તલાશ - 39 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 39

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"જીતુભા ચતુર બોલું છું. ઓલી નીના હમણાં જ કાર લઈને ઉતાવળી મિલિટરી હોસ્પિટલ સાઈડ ગઈ છે. હું બાઈક માં એનો પીછો કરું છું પણ એ કારની સ્પીડ માં પહોંચશે નહીં. કાર નંબર xxxx છે. મને કાલે બપોરે કારની ટાંકી ફૂલ કરવા કહ્યું હતું. પણ મેં એમાં 8 લીટર જ પેટ્રોલ ભરાવ્યું હતું એટલે અત્યારે ટાંકીમાં માંડ 5 લીટર પેટ્રોલ હશે. એ 80-100 કિ મી થી વધારે દૂર નહીં જાય. થોડી વારમાં એને ઈન્ડિકેશન મળશે એટલે મને ગાળો દેશે." ચતુરે એક શ્વાસે રિપોર્ટ આપ્યો.

"ઓ.કે. હું કેન્ટોનમેન્ટ રોડથી હોસ્પિટલ સુધી પહોંચું છું. આ રસ્તે એ નહીં આવે. અને ગુલાબચંદજીના ઘર બાજુ પણ નહીં જાય. ટાઉન હોલ સાઇડથી તો 10-12 કિમીમાં રણ શરૂ થઈ જાય છે. એટલે એને ભાગવાનો એક જ રસ્તો છે. જોધપુર વાળો. તું ક્યાં પહોંચ્યો.?"

"મિલિટરી હોસ્પિટલ ક્રોસ કરી અને મ્યુઝિયમના રસ્તે આગળ જઈ રહ્યો છું. તમે ક્યાં પહોંચ્યા?"

"લગભગ તારાથી 2 કિમી પાછળ છું અને મારા માણસો ને હોસ્પિટલ પહોંચતા 5 મિનિટ લાગશે હજી. પીછો ચાલુ રાખજે. અને માત્ર પીછો જ કરજે એને પડકારતો નહીં કદાચ એની પાસે હથિયાર હશે."

"હા હવે ફોન બંધ કરી સ્પીડ વધારું છું." કહી ચતુરે ફોન કટ કર્યો. અને કાનને સતેજ કર્યા. અંધારી ઘોર રાત્રિમાં માઇન્સ 7 ડિગ્રીમાં. ફૂલ સ્પીડે એ હીરો મેજેસ્ટીક ચલાવી રહ્યો હતો પણ ક્યાં આધુનિક કારની સ્પીડ અને ક્યાં હીરો મેજેસ્ટિક ની સ્પીડ. પણ ગમે તેમ તોય એ અહીંયા નો ભોમિયો હતો અહીંયા જ જન્મીને 24 વર્ષ અહીંની ગલીઓમાં જ ગાળ્યા હતા. ગલી કૂંચી માંથી શોર્ટકટ એને ખબર હતી જયારે નાઝને માટે બધું નવું હતું. એટલે મેઈન રોડ પકડી રાખવા માટે એને કાર વારે વારે ધીમી કરવી પડતી હતી. તો જીતુભાની પણ એ જ હાલત હતી. ચતુરને બીજો ફાયદો એ થયો કે જીતુભાના મગજની ગણતરીએ નાઝ કયો રસ્તો લેશે એ કન્ફ્યુઝન એને રહ્યું ન હતું. એણે એક-બીજી ગલીમાં થી વળાંક લઈને એ લગભગ 7 મિનિટે જેસલમેરના જગ પ્રખ્યાત 'વોર' મ્યુઝિયમ પાસે પહોંચ્યો. અચાનક એને પાછળથી સુસવાટા ભેર આવી રહેલી કાર નો અવાજ આવ્યો એ શોર્ટકટ રસ્તાઓને કારણે કારથી પહેલા પહોંચ્યો હતો. અવાજ ની માત્રા ગણતરી કરીને એણે એક ખતરનાક નિર્ણય લીધો નાઝની કાર ને ગમ્મે તેમ કરી રોકાવીને એને ભાગતી રોકવાનો એણે પોતાના (ભાઈબંધ ના) હીરો મેજેસ્ટીક ને રસ્તાની વચ્ચે ઊભું કર્યું અને ખીસ્સામાંથી રામપુરી બહાર કાઢ્યું. જગતસિંહે આપેલો તમંચો એ જ્યાં રાત રોકાયો હતો ત્યાં જ રહી ગયો હતો. પીછો કરવાની ઉતાવળમાં એ તમંચો લીધા વગર જ આવી ગયો હતો. એ એની ભૂલ હતી. બહુ જબરી ભૂલ.

