પ્રહર ઘરે આવીને તરત જ પ્રત્યંચાએ આપેલી ગિફ્ટ્સ, પ્રત્યંચાની બેગ, પ્રત્યંચાના ડોક્યુમેન્ટ્સ બધું ફેંદવા લાગ્યો. પ્રહરને હાલ ને હાલ જાણી લેવું હતું કે કેમ પ્રત્યંચાએ એની સાથે ખોટું બોલ્યું. પ્રહર કહેવા લાગ્યો, કેટલો પ્રેમ કર્યો તને મે પ્રત્યંચા, તે કહયું એ બધું જ કર્યુ. તારા કહેવાથી આપણા લગ્નની વાત મે બધાથી છુપાવી રાખી. મે મારા મમ્મી પપ્પાને પુત્રવધૂના સુખથી વંચિત રાખ્યા. મે કોઈ જ ફરીયાદ નથી કરી તારી સામુ, કોઈ જ પ્રશ્ન નથી કર્યો. છતા તે કેમ આટલી મોટી વાત છુપાવી. તે આપેલ ડાયરી હું વાંચવા જઈ રહયો છુ. તે કહયું હતું મને તને ફાંસી થઈ જાય પછી હું વાંચું. તે કસમ આપી છે મને. પણ પ્રત્યંચા આજે એક કસમ હું તોડીશ. મારી શંકાઓને દૂર કરવા. હું નથી ઈચ્છતો મારી પ્રત્યંચા પર હું શક કરૂં. પણ વિનોદકાકાની વાતોએ મને મજબુર કર્યો છે તારા અતીત વિશે જાણવા. મારે એ કરવું જ પડશે. સોરી પ્રત્યંચા. હું આ ડાયરી વાંચવા જઈ રહયો છુ.
પ્રહર, તમે જયારે આ પેજ ખોલ્યું હશે ત્યારે હું તમારી સાથે નહી હોવ. આ દુનિયાથી દૂર ક્યાંક હોઈશ. પ્રહર, આઈ એમ સોરી. તમને મારા વિશે બધું જાણવાનો હક હતો, પણ મારા જીવતા એ હક મે તમને આપ્યો નહી. એ માટે હું દિલથી માફી માંગુ છુ.મારૂં નામ પ્રત્યંચા ખાન. મારા મમ્મીનું નામ સૂચિબેન. મારા પપ્પાનું નામ સોહેલ ચૌહાણ. હા, પ્રહર.. હું ફીયાઝ ખાનની છોકરી નથી. એમને મને ક્યારેય પોતાની છોકરી માની જ નથી. હું જન્મી પણ નહોતીને એ ઇચ્છતા હતા કે હું મરી જાઉં. એમની ઈચ્છા પુરી થઈ નહોતી શકી. પણ હું જયારે જન્મી એમને તરત જ મને મારા દાદીને ત્યાં મોકલી આપી હતી. મારી મમ્મીએ વિરોધ કર્યો હતો. પણ ફીયાઝ ખાન આગળ એનું કઈ જ ચાલ્યું નહી. મારી મમ્મી ક્યારેય ફીયાઝ ખાન જોડે લગ્ન નહોતી કરવા ઇચ્છતી. જયારે મારા પપ્પાનુ જયારે અવસાન થયુ ત્યારે હું મારી મમ્મીના પેટમા હતી. ત્યારે હું 6 મહિનાની હોઈશ. ફીયાઝ મારી મમ્મીને ઉઠાવીને લઈ ગયો. ફીયાઝ અને મારી મમ્મી એક કોલેજમા હતા. ફીયાઝની નજર મારી મમ્મી પર હંમેશા રહેતી હતી. એ મારી મમ્મીને ત્યારે પણ હેરાન કરતો હતો. મારી મમ્મીના લગ્ન મારા પપ્પા જોડે થયા. એ એને પોસાયુ નહી. એને ગમે તેમ કરીને મારી મમ્મીને હાસિલ કરવી હતી. નસીબજોગે કે એના કાવતરાથી મારા પપ્પાનું એકસિડન્ટ થયુ. અને એમાં એમનું મોત થયુ. એ પછી ફીયાઝે મારી મમ્મી સાથે બળઝબરીથી લગ્ન કર્યા. ફીયાઝને જે પહેલી પત્ની હતી. એમનો એક છોકરો હતો હિયાન. જેને હું મારો મોટો ભાઈ કહું છુ. સરલ એ ફીયાઝ અને મારી મમ્મીનો છોકરો છે. આ સચ્ચાઈ મે તમારાથી છુપાવી એનું એક જ કારણ હતું તમારા જેટલા પ્રસિદ્ધ ડૉક્ટર મારી ફ્રેન્ડશીપ કરવા આવ્યા હતા. મને નહોતી ખબર ત્યારે કે આગળ જતા આ ફ્રેન્ડશીપ પ્રેમમા બદલાશે અને પછી લગ્ન સુધી આ સંબધ પહોંચશે. એ દિવસે પણ હું તમને કહેવા માંગતી હતી બધી જ સચ્ચાઈ.
યાદ છે ને એ દિવસ પ્રહર, કેટલીય મુલાકાત પછી તમે મને કહેલું પ્રત્યંચા આજે હું તને ખાસ વાત કહેવા માંગુ છુ. તું મને આજે મળીશ ? પ્રહર ડાયરી સામે જોતા હસવા લાગ્યો. કેમ ના યાદ હોય પ્રત્યંચા એ દિવસ. મારી ઝીંદગીનો મહત્વનો દિવસ. તે તરત હા પાડી હતી મળવાની. અને તે કહેલું ક્યાંક દૂર મળીશુ. છેક દૂર તું મને થોર લઈ ગઈ હતી. ત્યાં તળાવની પાસે બેઠા હતા. દૂર દૂરથી આવેલા પક્ષીઓ આમતેમ ઊડી રહયા હતા. આકાશ કેસરી રંગનું થયેલું હતું. તે ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો. તારી રેડ કલરની ઓઢણી હવામા ઊડી રહી હતી. આકાશના કલર સાથે જાણે એ ભળી રહી હતી. તારી અણિયારી આંખો મારી સામે ટગર ટગર જોઈ રહી હતી.જાણે પાછળ ચાલતા વાદળને સ્પર્શ કરવા માંગતા હોય એમ તારા વાળ હવામા ખુલ્લા ઊડી રહયા હતા. તારા ચહેરા પર અજબ શાંતિ હતી. હોઠો પર સ્મિત હતું. હું શુ કહેવાનો છુ એની તારી આંખોમા આતુરતા હતી. તોય તું શાંતિથી બેસી રહી હતી. તને જોઈને ત્યારે જ મને મન થયુ કે હાલ જ તારી સાથે લગ્ન કરી લઉ. એટલી સુંદર લાગતી હતી તું. એકદમ સાફ ચમકતો તારો ચહેરો એ વાતારણમા અલગ જ નિખરી રહયો હતો.
પ્રહર, ક્યારના શુ જોઉં રહયા છો. શુ વાત કરવાની છે ! આપણી ફ્રેન્ડશીપને આજે એક વર્ષ પૂરું થયુ. યાદ છે તને પ્રત્યંચા ? ઓહ, પ્રહર તમને આટલા બધા બીઝી શેડયુલમા આપણી ફ્રેન્ડશિપની ડેટ યાદ છે? સાચે.... મને તો વિશ્વાસ નથી આવતો. કે તમને આવું બધું પણ યાદ રહેતું હશે. તું જયારે એ વાત પર હસી હતી ત્યારે મને ગુસ્સો તો આવેલો પણ તારા એ નિર્દોષ હાસ્યએ મારા ગુસ્સાને ટકવા ના દીધો. કેમ ? તું નથી યાદ રાખતી આ બધું. ના, મને તો યાદ જ નહોતું. હું બહુ ફ્રેન્ડ બનાવતી જ નથી. મારા બે જ ફ્રેન્ડ છે એક તમે અને એક મારી કોલેજની ફ્રેન્ડ સ્વરા. એટલે આવું બધું યાદ રાખવાનું હોય એ મને ખબર જ નહોતી. તારી આ સાદગી પર જ તો મારૂં દિલ હારી ગયો હતો. પ્રત્યંચા, હું તો બધું યાદ રાખું. પણ જયારે કોઈ ખાસ ફ્રેન્ડ હોય ત્યારે. અચ્છા, તો હું ખાસ છુ એમ કહેવા માંગો છો તમે પ્રહર ? હા, તું તો મારા માટે ખાસ જ નહી મારૂં જીવન છે. તું જયારે હસે છે ત્યારે મારી બધી ચિંતા દૂર થઈ જાય છે. જયારે તારી આંખમા આંસુ હોય ત્યારે મારૂં દિલ ધડકવાનું ભૂલી જાય છે. જયારે તું મારી સાથે ચાલે છે ત્યારે લાગે છે બધી મંઝિલ નજીક છે. જયારે તું મારી સાથે નથી હોતી એક ડગલું પણ ભરવું કઠિન બની જાય છે. તું સવારે ઉઠવા માટેનું કારણ છે. તું મારૂં જીવવાનું કારણ છે. તારા વગર હું અધૂરો છુ. પ્રત્યંચા, હું તને પ્રેમ કરૂં છુ. એ દિવસથી જ્યારથી મે તને જોઈ છે. હું તારી સાથે જીવવા માંગુ છુ. તારી સાથે સપના જોવા માંગુ છુ, એ સપનાને પુરા કરવા તારી સાથે દોડવા માંગુ છુ. તને પામી હું પૂરો થવા માંગુ છુ.
પ્રહર, તમે આ શુ કહી રહયા છો. મે તમને મારા ફ્રેન્ડ જ માન્યા છે. હું તમારામા હંમેશા એક સારા ફ્રેન્ડને જ જોતી રહી છુ. તમે મને પ્રેમ કરો છો એ મારૂં સૌભાગ્ય છે. પણ મારા દિલમા આવો કોઈ જ ભાવ નથી. હું તમારી ઇઝ્ઝત કરૂં છુ. તમારું મારા દિલમા બહુ જ માન છે. હું ખુશનસીબ છુ કે તમારી જેવી વ્યક્તિ મારા જેવી છોકરીને પ્રેમ કરે. પણ હું તમારા પ્રેમને લાયક નથી. હું તમારા માટે લાયક નથી. કોને કહયું પ્રત્યંચા તું મારા માટે લાયક નથી ? પ્રહર તમે એક મોભેદાર પરિવાર, પૈસાદાર ખાનદાનમાંથી આવો છો. તમારા પૂર્વજોના નામ આખા શહેરમા ઓળખાય છે. બહુ મોટું નામ અને બહુ ઈજ્જત ધરાવે છે તમારો પરિવાર. અને હું એક સામાન્ય પરિવારની છોકરી છુ. મારા મમ્મી પપ્પા અલગ અલગ ધર્મ ધરાવે છે. તમારી ઇમેજ મારા લીધે ખરાબ થશે. તમે એક મોટા ડૉક્ટર છો. હું એક સામાન્ય આર્ટસ સ્ટુડન્ટ છુ. કોઈ મેલ નથી આપણો. પ્રેમ નાત જાત, અમીર ગરીબ આ બધું જોઈને નથી થતો. પ્રત્યંચા, તને કોઈ જ દબાણ નથી. પણ કાલે આ જ જગ્યાએ, આ જ સમયે હું તારી રાહ જોઈશ. તું વિચારીને જો. શુ તારા મનમા મારા માટે ક્યારેય વિચાર નથી આવ્યો? શુ તારા દિલમા મારા માટે ક્યારેય દોસ્તીની જગ્યાએ પ્રેમે જગ્યા નથી બનાવી? શુ તને ક્યારેય નથી થયુ કે તું મારી જોડે વધુ સમય વિતાવે ? આ બધા પ્રશ્નોના જવાબ તું તારા મન, તારા દિલને આપજે. કાલે આપણે મળીશુ. તારો જે પણ જવાબ હશે એ મને મંજુર રહેશે. એનાથી આપણી દોસ્તી પર કોઈ અસર નહી થાય.
કેવી હશે પ્રત્યંચા અને પ્રહરના પ્રેમની શરૂઆત..! જાણો આવતા અંકે.....