ડ્રીમ ગર્લ 40
વિશિતા નિલુને મન ભરીને જોઈ રહી હતી. કોણજાણે કેમ વિશિતાને જિગર અને નિલુમાં પોતીકાપણું મહેસુસ થતું હતું. હેમંતને ભાઈ બહેન ન હતા, એ તો એની ડ્યુટીમાં બિઝી રહેતો હતો. વિશિતાને હેમંતની પોસ્ટ જોઈ સબંધ બાંધનારા પસંદ ન હતા. આજે પહેલી વાર એવું થયું કે એને પરિવાર જેવું લાગ્યું.
" નિલુ, આજનો તારો શું પ્રોગ્રામ છે ? "
" ખાસ કાંઈ નહિ. "
" તો મારી સાથે આવવાનું ફાવશે. ફિલ્મ જોઈશું, મારા હાથની રસોઈ જમાડી તને મૂકી જઈશ. "
" ઓ.કે. પણ નવા પિક્ચરની ટીકીટ નહિ મળે. "
" એ બધું તું મારા પર છોડી દે. "
જિગરને આ વાત ના ગમી. નિલુ નજરથી દુર થાય એ તેને ગમતું નહિ. વળી એ નિલુને કોઈ જોખમમાં પણ મુકવા ન હતો માંગતો. એને હેમંતની વાત યાદ હતી. એ બોલ્યો...
" હું પણ સાથે આવીશ. "
વિશિતા : " કોઈ જરૂર નથી. લેડીઝ પ્રોગ્રામમાં જેન્ટ્સ નોટ એલાઉડ. "
નિલુ જિગરની સામે જોઈને હસી પડી.
જિગર : " પણ હેમંતે જ એને ક્યાંય એકલા જવાની ના પાડી છે. "
વિશિતા : " એ એકલી નથી, હું સાથે છું ને. અને તારે બહુ કામ છે. મારી ગાડી જલ્દી તૈયાર કરી આપવાની છે. "
વિશિતાના અવાજમાં એ.સી.પી.ની પત્નીનો રણકો નહિ પણ એક ભાભીની પ્રેમભરી આજ્ઞા હતી.
નિલુ : " દીદી અમીને પણ લઈ લઈએ, મારી બહેન. બહુ મીઠડી છે. તમને ગમશે. "
જિગર : " મીઠડી, માય ફૂટ... એક નમ્બરની જાડી છે. "
નિલુ : " ખાટી દ્રાક્ષ. "
વિશિતા, જિગર અને નિલુની નોંક્ઝોક જોઈ રહી હતી. એને હેમંત યાદ આવ્યો. હેમંત એને ખૂબ પ્રેમ કરતો હતો. પણ બન્ને વચ્ચે આવી પળો ક્યારેય આવી ન હતી. વિશિતા આ મીઠડા કપલને જોઈ રહી. કોઈ સ્વરૂપે તો આ આનન્દ એના જીવનમાં આવ્યો હતો.
જોરાવર, પી.એસ.આઈને ફોન કરી, વિશિતા એ નવી ફિલ્મની ત્રણ ટીકીટ અને એક ગાડીની વ્યવસ્થા કરાવી. નિલુએ અમીને ફોન કરી તૈયાર રહેવાનું કહ્યું. અને પોતે તૈયાર થવા ઘરે ગઈ.
" ભાભી, આ તમે ખોટું કરો છો. "
" તારા ભાઈ પણ કામ પર જાય તો મને મૂકીને જ જાય છે. એટલે કામ કર.. "
" પણ મારામાં હેમંત જેટલી તાકાત નથી. હું એટલે જ કોઈ જોબ કરવાનો નથી. હું તો ઘરે જ ગેરેજ ખોલિશ. "
" મને ખબર ન હતી કે મારો દિયર આટલો વહુઘેલો નીકળશે. હું રોજ નિલુને લઈ ફરવા જતી રહીશ લ. તું ઘર અને બાળકો સાચવજે. "
" ભાભી તમે પણ. આટલો જુલમ ના કરતા. "
પણ બન્નેમાંથી કોઈને ખબર નહતી કે નીલુ કેટલું સાથે રહેશે.
** ** ** ** ** ** ** ** ** **
નિલુ તૈયાર થઈને આવી. ટાઈટ જીન્સ અને લાઈટ યલો શોર્ટ કુરતો, જે નિલુને ટાઈટ પડતો હતો. લહેરાતી કાલી ઝુલ્ફો. હળવો મેકઅપ.. અને લાંબી, મોટી આંખોને કાજલ લગાવી સ્હેજ વધુ અણિયાળી બનાવી હતી. જિગરનું હદય એક પળ ધડકવાનું ભૂલી ગયું. માય ગોડ. આ શું ?
" એ ય લુચ્ચિ, મારી સાથે ફરવા આવે ત્યારે આમ તૈયાર થતાં શું જોર આવે છે ? "
" તું ફરવા જ ક્યાં લઈ જાય છે. માંડ એક વાર લઈ ગયો હતો. આ તો દીદી સારા છે કે પહેલી મુલાકાત માં જ ફરવા લઈ જાય છે. "
" તું વિશિતાને ના પાડી દે, આપણે ઘરે રહીશું.. પછી હું તને ફરવા લઈ જઈશ. "
" ના હોં. તમારો વિશ્વાસ ના કરાય. "
બહાર ગાડી એ હોર્ન માર્યું. જોરાવરે ગાડી મોકલી હતી. વિશિતા અને નિલુ બન્ને બહાર નીકળ્યા. જિગરે નિલુ તરફ છેલ્લી વખત આશાભરી નજરે જોયું. નિલુ જીભડો બહાર કાઢી, લહેકો કરી, જિગરને ચીડવી બહાર નીકળી ગઈ.
જિગરે નક્કી કર્યું, બસ આ પ્રિયાનું કામ પૂરું કરી, મા ને કહી એ પહેલું કામ લગ્ન કરવાનું કરશે. પછી જોઉં છું એ નિલુની બચ્ચીને.
વ્યક્તિએ બોલતા સમયે ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે વ્યક્તિના બોલેલા શબ્દો બ્રહ્માંડમાં ફરી ને પાછા આવે છે.
બ્રહ્માંડમાં જિગરે શબ્દો વહેતા મુકયા હતા. જોઈ લઈશ એ નિલુની બચ્ચી ને....
** ** ** ** ** ** ** ** ** **
જિગરે કામમાં જીવ પરોવ્યો. વિશિતાની કારના ચારે દરવાજા અને આગળ પાછળના બોનેટ ખોલીને એ લુહારી કામ માટે આપી આવ્યો. એમાં લગાડવાની પ્યોર સ્ટીલની પટ્ટીઓ પણ આપી આવ્યો. એ જિગરનો દોસ્ત જ હતો. એને બધું વ્યવસ્થિત સમજાવી દીધું. બે દિવસમાં બધું તૈયાર કરી આપવાનું એણે વચન આપ્યું. જિગર ફરી માર્કેટમાં ગયો અને ઘણી બધી વસ્તુઓ લિસ્ટ પ્રમાણે ખરીદી પાછો આવ્યો. એક બ્લેક શર્ટ વાળો વ્યક્તિ સતત જિગરની પાછળ જ હતો.
જિગર પાછો આવ્યો ત્યારે લગભગ બપોરના ચાર થયા હતા. જિગર કોફી બનાવી સોફામાં બેઠો. જિગરને નિલુ યાદ આવી. આજના કપડાંમાં એ વધુ ભરાવદાર લાગતી હતી.
મમ્મીનો ફોન આવતો હતો. જિગરે મમ્મી સાથે વાત કરી. મમ્મી હજુ 15 દિવસ માસીના ઘરે રોકાવાની હતી.
જિગરને મન થયું કે પ્રિયા સાથે વાત કરે. પણ પ્રિયાનો ગુસ્સો યાદ આવ્યો. જિગરની ફોન કરવાની હિંમત ના થઇ. જિગરને એ સમજાતું ન હતું કે એ પ્રિયા સાથે વાત કેવી રીતે કરશે ?
જિગર પાછો ગેરેજમાં ગયો. ઇન્ટરનલ લાઈટ, બેક કેમેરા અને હાઈફાઈ નાના સ્પીકરોનું સેટીંગ કર્યું. હવે એના વાયરો ખેંચવાના બાકી હતા. રાતના આઠ વાગી ગયા હતા. કદાચ નિલુ સીધી ઘરે પણ ગઈ હોય. જિગરે ગેરેજ બંધ કર્યું અને ઘરમાં ગયો.
રાત્રે સાડા નવ વાગે ડોર બેલ વાગી.....
(ક્રમશ:)
18 માર્ચ 2021