તલાશ - 10 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 10

જ્યારે સરલાબેનની કાર હોલની બહાર નીકળી એની પાંચ મિનિટ પહેલા પૃથ્વી મનસુખને મળીને હોટલની બહાર નીકળ્યો અને એરપોર્ટ માટે ટેક્સી પકડી. એને સરલાબેનને મળવું હતું અને એમની પાસે એક છેલ્લું જરૂરી કામ કરાવવાનું હતું. મનોમન એણે ગણતરી માંડી કે લગભગ 12.30 સુધીમાં એરપોર્ટ પહોંચી જઈશ અને લગભગ એ જ સમયમાં સરલાબેન આવી જશે એરપોર્ટ પરની રેસ્ટોરાંમાં નાસ્તો કરતા કરતા સરલાબેન ને આજે સાંજે કરવાના કામની યાદી આપી દઈશ. સાથે થોડા રૂપિયા અને એમની ટિકિટ આપી દઈશ પછી લગભગ 6-8 મહિના સરલાબેન નહીં મળે. અચાનક એને કંઈક યાદ આવતા એણે મોબાઇલ કાઢ્યો અને કોઈને ફોન જોડ્યો "હલ્લો શેખર" ફોન લગતા જ એણે કહ્યું.

"જી ભાઈ સાહબ" સામેથી અવાજ આવ્યો

"સરલાબેન આ રહે હે આજ, કરીબ 3-15 તક પહુંચેંગે. તું ઉન્હેં એરપોર્ટ સે પીક કરકે ઉન્હેં "વહાં " પહુંચા દેના"અજાણી ટેક્ષીમાં બેઠેલો પૃથ્વી એક પણ સ્થળનું નામ બોલતો ન હતો. આ ટ્રેનિંગ એને વર્ષોથી મળી હતી. આમેય એ બહુજ ચોકન્નો હતો. એને ખબર હતી કે કેટલાક લોકો એના જીવની પાછળ પડ્યા હતા. અને હજી હમણાં જ મનસુખે કહ્યું હતું કે, એ લોકો તને પાગલ કૂતરાની મોતે મારવા માટે શોધે છે.દુનિયાની નજરમાં તો એ બિઝનેસમેન હતો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો એનો ધંધો હતો. પણ એ તો લોકો ને દેખાડવા માટે. બાકી ખરેખરતો એ દેશના ટોપ 10માં આવતા શેઠ અનોપચંદ માટે કામ કરતો હતો અને એના કહેવા ઉપર એ કોઈનો પણ જીવ લઇ શકતો હતો. સરલાબેન પણ શેઠ અનોપચંદ માટે કામ કરતા હતા. અનોપચંદનો કારોબાર દેશ-પરદેશમાં ફેલાયેલો હતો ભારતમાં પણ એમની અલગ અલગ 15 રાજ્યોમાં ફેકટરીઓ હતી. આ ઉપરાંત ભારતના નાનામોટા લગભગ 200 થી વધુ શહેરમાં એમની ઓફિસો હતી.લગભગ 28000થી વધુ લોકો એની સાથે કામ કરતા હતા. પૃથ્વી અને સરલાબેન પણ એમાંના એક હતા. પણ પૃથ્વી શેઠ અનોપચંદનો ખાસ હતો સમજોને કે જમણો હાથ હતો.એણે જ એક વખત અનોપચંદને જીતુભા વિષે કહ્યું હતું. કેમ કે પૃથ્વી જીતુભાને ઓળખતો હતો. બરાબર ઓળખતો હતો.અનોપચંદને જીતુભા જેવા માણસોની જરૂર હતી, અનોપચંદે જીતુભાને પોતાના માણસ દ્વારા પોતાની સાથે જોડાઈ જવા માટે ઓફર મોકલી હતી. પણ જીતુભાએ ચોખ્ખી ના પડી હતી. હવે અનોપચંદને જીતુભા જેવો માણસ હાથમાંથી જાય એ પોષાય એમ ન હતું. એટલે જ પુરા પ્લાનિંગથી સરલાબેન અનોપચંદના ટ્રસ્ટ દ્વારા ચાલતી એ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા.જ્યાં સોનલ ભણતી હતી. લગભગ 3 મહિના પછી આખરે ગઈ કાલે એમને મોકો મળ્યો હતો જીતુભાને અંદરથી હચમચાવી મુકવાનો અને એમાં એ લોકો કામિયાબ રહ્યા હતા.

xxx

આખરે લગભગ 10-12 મિનિટ પછી જીતુભા પાછળના બારણેથી બહાર આવી શક્યો હતો. હોલના મુખ્ય પ્રાંગણમાં આવી અને ચારેબાજુ નજર ઘુમાવી લગભગ 15-20 ફૂટ દૂર એણે મોહિનીને જોઈ. પર્પલ કલરના અનારકલી ડ્રેસમાં મોહિની અદભુત લગતી હતી. એની બાજુમાં સોનલ ઉભી હતી. જોકે એની પીઠ જીતુભાની નજર સામે હતી છતાં જીતુભા ઓળખી ગયો આખરે એ એની લાડકી બહેન હતી. જીતુભાએ ત્યાં જવું કે નહીં એ અસમંજસમાં હતો, કેમ કે મોહિનીએ ચોખ્ખી મનાઈ કરી હતી કે "મારી પાસે ન આવતો આપણા વિષે કોઈને ખબર નથી. પણ એમ તો કોઈને નહોતું કહેવાનું તો જીગ્નાનેતો મોહિનીએ જ કહ્યું હતું..અચાનક એણે જોયું કે જીગ્ના પણ આખરે ત્યાં પહોંચી હતી જ્યાં મોહિની અને સોનલ ઉભા હતા. જીતુભાએ મન મક્કમ કરી ત્યાં જવાનો નિર્ણય લીધો આમેય ત્યાં. સોનલ અને જીગ્ના સિવાય કોઈ ન હતું. વળી મોહિની માટે લાવેલ બુકે અને ચોકલેટ પણ આપવાના હતા.

xxx

"હેલો ગર્લ્સ " તેણે હળવેકથી બાજુમાં જઈને કહ્યું અને એક હળવી ટપલી સોનલના માથા પર મારી (બહેનને સહી સલામત જોઈ એને ભેટી પાડવાનું મન થતું હતું. પણ આજુબાજુ ઘણાબધા લોકોને કારણે એને સંકોચ થયો) અને કહ્યું " ઓહો સોનલબા આખરે તમે આવી પહોંચ્યા. તમે તો....."

જીતુભાનું વાક્ય વચ્ચે જ કાપીને સોનલે કહ્યું "ભાઈ આપણે ઘરે જઈને આરામથી વાતો કરીશું આમેય અત્યારે છોકરીઓની પર્સનલ વાત ચાલે છે તો એક જેન્ટલમેન બનીને થોડા દૂર ઉભા રહેશો પ્લીઝ?' સોનલ અહીં વાત કરવાનું ટાળવા માંગતી હતી એને પાક્કી ખત્રી હતી કે જીતુભાએ સોનલબા કહ્યું છે મતલબ એ ગુસ્સામાં છે .

"ઓકે જેવો તમારો હુકમ સોનલબા" કહીને એ દૂર જવા ચાલ્યો ત્યાં જીગ્નાની નજર એના હાથમાં રહેલા બુકે. પર પડી અને એણે એક આનંદની ચીસ પડી" એ .. એ.. જુઓ આ જીતુભા શું લાવ્યા છે વાઉ આટલો સુંદર બુકે.કોના માટે." કહીને એને મોહિની તરફ આંખ મિચકારી. જીતુભા શરમથી પાણી પાણી થઇ ગયો. એણે આડું જોઈને બુકે મોહિની તરફ લંબાવ્યો. અનાયાસે મોહિનીએ હાથ લાંબો કરીને એ બુકે લઇ લીધો. ત્યાં જીતુભાએ ખિસ્સામાંથી ચોકલેટ કાઢી અને લંબાવી એ સોનલે લઇ લીધી અને કહ્યું "જીતુડા મારા માટે તો એક નાની પીપરમેન્ટ પણ કદી નથી લાવતો અને આ "કોક"ના માટે આટલી બધી ચોકલેટ" જીતુભા ઘરે જઈ ને એની લેફ્ટ-રાઈટ લેવાનો છે એ ભૂલીને એ હસી પડી. "સાવ ગમાર છે તું જીતુડા, છોકરીને બુકે અને ચોકલેટ કેવી રીતે અપાય એ પણ ભાન નથી તને, કાલથી મારી પાસે ટ્યુશન લેજે" જીતુભા શરમાઈને ત્યાંથી આગળ વધ્યો. અચાનક જીગ્નાએ ફરી એને બોલાવ્યો અને સોનલ અને મોહિનીને કહ્યું કે જીતુભાએ કેવી બહાદુરીથી ઓલી પાયલ (સ્ટેજ પર ડાન્સ કરતી હતી એ છોકરી)નો જીવ બચાવ્યો. હતો. સોનલે આ સાંભળીને પોતાના શર્ટના કોલર ઉંચા કર્યા તો મોહિની અહોભાવથી જીતુભાની સૌ જોઈ રહી. જીતુભા ઓછું બોલતો હતો પણ આમ એક છોકરીનો જીવ બચાવીને પણ જરાય અભિમાન વગર ઉભો હતો. એના મનમાં જીતુભા પ્રત્યેનું માન વધી ગયું. ત્યાં જીગ્નાના ભાઈ અને ભાભી આવી પહોંચ્યા. એ લોકોને હોલની બહાર નીકળવામાં સમય લાગ્યો હતો. જીગ્નાએ પોતાની બેગ લીધી અને બધાને "બાય " કહી પોતાના ભાઈ ભાભી સાથે એમની કારમાં બેસી ગઈ. આ તરફ સોનલ મોહિનીને પોતાની સાથે પોતાના ઘરે આવવા મનાવી રહી હતી. કેમ કે એને ખબર હતી કે જીતુભા એના પર જબરો ગુસ્સે ભરાયો છે. એ સમજતી હતી કે એનો વાંક તો હતો જ. સરલાબેનના ભાઈના બંગલે પહોંચ્યા પછી સૌથી પહેલું કામ એણે જીતુભાને ફોન કરી જણાવવાનું હતું કે "હું કલ્યાણ ઉતરી ગઈ છું અને સવારે કે પોગ્રામ પછી ઘરે આવીશ.બિચારો રાત્રે 2 વાગ્યા સુધી હેરાન થયો દાદરમાં અને પછીયે મારી ચિંતા કરતો હશે." આખરે સોનલે મોહિનીના ઘરે એની મમ્મી સાથે વાત કરી પછી મોહિની સોનલના ઘરે જવા સંમત થઈ હતી. અને 3ણે જણા જીતુભાની કારમાં ગોઠવાયા હતા. સોનલને ધરપત હતી કે મોહિની સાથે છે એટલે જીતુભા બહુ ગુસ્સો નહીં કરી શકે. અને સાંજ સુધીમાં એને મનાવી લઈશ. ડ્રાઇવિંગ કરતા કરતા જીતુભા મનોમન વિચરતો હતો પેલા ખૂંખાર અવાજવાળા એ અત્યાર સુધીમાં કંઈક નવું કરી લેવું જોઈતું હતું. જેવી રીતે એના મામા જેવા માણસને એ લોકોએ ફસાવ્યા હતા એ પછી એમને ઓછા આંકવામાં મૂર્ખાઈ હતી. આ બાજુ સોનલને એ લોકોએ સલામત પાછી મોકલી આપી તો હવે કંઈક નવું થશે. મોહિતે કંઈક માહિતી મેળવી હશે. આમ વિચારમાં ડ્રાઇવિંગ કરીને આખરે 15 -20 મિનિટે એ લોકો જીતુભા-સોનલના ઘરે પહોંચ્યા.

xxx

કાર પાર્ક કરતા કરતા જીતુભાએ કહ્યું "તમારે લોકોને શું જમવું છે એ મને કહો તો હું પાર્સલ પેક કરાવી આવું." એમના ઘરની નજદિકની એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં એ ત્રણેયની ફેવરિટ હતી.

"ના ભાઈ આજે તો હું તમારી ફેવરિટ દાળ ઢોકળી બનાવીશ 15 મિનિટમાં બની જશે સાથે થોડા ભાત પણ બનાવી નાખીશું અમે બન્ને. તો સાથે ખાવા માટે કૈક ફરસાણ ઘરમાં ન હોય તો લઇ આવ 15-20 મિનિટમાં જમવાનું બની જશે."

"ઠીક છે તો મારે 2-3 અર્જન્ટ કોલ કરવાના છે. એ કરી કંઈક ફરસાણ લઈને આવું છું થોડીવારમાં" કહીને જીતુભાએ ત્યાંથી પગલાં ભર્યા એને અંદરથી ફીલ થતું હતું કે પેલાનો ફોન આવવાની તૈયારી છે. સાથે સાથે એને સરલાબેનને ન મળી શક્યાનો રંજ પણ હતો. એ પોતાના કમ્પાઉન્ડની બહાર નીકળ્યો અને એના મોબાઇલની ઘંટડી વાગી એને ખિસ્સામાંથી ફોન કાઢીને ઉપાડ્યો.

xxx

જ્યારે જીતુભાએ ફોન ઉપાડ્યો ત્યારે 12-35 વાગ્યા હતા. ફોન પર જીતુભાનાં મામા હતા. તે પોલીસચોકી પરથી ભારદ્વાજના ઘરે આવ્યા હતા. એમની આજની અગત્યની મિટિંગ ફેલ થઇ ગઈ હતી. છેલ્લા 3 મહિનાની મહેનત બેકાર ગઈ હતી. ત્યાં પોલીસચોકીમાં એમને ભાવનગરના એક ચોરીના કેસમાં ફરાર આરોપીને દિલ્હી પોલીસે પકડ્યો એની ઓળખ પાકી કરવા માટે બોલાવ્યા હતા. દેખીતી રીતે આ એક ફાલતુ કારણ દિલ્હી પોલીસે આપ્યું હતું. સુરેન્દ્રસિંહ એવું સમજ્યા હતા કે એમની ગૃહમંત્રાલયના અધિકારી સાથેની મિટિંગ રોકવા માટે કોઈકે આ કર્યું છે. પણ સોનલના વિષે એને કઈ ખબર ન હતી. જયારે જીતુભાને બરાબર ખબર હતી કે વહેલી સવારે ફોન કરનારજ આના માટે જવાબદાર છે પણ ફોન પર મામાના એ બધું સમજાવવું અઘરું હતું. "તમે ક્યારે પાછા મુંબઈ આવો છો "

"જોઉં આજે સાંજે કદાચ પેલા લોકોને ફરીથી મળવાની ટ્રાય કરીશ" સુરેન્દ્રસિંહે કહ્યું અને સોનલનું ધ્યાન રાખવાની સૂચના આપી ફોન બંધ કર્યો.

એ જ વખતે પૃથ્વી એરપોર્ટ પહોંચ્યો હતો એણે ભીખુભાઈ ને ફોન કરીને પૂછ્યું ક્યાં છો. ભીખુભાઇએ 2-3 મિનિટમાં એરપોર્ટના પાર્કિંગ માં પહોંચશે એવું જણાવ્યું. પૃથ્વીએ કહ્યું પાર્કિંગની બરાબર સામે આવેલ એક નાનકડી રેસ્ટોરાં પાસે પોતે છે. ત્યાં સરલાબેન લઈને આવવાની તથા કારની ચાવી આપી જવાની સૂચના આપી. ફોન કટ કર્યો પછી ફોનમાં બીજો એક નંબર ડાયલ કર્યો.

xxx

"જાસૂસ" સામેથી ફોન ઉંચકાયો એટલે એને કહ્યું. "તારી બહેન ઘરે આવી ગઈ એટલે શું તું જંગ જીતી ગયો?" કાનશ ઘસાતી હોય એવા અવાજે એણે કહેવા માંડ્યું.

"તારા મામાને પોલીસ પાસેથી છોડાવી લાવ્યો. પણ એ ભારદ્વાજ એને કેટલી વખત બચાવશે. અત્યારેજ ભારદ્વાજ અને એના ઘરના લોકોની તપાસ ચાલુ થઈ ગઈ છે. એમની જિંદગીમાં ક્યાંક તો, ક્યારેક તો, કંઈક ખોટું કર્યું જ હશે. બધું મારી નજરમાં આવશે. તને મદદ કરનાર કોઈને હું નહીં બક્ષુ. ઓલા સબ ઇન્સ્પેક્ટરની કુંડળી મારા હાથમાં આવી જશે હમણાં. જેણે તને સાકરચંદનું એડ્રેસ આપ્યું હતું. કંઈ નહીં એને પણ એનું ઇનામ હું આપીશ."

શું જોઈએ છે તારે મારી પાસેથી? કંઈક વાત કર તો સમજાય. જીતુભાએ કહ્યું.

" હવે તું લાઈન પર આવ્યો. સાંભળ તને એક એડ્રેસ લખાવું છું. 2-3 કલાક આરામ કરીને ત્યાં પહોંચી જ જે. સાડા પાંચ વાગ્યાની તારી એપોઇન્ટમેન્ટ છે શેઠ અનોપચંદ સાથે. નરીમાન પોઇન્ટ દલામલ ટાવર, 13 મેં માળે પહોંચીશ એટલે સામે જ રિસેપ્સન ટેબલ છે ત્યાં જે બેઠું હોય એને કહે જે મારે અનોપચંદ શેઠને મળવું છે. ત્યાં તારા નામ સાથે એપોઇન્ટમેન્ટ ફિક્સ છે એટલે એ લોકો તને એમની ઓફિસ સુધી લઇ જશે. જો જે 5 વાગ્યા ઉપર એકત્રીસ મિનિટ ન થાય, કેમ કે શેઠનો સમય બહુ કિંમતી છે. આમેય તારી માં આજે સાંજે ઘાટ પર સ્નાન અને આરતી માટે જવાની છે. એમાં એવું છે ને કે હમણાં ત્યાં અકસ્માતે ઘણા શ્રદ્ધાળુ ડૂબવાના બનાવ બને છે માટે 5.30 સુધીમાં પહોંચી જ જે. સાડા પાંચ સુધીમાં 13 મેં માળ, દલામલ ટાવર, નરીમાન પોઇન્ટ શેઠ અનોપચંદ. ગુડબાય એન્ડ બેસ્ટ ઓફ લક" કહીને એને ફોન કટ કરી નાખ્યો.

xxx

બે મિનિટમાં ભીખુભાઇ અને સરલાબેન પાર્કિંગલોટ માંથી બહાર આવતા દેખાયા . સામે જ એક રેસ્ટોરાં હતી ત્યાં પૃથ્વી ઉભો હતો. ભીખુએ ચાવી સરલાબેનના હાથમાં આપી પૃથ્વી તરફ એક નજર નાખી અને ત્યાં બાજુમાં ઉભેલ એક રીક્ષા પકડીને નીકળી ગયો. સરલાબેન ડાબા હાથમાં એમનું સોલ્ડર પાઉચ લઈને જમણા હાથે પોતાની ટ્રોલી સૂટકેસ ખેંચીને પૃથ્વી પાસે પહોંચ્યા. પછી બન્નેએ રેસ્ટોરાંમાં જવા આગળ વધ્યા. પણ એમને ખબર નહીં કે એક નહીં બે બે મુસીબત એમની રેસ્ટોરાંમાં રાહ જોઈ રહી હતી.

ક્રમશ:

એવું તે શું કામ છે શેઠ અનોપચંદ ને જીતુભાનું કે આમ બ્લેકમેલ કરી બોલાવ્યો છે.? એની માને મરાવી નાંખવાની ધમકી આપે છે. શું જીતુભાની મદદ કરનાર મોહિત અને ભારદ્વાજ પર કોઈ આફત આવશે? કઈ મુસીબત રેસ્ટોરાંમાં પૃથ્વી અને સરલાબેનની રાહ જોઈને બેઠી છે? જાણવા માટે વાંચતા રહો. તલાશ-11

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર