુ. કાલ મારે એક જરૂરી સર્જરી છે. હોસ્પિટલમાથી મેસેજ છે કે મારે જવું જરૂરી છે. એટલે આપણે સવારે સાત વાગે જ દાદી પાસે જઈશુ. બહુ વહેલા નથી પ્રહર ? વહેલા ક્યાં છે ? બહુ મોડા પડ્યા છીએ આપણે પાખી. જવું જરૂરી છે. કાલ હું તને સવારે લઈ જઈશ, તુ રેડી રહેજે પાખી. ચાલ, હાલ તને ઘરે મૂકી જાઉં. મારે હોસ્પિટલમા એક રાઉન્ડ મારવો પડશે.
પ્રહરના ગયા પછી પ્રત્યંચાએ નક્કી કર્યુ હતુ એની પર અમલ કરવાનો હતો. પ્રત્યંચા બે વર્ષથી આ જેલમા હતી. બધા જ પ્રત્યંચાના સ્વભાવ, વર્તનથી ખુશ હતા. મહિલા પોલીસ પણ પ્રત્યંચા પ્રત્યે નરમી દેખાડવા લાગી હતી. એ લોકો અંદર અંદર વાતો પણ કરતા કે, આ છોકરીએ ભૂલથી ખૂન કર્યા હશે. અમુકને લાગતું કે પ્રત્યંચા નિર્દોષ હશે. પણ જ્યાં પ્રત્યંચા પોતાની કબૂલાત પર મક્કમ હતી, ત્યાં કોઈ એની મદદ કેવી રીતે કરી શકતું ! પ્રત્યંચાએ એક પોલીસ જોડે વાત કરવાનું કહયું. પોલીસને મળીને પ્રત્યંચાએ પોતાનો નિર્ણય કહી દીધો. પોલીસને પણ પ્રત્યંચાની વાત માન્યા વગર છૂટકો નહોતો. સવાલ બધાના મનમા હતો કે, ર્ડો. પ્રહર શુ પ્રત્યંચાના ફ્રેન્ડ જ છે કે એનાથી વધારે કંઈ ? પોલીસે આ આ વિશે જાણવામા કોઈ રસ દાખવ્યો નહી. પ્રત્યંચાને આ રાત આજે નાની લાગવા લાગી. જેમ જેમ સમય જવા લાગ્યો એમ એમ પ્રત્યંચાને પાછા વળવાનું મન થવા લાગ્યું. કેટલાય વિચારો, કેટલીય યાદો આવી ને જાણે અંધારામાં છુપાવા લાગી. એ કોટડીમા આમતેમ આંટા માર્યા કરતી હતી. સમય અને પોતાના વચ્ચે જાણે હરીફાઈ થઈ હોય એમ લાગવા લાગ્યું એને. જાણે સમય કહેતો હોય, હજી પાછી વળી જા, તુ મારાથી આગળ નહી જઈ શકે. એનું મન બોલ્યું જવું પણ નથી. હવે સવાર થઈ જાય બસ. એ બેસી ગઈ. શાંત થઈ. આંખો બંધ કરી પ્રહરના ચહેરાને નિહાળવા લાગી. સમય હસ્યો અને બોલ્યો થાકી ગઈને ? હું તારાથી આગળ નીકળી જઈશ. પ્રત્યંચાએ પણ જવાબ આપ્યો.. નીકળી જા હવે. પ્રહરની યાદો, એનો સ્પર્શ, એનો અહેસાસ, એના શ્વાસની સુંગધ પ્રત્યંચા આંખો બંધ કરી મહેસુસ કરવા લાગી. ક્યાં સવાર પડી એને ખબર જ ના પડી ! સમય આવીને જાણે કહેતો હોય, ચાલ હવે મારી સાથે જ આવવું પડશે તારે. પ્રત્યંચા ઉભી થઈ અને એની મંજિલે પહોંચી ગઈ.
સવારના સાત વાગે પ્રહર અને પાખી પોળમા પહોંચી ગયા. પહોંચતા જ બંનેના શ્વાસ અધ્ધર થઈ ગયા. કંઈક ખરાબ બન્યું છે પ્રહર. બધા રડી રહયા હતા. ભીડ જામેલી હતી, બધા સફેદ કપડાંમા હતા. આ જોઈ પાખીને અંદાઝો આવી ગયો કે કોઈક તો મરી ગયું હશે. પ્રહર, શુ લાગે છે આપણે અંદર જવું જોઇએ ? પાખી, આટલી મોટી પોળમા કઈ પણ બન્યું હોય. આપણે જવું તો પડશે જ. આજે દાદીને મળ્યા વગર છૂટકો નથી. બંને દાદીના ઘર સુધી પહોંચ્યા. થયુ છે શુ ? ભીડ બધી દાદીના ઘર આગળ જ છે. પાખીના મનમા વિચાર આવી ગયો ક્યાંક દાદીને તો કંઈક થયુ નથી ને ! એટલામાં જ વિનોદકાકાએ પ્રહર સામે જોયુ, પ્રહર સાહેબ તમે અહીં. કાકા હું તો દાદીને મળવા આવ્યો હતો. કેટલા મોટા ડોક્ટર છે આ. પણ પ્રત્યંચાની સારાઈ જોઇએ એ પણ આજે દાદીને મળવા આવ્યા છે. વિનોદકાકા બધાને કહી રહ્યા હતા. અને પ્રહરને ભીડમાથી અંદરની તરફ લઈ જતા હતા. સાહેબ આ રહ્યા દાદી. પ્રહરની આંખો પહોળી થઈ ગઈ. પાખીના હોશ ઊડી ગયા. એ ત્યાંજ બેસી ગઈ. પ્રત્યંચાના ફોટા પર હાર ? પ્રહર જોઈ રહયો. દાદી આ તમને મળવા આવ્યા છે, પ્રત્યંચાની ફાંસીની ખબર પડતા એ લોકો તમને મળવા આવ્યા છે. કેટલા ભલા માણસ છે હો ! વિનોદ કાકા બોલે જતા હતા. દાદી અને પ્રહર એકબીજા સામે જોઈ રહયા હતા. બંનેની આંખોમાંથી આંસુ વહે જતા હતા. વગર વાતે બને વચ્ચે કેટલાય સવાલો પૂછાયા અને કેટલાય જવાબો અપાઈ ગયા. કોઈ ભીડમાંથી બોલ્યું, એ સમજાતું નથી પ્રત્યંચાએ તેની છેલ્લી ઈચ્છામા આજે ફાંસીની સજા કેમ માંગી લીધી ? તો બીજું કોઈ બોલ્યું હિંમત હારી ગઈ હશે હવે. અંદર અંદર વાતો થયા કરતી હતી. પ્રહરને ત્યાંથી લઈ જવાનું જ પાખીને યોગ્ય લાગ્યું. એને ધીમે રહી પ્રહરને કહયું, ચાલ પ્રહર જવું પડશે. પ્રહર ત્યાંથી નીકળી ગયો. બહાર ખુલ્લી જગ્યામા આવ્યા બંને. પ્રહરને કાર સુધી પાખી લઈ ગઈ. પ્રહરને કારમા બેસાડ્યો. પ્રહર કંઈજ બોલતો નહોતો, રડતો નહોતો. પાખીએ એને બોલાયો, પ્રહર કંઈક તો બોલ. રડી લે. પ્લીઝ કંઈક તો બોલ. પ્રહર બોલ્યો.... પાખી, પ્રત્યંચાએ જાણી જોઈને આજે ફાંસી માંગી. કેમ કે એ નહોતી ઇચ્છતી મારૂં નામ ક્યાંય આવે. એ જાણતી હતી મને મારા કરતા વધુ, એને ખબર હતી હું ચૂપ નહી બેસું. એટલે એને આવું કર્યુ. જાણું છુ પ્રહર હું. હું એટલું જ કહીશ પ્રત્યંચાનું બલિદાન તુ એળે ના જવા દેતો. પાખી રડી પડી. પ્રહર પણ પોતાના આંસુ રોકી ના શક્યો. પ્રહર બોલ્યો, સાચું જ કહયું હતુ કાલ એને... પ્રત્યંચા નામ જ છે એનું, મારા દિલમાં એનું તિર ચુભતુ રહેશે. જેને હું નીકાળીશ તો પણ વેદના મારે જ સહન કરવાની, અને રાખીશ તો પણ વેદના મારે જ સહન કરવાની.
*** સંપૂર્ણ ***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED