તલાશ - 3 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 3

" હા બોલો ભાઈ શું કામ હતું? અને શું નામ છે તમારું" સાકરચંદે જીતુભાને પૂછ્યું.

''અમમમ હું મારૂ, મારે એક વસ્તુ પુછવી છે.”

“હા બોલો. અને શું નામ કીધું તમે? ફરીથી નામ જાણવાનો આગ્રહ કર્યો."

“જી મારું નામ જીતુભા"

" જીતુભા એટલે દરબાર રાજપૂત તો અટક કઈ તમારી? એમાં વાત એવી છે ને કે અમારા ગામમાં ય ઘણા દરબાર રહે છે."

“જીતુભા જોરાવરસિંહ જાડેજા ગામ કુંભરડી તાલુકો ભચાઉ. જીલ્લો કચ્છ રાજ્ય ગુજરાત" જીતુભાએ અકળાઈને કહ્યું જવાબમાં સાકરચંદે ફરીથી અટ્ટહાસ્ય કર્યું.

" બાપુ સમજી ગયો બધ્ધું તમે તો આકરા થઇ ગયા. હા બોલો શું કામ પડ્યું મારું?"

”એમાં એવું છે ને કે મારે.. મને..."

" હા હા બોલો શું તમારે તમને... "

" જી મારા મોબાઇલમાં ગઈ રાત્રે તમારા ફોનમાંથી મોબાઈલમાંથી મારી બહેને ફોન કર્યો હતો"

"ઓહ્હ તો એ છોડી તમારી બેન હતી." જીતુભાની વાત અડધી કાપીને સાકરચંદે કહ્યું

" હા એ મારી બહેન હતી."

" ઓહ બાપરે કેવી ગજબની માથાભારે... માફ કરજો પણ .. એ ખુબજ ઉત્પાતિ છોકરી હતી. ટ્રેન લેટ હતી અને હું મારી બર્થ માં સૂતો હતો ત્યાં આવીને મને કહે કાકા એક ફોન કરવો છે તમારો મોબાઈલ આપોને મારા ફોનની બેટરી ઉતરી ગઈ છે. મેં કીધી ના રે ના 16 રૂપિયા લાગે છે ખબર છે તને, તો કહે કે 20 લઇ લો પણ ખુબ જ અગત્યનું કામ છે મારા ભાઈને એક મેસેજ દેવો છે. એમ કહીને લગભગ ફોન મારા હાથમાંથી ઝૂંટવી લીધો. પછી મેં કુ જવા દેને રાતવરાત છે ને છોડીને ખરેખર કાક કામ હશે. પછી એણે કોકને દાદર સ્ટેશન પર બોલાવેલ કદાચ તને સોરી તમને જ"

" હા એજ, અને તમે વડીલ છો મને તુંકારે બોલાવશો તો ચાલશે"

"બહુ ભલો છે તું, પણ ગામથી જ આદત છે બધા બાપુઓને માંનથી બોલાવવાની ખેર પણ.."

“હું એ જ પૂછવા આવ્યો છું શેઠ સાકરચંદ જી કે તમારા ફોનમાંથી ફોન કરી મને દાદર બોલાવ્યા પછી સોનલ એટલે કે મારી બહેન ક્યાં ગાયબ થઈ ગઈ, કેમ કે કાલે રાત્રે મેં તમને તો B -2 માંથી ઉતરતા જોયા હતા પછી તમે મુલુંડની ટેક્સી કરી એ પણ મને ખબર છે. પણ મારી બહેન કેમ ન ઉતરી " ઉશ્કેરાટથી જીતુભાનો અવાજ ફાટ્યો.

"હે હે હે... મેં તને કીધુંને કે એનો ઉત્પાત ગજબનો હતો " માંડ માંડ અટ્ટહાસ્ય રોકતા શાકરચંદે કહ્યું. એ તારી બહેન ભેગી બીજી એક છોડી અને એક 32-35ની ઉંમરની લગભગ 7 મહિના પ્રેગ્નન્સીના થયા હોઈ એવી એક બાઈ, કે જેને બન્ને છોડીયું મેમ કહેતી હતી કોક સ્કૂલ - કોલેજમાં ભણાવવાવારી ટીચર જેવી. ઈ જ હતા હારે મારી સામેની સીટમાં જ હતા. પણ ત્રણે જાણ કંઈક ઘુસર - પુસર કરતા હતા અચાનક કલ્યાણ સ્ટેશન પહેલા ઓલી મેમની તબિયત કાક બગડી ગઈ અને એણે એ બેય છોડીનુંને કીધું કે અહીંયા મારુ પિયર છે. ત્યાંજ રોકાઈ જશું સવારે મુંબઈ જશું. ટ્રેન કલ્યાણ સ્ટેશન પર પહોંચી જ ગઈ પહેલા તો બન્ને છોડીઓએ આનાકાની કરી તારી બહેને પોતાનો ફોન પણ જોયો એટલે ઓલી મેમસાહેબે કીધુ કે મારી મા ના ઘરે પહોંચી પહેલા તમારા બંનેના ઘરે ફોન કરી લેશું એટલે એ બન્ને ઓલી ટીચર જેવી દેખાતી બાઈ હારે ઉતરી ગઈ. મને થયું કે ગજબની છોડી છે. પોતાના ભાઈને દાદર બોલાવ્યો અને પોતે અહીં ઉતરી ગઈ. દાદરમાં હું પેલા તને ગોત્વનો હતો પણ પછી યાદ આવ્યું કે ઓલી મેમનાં ઘરે પહોંચીને તને એણે ફોન કરી દીધો હશે એટલે મેય કઈ જાજી માથાકૂટ તને ગોતવાની ન કરી આમેય રાતનાં દોઢ વાગ્યો હતો અને મારી પાસે જોખમ હતું એટલે હું ફટાફટ ટેક્ષી કરીને નિકરી ગયો. તે હે એણે હજી તને ફોન નથ કર્યો... હા હહાહા.. ગજબની છોડી" કરીને સાકરચંદે ફરી અટ્ટહાસ્ય કર્યું.. “અને તું સવાર સવારમાં ઠેઠ દાદરથી આયા એની તપાસ કરવા આવી ગયો. મજબૂત નેટવર્ક હો ભાઈ તારું. મારુ એડ્રેસ ગોતીને 7 વાગ્યા માં આવી પૂગ્યો વાહ..."

જીતુભાને એ વખાણમાં ડંખ લાગતો હતો એની પાસે સોનલને ગોતવાની એક માત્ર કડી હતી સાકરચંદનો મોબાઇલ. એની પાસેથી માહિતી તો મળી, પણ ઉલટાની ચિંતામાં વધારો કરે એવી. હવે કલ્યાણમાં ક્યાં ગોતવા જાઉં એનું મગજ ચકરાવે ચડ્યું હતું. જાન્યુઆરીની અંતિમ તારીખોમાંય એના મોઢા પર પ્રસ્વેદના ટીપા બાઝવા લાગ્યા. સાકરચંદે એ જોયું ત્યાં જ કેબીન નું બારણું ખુલ્યું અને રઘુ ચા લઈને અંદર આવ્યો. "લો ચા પીવો.”

XXX

ચા પિતા પિતા જીતુભાએ સાકરચંદનો ચહેરો બારીકાઇથી નિરીક્ષણ કર્યો. ક્યાંય કૈક વાત છુપાવતો તો નથી ને એવી આશંકા એનો ચહેરો જોયા પછી ઓગળી ગઈ. જીતુભાએ તારણ કાઢ્યું કે એક ભલોભોળો વેપારી છે. જેણે મુસીબત માં પડેલી એક છોકરીની મદદ કરવા જ પોતાનો મોબાઇલ આપ્યો હતો. ચા ખરેખર સ્પેશિયલ હતી આદુ ઈલાયચી અને ફુદીના ઉપરાંત મસાલો પણ હતો અને પાછી કડક મીઠી. જીતુભાનું મગજ ફ્રેશ થવા લાગ્યું. "ચાલો તો સાકરચંદ શેઠ હું જાઉં છું. લાગે છે કે મારી બહેન ફોન કરવાનું ભૂલી ગઈ હશે અને સોરી તમને આટલી વહેલી સવારમાં તકલીફ આપી એ બદલ. અને ચા ખરેખર સરસ હતી. ફરીથી આભાર" કહીને જીતુભા ઉઠ્યો.

“ ભલે ભાઈ સાચવજે. અને વાહ શું તમારા ભાઈ-બહેન નો પ્રેમ ભાઈને અડધી રાતે દોડાવ્યો અને પછી બહેન વચ્ચે જ ક્યાંક ઉતરી ગઈ. હાહાહા, એ ભાઈ તને એક વાત પૂછું " કહીને સાકરચંદે જે કહ્યું આનાથી જીતુભાનાં શરીરમાં લખલખું પસાર થઇ ગયું "તને તારી બહેનની ચિંતા નથી થતી. બાકી ગજબ છોડી હાહાહા..." જીતુભા ભય, ચિંતા અને ગુસ્સામાં ઉભો થયો અને "આવજો " કહીને બહાર નિક્ળ્યો. કારમાં બેસી કાર સ્ટાર્ટ કરી, એની નજર ભંગારને છુટા પડતા ઓલા 2-3 જણા પર પડી. જીતુભાએ જોયું તો શંકર લાલઘૂમ આંખે એને ઘૂરતો હતો. કાર આગળ વધી એનો અવાજ સાકરચંદ સાંભળ્યો. એક હાશકારો નાખીને એને પોતાના ખિસ્સા માંથી 2- 3 મોબાઈલ કાઢ્યા અને એક મોબાઈલમાંથી કોઈને ફોન જોડ્યો

XXX

"હેલ્લો" એક ઘૂંટાયેલો અવાજ સાકરચંદના કાને પડ્યો.

"સંભાળ પૃથ્વી, એ છોકરો બહુ જ તેજ છે. સંભાળીને કામ કરજે. ત્યાં શું છે ચાલે છે?"

"અહીં બધું બરાબર છે. સરલા બેન અને બન્ને છોકરીઓ તૈયાર થાય છે. પોણા આઠ વાગ્યા છે અમે લગભગ સવા આઠ વાગ્યે નીકળશું પણ તમે એમ કેમ કહ્યું કે છોકરો તેજ છે? "

" અરે એ સાત વાગ્યામાં તો અહીંયા મારા ગોડાઉન પર પહોંચી ગયો હતો. માત્ર 2 કલાકમાં મારુ એડ્રેસ ગોતીને મારા સુધી પહોંચ્યો. અને મને મળ્યો પણ ખરો"

" મેં તમને પહેલા જ કહ્યું હતું, કે એ જબરો છે. હવે આગળ?"

“કઈ નહીં મને નથી લાગતું કે એ મારો પીછો જલ્દી છોડે. આમેય 'અનોપચંદ'ની ઓફિસમાં જરૂર છે. આ ગોડાઉન કરતા ત્યાંની ઓફિસ વિશાળ છે. ત્યાંથી ગેમ રમવાની મજા આવશે. એટલે હું ત્યાં જાઉં છું. તું ફોન કેટલા વાગે કરીશ" સાકરચંદે પૂછ્યું.

" 10 મિનિટ પછી'. અને હા એ વાત સાચી છે. ત્યાંની ઓફિસમાંથી ગેમ આસાન થશે. પછી આ ગોડાઉન?" સામેથી પૃથ્વી એ પૂછ્યું

"એ શંકર અને રઘુ સંભાળશે 2-3 દિવસ, પછી જોશું. પણ મને લાગે છે કે એ અથવા એને મારું એડ્રેસ અપાવનાર સાંજ સુધીમાં અહીં ફરીથી આવશે એટલે હું થોડીવારમાં અહીંથી નીકળી જઈશ. ફોન કર એટલે મને કહે જે."

"ઠીક છે. કહીને પૃથ્વી એ ફોન કટ કર્યો અને મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. અને ઉભો થયો. સામે આદમકદ આયનામાં પોતાનું પ્રતિબિંબ જોયું. છ ફૂટ 2 ઇંચ હાઈટ લગભગ 115 કિલો વજન, કસાયેલો બાંધો કસરત કરી કરીને ફૂલેલા બાવળા.અને એ બધા ઉપરાંત કુદરતી રીતે ચહેરા પર રાજસી તેજ. સુંદર રીતે કપાયેલી તલવાર કટ મૂછ સુંદરતામાં વધારો કરતી હતી. એક મુસ્કુરાહટ પોતાના પ્રતિબિંબ પર નાખી ને એ મનમાં બબડ્યો. "જીતુભા તારી તો હવે ખેર નથી." પછી હળવા સાદે અવાજ દીધો "કાંતા બેન", તુર્તજ એક ચાલીસેક વર્ષની શામળી સરખી કાંતા દોડીને આવી "હુકમ"

"જો આ સરલાબેન અને ઓલી 2 છોરીયું તૈયાર થઈ કે નહીં અને હું ન્હાવા જાઉં છું એ લોકો તૈયાર થાય એટલે કહો કે નીચે ઉતરે. પછી પ્રોગ્રામમાં જવાનું મોડું થશે."

" જી હુકમ એ લોકો ટાપટીપ કરે છે દશેક મિનિટમાં રેડી થઈ જશે"

“ઓકે તો એમને કહો કે નીચે ગાડીમાં ગોઠવાય અને ડ્રાઈવર રમેશભાઈને કહો કે ગાડી હું ડ્રાઇવ કરવાનો છું" કહીને પૃથ્વીએ કાંતા બેનને રજા આપી રૂમ અંદરથી લોક કર્યો અને રૂમમાં એટેચ્ડ બાથરૂમમાં ઘુસ્યો. અને મોબાઇલ બહાર કાઢ્યો.

xxx

ટ્રીન ટ્રીન મોબાઈલમાં વાગતી ઘંટડીએ જીતુભાનું ધ્યાન ખેંચ્યું. એણે કાર સાઈડમાં કરી અને ઉભી રાખી ચુના ભઠ્ઠી સિગ્નલ પાસે સવારમાં ટ્રાફિકનો લોડ ઓછો હતો અને ઉપરથી રવિવાર હતો એટલે બહુ મુશ્કેલી ન પડી એણે મોબાઇલની સ્ક્રીન પર જોયું તો પ્રાઇવેટ નંબર હતો ધડકતા દિલે એને ફોન ઊંચક્યો અને કહ્યું "હેલ્લો "

" તો મળી આવ્યો ઓલ ભંગારવાળાને,? શું કહ્યું એણે? મારું એડ્રેસ આપ્યું? કે તારી બહેન ક્યાં છે. એ વિષે કઈ કહ્યું? શું લેટેસ્ટ ન્યુઝ છે તારી પાસે. બોલ. હા હા હા ..... " કાનસ ઘસાતી હોઈ એવો તીણો અવાજ જીતુભાનાં કાને અથડાયો. જીતુભાને પરસેવો છૂટવા માંડ્યો. ઓહ ગોડ. આ માણસ ખરેખર ખતરનાક છે. હજી તો હું સાકરચંદ ને મળીને નીકળ્યો એને માંડ 25 મિનિટ થઈ છે ત્યાં એના સુધી ન્યુઝ પહોંચી ગયા.

"કેમ બોલતી બંધ થઇ ગયી. સંભાળ જાસૂસ તારી બહેન હજી મારા કબ્જામાં જ છે. અને હું હવે એને લઈને મુંબઈની લટાર મારવા નીકળું છું. તે તારા મામાને જણાવ્યું કે નહીં, એની દીકરી ગાયબ થઈ ગઈ છે. મારા વિચાર પ્રમાણે તારે એને જણાવવું જોઈએ. જો એનો કોન્ટેક્ટ થાય તો. તારા પાસે હજુ દોઢ બે કલાકનો સમય છે. ગોતી કાઢ મને, અને છોડાવી લે તારી બહેનને. અને હા જોજે કઈ આડુંઅવળું કર્યું છે તો યાદ રાખજે. ઘરના બધાને ખોઈ બેસીસ. તો ચા પાણી પી ને તલાશ ચાલુ કરી દે. 11 વાગ્યા સુધી નો તારો સમય વધારી દીધો છે. મોજ કર. હા હા હા..... "

જીતુભાનાં કાનમાં તમરા બોલતા હતા, પેટમાં પતંગિયા ઉડાઉડ કરતા હતા, આખા શરીરમાં પરસેવો વળી ગયો હતો. શું કરવું કંઈ સૂઝતું ન હતું. "કૈક અલગ થી જ વિચારવું પડશે એમ મનમાં બબડીને એણે નિશ્ચય કર્યો કે, ભલે અતિ વિશ્વાસથી પણ પેલા હલકટ માણસે એને સાચી સલાહ આપી છે. હવે મામા ને કહેવું જ પડશે. પણ એને ખબર ન હતી કે મુસીબત તો હજી હવે શરૂ થઈ રહી છે.

ક્રમશ:

કોણ છે આ સાકરચંદ? કોણ છે આ અનોપચંદ? કોણ છે આ પૃથ્વી? શા માટે એ લોકો જીતુભાને બ્લેકમેઇલ કરવા માંગે છે.? શું ઈરાદો છે એ લોકો નો.? જીતુભા પર નવી કઈ મુસીબત આવી રહી છે? જાણવા માટે વાંચો - તલાશ 4