xxx

નાઝની કાર આખરે મેઈન રોડ પર ચડી હતી. હવે એ કારને બેતહાશા ભગાવી શકે એમ હતી. 'થૈયત'નું પાટિયું હમણાં જ પસાર થયું અને હવે 'વોર' મ્યુઝિયમ આવશે. એણે મનોમન ગણતરી કરી. પોખરણ લગભગ 82-85 કિમિ દૂર છે. ત્યાં હોલ્ટ કરીશ ગુલાબચંદ ની ભત્રીજી પર કોઈ શક નહિ કરે ત્યાં સુધીમાં ચીફ સાથે વાત થઇ જશે. પછી જો બધું બરાબર હશે તો પાછા ગુલાબચંદને ઘરે અને કંઈ ગરબડ હશે તો પોખરણમાં કાર છોડીને કોઈ રસ્તે બાડમેર થઈને 2-3 દિવસે. થારપાકર (પાકિસ્તાન)માં પહોંચી જઈશ. મનોમન ગણતરી કરતી નાઝે જોયું તો લગભગ 200 ફૂટ દૂર કઈ માણસ રસ્તાની વચ્ચોવચ બાઈક આડી રાખીને ઉભો છે અને એના હાથમાં પણ કૈક છે કદાચ ચાકુ. "તારી તો xxx " ગાળો બોલતી નાઝે કારની સ્પીડ વધારી.ચતુર એનો ઈરાદો સમજ્યો હવે શું કરવું વિચારમાં 2-3 સેકન્ડ પસાર થઇ આખરે નિર્ણય લઈને એને જમણી બાજુ જમ્પ માર્યો અને કારની રેન્જમાંથી બહાર નીકળીને પડ્યો. બીજી જ સેકન્ડે ધડાકાભેર કાર હીરો મેજેસ્ટીક સાથે અથડાઈ અને ગોથા ખાતી ચતુર ઉપર પડી. ઊભો થવાનો પ્રયાસ કરતો ચતુર અચાનક માથે પડેલી હીરો મેજેસ્ટીક થી પાછો જમીનભેર થયો એના હાથમાંથી રામપુરી છટકીને ક્યાં પડ્યું હતું. પણ એની મુસીબત હજી પૂરી થઈ ન હતી. નાઝે મારેલી બ્રેક થી એની કાર ચતુર પડ્યો હતો તેનાથી લગભગ 80 કદમ દૂર ઉભી રહી. "બાસ્ટર્ડ, હરામખોર તારી xxx " ગાળો બોલતી નાઝ કારમાંથી બહાર આવી સુમસામ અંધારી ઘોર રાતમાં એની બોલેલી ગાળો ગુંજતી હતી. હીરો મેજેસ્ટીક થી 15 પગલાં પહેલા એણે ચતુરને ઓળખ્યો હતો. "સા .. કુતરા તને આટલી બધી બક્ષિસ રોજ આપતી હતી મારો પીછો કેમ કરતો હતો? કહીને નાઝે જમણો હાથ ચતુર તરફ લંબાવ્યો. "તું છટકી નહીં શકે નીના, કે તું જે કોઈ હો એ તારો ખેલ ખલાસ થઈ ગયો છે". હાંફતા હાંફતા ચતુર બોલ્યો આવી કારમી ઠંડીમાં જોર થી મોં ભેર મરેલા જમ્પ પછી એના ઉપર હીરો મેજેસ્ટીક કંઈક વિચિત્ર રીતે ફૂલ ફોર્સ માં આવી પડી હતી અને એના જમણા સાથળમાં એનું હેન્ડલ જોર ભેર વાગ્યું હતું હજી એ અધૂકડો જ ઉભો થી શક્યો હતો એના હાથ પગ અને ચહેરો છોલાય હતા અને ડાબી કોણી માં એની બાઈકનું પાછલું વ્હિલ જોરથી વાગ્યું હતું.

"કોણ રોકશે મને તું?" કૈક વ્યંગ ભર્યા વેણ બોલી નાઝે એને કહ્યું.

"તને રોકનારો 2 મિનિટમાં અહીં પહોંચશે. જિંદગીભર તું જેલમાં રહેશે સમજી." ચતુર માંડ માંડ બોલી શકતો હતો.

"ઓ કે. હું તો જેલમાં જીવીશ પણ તું તો અત્યારેજ જહન્નમમાં જાય છે. કહી નાઝે જમણા હાથમાં રહેલી બેરેટાનું ટ્રીગર દબાવ્યું. એજ વખતે એના હાથમાંની ગન જોઈ ચોંકી ગયેલા ચતુરે ઊભો થવાનો પ્રયાસ કર્યો. પણ ગોળી બાઇકના હેન્ડલમાં ટકરાઈને એના ડાબા પડખા માં ઘુસી ગઈ. "વોયમાંઆઆ". ની ચીસ ચતુરે પાડી. એજ વખતે સુસવાટાભેર આવતી બુલેટનો ટિપિકલ અવાજ નીરવ શાંતિમાં ગુંજ્યો. નાઝે મનોમન એક સેકન્ડમાં ગણતરી કરી ચતુરને બીજી ગોળી મારવાનો વિચાર માંડી વાળ્યો, અને ઝડપભેર પોતાની કાર તરફ ભાગી. દરવાજો ખોલી સ્ટિયરિંગ પર બેસી એણે કાર સ્ટાર્ટ કરી અને ઝડપથી ગિયર બદલવા મંડ્યા. રસ્તો સુમસામ અને ખાલી જ હતો.

xxx

જીતુભાએ દૂરથી.રસ્તા પર બાઈક સાથે પડેલા કોઈને ચિખતા જોયું અને એથીય દૂર એક કારની બેક લાઈટ ઝબૂકતાં જોઈ. 5 -7 સેકન્ડમાં એ બાઈક પાસે પહોંચ્યો. અને ફટાફટ પોતાનું બુલેટ ઊભું કર્યું. અને ઘવાયેલા ચતુર પાસે પહોંચ્યો. "ચતુર, એ ચતુર એણે રાડ નાખી."

"જીતુભા" ચતુરનો શ્વાસ તૂટતો જતો હતો. "એ હમણાં જ આગળ ગઈ છે. પણ મને લાગે છે કે એ પોખરન સુધી માંડ પહોંચશે. જો સીધી જશે તો. પણ જો એ હોશિયાર હશે તો વચ્ચેના રસ્તાઓથી ફતેહગઢ ના રસ્તે એ ટૂંકા રસ્તે બાડમેર થઈને બોર્ડર પાર જશે. અહીંથી 5-7 કિમી દૂર બસનપીર ગામથી એક કાચો રસ્તો છે જેમાં મુખ્ય રસ્તાથી થોડું વધારે ફરવું પડે છે તેના પર એ જેરત થઈને દેવી કોટ થઈ ફતેહગઢ જશે"

"તું બોલ નહીં ચતુર, હમણાં મદદ આવી પહોંચશે."

"તમને રસ્તો સમજાવવો પડશે મારે અહીંના અજાણ્યા છો. હું મરી જાઉં તો મારા શેઠને મેસેજ આપજો કે મેં મારું બનતું કર્યું હતું."

"તારો શેઠ તારા ઘરે આવીને તને શાબાશી આપશે. અને ઓલી પાકિસ્તાની ને હું હમણાં અડધો કલાક માં પકડી લઈશ." એટલામાં ભીમસિંહ અને બીજા 5-6 જણા પોલીસ જીપ માં આવ્યા. જીતુભાએ એમને કહ્યું. "તમે અર્જન્ટ આ ચતુરને હોસ્પિટલમાં ભરતી કરવો 2 જણા સિવિલ ડ્રેસ પહેરી લો અને ત્યાં હોસ્પિટલમાં પૂછપરછ થાય તો કહે જો કે અમે આને ઓળખીએ છીએ. અને ગુલાબચંદ ગુપ્તાનો ડ્રાઈવર છે." પછી પોતે નાઝની કાર જે દિશામાં ગઈ હતી એ બાજુ બુલેટ ભગાવ્યું. એને પોતાને મળેલી ગન પેન્ટના ખિસ્સામાં ભરાવી હતી.

xxx

લગભગ 10 કિમિ પછી નાઝે એજ રસ્તો લીધો જે ચતુરે વિચાર્યો હતો. ચતુર પોતાને રોકવા ઉભો હતો ઉપરાંત હજી કોઈક પોતાનો પીછો કરી રહ્યું છે એવું કહ્યું હતું એનો મતલબ હવે ચીફના ફોનની રાહ જોયા વગર ઝટ પાકિસ્તાન ભેગા થઇ જવામાં જ ભલાઈ હતી. મસ્ત 15-20 લાખની કાર તો બોર્ડર પહેલા છોડી દેવી પડશે પણ દોઢેક લાખ રૂપિયા અને 12-15 લાખના ઝવેરાત. એને ગુલાબચંદના ઘરમાંથી કાલે જ મળ્યા હતા. એ એને એની ઓફિસમાં જણાવવાની જરૂર ન હતી હવે એની માલિક એ જ હતી. બસનપીરથી જમણી બાજુમાં વળાંક લઈને એ 2-3 કિમિ આગળ વધી. જેરત 5 કિમિ દૂરનું પાટિયું દેખાયું અને અચાનક કાર નું ઇન્ડિકેટર ઈશારો કરવા લાગ્યું."ઓહ શિટ બાસ્ટર્ડ" એને ફરી ચતુરને ગાળો દીધી હવે એ કારમાં માંડ 25 કિમિ જ જઈ શકે એમ હતી એણે બાડમેર પછી કાર છોડવાનું વિચારેલું પણ હવે... કાંઈ સૂઝતા એણે કારની સ્પીડ વધારી અને એણે જેરત તળાવ ક્રોસ કરીને સીધી કાર આગળ વધારી. કારની હેડલાઈટ હવે ડચકા ખાતી હતી. સંગના ગામનું પાટિયું આવતા કાર હ્ચમચાઈને ઉભી રહી ગઈ. નાઝ ગાળો બોલતી કારની બહાર નીકળી. અને અંધાધૂંધ રોડ પર ભાગવા મંડી. સંગના ગામ હવે પાછળ છૂટી ગયું હતું. અને લગભગ 9-10 કિમિ પછી દેવી કોટ ગામ આવવાનું હતું. કાખમાં ઝવેરાતનું પોટલું અને ખભે પાઉચ ભરાવીને નાઝ દોડી રહું હતી. 6-7 કિમિ પછી એને પાછળ આવતી બુલેટનો અવાજ ધીમે ધીમે સાંભળવા માંડ્યો એની ધડકન વધી ગઈ. ચારે બાજુ ખેતર હતા, છુપાવાની કોઈ જગ્યા ન હતી ઝડપભેર એને દોટ મૂડી પણ કાખમાં રહેલું પોટલું અને ખભે ભરાવેલ પાઉચ ના કારણે એ ઝડપથી દોડી સકતી ન હતી. બુલેટનો અવાજ મોટો થતો જતો હતો. અડધો કિમિ પડતા આખડતા એ આગળ વધતી રહી એને જોયું કે એક ખેતરમાંથી એક ટ્રેક્ટર બહાર આવી રહ્યું છે અને દેવી કોટ બાજુ જવાની દિશામાં આગળ વધતું હતું. બારે શ્વાસે એને રાડ દીઘી."એ હોય બચાવો" પણ ટ્રેક્ટર વાળા એ સાંભળ્યું નહીં પાછળ નજર નાખી તો બુલેટ પર એક નવજવાન ફૂલ સ્પીડમાં એની તરફ આવી રહ્યો હતો. જીવ બચાવવા એણે દોટ મૂકી અને જાણે અંતિમ ચીસ પડી હોય એમ બૂમ મારી "એ ટ્રેક્ટર રોકો પ્લીઝ" જાણે આ વખતે એ ટ્રેક્ટર વાળા એ એનો અવાજ સાંભળ્યો હોય એમ ઊભું રહી ગયું. હજી એ લગભગ 200 ફૂટ દૂર હતું. હાંફતા શ્વાસે એ ટ્રેક્ટર તરફ ભાગી. પાછળ આવતો જવાન હવે 5-600 ફૂટ દૂર હતો. જીવ હાથમાં લઈને નાઝે ટ્રેક્ટર તરફ ભાગવા માંડ્યું એની કાખમાંથી પોટલું સરકી ગયું પણ એની પરવા કર્યા વગર એ પાગલની જેમ ટ્રેક્ટર તરફ દોડવા માંડી, અચાનક પાછળથી "ભફાંગ કરતો મોટો અવાજ આવ્યો એણે ભાગતા ભાગતા એક નજર પાછળ નાખી. બુલેટ અને એના પર આવતો જવાન બન્ને રોડ પર ઘસડાતા હતા, ભાગતી ભાગતી એ ટ્રેક્ટર સાથે અથડાઈ. હવે એ બેહોશ થવાની તૈયારીમાં હતી 10-12 કિમિ એ દોડી હતી. "આવી જા જાનેમન મારા ટ્રેકટરમાં બેસીજા" એક અવાજ એના કાનમાં પડ્યો પણ એનો અર્થ મગજમાં ઉકેલાય એ પહેલા એ બેહોશ થઈ ગઈ હતી.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

તલાશ દેશની અંદર રહેલા દેશદ્રોહીઓની. તલાશ દેશ માટે જાનની બાજી લગાવનારા નરબંકાઓની